ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: યુદ્ધ

ભિક્ષુનો ત્યાગ
તેમ યોદ્ધાનો યુદ્ધ
સહજ ધર્મ

ભિક્ષુ ન રાગે
તેમ યોદ્ધો ન ભાગે
ધર્મ સંભાળ

યુદ્ધ ધર્મ તારો ખરે, ત્યાગ ભિક્ષુનો ધર્મ,
મૃત્યુ મળે તોયે ભલે, કર તું તારું કર્મ.

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्‌ ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥

भावार्थ : अच्छी प्रकार आचरण में लाए हुए दूसरे के धर्म से गुण रहित भी अपना धर्म अति उत्तम है। अपने धर्म में तो मरना भी कल्याणकारक है और दूसरे का धर्म भय को देने वाला है ॥35॥

એક સાચા ભિક્ષુને જુઓ. રોજની આવશ્યકતા માત્ર દો રોટી અને એક લંગોટી અને ચહેરા પર જુવો તો દિગ દિગંતનું તેજ ઝગારા મારતું હોય. આવો ભિક્ષુ તેને કોઈ હિરા,માણેક,ઝવેરાત આપવા ચાહે તો ય તેનો તેને રાગ ન થાય તેને માટે તે સઘળું ધૂળ કાંકરા બરાબર. પરમાત્માની પરમ ચેતનામાં એકાકાર થઈ ચૂકેલ ભિક્ષુને સતત પરીવર્તનશીલ સંસારનો જે આધાર છે તે પરમ તત્વ પકડાઈ ગયું હોય, જેને અસલી હિરો મળી ગયો તે પછી કાંકરામાં રાગ કરે ખરો? કદીયે નહીં.

તેવી રીતે જે યોદ્ધો છે, યુદ્ધ જેનું કર્તવ્ય છે. જેની રણભેરી સાંભળીને દુશ્મનોના હાંજા ગગડી જાય છે. જેની સિંહ સમાન દૃષ્ટિથી દુશ્મન દળમાં સોપો પડી જતો હોય, જેની હાક માત્રથી મિત્રોમાં ઉત્સાહનો સંચાર થતો હોય અને દુશ્મનો ઉભી પુછડીએ ભાગતાં હોય તેનો સહજ ધર્મ યુદ્ધ જ હોય ભિક્ષાપાત્ર તેને શોભા નહીં આપે.

અર્જુન મહાન યોદ્ધો છે. આજ સુધીમાં કૈંક લોકોને તે ધૂળ ચાટતા કરી ચૂક્યો છે. એકલા હાથે કેટલાયે મહારથીઓને ભૂતકાળમાં હરાવી ચૂક્યો છે તેવો અર્જુન આજે યુદ્ધથી નહીં પણ મોહથી પરાસ્ત થઈ ગયો છે. રણ મેદાનમાં કોઈની તાકાત નથી કે તેની સામે ઉભા રહી શકે પણ મનોરાજ્યમાં મોહરુપી તમસ તેને ઘેરી વળ્યું છે.

એક વખત એક સિંહણ ગર્ભવતી હતી તે છલાંગ મારીને નદી ઓળંગવા જતી હતી તેવે વખતે એકાએક તેને પ્રસવ પીડા ઉપડે છે અને છલાંગ મારતાં જ પ્રસવ થઈ જાય છે. સિંહણ નદી કુદી જાય છે, નાનકડા સિંહબાળને જન્મ આપે છે પણ પ્રસવપીડા અને છલાંગ મારવાની બેવડી શક્તિ ખર્ચાવાને લીધે તાત્કાલિક મૃત્યું પામે છે. સિંહ બાળ નદી કીનારે એકલું એકલું માતાના મૃતદેહ પાસે ટળવળતું હોય છે. તેવામાં એક ભરવાડ ત્યાંથી નીકળે છે અને જુવે છે કે સિંહણ મરી ગઈ છે અને સિંહબાળ દુધ માટે ટળવળે છે. ભરવાડ તેને બકરીનું દૂધ પાઈને ઉછેરે છે. બકરીઓ ભેગો ચરવા લઈ જાય છે. આમ રોજ રોજ બકરીના સહવાસમાં રહીને તે ઘાસ ખાય છે, બકરીની જેમ બેં બેં કરે છે, અને બકરીઓની સાથે સાથ ઉછરે છે. એક વખત એક સિંહની નજર આ બકરીના ટોળાં પર પડે છે. શિકાર પર જેમ ઝડપ મારે તેમ બકરીના ટોળામાં રહેલા સિંહને તે મોંમા ઝડપીને દૂર લઈ જાય છે અને જરાયે ઈજા ન થાય તેમ સંભાળીને નીચે મુકે છે. સિંહનું બચ્ચું થર થર ધૃજે છે. સિંહ તેને પુછે છે કે તું ધૃજે છે કેમ? તું તો સિંહ છો. બચ્ચું કહે છે કે મહારાજ, મજાક શા માટે કરો છો? હું બકરીનું બચ્ચું છું અને આપ મને મારી નાખશો તે બીકે ધૃજુ છું. સિંહ કહે અરે તું બકરી નથી તું સિંહ છો. બચ્ચું કહે છે કે મહારાજ દયા કરો મને છોડી દ્યો. સિંહ તેને પકડીને તળાવને કીનારે લઈ જાય છે. તળાવમાં તેનું પ્રતિબિંબ બતાવતા કહે કે જો – તારી અને મારી વચ્ચે કોઈ ભેદ દેખાય છે? તારે મારી જેવી કેશવાળી, દાંત અને નહોર છે કે નહીં? તું પણ મારી જેમ ગર્જના કરી શકે છે – કોશીશ કરી જો. તે તો સિંહ હતું જ તેથી તેનામાં હિંમત આવી ગઈ અને જોરથી ગર્જના કરી. આમ તેનો બકરી હોવાનો ભ્રમ દૂર થયો. આપણે બધાં સિંહ બાળ છીએ. પ્રકૃતિના સાનિધ્યે માની લીધું છે કે આપણે પ્રાકૃતિક છીએ જ્યારે વાસ્તવમાં આપણું સ્વરુપ ચૈતન્ય રુપ છે.

શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જેવી રીતે ભિક્ષુ સહજ ધર્મે પરમાત્માને પ્રાપ્ત કરે છે તેવી રીતે યુદ્ધ રુપી સહજ ધર્મ કરતાં કરતાં તું યે તે જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. જો તું ભિક્ષા માગવા જઈશ તો તે કાર્ય તને ફાવશે ય નહીં અને પરમાત્માયે નહિં મળે. માટે તું તારું સહજ કાર્ય યુદ્ધ કરવાનું છે તે જ કર.

સિંહ – બકરીની વાર્તા નો આમાં શું સંબધ? કહેવાનું તાત્પર્ય એટલું છે કે સિંહ સિંહના સ્થાને મહાન છે અને બકરી બકરીના સ્થાને મહાન છે. ભિક્ષુ ભિક્ષુના સ્થાને મહાન છે અને યોદ્ધો યોદ્ધાના સ્થાને મહાન છે. ગૃહસ્થ ગૃહસ્થના સ્થાને મહાન છે અને સંન્યાસી સંન્યાસીના સ્થાને મહાન છે. સહુ કોઇ પોત પોતાના સ્થાને મહાન છે તેમ છતાં એકનો ધર્મ તે બીજાનો ધર્મ નથી.

દરેક પોતપોતાના સ્થાને મહાન છે.


મમતા ત્યાગ
ઈશ્વરાર્પિત ભાવે
કર્તવ્ય કર

અર્પણ કર કર્મો મને, મમતાને તજ તું,
સ્વધર્મ સમજી યુદ્ધમાં પાર્થ લડી લે તું.

मयि सर्वाणि कर्माणि सन्नयस्याध्यात्मचेतसा ।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥

भावार्थ : मुझ अन्तर्यामी परमात्मा में लगे हुए चित्त द्वारा सम्पूर्ण कर्मों को मुझमें अर्पण करके आशारहित, ममतारहित और सन्तापरहित होकर युद्ध कर ॥30॥

અર્જુનને હવે સીધી આજ્ઞા આપતાં કહે છે કે વાસ્તવમાં તું કશું કરતો નથી માટે મમતાનો ત્યાગ કર. જો તને પાપ થશે તેવો ડર લાગતો હોય તો તું તારા કર્મો મને અર્પણ કરીને ય યુદ્ધ કરવું તે તારો સ્વધર્મ સમજીને યુદ્ધ કર.

મનુષ્ય માત્રના જીવનમાં ઘણીએ વખત દ્વિધાભરી પરિસ્થિતિ આવતી હોય છે. તેવે વખતે શું કરવું અને શું ન કરવું તેની મુંજવણ તેને રહ્યાં કરતી હોય છે. આવે વખતે શક્ય હોય તો કોઈ શાણાં માણસની સલાહ લેવી જોઈએ અને જો કશું ન સુઝે તો પોતાનું જે કર્તવ્ય હોય તે કરવું જોઈએ પણ પોતાને મમત્વ હોય તેવા કાર્યને પ્રાધાન્યતા ન આપવી જોઈએ.

મનુષ્ય કર્તવ્ય કર્મ કરવામાં પ્રમાદ મમતાને લીધે કરે છે. અન્ય કાર્યોમાં રહેલાં મમત્વને લઈને પોતાના કર્તવ્ય કરવામાં પ્રમાદ ન કરવાની આજ્ઞા આપીને અહીં શ્રી કૃષ્ણ કહે છે કે આ કર્મ કરવું કે તે કર્મ કરવું તેવું કર્મમાં મમત્વ હોવું તે ય એક પ્રકારની આસક્તિ છે. આત્મ સ્વરુપમાં જ્યારે કોઈ કર્મ છે જ નહીં અને સર્વ કાર્યો પ્રકૃતિમાં જ થઈ રહ્યાં છે તેવે વખતે જ્ઞાનીને માટે કર્તવ્ય કર્મ કરવું તે જ શ્રેષ્ઠ કર્મ છે. સઘળાં કર્મો ઈશ્વરાર્પિત ભાવથી કરવામાં આવે તો કર્મફળમાં આસક્તિ નથી રહેતી અને જે કાઈ ફળ પ્રાપ્ત થાય તેનો પ્રસાદબુદ્ધિથી હસતાં મુખે સ્વીકાર કરી શકાય છે.


સમાન લાભ-
હાનિ, સુખદુ:ખ હો
જીત કે હાર

લાભહાનિ સુખદુ:ખ હો, જીત મળે કે હાર,
સરખાં તેને માન ને લડવા થા તૈયાર.

યુદ્ધ કર્તવ્ય
અનિષ્ટ સામે લડ
પાપ ન તેમાં

કર્તવ્ય ગણી યુદ્ધ આ ખરે લડી લે તું,
પાપ તને ના લાગશે, સત્ય કહું છું હું.


સ્વર્ગનું દ્વાર
દેશ કાજે લડવું
યોદ્ધાને માટે

સ્વર્ગદ્વાર છે યુદ્ધ આ અનાયાસ આવ્યું,
સુખી હોય ક્ષત્રિય તે યુદ્ધ લભે આવું.


ધર્માર્થે યુદ્ધ
ક્ષાત્ર સહજ ધર્મ
થોડું વિચાર


તારો ધર્મ વિચાર તો, શોક દૂર આ થાય,
ધર્મયુદ્ધને કાજ છે ક્ષત્રિયોની કાય.