ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: નાવ

ઈંદ્રિય સાથે
મન પણ જો જાય
બુદ્ધિ હરાય

ઈંદ્રિયોની સાથમાં મન પણ જો જાયે,
નાવ વાયુથી તેમ તો બુદ્ધિ હરણ થાયે.

इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥

भावार्थ : क्योंकि जैसे जल में चलने वाली नाव को वायु हर लेती है, वैसे ही विषयों में विचरती हुई इन्द्रियों में से मन जिस इन्द्रिय के साथ रहता है, वह एक ही इन्द्रिय इस अयुक्त पुरुष की बुद्धि को हर लेती है ॥67॥

ઈંદ્રિયોને વિષયસુખનું ઘણું બધુ આકર્ષણ હોય છે. કર્તવ્ય કર્મ કરતી વખતે ય ઈંદ્રિયો સમક્ષ જુદા જુદા વિષયો તો આવતા હોય છે. તેવે વખતે જો બુદ્ધિ રુપી સારથીની મન રુપી લગામ પર પક્કડ ન હોય તો ઈંદ્રિયરુપી ઘોડા મન રુપી લગામને પોતાની સાથે વિષયોમાં ખેંચી જાય છે. હવે જો મનની પક્કડ ઘોડા પરથી છુટી જાય અને તે ઈંદ્રિયની સાથે સાથે ખેંચાઈ જાય તો બુદ્ધિ રુપી સારથીયે તેની સાથે ખેંચાઈ જાય છે.

જેવી રીતે જોરથી ફુંકાતો વાયુ સઢવાળા વહાણને પોતાની દિશામાં ખેંચી જાય છે તેવી રીતે વિષયાસક્ત ઈંદ્રિયો મન અને બુદ્ધિને ખેંચી જાય છે.

પાંચ ઈંદ્રિયોના પાંચ વિષય છે. આ વિષયો જ્યારે જીવની સમક્ષ આવે ત્યારે પાંચેય ઈંદ્રિયો જે તે વિષયોનો સંદેશો મનમાં પહોંચાડે છે. મન આ સંદેશા પર પ્રક્રીયા કરે છે અને તે સંદેશાની સાથે જોડાયેલ જુના અનેક સંગ્રહીત સંદેશા સાથે તેને સરખાવે છે. આમ આવેલ સંદેશો અને તે સંદેશાને મળતા આવતા પોતાના ચિત્તમાં સંગ્રહાયેલા તેવા સંદેશા તે બુદ્ધિને પહોંચાડે છે. બુદ્ધિ આત્માના પ્રકાશમાં અત્યારે મળેલો સંદેશો અને પૂર્વે અનુભવેલા સંસ્કારો બંનેને સરખાવીને તેમાંથી તેને જે રીતે યોગ્ય લાગે તે પ્રમાણે કાર્ય કરવા મનને સુચના મોકલે છે. મન તે સુચના પ્રમાણે કર્મેન્દ્રિયોને તે પ્રમાણે કાર્ય કરવાનું કહે છે અને ત્યાર બાદ જે તે કર્મેન્દ્રિય દ્વારા તે સંદેશા પર પ્રતિક્રિયા થાય છે.

એકી સાથે જુદી જુદી પાંચેય ઈંદ્રિયોમાંથી સતત સંદેશા તો આવતા જ રહે છે. દરેક સમયે જીવાત્મા પોતાના લક્ષ્ય અનુસાર કર્તવ્ય કર્મ કરવામાં પ્રવૃત્ત હોય તેવે વખતે ય જુદા જુદા વિષયોનો ઈંદ્રિયો સાથે સંપર્ક થતાં તે સંદેશા મન સુધી પહોંચ્યા કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્યમાં એકાગ્ર હોય ત્યારે તે પોતાની માત્ર ને માત્ર એક ઈંદ્રિયને જે તે કાર્ય ઉપર કેન્દ્રિત કરે છે અને બીજી બધી ઈંદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લે છે, મનને ય બીજા અન્ય વિચારો પરથી પાછું વાળી લે છે અને પછી તે કાર્ય કરે છે ત્યારે તેનું કાર્ય સિદ્ધ થવાની પુરી શક્યતા રહે છે. જ્યારે અનેક ઈંદ્રિયો, અનેક વિષયો અને અનેક વિચારો ચાલતાં હોય તેવે વખતે કાર્ય સાધવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. એટલા માટે દ્રોણાચાર્ય પુછતાં કે તમને શું દેખાય છે? જો તમને માત્ર ને માત્ર લક્ષ્ય દેખાતું હોય તો લક્ષ પાર પડવાની પુરી શક્યતા છે પણ જો લક્ષ્ય સીવાયના યે ઘણાં વિષય દેખાતા હોય તો લક્ષ્ય પાર પડવાની શક્યતા ધુંધળી થઈ જાય છે.

અંત:કરણની સર્વે પ્રક્રીયા કરતાં પહેલા બુદ્ધિની સંમતી હોય તો જ કાર્ય થાય જો બુદ્ધિ સંમતી ન આપે તો માત્ર બાહ્ય વિષયો કાર્ય ન કરાવી શકે. જે સ્થિત પ્રજ્ઞ છે જેનું લક્ષ્ય એક માત્ર પરમાત્માં છે તેવા સાધક માત્રને માત્ર કર્તવ્ય કર્મો પ્રત્યે જ ઈંદ્રિયોને પ્રવૃત્ત થવા દેશે. જે જીતેન્દ્રિય નથી અને જેનું મન ઈંદ્રિયો દ્વારા જીતાઈ ગયું છે તે ઈંદ્રિયો મનને માત્ર પોતાને ગમતાં સંદેશા જ બુદ્ધિને મોકલવાનું કહેશે. પરીણામે બુદ્ધિ સુધી સંદેશાઓ ગળાઈને જશે અને આમ મન અને ઈંદ્રિય મળી ગયાં હોય તો બુદ્ધિને ય પોતાની સાથે ખેંચી જશે.

આપણી ઓફીસોમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તેની પ્રક્રીયા યે કાઈક આવી છે. સહુ પ્રથમ તો જે તે ફાઈલ જે તે ટેબલ પર આવે છે. જે તે ટેબલના કર્મચારીને જો નૈવેદ્ય ધરવામાં આવે તો જ તે ફાઈલ આગળ વધે છે. હવે જેમાં નૈવેધ્ય ધરાવાઈ ગયું હોય તે ફાઈલ ઉપરી અધીકારી પાસે પહોંચે છે. ઉપરી અધીકારીનો ટેબલ પર આવેલા નૈવેદ્યમાં અમુક ટકા ભાગ હોય છે. આ ઉપરાંત ઉપરી અધીકારીઓ પાસે આવેલી ફાઈલોને ય ઝડપથી આગળ વધારવા તેની સાથે સાંઠ ગાંઠ ધરાવતા લોકો કે જે તેમને ખુશ રાખતાં હોય તેમની ફાઈલ પહેલા આગળ જશે. ત્યાર બાદ સર્વોચ્ચ અધીકારીએ જે તે ફાઈલ માં મંજુરી કે ના મંજુરી ના સહી સીક્કા કરવાના હોય છે. સર્વોચ્ચ અધીકારી યે જો ભ્રષ્ટ હશે તો તેના યે ટકા નીશ્ચિત હશે અને તે ફટા ફટ સહી કરશે. જે ફાઈલ પર નૈવેદ્ય નહીં ધરવામાં આવ્યું હોય તે ત્રણે જગ્યાએ અટકશે અને વાંધા વચકા કાઢીને તેની ફાઈલ કેટલાયે સમય પછી ધ્યાને લેવાશે.

અત્યારે આપણાં દેશની પરિસ્થિતિ ભયંકર રીતે બગડતી જાય છે તેના મુળમાં આ નૈવેધ્ય પ્રથા છે. જો લાંચ દેનાર અને લેનારને તાત્કાલિક સજા કરવામાં આવે અને અમુક દિવસની અંદર જો ફાઈલનો યોગ્ય રીતે નીકાલ નહીં થાય તો કર્મચારીઓને બરતરફ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અટકે. આ બધા માટે કાયદા તો આજે ય છે પણ ભ્રષ્ટાચાર વિરોધી ખાતું યે ભ્રષ્ટ હોય તેનું શું? કડક સજા અને અનુશાસન વગર ભ્રષ્ટાચાર નહીં અટકે. રાજકારણીઓ પણ ભ્રષ્ટ અને પ્રજાએ ભ્રષ્ટ – જે લેપટોપ આપશે, જે સાડી આપશે તેને મત આપશે. આવા સર્વત્ર ભ્રષ્ટ દેશમાં શ્રી અણ્ણા હઝારેજીની પિપુડી કોણ સાંભળે? જ્યાં સુધી યોગ્ય રાજ કર્તાઓ નહીં આવે ત્યાં સુધી અમલદારો પર ધાક નહીં બેસે. અમલદાર પર ધાક નહીં બેસે તો કર્મચારીઓ કામ નહીં કરે. કર્મચારીઓ કામ નહી કરે તો પ્રજા હેરાન થશે અને દેશ આગળ તો નહીં વધે પણ વધુ ને વધુ પતનની ગર્તામાં ધકેલાતો જશે.

બધાના મુળમાં બેકાબુ ઈંદ્રિયો અને કર્તવ્ય પાલનની નિષ્ઠાનો અભાવ છે.જળમાં નાવ
પાણી ન નાવે – તરો
અન્યથા ડૂબો

મન સંસારે
સંસાર ન હો મને
તે પ્રભુદાસ