ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: માનવ

એક દિવસ હું લટાર મારવા નીકળ્યો.

કોયલ મજાના ટહુકા કરતી હતી, કાગડો કર્કશ અવાજે કાં કાં કરતો હતો, ચકલીઓ ઉડા ઉડ કરતાં કરતાં ચીં ચીં કરતી હતી, કાબર કલબલાટ. મેં તે દરેકને વારાફરતી પુછ્યું તમારી જાતી કઈ? તમારો આશ્રમ ક્યો? તમારો વર્ણ શું છે? અરે તમે ધનિક છો કે ગરીબ કાઈક તો કહો.

કોઈએ મારી વાત કાને ય ન ધરી. પોતાની મસ્તીમાં કોયલ ટહુકા કરતી રહીં, કાગડો કાં કાં કરતો રહ્યો, કાબર કલબલતી રહી અને ચકલી ચીં ચીં કરતી રહી.

મને તો ભારે આશ્ચર્ય થયું કે અરે અમે જેમને સમસ્યા માનીએ છીએ તેને આ પક્ષીઓ સમસ્યા ગણતા જ નથી.

હું આગળ વધ્યો.

ગુલાબ કાંટાની વચ્ચે સુગંધ પ્રસરાવતું ઉભું હતુ, જુઈના ગુચ્છાઓ હવાની લહેરખીની સાથે ફરફરતા હતાં. ચંપો, ચમેલી, કરેણ, ગલગોટા, અરે કાદવની વચ્ચે કમળ એવી રીતે અનેક જાતના પુષ્પો સૌંદર્ય અને સુગંધ લહેરાવતા હતાં.

મને ખાત્રી થઈ કે આ લોકોમાં તો જરુર ઉંચ નિચનો ભેદભાવ હશે જ. મેં તેમને પુછ્યું કે તમારામાં ઉંચુ કોણ અને નીચું કોણ? કોણ સાવ ક્ષુલ્લક છે અને કોણ અતીશય મહાન?

કોઈ કાઈ ન બોલ્યું માત્ર મંદ મંદ હાસ્ય વેરતાં સુગંધ અને સૌંદર્ય પ્રસરાવતા રહ્યાં.

હું તો વિમાસણમાં પડી ગયો. થયું કે અરે આતો કેવા મૂર્ખ છે તેમનામાં ઉંચ નીચનું અભીમાન જ નથી !

આગળ વધ્યો – કુતરા એકબીજા સામે ભસતાં હતાં, ગધેડા લાતાલાત કરતા હતા, ખુંટીયાઓ ઝગડતા હતા, ભુંડડાઓ ગંદકી ચુંથતા હતા.

તે સહુને પુછવાની હિંમત ન ચાલી. છાનો માનો ઘર ભેગો થયો. વિચાર કરવા લાગ્યો કે અંત:કરણ વિકસે તેમ જો સમજણ ન વિકસે તો મનુષ્ય અને પશુમાં કશો ફેર નથી.

મનમાં ગાંઠ વાળી કે બીજું કાઈ થવાય કે ન થવાય માણસ બનવાનો પ્રયાસ આજીવન કરવા જેવો છે.


હું માનવી માનવ થાઉં તો ઘણું – સુંદરમકામ આવાસ
મન બુદ્ધિ ઈંદ્રિય
મોહ કારક

મન બુદ્ધિ ઈન્દ્રિય છે તેના નિત્યનિવાસ,
તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ.

इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम्‌ ॥

भावार्थ : इन्द्रियाँ, मन और बुद्धि- ये सब इसके वासस्थान कहे जाते हैं। यह काम इन मन, बुद्धि और इन्द्रियों द्वारा ही ज्ञान को आच्छादित करके जीवात्मा को मोहित करता है। ॥40॥

રજોગુણથી ઉત્પન્ન થનાર કદી ન ધરાનારા અને મહા પાપી કામ અને ક્રોધ જીવના મહાન શત્રુઓ છે. જેવી રીતે બાહ્ય શત્રુઓ હંમેશા તેના વેરીનું અહિત કરનારા હોય છે તથા પ્રગતિમાં બાધક હોય છે. તેવી રીતે આ કામ અને ક્રોધ જીવાત્માને પોતાના આનંદમય સ્વરુપથી વંચિત રાખનારા અને સર્વોચ્ચ લક્ષ્ય પરમાનંદની પ્રાપ્તિ અને દુ:ખની આત્યંતિક નિવૃત્તિમાં બાધા પહોંચાડનારા છે.

અત્યારે આપણે જોઈએ છીએ કે ત્રાસવાદ તે સમગ્ર વિશ્વને રંજાડતી એક જટીલ સમસ્યા બની ગઈ છે. ત્રાસવાદ તેની મેળે મેળે ફેલાઈ ન શકે. તે માટે ત્રાસવાદીઓ હોવા જોઈએ. વળી ત્રાસવાદીઓ કાઈ હવામાં કે અદૃશ્ય ન રહી શકે તેને રહેવા માટે ય રહેઠાણ જોઈએ. દરેક દેશમાં ત્રાસવાદને પોષણ આપનારા તેના દેશવાસીઓ જ હોય છે કે જે દેશ સાથે ગદ્દારી કરીને દેશ અને દુનિયાને રંજાડનારા તત્વોને રહેઠાણ પુરુ પાડે છે.

તેવી રીતે જીવને રંજાડનારા આ કામ અને ક્રોધ મહા ત્રાસવાદી છે અને તેને રહેઠણ પુરુ પાડનારા મન, બુદ્ધિ અને ઈંદ્રિયો છે.

એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.

મન, બુદ્ધિ અને પંચેન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો + પાંચ કર્મેન્દ્રિયો) આ જીવન રુપી યુદ્ધમાં ત્રાસવાદીઓને સંતાવાના સાત કોઠા છે. જેવી રીતે ત્રાસવાદ ખત્મ કરવા માટે ત્રાસવાદીઓના રહેઠાણ પર છાપો મારીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવો પડે તેવી રીતે પાંચ ઈંદ્રિયોની પાંચ વિષયો પ્રત્યેની કામાસક્તિ, આ વિષયોનું ચિંતન પુષ્ટ કરનારુ મન અને વિષયોમાં યથેચ્છ ભ્રમણ કરવાની અનુમતિ આપતી બુદ્ધિ આ કામ અને ક્રોધ રુપી ત્રાસવાદીઓને રહેઠાણ પ્રુરુ પાડનારા સાત કોઠાં છે. આ સાતેય કોઠા પર વખતો વખત છાપો મારીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવતા રહેવું જોઈએ તથા ત્યાર બાદ તેના પર કર્તવ્ય પાલન અને સ્વરુપ ચિંતન તથા ધ્યાન અને નિદિધ્યાસન રુપી લશ્કરી થાણાંઓ સ્થાપીને જીવના જીવતર બાગનું રક્ષણ કરીને તેને હર્યો ભર્યો બનાવવો જોઈએ. જેવી રીતે ચક્રવ્યુહ ભેદીને આગળ વધવું હોય તો સાત કોઠા ભેદવા પડે અને જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ ત્યાં વધારે મજબુત કીલ્લેબંધી હોય. તેવી રીતે આ કામ અને ક્રોધ રુપી આંતર શત્રુઓને જીતવાનું ઈંદ્રિયો કરતા મનના સ્તરે અને મન કરતાં બુદ્ધિના સ્તરે વધુને વધુ મુશ્કેલ હોય છે.

ટુંકમાં કામ અને ક્રોધ રુપી આંતર શત્રુઓ વિષયમાં રત રહેનારી ઈંદ્રિયો, વિષય ચિંતન કરનાર મન અને વિષયમાં પ્રવૃત્ત થવા દેતી બુદ્ધિમાં રહે છે અને ત્યાં રહી રહીને તે જીવાત્માને વિષયો પ્રત્યે સતત મોહિત કર્યા કરે છે.


સતત કર્મ
પ્રકૃતિથી અવશ
માનવ કરે

કર્મ કર્યા વિણ ના રહે કોઈયે ક્ષણ વાર,
સ્વભાવથી માનવ કરે કર્મ હજારોવાર.

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्‌ ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥

भावार्थ : निःसंदेह कोई भी मनुष्य किसी भी काल में क्षणमात्र भी बिना कर्म किए नहीं रहता क्योंकि सारा मनुष्य समुदाय प्रकृति जनित गुणों द्वारा परवश हुआ कर्म करने के लिए बाध्य किया जाता है ॥5॥

આપણે આગળના શ્લોકમાં જોઈ ગયાં કે ત્રણ શરીર સાથે જોડાયેલો માનવ ઈચ્છે કે ન ઈચ્છે કર્મ કર્યા જ કરે છે. અર્જુને આગળના અધ્યાયમાં જ્ઞાનનો મહિમા સાંભળ્યો તેથી તેને તેમ થાય છે કે જ્ઞાની થવા માટે તો નૈષ્કર્મ્ય જરુરી છે અને યુદ્ધ જેવું કર્મ મને જ્ઞાની નહીં બનાવે પણ પતનની ગર્તામાં ધકેલી દેશે માટે તેની ઈચ્છા યુદ્ધ છોડી દેવાની થઈ છે. આવા ભુલ ભરેલા ખ્યાલ છોડાવવા માટે કહે છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની શરીરમાં તો સતત કર્મ થયા જ કરે છે. તેથી કર્તવ્ય કર્મ છોડી દેવાથી નીષ્કર્મતા આવે નહીં.

શરીર સાથે આત્માએ જે તાદાત્મ્ય સાધી લીધું છે તેને લીધે પ્રકૃતિ અને શરીરમાં જે કર્મો થાય છે તેને જીવાત્મા પોતાના માને છે. પોતાના માને છે તો તે કર્મના પરીણામો પણ તેણે ભોગવવા પડે છે. જો કોઈ પોતાને બ્રાહ્મણ માને તો કોઈ બ્રાહ્મણ વિરુદ્ધ કશું ક કહેશે ત્યારે તેનું લોહી ઉકળી ઉઠશે પણ જો પોતાને સત ચિત આનંદ સ્વરુપ આત્મા માનશે તો લોકો ગમે તે કહે તે શાંતિથી મરક મરક હસ્યા કરશે. તેવી રીતે દરેક વ્યક્તિ પોતાની ઉપર એક આરોપ કરીને બેઠો હોય છે. જેમ કે કેટલાક લોકો પોતાને સ્ત્રી માને તો જ્યારે સ્ત્રીના વખાણ થશે ત્યારે તે હરખાશે અને સ્ત્રીની નીંદા થશે ત્યારે તે ક્રોધે ભરાશે. તેવી રીતે કેટલાક લોકો ગુજરાતમાંથી અમેરીકા જાય તો મુંઝવણમાં મુકાઈ જાય છે કે અમે અમેરીકન કે ગુજરાતી? ગુજરાતી માનશે તો ગુજરાતના સુખ દુ:ખે સુખી દુ:ખી થશે અને અમેરીકન માનશે તો વિકસિત દેશના નાગરીક હોવાને લીધે ગર્વ અનુભવશે અને ભારતમાં જન્મ્યાં હોવા છતાં અને હિંદુ હોવા છતાં ભારતમાં રહેતા હિંદુઓને કુવામાના દેડકા કહીને તુચ્છકારશે. ટુંકમાં જેવી મતિ તેવી ગતી. જેવો કર્તા ભાવ તેવા કર્મના પરીણામ.

પ્રકૃતિમાં થતાં સતત કર્મને લીધે અને શરીર સાથે તાદાત્મ્ય સાધી લેવાને લીધે તથા પોતાના મુળ સત ચિત આનંદ સ્વરુપના અજ્ઞાનને લીધે ઈચ્છા હોય કે ન હોય સ્વભાવથી માનવ હજારો કર્મો કર્યા જ કરશે.


સતત કર્મ
સ્વભાવે થયાં કરે
કર્મ ન છૂટે

કર્મ કર્યા વિણ ના રહે કોઈએ ક્ષણવાર,
સ્વભાવથી માનવ કરે કર્મ હજારોવાર.

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्‌ ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥

भावार्थ : निःसंदेह कोई भी मनुष्य किसी भी काल में क्षणमात्र भी बिना कर्म किए नहीं रहता क्योंकि सारा मनुष्य समुदाय प्रकृति जनित गुणों द्वारा परवश हुआ कर्म करने के लिए बाध्य किया जाता है ॥5॥

વેપારી માને કે હું વેપાર છોડી દઈશ તો નિષ્કર્મતા આવશે, યોદ્ધો માને કે હું યુદ્ધ છોડી દઈશ તો નિષ્કર્મતા આવશે, રાજા માને કે હું રાજ પાટ છોડી દઈશ તો નિષ્કર્મતા આવશે, બ્લોગર તેમ માને કે હું બ્લોગ લખવાનું છોડી દઈશ તો નિષ્કર્મતા આવશે, ભાવક અને પ્રતિભાવક તેમ માને કે હું પ્રતિભાવ આપવાનું છોડી દઈશ તો નિષ્કર્મતા આવશે. તો ખરેખર જેનું જે સહજ કાર્ય છે તે છોડી દેવાથી નિષ્કર્મતા આવતી નથી.

શરીરથી કર્મ નહીં થાય તો મનથી સતત વિચારો ચાલશે. કોઈ બ્લોગનો બંધાણી હોય તેને એકા એક બોગ-વૈરાગ્ય આવે તો તે બ્લોગ લખવાનું છોડી દે અથવા તો પ્રતિભાવ આપવાનું છોડી દે તો લોકોને તેમ થાય કે ભાઈએ બ્લોગ-સંન્યાસ લઈ લીધો છે. પણ ખરેખર ભાઈ કે બહેન છાના માના બ્લોગ વાંચતા હોય. તેવી રીતે જેને જે સહજ કર્મ વળગ્યું હોય તે છોડ્યું છુટતું નથી પણ જે તે કર્મની આસક્તિ છોડી શકાય છે.

પ્રકૃતિથી બનેલું આપણું સ્થુળ, સુક્ષ્મ અને કારણ શરીર ત્રણેય શરીરો સતત કાર્ય કરે છે. કર્મેન્દ્રિયો કર્મ કરે છે, જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન પ્રાપ્ત કર્યા કરે છે. મન સતત સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે, બુદ્ધિ નિર્ણય લીધાં કરે છે, ચિત્ત બધા સંસ્કારોનો સંગ્રહ કર્યા કરે છે. અહંકર હું હું કર્યા કરે છે. પ્રાણ વગર તો આપણે જીવી જ ન શકીએ. અપાન શ્વાસને અંદર ખેંચે છે, અપાન ખોરાકને અંદર ધકેલે છે. પ્રાણ શ્વાસને ઉચ્છવાસ રુપે બહાર ધકેલે છે. સમાન પ્રાણ અને અપાન દ્વારા વલોવાયેલા ખોરાકને એકરસ કરીને પચાવવાનું કાર્ય કરે છે. વ્યાન સમગ્ર શરીરમાં ફરતો રહીને શરીરની રજે રજ માહિતિ ચેતાતંત્રને આપતો રહે છે. ઉદાન મૃત્યું સમયે જીવને બીજા શરીર કે લોકમાં લઈ જવા માટે પ્રવૃત્ત થાય છે. આ ઉપરાંત કારણ શરીર પણ નિંદ્રામાં પડવું, નિંદ્રામાંથી જાગવું આવા બધા કાર્યો કરે છે. પ્રકૃતિ એટલે સતત કાર્ય. પ્રકૃતિ એક ક્ષણ વાર પણ સ્થીર બેસતી નથી. તેમાં નીરંતર પ્રક્રિયા થયા કરે છે. ઈલેક્ટોન,પ્રોટોન અને ન્યુટ્રોન ને આપણે સમજવા માટે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ કહી શકીએ. આ કણો સતત ઘુમ્યાં કરે છે.

આવી પરિસ્થિતિમાં કોઈ તેમ માને કે હું કર્તવ્ય કર્મ નહીં કરું તો તે નિષ્કામ કર્મ થઈ જશે તો તે માન્યતા ભૂલ ભરેલી ગણાશે. નિષ્કર્મ થવા માટે કર્મ કે ક્રીયા છોડવાનું જરુરી નથી પણ કર્તાભાવ છોડવાનું જરુરી છે. કોઈ વ્યક્તિ વિદેશમાં રહેતા મિત્રો સાથે કર્તૃત્વ વગર મિત્ર ભાવે વાત ચિત કરે તો તે વિદેશી સંસ્કૃતિથી રંગાયો ન કહેવાય. તેવી રીતે દેશમાં રહેતી પત્નિ સાથે બહુ ઓછી વાત ચિત કરતો હોય પણ મનથી સતત તેનું ચિંતન કરતો હોય અને તેના સુખ દુ:ખની કાળજી રાખતો હોય તથા તેના પ્રત્યેક કાર્યમાં સહાયરુપ થઈને તેના કલ્યાણની અને સહચર્યની ભાવના રાખતો હોય તો તેણે તેનું કર્તવ્ય બજાવ્યું કહેવાય.

ટુંકમાં કોઈ વ્યક્તિ નીષ્ક્રીય થઈને બેસી રહે તો તે નિષ્કામ નથી થઈ જતો પરંતુ જે કર્તાભાવને છોડીને કર્તવ્ય કર્મો કરે છે તે જ ખરેખર કર્મનું રહસ્ય જાણે છે.


દોસ્તો,

આજે શ્રી રવિ ઉપાધ્યાયનું આ ’જરા હટકે’ કાવ્ય માણી લઈએ. જરાક કેમીકલ સ્ત્રવી જાય તો પોતાને સર્વોપરી માનવા લાગતો આ મગતરાં જેવો માનવ કેવા કેવા ફાંફા મારે છે તે તેમણે ચોટદાર રીતે વ્યક્ત કર્યું છે.


મિથ્યાવાદી મોહજાળમાં માનવ ફાંફા મારે!
આ માનવ ફાંફા મારે!
હોય ભલે વેરણ રણભૂમિ, તોયે મૃગજળ ભાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 1

કોઇ રડે કોઇને ગુમાવી, કોઇ હસે કંઇ પામી,
ફરતી આ ઘટમાળ કાળની, કોઇ નહીં અહીં સ્થાયી !
વેરઝેરના અગ્નિતાંડવે, એક જીતે એક હારે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 2

રાય-રંકને ઊંચ-નીચના ભેદભાવ જનમાવ્યા !
માનવીએ માનવતાં કેરાં કુસુમ કુમળાં કરમાવ્યાં !
કપટ અને લંપટનો અગ્નિ લાખો હૈયાં બાળે !
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 3

આવ્યો ત્યારે લાવ્યો કૈં ના, જાવું ખાલી હાથે;
નિશ્ચે કાળમુખે ભરખાવું, કોઇ ન આવે સાથે !
(આ) સત્ય સહું સમજે છે, તો યે વૃથા જીન્દગી ગાળે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 4

રહી જશે….. આશા ને મમતાના સહુ ખેલ અધુરા !
લોભ, લાલસા થકી થશે ના, જીવનગીત મધુરાં !
તોયે મથે સંગીત સર્જાવા, વ્યર્થ તૂટેલા તારે!
આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 5


સૌજન્ય: રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનોઅહિં કવિ રમણલાલ વ્યાસ કેવી સુંદર વાત કરે છે કે હું માનવી છું તો પછી માનવ જેવા કાર્ય કરીને એક માનવ-દીપક થવું છે. જેવી રીતે દીપક પોતાની આસપાસ અજવાળું ફેલાવે છે તેવી રીતે હુ પણ મારી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીશ, મારા વિચારો પ્રકાશમય રાખીશ અને મારી આસપાસના વાતાવરણને ઉજાસમય બનાવીશ. જો પ્રત્યેક માનવ સંકલ્પ કરે હું એક માનવ-દીપક બનીશ તો જગતમાં ચોમેર પ્રકાશ પથરાઈ જાય. આજે સાતમાં ધોરણમાં ભણતાં પ્રતિકને આ કવિતા ભણાવતી હતી ત્યારે થયું કે શું દરેકે આ કવિતા ભણવા જેવી નથી?

મારે માનવ-દીપક થાવું,
રે મારે માનવ-દીપક થાવું.

જીવન-જ્યોત સદાય જલાવી, કોક ખૂણૉ અજવાળું;
જગનો કોક ખૂણૉ અજવાળું.
અંધજનોને રાહ બતાવી-અથડાતાં અટકાવું.
રે મારે માનવ-દીપક થાવું.

વેર,ઝેર,હિંસા,અસૂયાનું વધતું જ્યાં અંધારુ;
વધતું જ્યારે જ્યારે અંધારુ.
સત્ય, અહિંસા, શીલ, ત્યાગનું, કરીશ હું અજવાળું.
રે મારે માનવ-દીપક થાવું.

ટમટમતો રહું દીપક વાંછા, નહિ સૂરજ શું થાવું;
જગમાં નહીં સૂરજ થાવું.
મૂક જલી રહી ગર્વહીન હું, મારું કામ બજાવું.
રે મારે માનવ-દીપક થાવું.