ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: ભોગ

મોહકલીલ
જ્ઞાને તરીશ, ત્યારે
ભોગે વિરક્તિ

જ્ઞાનથકી તું મોહને તરી જશે જ્યારે,
બાહ્યજ્ઞાનને ભોગની વિરતિ થશે ત્યારે.

यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥

भावार्थ : जिस काल में तेरी बुद्धि मोहरूपी दलदल को भलीभाँति पार कर जाएगी, उस समय तू सुने हुए और सुनने में आने वाले इस लोक और परलोक संबंधी सभी भोगों से वैराग्य को प्राप्त हो जाएगा ॥52॥

પાંચ ઈંદ્રિયોના વિષયોને ભોગ કહેવાય છે. ભોગ ભોગવવાની વાસનાને મોહ કહેવામાં આવે છે. ઘણાં લોકો મોહ અને પ્રેમને સમાનાર્થી ગણે છે. પ્રેમ તે અન્ય જીવો પ્રત્યેની આત્મિયતા , લાગણી , સ્નેહ , ભાવ , આદર , કાળજી વગેરે દ્વારા અભિવ્યક્ત થાય છે. મોહ વસ્તુ કે વ્યક્તિ કોઈ પણ પ્રત્યે હોઈ શકે. મોહથી વ્યક્તિ જે તે વસ્તુ / વિષય કે વ્યક્તિનો ગુલામ બને છે. મોહને કીચડરુપ કહ્યો છે. જોયેલા કે સાંભળેલા સર્વ વિષયો પ્રત્યે જ્યારે વૈરાગ્ય આવે ત્યારે આ મોહરુપી કળણ ને બુદ્ધિ પાર કરી ગઈ છે તેમ સમજવું.

જ્યાં સુધી વિષયોમાં પ્રિય બુદ્ધિ છે ત્યાં સુધી વિષય પ્રાપ્તિ અર્થે કાઈને કાઈ સારુ નરસુ કર્મ કર્તાભાવે થવાનું છે અને તે કર્મ થશે તેથી પાપ પુણ્ય રુપી ફળ પણ ઉત્પન્ન થશે અને તેને ભોગવવા ફરી ફરીને જન્મ અને મૃત્યું પણ રહેશે. જ્યારે બાહય વિષયો પ્રત્યે સંપૂર્ણ વિરક્તિ આવે છે ત્યાર પછી જ સાધક સાધનાને યોગ્ય બને છે. જ્યાં સુધી બાહ્ય વિષયમાં આસક્તિ હોય ત્યાં સુધી મન સાધનામાં પરોવી શકાતું નથી.

જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજાય કે અનંત વિભુ અને સર્વને સત્તા આપનાર બ્રહ્મરાજ્યનો રાજા એવા અચિંત્ય આત્માને તુચ્છ અને નાશવંત ભોગો સાથે વાસ્તવિક કશો સંબધ હતો નહીં, છે નહીં અને થઈ શકે નહીં. આત્માનું જે નીરતીશય સુખ છે તેની પાસે આ અલ્પ ઈંદ્રિયભોગો નગણ્ય અને ક્ષુલ્લક છે. જે લોકોએ આ અમૃતરસ પીધો છે જેવા કે કબીરજી જેવા સંતો કહે કે :

માખણ કબીરા ખા ગયા
ઔર
છાશ પીવે સંસાર

એટલે કે બ્રહ્મજ્ઞાન રુપી અમૃતનું પાન કરીને જે નવનિત પ્રાપ્ત થયું તે તો જ્ઞાનીઓ માણે છે જ્યારે સંસારી લોકો તો સંસાર રુપી છાશ પી પી ને જ છાકટા બની જાય છે.

પાતંજલ યોગ સૂત્રોના પ્રથમ પાદ સમાધિ પાદના ૧૫ માં સૂત્રમાં પણ આ વાત કહેવામાં આવી છે :

१५. दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ।

જોયેલા કે સાંભળેલા વિષયો પરથી જ્યારે મન ઉપરામ થઇ જાય અથવા તૃષ્ણારહિત બની જાય, ત્યારે તે વિષયોને મેળવવાની ઇચ્છાનો અંત આવી જાય છે. તેવા કામના વિનાના ચિત્તની જે વશીકાર નામની અવસ્થા છે તે વૈરાગ્ય કહેવાય છે.

વિષયો બે પ્રકારના હોય છે.
૧. જાતે અનુભવેલા
૨. સાંભળેલા

જાતે અનુભવેલા વિષયોનું વારંવાર સ્મરણ થતાં તે વિષયો ફરી ફરીને ભોગવવાની ઈચ્છા થાય છે. આ ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિ પાસેથી સાંભળીને પણ જે તે વિષયો ભોગવવાની ઈચ્છા થાય છે. જેમ કે કોઈ કહે કે ’હાલ્યને ભવનાથના મેળે જઈએ ન્યાં બહુ મજા આવશે.’ તો આ સાંભળવાથી મનમાં એક ઈચ્છા થઈ અને પરીણામે ભવનાથના મેળે જવાનું થાય. તેવી રીતે કોઈ કહે કે ’ફલાણી ફીલમ તો બહુ હારી છે.’ તો તે ફીલમ જોવા જવાની ઈચ્છા થાય. કોઈ વખત પુરણ પોળી ખાધી હોય તો તેની યાદ આવે એટલે થાય કે આજ તો પુરણપોળી ખાઈએ બહુ મજા આવશે.

આ રીતે જાતે અનુભવેલાં કે ક્યાંકથી સાંભળેલા બંન્ને પ્રકારના વિષયોથી મન જ્યારે ઉપરામ થઈ જાય ત્યારે બુદ્ધિ મોહરુપી કળણને પાર કરી ગઈ છે તેમ સમજવું. આવી અવસ્થા વૈરાગ્ય વગર પ્રાપ્ત થતી નથી. કેટલાયે સાધકો અધૂરા વૈરાગ્યે ઘર સંસાર છોડીને સાધુ થઈ જાય છે પછી થોડો વિષયોનો સંગ થતાં જ પૂર્વના વિષયોના સંસ્કાર જાગ્રત થઈ જાય છે અને સાધુતા છૂટી જાય છે. નથી તો તેઓ ઘરના રહેતા કે નથી તો ઘાટના. તેથી તીવ્ર વૈરાગ્ય ન હોય તો સાધુ થવાનો કશો અર્થ નથી. જો તીવ્ર વૈરાગ્ય હોય તો તો ઘરે કર્મયોગ દ્વારા નિષ્કામ કર્મો કરતાં કરતાં યે સાધના થઈ શકે છે. આમ કલ્યાણ માટે સાધુ થવાની કે કપડાં બદલવાની નહીં પણ તીવ્ર વૈરાગ્યની અપેક્ષા હોય છે.

વિષયો પ્રત્યે જેમને તીવ્ર વૈરાગ્ય આવી ગયો છે તેની બુદ્ધિ જ્ઞાનના સહેજ પ્રકાશથી જ મોહરુપી કળણને તરી જશે.


જે ભોગે ડૂબ્યું
તે ચંચળ મનને
સમાધિ કેવી?

ભોગમહીં ડૂબી ગયું ચંચલ મન જેનું,
સમાધિમાં જોડાય ના, મન કદીયે તેનું.


કામી ચંચલ
વેદવાદમાં રત
જન્મે ને મરે

મધુર વદે
સ્વર્ગ ને ભોગ ચાહે
શ્રેષ્ઠથી અજ્ઞ

વેદવાદમાં રત થયા, કામી ચંચલ લોક,
જન્મમરણ ફલ આપતાં કર્મ કરે છે કો’ક.

સ્વર્ગ ચાહતા તે સદા મધુર વદે છે વાણ,
ભોગવાસનાથી ગણે ઉત્તમ કૈં ના આન.