ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: શિક્ષક

એક ઉદાર શિક્ષક ની ઉદાર વાતો , મારા સાહેબ ની વાતો

દક્ષિણામૂર્તિ નામ ની નિશાળ, આમ તો એને સંસ્કારો ની ટંકશાળ કહું તો પણ ચાલે. ધોરણ ૯ ઈ નો વર્ગ ખંડ. ગુજરાતી વિષય નો પીરીયડ ………. અને શિક્ષક : વિક્રમ ભટ્ટ. ધોરણ ૮ ઈ માં વિક્રમ સર અમને અંગ્રેજી ભણાવતા. ધોરણ ૯ માં તેમને ‘ગુજરાતી’ ભણાવવાનું આવ્યું. સાચું કહું તો ત્યારે ભાષા ગમતી નહિ, કારણકે ભાષા માં માર્કસ ન આવે ને એટલે ! પણ મને ત્યારે ખબર નહિ કેએક શિક્ષક નો ભાષા પ્રેમ મારો ભાષા તરફ નો અભિગમ બદલી નાખશે.

વિક્રમ ભટ્ટ આજે પણ શિક્ષક છે કારણ કે ‘શિક્ષક હતાં’ એવું ગુજરાતી વ્યાકરણ જ ખોટું છું. ‘ શિક્ષક હતાં’ ક્યારે ય ગુજરાતી માં આવે જ નહિ ….. ‘શિક્ષક છે’ એવું જ આવે. નિવૃત હોય તો શું ? શિક્ષક તો કાયમ શિક્ષક જ રહે.

વિક્રમ સર લગભગ ક્યારેય હાથ માં પાઠ્ય પુસ્તક લઇ ને આવતા નહિ. કદાચ, એમને પાઠ્ય પુસ્તક ની જરૂર જ નહોતી. વિક્રમ સરે , એ ગુજરાતી ભાષા ના પીરીયડ માં , જે સૌથી પહેલી વાત કહેલી એ વાત આજીવન યાદ રહેશે. તેમણે એક ચિત્ર વિષે વાત કહેલી જે ચિત્ર તેમણે જોયેલું. તેઓ એ કહ્યું ‘ એક સુંદર મજા નું ચિત્ર. એ ચિત્ર માં બે ઉડતી ચકલીઓ. અને એ ચકલીઓ ની નીચે નું લખાણ THEY CAN BECAUSE THEY THINK THEY CAN (તેઓ ઉડી શકે છે કેમ કે તેઓ એવું વિચારે/માને છે કે તેઓ ઉડી શકે છે )’

એ ચકલીઓ ને ઉડતા કોણે શીખવ્યું એની તો મને ખબર નથી . પણ એટલી ખબર છે કે એ ૩૫ મિનિટ માં વિક્રમ ભટ્ટ નામ ની સંસ્થા એ મને ઉડવાનું શીખવાડી દીધું. કમ નસીબે , કેટલાક શિક્ષકો, એ ૩૫ મિનિટ માં ન તો વર્ગ ખંડ ની બહાર જઈ શકે છે , ન તો પાઠ્ય પુસ્તક ની બહાર. પણ, દક્ષિણામૂર્તિ જેવી નિશાળ ના આ શિક્ષકે એ ૩૫ મિનિટ માં મને આકાશ માં મૂકી દીધો કે લે , ખોલ પાંખ અને ઉડ, આ આકાશ તારું જ છે. આ એ જ માણસ જેમણે મને ગુજરાતી ભાષા તરફ વાળ્યો.

‘ પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને ,
કે આ હાથ આખે આખો બળે એમ પણ બને ‘………… મનોજ ખંડેરિયા

ના આ શબ્દો સૌ પ્રથમ મારા કાન માં નાખનાર ….. કોઈ કવિ નહિ ….. એક શિક્ષક હતાં …. વિક્રમ ભટ્ટ.

એમણે ફક્ત ભાષા નો જ નહિ, કવિતા નો એવો ચસ્કો લગાવ્યો કે ….. ૫ વર્ષ MBBS ના , ૩ વર્ષ M.S. General Surgery ના અને ત્રણ વર્ષ UROLOGY – SUPER SPECIALITY ના પુરા થશે તોય ….. હવે ભાષા છુટતી નથી અને છોડવી પણ નથી. ભર ચોમાસે , મુશળધાર વરસાદ માં ….. એક વાર હું ઉભો ઉભો વરસાદ જોતો’ તો. વિક્રમ સરે આવી ને મારો હાથ પકડ્યો અને મને કે ‘ ચાલ , નિમિત . વરસાદ જોવા નો ન હોય. એમાં ભીંજાવાનું હોય. ચાલ પલળવા જઈએ’……… મારા માટે તો આને જ શિક્ષક કહેવાય જે વરસાદ બતાવે, ભણાવે કે સંભળાવે નહિ, સીધો વરસાદ સમજાવે. અને આમ પણ, વિક્રમ સર હાથ પકડે , ત્યાં જ પલળી જવાય પછી જાજુ કઈ ભીંજાવાનું બાકી ન હોય.

વિક્રમ ભટ્ટ , હંમેશા કેહતા આવ્યા છે …. ‘વિદ્યાર્થીઓ ની અપૂર્ણતા ને ચાહો’ ( love their incompleteness). કોઈ વિદ્યાર્થી ભૂલ કરે તો એ વિક્રમ સર ને ગમતું. તેઓ વિદ્યાર્થી ની ભૂલો ને પણ પ્રેમ કરતાં , વિદ્યાર્થી જેટલો જ. હવે ખબર પડી, દક્ષિણામૂર્તિ માં ભૂલો કરવાની કેમ બહુ મજા આવતી. કોઈ વિદ્યાર્થી પર ગુસ્સે થવા થી કે તેને મારવા થી કશો ફેર પડવાનો નથી એવું ફક્ત વિક્રમ સર જ નહિ , આખું દક્ષિણામૂર્તિ માનતું . ‘મૂછાળી માં’ ના સંસ્કારો આજે પણ ભાવનગર શહેર ના પરિમલ વિસ્તાર માં ભાવનગર ની આબરુ વધારે છે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં જે સમયે હું થાકી હારી ને મેદાન છોડી ચુક્યો હતો, drop લેવા ની વાત પણ કરેલી . મને નિષ્ફળતા નો ડર હતો. ત્યારે વિક્રમ સરે મારા માથે હાથ મૂકી ને મને કહેલું ‘નિમિત, નાપાસ થવા માટે તારે બહુ મેહનત કરવી પડશે’ . ‘દરેક વિદ્યાર્થી ને નાપાસ થવાનો પણ અધિકાર છે’……….. એવા તેમના એક વાક્ય એ મારો ફક્ત અભિગમ જ નહિ, મારી આખી ઝીંદગી બદલી નાંખી. નિષ્ફળતા ને સ્વીકારવા ની તૈયારી સાથે મેં ધોરણ ૧૨ ની પરીક્ષા આપી અને પછી મારા જીવનનો ઇતિહાસ રચાયો ….. દક્ષિણામૂર્તિ ના એક ઉદાર શિક્ષક દ્વારા.

દરેક વિદ્યાર્થી ને નાપાસ થવાનો પણ અધિકાર છે’… તેમની આ વાત હજુ સુધી મેં સૂરજ ને કરેલી નથી કેમકે ….. સૂરજ આ વાત ને seriously લઇ લે, તો ખરે ખર , આવતી કાલ સવાર થી એ ઉગવાનું બંધ કરી દે. દરરોજ સવારે આકાશ માં ઉગવાનું …. સૂરજ માટે પણ ફરજીયાત ન જ હોઈ શકે. પણ દરેક સૂરજ ને દક્ષિણા મૂર્તિ જેવું આકાશ નથી મળતું કે જેમાં ઉગવાનું સૂરજ ને પણ ગૌરવ થાય. દરેક પંખી ને વિક્રમ ભટ્ટ જેવી પાંખો નથી મળતી જે તેને ઉડતા કરી શકે. દક્ષિણામૂર્તિ એ ફક્ત પાંખો જ નહિ, આંખો પણ આપી છે આકાશ ને જોવા માટે કે SKY IS THE LIMIT. ભાવનગર જેવા શહેર ના , રૂપાણી વિસ્તાર માં , રેવા નામ ના ઘર માં , વિક્રમ ભટ્ટ જેવા શિક્ષક માં …… આજે પણ ….. દક્ષિણા મૂર્તિ નામ ની સંસ્થા ….. અકબંધ સચવાઈ ને પડેલી છે. એ વાત નું ફક્ત મને કે દક્ષિણા મૂર્તિ ને જ નહિ, ભાવનગર ને ગૌરવ છે.

………. આ તો આજ સવારે…… એક વૃક્ષ ને ફળ આવેલું જોઈ ને ….એક નાના છોકરા એ …. એને પથ્થર માર્યો …..અને તરત જ ફળ નીચે પડ્યું. છોકરો ખુશ થયો ….. અને છોકરા ને ખુશ જોઈ ને પેલું વૃક્ષ ખડ ખડાટ હસી પડ્યું. એક બાળક ની ખુશી જોઈ ને ખુશ થનારા પેલા વૃક્ષ ને જોયું ……… એટલે ફરી પાછું દક્ષિણામૂર્તિ યાદ આવ્યું. શ્રી દક્ષિણામૂર્તિ . અમે તો શાળા ના નામ ને પણ ‘શ્રી’ લગાડીએ. અમારા માટે તો ‘શ્રી ગણેશ ‘ અને ‘શ્રી દક્ષિણામૂર્તિ’ બંને સરખા.

-ડો.નિમિત ( જે કંઈ પણ છું , માત્ર અને માત્ર દક્ષિણામૂર્તિ ના કારણે જ છું )


સૌજન્ય: ભાવનગરી ગૃપઆ બ્લોગજગતમાં ઘણાં ખરા મિત્રો સીધી કે આડકતરી રીતે શિક્ષણ સાથે સંકળાયેલા હશે જ. નથી સંકળાયેલા તેઓને પણ આદર્શ વ્યક્તિ બનવા માટે સ્વામીજીએ ખૂબ સુંદર મનોમંથન કરીને સફળતાનું સૂત્ર તારવ્યું છે જે આપની સમક્ષ રજૂ કરુ છું. વાંચીને આપના પ્રતિભાવો જરૂર આપશો.