ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: પ્રભુ


લખવું ને બકવું
હા વાધ્યું અવળું બધે
લખવા ને બકવા થકી
પ્રભુ ના મળે પ્રભુ ના મળેમુજ અકર્મે
સંકરતા-નાશનું
દોષારોપણ

કરું નહીં હું કર્મ તો, નષ્ટ જગત આ થાય,
સંકરતા ને નાશનો મુજને દોષ અપાય.

यदि उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम्‌ ।
संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥

भावार्थ : इसलिए यदि मैं कर्म न करूँ तो ये सब मनुष्य नष्ट-भ्रष्ट हो जाएँ और मैं संकरता का करने वाला होऊँ तथा इस समस्त प्रजा को नष्ट करने वाला बनूँ ॥24॥

શ્રી કૃષ્ણ તે વખતની વ્યવસ્થા મુજબ ક્ષત્રીય તરીકે જન્મ્યાં છે અને તેથી ધર્માર્થે યુદ્ધ કર્મ પણ આવશ્યક છે તેમ સમજાવે છે. દુર્યોધન દુરાચારી છે જ્યારે યુધિષ્ઠીર ધર્મ અને નીતીથી ચાલનારા છે તેથી તેઓ ઈચ્છે કે યુધિષ્ઠિર રાજ્ય સંભાળે તો જ ધર્મની સ્થાપના થઈ શકે. જો અર્જુન યુદ્ધ ન કરે અને દુર્યોધન રાજા તરીકે ચાલુ રહે તો વધુ ને વધુ અધર્મ ફેલાય અને લોકોને થનારા ત્રાસ અને સંકરતાનો દોષ તેમની ઉપર આવે.

અલૌકિક રીતે જોઈએ તો માયા ઉપહિત ચૈતન્ય ને ઈશ્વર કહે છે. તેઓ સતત જીવને પરમાત્મભાવ બનાવી રાખવાનું સમજાવે છે. પ્રકૃતિ અને પ્રરમાત્માનું મિશ્રણ ચિદાભાસ તે મહાન સંકરતા છે અને કૂટસ્થમાં સ્થિતિ તે સંકરતાથી મુક્તિ છે અને સ્વરુપમાં સ્થિતિ છે. બે જુદા જુદા ભાવોના મીશ્રણને સંકરતા કહે છે. ઘોડા અને ગધેડાના મીશ્રણથી ઉત્પન્ન થતા ખચ્ચરને સંકર ઘોડો કે ગધેડો કહેવાય. સંકરતાથી શું ઉત્પન્ન થાય તે કહી ન શકાય. સોક્રેટીસને તે વખતની સુંદરી કહે છે કે આપણે બંને લગ્ન કરીએ તો આપણાં સંતાનો થશે તે તમારી જેવા બુદ્ધિશાળી અને મારી જેવા સુંદર થશે. સોક્રેટીસ હસીને ના પાડે છે કે એમ કરવા જેવું નથી – તેનાથી ઉલટું યે બની શકે એટલે કે મારા જેવો દેખાવ અને તારા જેવી અક્કલ પણ આવી શકે. 🙂

જ્યાં સુધી પ્રકૃતિ સામ્ય અવસ્થામાં હોય છે એટલે કે સત્વ ગુણ સત્વ ગુણમાં પરીવર્તિત થાય, રજો ગુણ રજોગુણમાં પરીવર્તીત થાય અને તમોગુણ તમોગુણમાં પરીવર્તિત થાય ત્યાં સુધી સૃષ્ટિ માં કશાયે વિકાર હોતા નથી. જેવા આ ત્રણે ગુણોનું એકબીજામાં મીશ્રણ (સંકરતા) થાય એટલે જાત જાતના ભાવો અને પ્રાણીઓ ઉત્પન્ન થાય. આ ત્રણ ગુણની વિવિધતાને લીધે જ મનુષ્યોમાં અનેક પ્રકારના મનુષ્યો જોવા મળે છે. લેબોરેટરીમાંયે હવે જીવ ઉત્પન્ન કરી શકાશે. હજુ વૈજ્ઞાનિકોને માનવ બનાવવા જેટલાં તત્વોને સંયોજતા નથી આવડ્યું પણ પ્રાથમિક કક્ષાના જીવો ઉત્પન્ન કરતાં શીખવા લાગ્યાં છે.

આ સૃષ્ટિ સુપેરે ચાલે તે માટે સૃષ્ટિ નિયંતાને સતત કાર્ય કરવાનું હોય છે જો તે ક્ષણ વાર પણ કાર્ય કરતાં અટકી જાય તો પ્રકૃતિમાં મોટા પાયે સેળભેળ થાય અને વિનાશ થાય અને તેનો દોષ છેવટે તો ઈશ્વર પર આવે.

તેવી જ રીતે દરેક વ્યક્તિ જો પોતપોતાના કાર્યો સારી રીતે ન કરે તો તેમના કાર્યક્ષેત્રોમાં ગરબડ ઉત્પન્ન થાય અને પરીણામે હાની કે વિનાશ થાય.


ઉત્તમ જન
નીષ્ક્રિય, દુષ્ટતાને
છુટટો દોર

જો હું કર્મ કરું નહી, તજે બધા તો કર્મ
લોકોનું હિત થાય ના, ના સચવાયે ધર્મ

यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥

भावार्थ : क्योंकि हे पार्थ! यदि कदाचित्‌ मैं सावधान होकर कर्मों में न बरतूँ तो बड़ी हानि हो जाए क्योंकि मनुष्य सब प्रकार से मेरे ही मार्ग का अनुसरण करते हैं ॥23॥

સમષ્ટિ પ્રકૃતિને વશમાં રાખીને જગતના જીવોનું પાલન કરવાનું જે પ્રભુએ માથે લીધું છે તે જો સૃષ્ટિ નીયમનનું કાર્ય ન કરે તો ધર્મ ન સચવાય અને પરીણામે લોકોનું અહિત થઈને પતન પામે.

આ જગતની સર્વ અવ્યવસ્થાના મુળમાં દુષ્ટોની સક્રીયતા જેટલી કારણભુત છે તેટલી જ સજ્જનોની નીષ્ક્રિયતા કારણભુત છે.

કલાનગરી ભાવેણાને કલંક લગાડતી એક ઘટના હમણાં ભાવનગરમાં બની. સાત નરાધમોએ એક સગીર બાળાને ઉપાડી જઈને તેની ઉપર પાશવી અત્યાચાર કર્યો. ભરતનગર વિસ્તારમાં રહેતા આ ટપોરીઓ અને તેમની ગેંગ એટલી ફુલી ફાલી હતી અને તેમને રાજકીય માથાઓ અને પોલીસોનો સહકાર હતો જેમને લીધે તેઓ વ્યાપક પ્રમાણમાં ગોરખ ધંધા ચલાવતા હતાં. ટપોરીઓ ગામે ગામ હોય છે પણ તેઓની દુષ્ટતા વકરે છે કેવી રીતે? સજ્જનોની નિષ્ક્રિયતા અને કર્તવ્યોનું પાલન કરવાની નિષ્ઠાના અભાવને લીધે. રાજકીય વ્યક્તિઓનું કર્તવ્ય છે કે પ્રજાજનોના સુખ દુ:ખ માં સહાય રુપ થવું અને પ્રજાજનોને પડતી મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરવો તેને બદલે જો રાજકીય લોકોના સાથ સહકારથી પ્રજાને ત્રાસ પહોંચાડવામાં આવે તો શું સમજવાનું? તેવી રીતે પોલીસનું કાર્ય છે લોકોનું રક્ષણ કરવાનું તેને બદલે પોલીસ ગુંડાઓને સાથ આપે તો પ્રજા કોને ફરીયાદ કરવા જાય?

જો દરેક ઉત્તમ લોકો પોતાના કર્તવ્યો કરે તો જ ધર્મ સચવાય અને લોકોનું હિત થાય. પોલીસ કમિશ્નર કડક હોય, તેમની નીચેના ડી.એસ.પી અને પી.એસ.આઈ કાબેલ હોય તેમની નીચેના જમાદારો અને ફોજદારો કાર્યનિષ્ઠ હોય તો જ જે તે વિસ્તારના લોકો શાંતિપૂર્વક જીવી શકે. જો આ અધિકારીઓ કર્તવ્યપાલન પ્રત્યે બેદરકાર હોય અને રાજનેતાઓ ભ્રષ્ટ હોય તો પ્રજાજનો ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠે.

અહીં શ્રી કૃષ્ણ કહે છે કે જો હું કર્મ ન કરું તો દેવતાઓ કર્મ ન કરે, લોકપાલો કર્મ ન કરે, પ્રકૃતિના ઋતુ ચક્ર અનીયમીત થઈ જાય, સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી જાય અને લોકોનું અહિત થાય તેથી મારે કશું મેળવવાનું ન હોવા છતાએ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું.


માયા ઉપાધિ
પ્રભુની, તેથી યજ્ઞે
બ્રહ્મ પ્રતિષ્ઠા

કર્મ થાય પ્રકૃતિ થકી, પ્રકૃતિ પ્રભુથી થાય,
તેથી યજ્ઞે બ્રહ્મની, સદા પ્રતિષ્ઠા થાય.

कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम्‌ ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्‌ ॥

भावार्थ : कर्मसमुदाय को तू वेद से उत्पन्न और वेद को अविनाशी परमात्मा से उत्पन्न हुआ जान। इससे सिद्ध होता है कि सर्वव्यापी परम अक्षर परमात्मा सदा ही यज्ञ में प्रतिष्ठित है ॥15॥

અવિદ્યા ઉપહિત ચૈતન્યને જીવ કહે છે. માયા ઉપહિત ચૈતન્યને પ્રભુ કહે છે. બ્રહ્મને આશરે રહેલી પ્રકૃતિ તથા બ્રહ્મ અનાદિ એટલે કે હંમેશા રહેવા વાળા સનાતન છે. જીવોના અદૃષ્ટ અને અપૂર્વ કર્મો જ્યારે ભોગની ભાવના વાળા થાય ત્યારે પ્રકૃતિમાં પડતું ચૈતન્ય સંકલ્પ માત્રથી પ્રકૃતિને ક્ષોભિત કરે છે. જેનું પ્રથમ પરીણામ મહત તત્વ અથવા તો સમષ્ટિ બુદ્ધિ બને છે. તેમાંથી સાત્વિક, રાજસીક અને તામસી અહંકાર બને છે. સાત્વિક અહંકારમાંથી અંત:કરણ અને જ્ઞાનેન્દ્રિયો, રાજસીક અહંકારમાંથી પ્રાણ અને કર્મેન્દ્રિયો તથા તામસી અહંકારમાંથી પાંચ મહાભૂતોની તન્માત્રાઓ અને સ્થુળ શરીર બને છે. જેટલાયે કર્મો થાય છે તે આ સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણોનું એક બીજામાં પરીણામ પામવા સીવાય કશું નથી હોતું.

યજ્ઞ એટલે આ ત્રણ ગુણોને યોગ્ય માત્રામાં પ્રયોજવા અને ઈચ્છિત પરીણામ પ્રાપ્ત કરવું. જેવી રીતે આધુનિક સોફ્ટવેરના મુળમાં જોશો તો Byte no સમુહ હશે. Byte એટલે 0 અથવા ૧. એટલે કે હોવું કે ન હોવું. તેવી રીતે જે કાઈ યજ્ઞો છે તે ત્રણ ગુણોને યોગ્ય રીતે પ્રવૃત કરવા માટેના કર્મો છે. આ કર્મો હંમેશા પ્રકૃતિમાં થાય છે. પ્રકૃતિ પોતે જડ છે તેથી તેની મેળે મેળે તે ઈચ્છિત રીતે યજ્ઞ નથી કરતી પણ તેને યોગ્ય રીતે પ્રયોજવા માટે ચૈતન્યની આવશ્યકતા રહે છે. Byte મેળે મેળે સોફ્ટવેર નથી બનાવી શકતાં પણ યોગ્ય કમાન્ડ દ્વારા પ્રોગ્રામર કે સોફ્ટવેર એંજીનીયર દ્વારા પ્રોગ્રામીંગ કરવાથી સોફ્ટવેર બને છે અને ઈચ્છિત પરીણામ પ્રાપ્ત થાય છે. તેવી રીતે યોગ્ય રીતે કરાતા કર્મો એટલે કે યજ્ઞો મેળે મેળે જડ પ્રકૃતિથી નહીં પણ તેના અભીમાની ચૈતન્યથી થતાં હોઈને સર્વ યજ્ઞોમાં ચૈતન્ય રુપી બ્રહ્મ પ્રતિષ્ઠિત હોય છે.


પ્રભુ સન્મુખ
યોગી, પ્રભુથી દૂર
વિષયી બધા

વિષયોમાં ઊંઘે બધા, યોગી વિષય – ઉદાસ,
પ્રભુ પ્રકાશથી દૂર સૌ, યોગી પ્રભુની પાસ.

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥

भावार्थ : सम्पूर्ण प्राणियों के लिए जो रात्रि के समान है, उस नित्य ज्ञानस्वरूप परमानन्द की प्राप्ति में स्थितप्रज्ञ योगी जागता है और जिस नाशवान सांसारिक सुख की प्राप्ति में सब प्राणी जागते हैं, परमात्मा के तत्व को जानने वाले मुनि के लिए वह रात्रि के समान है ॥69॥

ચલતી ચક્કી દેખ કે, દીયા કબીરા રોય,
દો પાટનકે બીચ મેં, સાબુત બચા ન કોય.

સતત ફરતી રહેતી પ્રકૃતિ રુપી ચક્કીમાં જીવરુપી અનાજના દાણા સતત પીસાઈ રહ્યાં છે. તે જોઈને કબીરજી રડી રહ્યાં છે – અરેરે આ વિષયભોગની લાલસામાં જીવન પુરુ થઈ જશે, અને કાળનો પંજો આવીને જીવને કોળીયો કરી જશે. જોકે ઉપાય છે – પરમાત્મા રુપી ખીલડો પકડી રાખવાનો. જેમણે મુળ આધારને પકડી લીધેલ છે તે માત્ર આ વિષયભોગ રુપી ચક્કીમાં પીસાતો બચી જાય છે.

સુર્ય પૃથ્વી અને અન્ય સુર્યમંડળના અન્ય ગ્રહોની સાપેક્ષે અચળ છે. પૃથ્વી ફર્યા કરે છે. પૃથ્વી જ્યારે સુર્યની સન્મુખ આવે ત્યારે દિવસ અને સુર્યની વિમુખ થાય ત્યારે રાત્રી થાય છે. તેવી રીતે સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મા અચળ છે અને પ્રકૃતિ નીરંતર પરીવર્તન પામે છે. જે ભૂતો પરમાત્માથી વિમુખ થઈને ઈંદ્રિયો દ્વારા સતત વિષયોનું સેવન કરી રહ્યાં છે તે સર્વે વિષયોમાં ઉંધે છે. જ્યારે જે યોગી પોતાની સ્થિત પ્રજ્ઞા દ્વારા સતત પરમાત્માની સન્મુખ રહે છે તે યોગી પ્રભુનો પ્રકાશ પ્રાપ્ત કરે છે.

બુદ્ધને જ્ઞાન થયું તો બુદ્ધ દુ:ખી થઈ ગયાં. કહેવા લાગ્યાં કે હે આનંદ અત્યાર સુધી હું સુખી હતો કારણ કે હું યે લોકોની જેમ ઉંઘતો હતો. અત્યારે હવે હું જ્યારે સ્પષ્ટ રીતે સત્યને અનુભવી શકું છું ત્યારે દુ:ખી થઈ ગયો છું કારણ કે લોકો અધર્મને ધર્મ સમજી બેઠા છે, પાખંડને સદાચાર સમજી બેઠા છે. જ્યાં સુખ મળે તેમ નથી ત્યાં ઉંટ જેમ ગોખરું ખાઈને પોતાના મુખમાંથી લોહીને દદડે તોયે છોડી શકતાં નથી તેવી રીતે જે વિષયોમાં સુખ નથી તે વિષયોમાં સુખ બુદ્ધિ કરીને તેઓ કુતરુ જેમ હાડકું ચાવે અને પોતાના મુખમાંથી નીકળતા લોહીનો સ્વાદ માણીને હાડકામાંથી સુખ મળે તેમ માને તેવી રીતે વિપરિત બુદ્ધિથી દુ:ખી થઈ રહ્યાં છે.

ટુંકમાં કહેવાનું તાત્પર્ય એટલું છે કે જે લોકો ઈંદ્રિયોના વિષય ભોગોને જ સુખ માને છે તેઓ ખરેખર જાણતા જ નથી કે સુખ શું છે. જે યોગી સ્થિત પ્રજ્ઞ થઈને પોતાની અચળ બુદ્ધિ પરમાત્મામાં સ્થીર કરે છે તે નીરંતર સુખ માણે છે.