ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: વરસાદ

ચોમાસામાં વરસાદ ન પડે તો જીવો ગભરાઈ જાય છે. શા માટે?

૧. પાણીની અછત થાય છે.
૨. પાક નીષ્ફળ જાય છે.
૩. નહાવાના આનંદથી પ્રકૃતિપ્રેમીઓ વંચિત રહી જાય છે.

પાણીની અછત થાય તો શું વાંધો?

પાણી જીવન જરુરીયાતનું અતી આવશ્યક અંગ છે. પાણી પીધા વગર જીવન ન ટકે. પાણી વગર સ્વચ્છતા ન રહે અને ગંદકી ન હટે.

પાક નીષ્ફળ જાય તો શું વાંધો?

ખાવા માટે જરુરી અન્ન ન ઉપજે. અન્નની અછત સર્જાય. ઉપલબ્ધ અન્ન મોંઘુ બને. અન્ન જીવન ટકાવી રાખવા માટે આવશ્યક છે.

જે દેશમાં પાણીની અછત છે તેવા દેશો જેવા કે ઈઝરાયેલ વગેરે પાણીના એક એક ટીપાનો સદુપયોગ કરે છે જ્યારે આપણે આપણાં જળાશયોની જાળવણી માટે ઘણાં બેદરકાર છીએ.

વરસાદ ઉપર આપણો કાબુ ન હોવાથી અને ક્યારે અતિવૃષ્ટિ કે ક્યારે અનાવૃષ્ટિ થાય તે આપણે જાણતાં ન હોવાથી જળ અને જળાશયો તથા અન્ન અને અન્નના ભંડારોની યોગ્ય જાળવણી કરવી અને તેનો યોગ્ય માત્રામાં સદુપયોગ કરતાં શીખવું અને શીખવવું તે આવશ્યક બાબત છે.

આપણાં પૂર્વજો બીજાનું કેમ પડાવી લેવું, બીજાને કેમ મ્હાત કરવા, બીજાને કેમ નીચાજોણું થાય તેવો પ્રયાસ કરવો વગેરે બાબતે કુશળ નહોતા પણ તેઓ વર્ષ ચાલે તેટલા અનાજના કોઠાર ભરી રાખવા જેટલા અને પાણીના સંગ્રહ માટે કુવા / વાવ / તળાવ અને જમીનમાં મોટા ટાંકા બનાવવાનું કાર્ય કરી શકે તેટલાં વ્યવહારુ તો હતાં.

પ્રગતિની વાતો અને કાર્યની સાથે સાથે રોજ બરોજની જીંદગી સરળતાથી કેમ જીવી શકાય તે વીશે અને જે અન્ન, હવા, પાણી, જમીન અને આકાશ વગર જીવન શક્ય જ નથી તે પર્યાવરણની જાળવણી અંગે ય થોડાં જાગૃત થઈએ તો કેવું?


દોસ્તો,

લાંબા વેકેશન બાદ આપણે ફરી અહીં ઉપસ્થિત થયા છીએ. હાસ્યદરબારના શ્રી ભરતભાઈ પંડ્યાને આપ સહુ જાણો છો. તેમના સ્વર્ગસ્થ પુત્ર અંજન પંડ્યાની યાદમાં ભાવનગરમાં ’સૂરે શણગારી સાંજ’ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આપણે અહીં તે કાર્યક્રમના અંશો સમયાંતરે જોતા રહીશું.


સ્વરાંકન : સુરેશ જોષી
સ્વર : સુરેશ જોષી અને શ્રદ્ધા શ્રીધરાણીઅહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે
વરસાદ ભીંજવે

અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે
વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે
વરસાદ ભીંજવે

દરિયા ઉભા ફાટ્યા રે
વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે
વરસાદ ભીંજવે

ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે
વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે
વરસાદ ભીંજવે

નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે
વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે
વરસાદ ભીંજવે

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે
વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


દોસ્તો,

આજનો દિવસ ઘણી રીતે વિશિષ્ટ છે. આજે જેઠ મહિનાનો છેલ્લો દિવસ છે. આજે અમાસ છે તેથી રાત્રે ચંદ્ર જોવા નહિં મળે. આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે તેથી પૃથ્વી અને સૂર્ય વચ્ચે થોડો વખત ચંદ્ર અવરોધ કરશે. આજે પાંચ શુક્ર,શનિ અને રવિ આવતા હોય તેવા જુલાઈ મહિનાની શરૂઆત છે. સહુથી મહત્વની વાત કે આજે મેઘરાજાએ રીસામણાં છોડ્યાં છે અને ભાવનગરમાં અમે મનભરીને ભીજાઇ શક્યાં તેવો મોસમનો પહેલો વરસાદ આવ્યો. બોલો છે ને મજાના સમાચાર? અને હા, આવતી કાલે અષાઢ મહિનો શરૂ થાય છે, પરમ દિવસે અષાઢી બીજ – બહેન સુભદ્રા અને શ્રી કૃષ્ણ તથા બલરામજી લોકોને ઘરે ઘરે દર્શન આપવા નીકળશે તો કેટલી બધી મજા આવશે? બોલો આવશે કે નહિં? ચાલો તો આજે શ્રી ઝવેરચંદ મેઘાણીનું આ વરસાદી ગીત માણીએ.આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે.

માતેલા મોરલાના ટૌ’કા બોલે,
ટૌ’કા બોલે, ધીરી ઢેલડ ડોલે.

ગરવા ગોવાળીયાના પાવા વાગે,
પાવા વાગે, સૂતી ગોપી જાગે.

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.

ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,
ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.


સૌજન્ય તથા સાંભળવા માટે : અભિષેક


અને હા, સાંજે ગરમા ગરમ ભજીયાં અને ગરમા ગરમ ચ્હા પીવા માટેનું આમંત્રણ આપી દઉ છું. અરે ભાઈ, અતુલને મોળી ચાહ પાઈશ તમને તો સરસ મજ્જાની ખાંડ નાખેલી કડક મીઠ્ઠી ચા પીવડાવીશ – હવે તો ખુશ ને? 🙂
અમારા ભાભુમાની તર્પણ વિધિ આજે પુરી થઈ. ભાભુમાના શાંત અને પવિત્ર આત્માને જાણે કે આનંદ ધામમાં પહોચાડ્યાની સાક્ષી રૂપે વર્ષા પણ શ્રીકાર વરસી પડી. સહુ પાછા પોતપોતાના કર્તવ્ય કર્મોમાં ગોઠવાવા લાગ્યાં. અમે વિધિ પૂર્ણ કર્યા બાદ ઘરે આવી અને આરામ કરી રહ્યાં હતા ત્યાં એકાએક ગાજ વીજ સાથે અનરાધાર વરસાદ વરસી પડ્યો અને આ વરસાદનો આનંદ માણતા માણતા અમને આ ગીત યાદ આવી ગયું. અમે તે માણ્યું અને આપ સહુ પણ તે માણો.


[Youtube=http://www.youtube.com/watch?v=i19IMd2PEQE]