ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: મગ્ન

સ્વરુપે મગ્ન
અકર્તા સદા સુખી
આત્મ સંતોષી

આત્મામાં સંતોષ ને રતિસુખ છે જેને
આત્મામાં જે મગ્ન છે કર્મ નથી તેને.

यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥

भावार्थ : परन्तु जो मनुष्य आत्मा में ही रमण करने वाला और आत्मा में ही तृप्त तथा आत्मा में ही सन्तुष्ट हो, उसके लिए कोई कर्तव्य नहीं है ॥17॥

જ્યાં સુધી ભોગની ઈચ્છા છે ત્યાં સુધી કર્તવ્ય કર્મો કરવા આવશ્યક છે. કર્મો સઘળા પ્રકૃતિના પ્રકૃતિ માટે પ્રકૃતિ દ્વારા થતાં અનેક વિધ યજ્ઞો છે. પ્રકૃતિનો આધાર બ્રહ્મ છે. ચૈતન્યનો જેટલો ભાગ શરીર રોકે છે તેને કૂટસ્થ કહે છે. અંત:કરણમાં પડતાં ચૈતન્યના પ્રતિબિંબને ચિદાભાસ કહેવાય છે. જેમનું ચિદાભાસ કૂટસ્થ સાથે સતત અનુસંધાન કરવા રુપ રમણ કરે છે જેવા કે રમણ મહર્ષિ તેમને સર્વોચ્ચ સુખ નિત્ય પ્રાપ્ત હોઈને તેઓ પછી નિકૃષ્ટ સુખ માટે પ્રવૃત્ત થઈ શકતાં નથી. આવા આત્માથી આત્મામાં સંતુષ્ટ મહાપુરુષોને પ્રકૃતિની કશી આવશ્યકતા ન રહેતી હોવાથી તેને માટે કશાં કર્મો પણ શેષ રહેતા નથી.

જીવ ભાવ ક્યારથી આવ્યો તે કહી શકાય નહીં. જેવી રીતે ખેલાડીને રમવાની ઈચ્છા થાય અને તે રમતના મેદાનમાં ઉતરે તેવી રીતે જ્યારથી આ સૃષ્ટિ રુપી રમતના મેદાનમાં પ્રકૃતિના સત્વગુણને રમવાની ઈચ્છા થાય ત્યારથી તેટલા ભાગમાં જીવભાવ આવી જાય. જેમ જેમ તે પ્રકૃતિના અન્ય ગુણો સાથે ભળીને વિધ વિધ પરીવર્તનો અનુભવે તેમ તેમ તેનો જીવ ભાવ દૃઢ થતો જાય. રજો ગુણ અને તમોગુણના મીશ્રણથી પોતાના સત્વમાં ઘટાડો થવાથી જ્યારે તે ત્રાસ અનુભવવા લાગે ત્યારે કોઈ કોઈને રજો તમો ગુણથી છુટવાની ઈચ્છા થાય. સાધન / ભજન / યોગ અને નિષ્કામ કર્મો કરીને છેવટે જ્યારે તે રજો ગુણ અને તમો ગુણથી નિવૃત્ત થાય ત્યારે તેને હાશ થાય. છેવટે તે સત્વ ગુણમાં પડતું ચૈતન્ય અને સત્વગુણ તે બંનેનું કાલ્પનિક જોડાણ (જીવ) રમવાની ઇચ્છા છોડીને પોતાના સ્વરુપ ચૈતન્ય બ્રહ્મ સાથે પહેલેથી જ રહેલી એકતા અનુભવે ત્યારે તે ફરી સૃષ્ટિના રજો ગુણ તમો ગુણ થી આકર્ષાતો નથી અને સત્વ ગુણને ય છોડીને આત્મભાવમાં સ્થિત થઈને અહં બ્રહ્માસ્મિ નો અનુભવ કરી કૃત કૃત્ય થાય છે.

જ્ઞાન કોને થાય? કૂટસ્થને કે ચિદાભાસને?
જ્ઞાન હંમેશા ચિદાભાસને થાય – કૂટસ્થ તો જ્ઞાન સ્વરૂપ છે.


કામના ત્યાગી
આત્માનંદે સંતુષ્ટ
તે સ્થિતપ્રજ્ઞ

છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે,
આત્માનંદે મગ્ન છે સ્થિતપ્રજ્ઞ કહ્યાં તે.

अर्जुन उवाच

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्‌ ॥

भावार्थ : अर्जुन बोले- हे केशव! समाधि में स्थित परमात्मा को प्राप्त हुए स्थिरबुद्धि पुरुष का क्या लक्षण है? वह स्थिरबुद्धि पुरुष कैसे बोलता है, कैसे बैठता है और कैसे चलता है? ॥54॥

श्रीभगवानुवाच

प्रजहाति यदा कामान्‌ सर्वान्पार्थ मनोगतान्‌ ।
आत्मयेवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥

भावार्थ : श्री भगवान्‌ बोले- हे अर्जुन! जिस काल में यह पुरुष मन में स्थित सम्पूर्ण कामनाओं को भलीभाँति त्याग देता है और आत्मा से आत्मा में ही संतुष्ट रहता है, उस काल में वह स्थितप्रज्ञ कहा जाता है ॥55॥

અનેક પ્રકારના શાસ્ત્રો, અનેક જાતની વાતો અનેક વિદ્વાનોના અવતરણો, અનેક પ્રકારની કથાઓ વગેરે વાંચી અને સાંભળીને બુદ્ધિ ચંચળ બની જાય છે. અનેક પ્રકારની વાસના વાળા તો મુઢ મતિ જ હોય છે. જ્યારે જાત જાતનું સાંભળવાથી બુદ્ધિ ચંચળ બની જાય છે. જે મહાત્માએ પરમ તત્વનો અનુભવ કરી લીધો છે, આત્માનંદમાં જ સંતુષ્ટ છે તેમની બુદ્ધિ અચળ હોય છે. યોગ બુદ્ધિ કે જેનું લક્ષ એક માત્ર પરમાત્મા છે તેમને અચળ બુદ્ધિ એટલે કે સ્થીર બુદ્ધિના કહ્યાં છે. સાંસારીક બુદ્ધિ વાળાની બુદ્ધિ ચંચળ હોય છે કારણકે તેમના લક્ષ જુદા જુદા અને અનેક પ્રકારના હોય છે.

જેઓ સાધના કરતાં કરતાં એક માત્ર પરમાત્માને જ લક્ષ બનાવીને ચાલે છે તેવા સાધકો અને જેમણે સાધના દ્વારા પરમાત્મા સાથે એકત્વ સિદ્ધ કરી લીધું છે તેવા સિદ્ધ બંન્ને સ્થીર બુદ્ધિના હોય છે. અલબત્ત સાધક અવસ્થામાં હજુએ સાધનાથી ચ્યૂત થવાની સંભાવના હોવાથી સાધકને સાવધાનીની અત્યંત આવશ્યકતા હોય છે. જેઓ સમાધિ પામ્યાં છે અને પરમાત્મા રુપી અમૃત રસ ચાખી ચૂક્યાં છે તેમનું પતન થવાનો કોઈ ભય નથી. આવા સિદ્ધ ની પ્રજ્ઞા સ્થીર હોય છે. અહીં સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો બતવ્યા છે તે સિદ્ધને માટે સહજ હોય છે અને સાધકોને આવા લક્ષણો ધીરે ધીરે લાવવાના છે. જો કે જ્યાં સુધી સમાધિ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પણે સ્થિત પ્રજ્ઞ યે થઈ શકાતું નથી તેથી સાધકનો મુખ્ય પ્રયાસ તો સમાધિ પામવાનો અને યોગનો જ હોવો જોઈએ અને સ્થિત પ્રજ્ઞતા તો પરીણામે રુપે આપો આપ તેનામાં આવી જાય છે. સાધક અવસ્થામાં મર્ગદર્શનની યે આવશ્યકતા હોય છે. જે સિદ્ધ થયાં હોય તે જ માત્ર સાચું માર્ગદર્શન આપી શકે.

સ્વામી વિવેકાનંદ જ્યારે યુવાન નરેન્દ્ર હતા ત્યારે તે અનેક સિદ્ધ જેવા લોકોને મળતાં અને તેમને પુછતાં કે તમે ઈશ્વર દર્શન કર્યાં છે? જુદા જુદા લોકો તેને જુદો જુદો જવાબ આપતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પિતાજી દેવેન્દ્રનાથ ટાગોર સાધના કરવા માટે નદીની વચ્ચે એક હોડકામાં રહેતાં. એક વખત તેમને જઈને નરેન્દ્રએ પુછ્યું કે તમે શું ઈશ્વર દર્શન કર્યાં છે? દેવેન્દ્રનાથ કહે કે બેટા તારી આંખો તો કોઈ યોગી જેવી જણાય છે. આવી વાતોથી નરેન્દ્રને સંતોષ ન થયો. એક વખત તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસ: ને પુછયું કે મહાશય શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? ઠાકુરે તેની સામે આંખમાં આંખ પરોવીને કહ્યું હા – મેં ઈશ્વરના દર્શન કર્યા છે. તારી સાથે વાત ચીત કરું છું તે જ રીતે તેમની સાથે ય વાત ચીત કરી શકું છું. તું ઈચ્છે તો તને ય ઈશ્વર દર્શન કરાવી શકું. આવી આત્મવિશ્વાસથી સભર વાત સાંભળીને નરેન્દ્ર ઠાકુર તરફ આકર્ષાયા હતાં. ત્યાર બાદ જુદા જુદા સમયે તેમણે ઠાકુરની ઘણી કસોટી કરી હતી અને તે સર્વ કસોટીમાંથી પાર ઉતર્યા બાદ જ તેમને ગુરુ તરીકે સ્વીકાર્યાં હતાં.

અત્યારે લોકો કશીએ કસોટી વગર ગુરુ શિષ્ય બની જતાં હોય છે અને પછી ગુરુયે ઈશ્વરને ન ઓળખ્યા હોય તો શિષ્યને તે કેવી રીતે સાચું માર્ગદર્શન આપી શકે? શ્રીમદ ભગવદ ગીતા લક્ષણોને આધારે વ્યક્તિને ઓળખવાની તરકીબ આપે છે. જે સ્થિત પ્રજ્ઞ હોય તે અન્યને સ્થિત પ્રજ્ઞ બનવા માટે માર્ગદર્શન આપી શકે કોઈ બીજા કેવી રીતે આપી શકે? અહીં સ્થિત પ્રજ્ઞને ઓળખવા માટેના જુદા જુદા લક્ષણો સમજાવ્યાં છે. આવા લક્ષણો જેનામાં હોય તેમને પુછવાથી સ્થિત પ્રજ્ઞ કેમ થવાય તેનું જ્ઞાન મળી શકે.

મનમાં ઉઠતી સર્વ કામનાઓને જે છોડી દે છે અને આત્માથી આત્માં માં જ એટલે કે સ્વરુપમાં જ જે સારી રીતે તુષ્ટ સંતુષ્ટ છે તે સ્થિત પ્રજ્ઞ છે.

અહીં બુદ્ધિ અને મન વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. સઘળી કામનાઓ મનમાં ઉઠે છે ત્યાર બાદ તે કામનાની પૂર્તી કરવી કે નહીં તેનો નિર્ણય બુદ્ધિએ લેવાનો હોય છે. સિદ્ધના યે મનમાં કામના નહીં ઉઠે તેવું તો નથી પણ સિદ્ધ હશે તેની બુદ્ધિ કામના પૂર્તી માટે મંજુરી નહીં આપે. સંસારી લોકો ના મનમાં યે અનેક કામના ઉઠે છે પણ તેમની બુદ્ધિ તે તે કામનાની પૂર્તી માટે મંજુરી આપીને તે પ્રમાણેના કર્મોમાં પ્રવૃત્ત થાય છે જ્યારે જે સિદ્ધ છે તે માત્ર કર્તવ્ય કર્મો જ કરે છે અને તે કરતી વખતે ય આત્માનંદમાં જ તરબોળ રહે છે.

આ બધાં લક્ષણો થી આપણે આપણી યે કસોટી કરી શકીએ કે આપણે મનમાં ઉઠતી અનેક કામનાઓને વશ થઈએ છીએ કે આત્માનંદે સંતુષ્ટ રહીએ છીએ? તેવો પ્રશ્ન જાતને પુછીને જો માર્ક ઓછાં આવતાં હોય તો મનને કાબુમાં રાખવા માટે વધારે સાધના રત થવા પુરુષાર્થ કરી શકીએ.