ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: સમાધિ

જાતજાતના
અનેક શાસ્ત્રો સુણ્યે
ચંચળ બુદ્ધિ

પરમ તત્વ
પરમાત્માના યોગે
અચલ બુદ્ધિ

બહુ સાંભળવાથી થઈ ચંચળ બુદ્ધિ તે,
અચલ સમાધિ મહીં થશે, ત્યારે યોગ થશે.

श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥

भावार्थ : भाँति-भाँति के वचनों को सुनने से विचलित हुई तेरी बुद्धि जब परमात्मा में अचल और स्थिर ठहर जाएगी, तब तू योग को प्राप्त हो जाएगा अर्थात तेरा परमात्मा से नित्य संयोग हो जाएगा ॥53॥

સાધક વિષયોના મોહ રુપી કળણને પાર કરી ગયાં પછી તેની સાંસારીક બુદ્ધિ શુદ્ધ થાય છે એટલે કે અંત:કરણનો મળ રુપી દોષ દૂર થાય છે. તેમ છતાં અનેક પ્રકારના શાસ્ત્રો અને દર્શનો છે. અનેક પ્રકારની સાધના છે. બધા શાસ્ત્રો અને દર્શનો ગર્જી ગર્જીને શંખ ફુંક્યા કરે છે કે અમારો મત શ્રેષ્ઠ છે અને અમારો પંથ અને સંપ્રદાય જ ઉત્તમ છે. અમારી પાસે આવો અને સ્વર્ગનો પરવાનો લઈ જાઓ. દરેક ગુરુઓ અને ધર્મ, સંપ્રદાયના વડાઓ પોત પોતાના મત મતાંતરો જ સારા છે અને બીજા માર્ગે તમારું પતન થશે આવી જાત જાતની વાતો વહાવ્યા કરતાં હોય છે. શ્રેયની ઈચ્છાવાળો સાધક આ બધાની તથા શાસ્ત્રો અને દર્શનોની વાતો સાંભળીને ગુંચવાઈ જાય છે. સંસારની આસક્તિ નથી તો પછી શાસ્ત્ર , સંપ્રદાયો અને ધર્મોના વાડાઓના બંધનમાં જઈ પડે છે. આ બધી જગ્યાંએ જવાથી તેને યોગ કે સમાધિ પ્રાપ્ત નથી થતાં ઉલટાનું જે તે સંપ્રદાય જ શ્રેષ્ઠ છે અને તે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરીને જે તે વાડાના ઘેંટામાં વધારો કરવો તે જ કલ્યાણ રુપ છે તેવું તેવું તેના મજગમાં ઠોકી બેસારવામાં આવે છે. આવો ભોળા ભાવનો સાધક પોતે તો કશું જાણતો ન હોય એટલે આવા ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વાડાઓમાં જઈને બંધાઈ જાય છે. ત્યાં પણ તેને કશું શ્રેયસ્કર તો મળતું નથી એટલે ઉલટાનો વ્યગ્રચિત્ત અને ચંચળ બની જાય છે.

કોઈ પણ શાસ્ત્ર, સંપ્રદાય કે ધર્મ હોય તેમાં મુખ્ય ત્રણ બાબતો હોય.

૧. સંસારની આસક્તિનો ત્યાગ કરવા યોગ્ય છે.

૨. આપણે સહુ જીવ છીએ.

૩. જીવ અને જગતન અધિષ્ઠાતા તેવા જગદીશ્વરને પ્રાપ્ત કરવા કે જાણવા યોગ્ય છે.

જીવ, જગત, જગદીશ્વર આ બધાની દરેક સંપ્રદાયો, દર્શનો અને દાર્શનીકો અલગ અલગ વ્યાખ્યા કરે છે પણ ઉપરની બાબતોમાં તો સહુ કોઈ એક મત જ છે.

સંસારનો ત્યાગ ન થઈ શકે. સંસારની આસક્તિનો ત્યાગ થઈ શકે. રણમાં મૃગજળ દેખાતું હોય તો મૃગજળનો નાશ ન થઈ શકે પણ મૃગજળમાં જળ મળશે તેવી વિપરિત સમજણનો ત્યાગ થઈ શકે. તેવી રીતે સંસારનો ત્યાગ ન થાય પણ સંસારમાંથી સ્થાઈ અને નીરંતર સુખ મળશે તેવી ગેરસમજણનો ત્યાગ થઈ શકે.

અંત:કરણ માં પડતાં ચૈતન્યના પ્રતિબિંબથી પ્રતિબિંબિત થઈને શરીરની અંદર જે ચૈતન્ય હું પણું કરી લે છે તેને જીવ ભાવ કહેવાય છે. વાસ્તવમાં ચૈતન્યનો અંત:કરણ સાથે કદીયે સંયોગ થઈ શકે નહીં. અંત:કરણ ચૈતન્યની સત્તા થી સત્તાવાન બનીને તેટલા ચૈતન્ય પર કબજો જમાવી લે છે અને તે ચૈતન્ય અંત:કરણની ઉપાધીને પોતાની ઉપાધી માનીને શરીરમાં હું પણું કરી લે છે તેને લીધે તે આ સંસારરુપી અરણ્યમાં વન્ય પશુ ની પેઠે ભટક્યાં કરે છે.

આ જીવ ભાવનો ત્યાગ કરીને ચૈતન્ય જ્યારે બ્રહ્મરુપી મહાચૈતન્ય સાથે એકરુપતા સાધી લે છે ત્યારે સમાધિ અથવા તો યોગ થાય છે. તે વખતે જીવને પોતાનું ચૈતન્યરુપ યથાર્થ સ્વરુપ અનુભવાતા બુદ્ધિમાં રહેલી સર્વ ચંચળતાઓ દૂર થાય છે. અંત:કરણનો વિક્ષેપ નામનો દોષ દૂર થાય છે.

શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આવી સમાધિ પ્રાપ્ત થશે ત્યારે જાત જાતની વાતો સાંભળવાથી બુદ્ધિની અંદર જે ચંચળતા આવી છે તે દૂર થશે અને બુદ્ધિ અચળ થશે. આવી બુદ્ધિ ધરાવતી વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.

સ્થિતપ્રજ્ઞના લક્ષણો કેવા હોય અને સ્થિતપ્રજ્ઞને કેવી રીતે ઓળખવા તે વિશે અર્જુન શ્રી ભગવાનને પુછે છે :

સ્થિર બુદ્ધિ છે જેમની, સમાધિ પામ્યા જે,
કેમ રહે તે ને વદે, ઓળખાય શે તે ?

આ પ્રશ્નનો જવાબ શ્રી કૃષ્ણ હવે પછીના શ્લોકોમાં આપશે.


જે ભોગે ડૂબ્યું
તે ચંચળ મનને
સમાધિ કેવી?

ભોગમહીં ડૂબી ગયું ચંચલ મન જેનું,
સમાધિમાં જોડાય ના, મન કદીયે તેનું.