ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: જ્ઞાની

જ્ઞાનાવૃતક
અતૃપ્ત કામ અગ્નિ
જ્ઞાનીનો રિપુ

અતૃપ્ત અગ્નિ કામનો જ્ઞાનીનો રિપુ છે,
ઢાંકી દે છે જ્ઞાનને અગ્નિ સાચે તે.

आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥

भावार्थ : और हे अर्जुन! इस अग्नि के समान कभी न पूर्ण होने वाले काम रूप ज्ञानियों के नित्य वैरी द्वारा मनुष्य का ज्ञान ढँका हुआ है ॥39॥

શાસ્ત્રની મદદથી જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવો શાસ્ત્રનો જાણનાર જ્ઞાની કહેવાય છે. આવો જ્ઞાની જાણતો હોય છે કે કર્મો સઘળાં પ્રકૃતિમાં થાય છે અને પોતાનું સ્વરુપ ચૈતન્યરુપ છે જેમાં કોઈ કર્મો થતાં નથી. જ્યાં સુધી માત્ર શાસ્ત્રનું જ્ઞાન છે પણ સમાધી દ્વારા પોતાના સ્વરુપનો સાક્ષાત્કાર કર્યો નથી ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાની હોય કે અજ્ઞાની હોય બંનેની અંદર કામનાઓ તો રહેલી જ હોય છે. શાસ્ત્રજ્ઞાની સમજે છે કે આ કામનાઓ તેને શ્રેયની પ્રાપ્તિમાં બાધક છે જ્યારે અજ્ઞાનીને માટે તો કામનાપૂર્તી એટલે કે વિષયાનંદ જ સાધ્ય હોય છે. જાણતો હોવા છતાં કે કામનાઓ બંધનકારક છે છતાં જો શાસ્ત્રજ્ઞાની સાવધાન ન રહે તો આ કામનાઓ તેને વિષયોમાં ખેંચી જાય છે. પરીણામે તેનું શ્રેય માર્ગેથી પતન થાય છે.

કામને અગ્નિ કહેવાનું તાત્પર્ય તે છે કે જેવી રીતે અગ્નિની અંદર લાકડા અને અગ્નિ પોષક દ્રવ્યો હોમતા જઈએ તેમ તેમ અગ્નિ શાંત થવાને બદલે વધુને વધુ પ્રજ્વલિત થતો જાય છે. તેવી રીતે કામનાઓની પૂર્તિ કરવાથી આ કામાગ્નિ શાંત નથી થતો પણ ઉલટાનો વધુ ને વધુ વિષય ભોગવવાની લાલસા કરે છે.

શંકરાચાર્યજી મહારાજ કહે છે કે :

ન પ્રમાદાદ અનર્થોન્ય જ્ઞાનીન: સ્વસ્વરુપત:
તતો મોહ તતો હં ધી તતો બંધ: તતો વ્યથા.

જ્ઞાનીઓએ પોતાના સ્વ સ્વરુપનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવામાં પ્રમાદ ન કરવો જોઈએ. જો તે પ્રમાદથી ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવાનું છોડી દેશે તો તરત જ તેને વિષયોમાં મોહ થશે. પરીણામે તેનો અહંકાર જાગૃત થઈને કર્તાભાવે વિષય પ્રાપ્તિ માટે કર્મો કરશે, બુદ્ધિ ચંચળ બનશે, તેનાથી વિષયાર્થે સકામ કર્મો થશે, જેનું કર્માશય બંધાતા ફરી પાછું બંધન થશે અને બંધનને પરીણામે વ્યથા થશે.

આમ જે માત્ર શાસ્ત્રજ્ઞાની છે પણ જેણે ચિંતન, મનન અને નિદિધ્યાસનના પરીપાક રુપે સહજાવસ્થા પ્રાપ્ત કરી નથી તેવા જ્ઞાનીની અતૃપ્ત કામનાઓ તેને વિષયોમાં પ્રવૃત્ત કરાવીને શત્રુ માફક વર્તીને બંધન રુપ બને છે.


જ્ઞાની અજ્ઞાની
પ્રકૃતિ વશ ચેષ્ટા
નિગ્રહ વૃથા

પોતાની પ્રકૃતિ મુજબ જ્ઞાની કર્મ કરે,
પ્રકૃતિ મુજબ કરે બધાં, નિગ્રહ કેમ કરે?

सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥

भावार्थ : सभी प्राणी प्रकृति को प्राप्त होते हैं अर्थात अपने स्वभाव के परवश हुए कर्म करते हैं। ज्ञानवान्‌ भी अपनी प्रकृति के अनुसार चेष्टा करता है। फिर इसमें किसी का हठ क्या करेगा ॥33॥

સત્વ,રજ અને તમ આ ત્રણે ગુણો ની ઓછા, વધતાં અંશોના મીશ્રણથી બનેલી સર્વ ભૂતોની જેવી પ્રકૃતિ હોય તે પ્રમાણે તેઓ વર્તતા હોય છે. વૃક્ષોના બીજ, થડ, પર્ણ, ફળ અને તેના ગુણો જેવું વૃક્ષ હોય તેવા હોય છે. પ્રાણીઓ પણ જે પ્રમાણેની પ્રકૃતિ હોય તે પ્રમાણે વર્તતા હોય છે. મનુષ્યોમાં યે જેવા જનીનમાં જેવા રંગસૂત્રો હોય તે પ્રમાણે તેમનું સ્વાભાવિક વર્તન થતું હોય છે. સ્ત્રી અને પુરુષ પણ પ્રકૃતિ પ્રમાણે થોડાં અલગ રીતે ઘડાયા હોઈને તેમની સ્વાભાવિક ચેષ્ટા, હાવ ભાવ, સ્વર, ક્રીયા સઘળું અલગ પડતું હોય છે.

જ્ઞાની જાણે છે કે સર્વ ભૂતોને સત્તા સ્ફુર્તિ આપનાર ચૈતન્ય તો સર્વને સમાન રીતે પોતાનો સદભાવ પુરો પાડે છે. આ ચૈતન્યના સામર્થ્યથી સહુના કાર્યો પોતાની પ્રકૃતિ મુજબ થાય છે. સૂર્યપ્રકાશ, હવા, પાણી અને જમીન સર્વને સરખી પુરી પાડવામાં આવશે તો યે જેવું બીજ હશે તે પ્રમાણે તે આ ઘટકોને ગ્રહણ કરીને પોતાની પ્રકૃતિ મુજબ પોતાનો વિકાસ કરશે.

સાથે ઉછરેલાં સંતાનોનો ઉછેર એક સરખો કરવામાં આવે તો યે બંનેનો વિકાસ તેમના જનીનમાં રહેલા રંગસૂત્રો અને પોતે કરેલા ચૈતન્યાર્થ પ્રમાણે થશે.

અવસ્થાને અનુરુપ કાર્યમાં રસ,રુચી હોય. બાળકમાં ઘણી જીજ્ઞાસા હોય તેથી તેનામાં નવું નવું શીખવાની ધગશ ઘણી હોય. આવે વખતે તે વિદ્યાભ્યાસ અને જ્ઞાન પ્રાપ્તિ માટે ચૈતન્યાર્થ કરે તો સહેલાઈથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે વળી ભવિષ્યમાં સારા નાગરીક બની શકે તે માટે તેનામાં નીતીના સંસ્કારો પણ આ ઉંમરે રોપવામાં આવ્યા હોય તો મોટો થઈને ઉત્તમ નાગરીક બની શકે.

થોડા મોટા થાય અને અંત:સ્ત્રાવી ગ્રંથીના વિકાસની સાથે સાથે પુખ્ત થાય તેમ તેને જીવન સાથીની જરુર વર્તાવા લાગે અને યુવાવસ્થામાં તે યોગ્ય જીવન સાથી મેળવવા ચૈતન્યાર્થ કરે. યોગ્ય જીવનસાથી મેળવીને પોતાની જેવા અન્ય જીવો આ સૃષ્ટિ પર મુકીને જવાની યે તેને ઈચ્છા રહ્યાં કરે તેથી સંતાનો યે પ્રાપ્ત કરે.

સંતાનો જ્યાં સુધી પગ ભર ન થાય ત્યાં સુધી તેની દેખ રેખ રાખવાની અને પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે ય અર્થની આવશ્યકતા હોવાથી અર્થપ્રાપ્તિ માટે ય ચૈતન્યાર્થ કરે.

જીવનના અંતિમ તબક્કે જ્યારે જીવનનો સંપૂર્ણ આનંદ મેળવી લીધો હોય, કુટુંબ અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ અદા કરી લીધી હોય અને ધીરે ધીરે શરીરના કોષો યે ઘસાવા લાગ્યાં હોય તે વખતે તે બહારની દુનિયામાં ખાસ ઉપયોગી ન થઈ શકે ત્યારે કુટુંબમાં, સમાજમાં અને દેશમાં જ્યાં ત્યાં પોતાના લડખડાતા કદમે કાર્ય કરવાના ધખારા રાખવાને બદલે ઘરે કે એકાંત અને શાંત સ્થળે ઈશ્વર ચિંતન કરે, ધ્યાન ભજન કરે, પોતાના સ્વરુપને જાણવાનો ચૈતન્યાર્થ કરે અને શાંતીથી જીવન યાપન કરે તો આખું જીવન સરસ રીતે પ્રકૃતીની સાથે સાથે તાલ મેલ મેળવતાં જીવાય અને છેવટે અંત સમયે સ્વસ્થ ચિત્તે હસતાં મુખે એક ધન્ય જીવન જીવ્યાનો સંતોષ લઈને ધરા ધામમાંથી વિદાય લઈ શકાય.

આ રીતે જુદી જુદી અવસ્થાઓ અને પ્રકૃતિ પ્રમાણે જ્ઞાની પોતાનું જીવન ઘડતાં હોય છે અને સાથે સાથે પોતાનું ચિત્ત ચૈતન્યમાં પરોવી રાખતાં હોય છે. અજ્ઞાની લોકોએ પણ પ્રકૃતિ મુજબ જ જીવવાનું હોય છે અને તેમ ન કરે તો યે પ્રકૃતિ તેની પાસે તે પ્રમાણે જ કાર્ય કરાવશે. જે લોકો બાળ અવસ્થામાં પ્રકૃતિની વિરુદ્ધ જઈને સંન્યાસ ગ્રહણ કરે છે તેમાંથી મોટા ભાગના સફળ નથી થતાં. સફળ થાય તો યે તે માટે પ્રકૃતિ પર વિજય મેળવવા માટે તેને આંતરિક રીતે ઘણો સંઘર્ષ કરવો પડે છે.

જ્ઞાની હોય કે અજ્ઞાની સર્વ ભૂતોને પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ કરવા હિતાવહ છે પણ પ્રકૃતિ વિરુદ્ધ દુરાગ્રહ પૂર્વક નિગ્રહ કરવાથી તેના માઠાં પરીણામો આવે છે.

નોંધ: ચૈતન્યાર્થ શબ્દ અહીં પુરુષાર્થ શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે પ્રયોજવામાં આવ્યો છે.


ગુણ બંધને
કર્મથી બંધાયેલો
મૂઢ ડૂબતો

આત્મ ભાવથી
અસંગ રહી જ્ઞાની
ન વિચલિત

પ્રકૃતિ ગુણથી મૂઢ તે ડૂબે કર્મમહીં,
તે અજ્ઞાનીને કરે જ્ઞાની ચલિત નહીં.

प्रकृतेर्गुणसम्मूढ़ाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत्‌ ॥

भावार्थ : प्रकृति के गुणों से अत्यन्त मोहित हुए मनुष्य गुणों में और कर्मों में आसक्त रहते हैं, उन पूर्णतया न समझने वाले मन्दबुद्धि अज्ञानियों को पूर्णतया जानने वाला ज्ञानी विचलित न करे ॥29॥

જે આ ગુણ અને તેને પરીણામે ઉત્પન્ન થતાં કર્મ બંધનોને જાણતો નથી તે સતત ફળની અને કામનાઓની ઈચ્છાઓથી ઘેરાયેલો રહીને પોતાના સ્વરુપના અજ્ઞાનથી અજાણ તેવો અનેક પ્રકરના કર્મો કર્તા ભાવે કરતો રહે છે. તેના સારા માઠાં ફળ મળતાં શુભ ફળ મળ્યે હરખાયા કરે છે અને અશુભ ફળ પ્રાપ્ત થયે દુ:ખી થાય છે. આવા સતત ફળની ઈચ્છાઓથી બંધાયેલા તેના કર્માશયમાં જાત જાતના કર્મોનો સંગ્રહ થયાં કરે છે અને પરીણામે તે કર્મમાં રત રહીને કર્મોમાં જ ડૂબેલો રહે છે.

જે જ્ઞાની છે અને પ્રકૃતિના ગુણોને સારી રીતે જાણે છે તથા સમજે છે કે પોતે સદાયે પ્રકૃતિના આ ગુણોથી અસંગ છે તે પ્રકૃતિમાં થતાં સર્વ કર્મોને સાક્ષી ભાવે નીહાળે છે. પોતાને ફાળે આવેલ કર્તવ્ય કર્મ આનંદ પૂર્વક કરતો હોવા છતાં કર્તા ભાવ તથા ભોક્તાભાવથી રહિત સર્વદા આત્મભાવમાં સ્થિત હોય છે. આવા જ્ઞાનવાનને કર્મો કશાંયે બંધન કરતાં નથી અને તે સદાયે આત્મામાં અચલ રહે છે. પ્રકૃતિના ગુણો તેને ચલિત નથી કરી શકતાં કે નથી કર્મો તેને બંધનરુપ થતાં.

ચાલો આજે પાછી એક વાર્તા યાદ કરીએ :

એક વખત શીયાળાની ટાઢમાં વાંદરાઓ થરથરતાં હતાં. તેમણે જોયું હતું કે ગામના પાદરમાં કેટલાંક માણસો કુંડાળું વળીને લાકડાના કરગઠીયા ભેગા કરીને કશુંક લાલ લાલ ચાંપીને અગ્નિ પેટાવીને તાપતા બેઠા હતા. તેમને થયું કે આપણે ય આવી રીતે અગ્નિ પેટાવીએ. તેમણે જ્યાં ત્યાં થી લાકડાંના કરગઠીયા એકઠાં કર્યાં. પછી ચણોઠી ભેગી કરીને તે લાકડામાં મુકીને ફુંક મારીને તેને સળગાવવાની કોશીશ કરવા લાગ્યાં. એક ચકલી આ બધું જોતી હતી તેથી તેણે કહ્યું કે આ રીતે તાપણું ન થાય તેને માટે તો અગ્નિ જોઈએ આ તો ચણોઠી છે. વાંદરાને ચકલીની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને ખીજાઈને કહેવા લાગ્યો કે તને શું મારા કરતાં વધારે ખબર પડે છે? તેમ કહીને તેની ડોક મરડી નાખી.

સાર: મૂર્ખ અને અજ્ઞાની લોકોને સાચી સલાહ આપો તો યે તે સલાહ આપનારને નુકશાન પહોંચાડી શકે છે.

તેવી રીતે અહીં કહે છે કે જે લોકો આવું જ્ઞાન લેવા ઈચ્છતા નથી કે જાણવા માંગતા નથી તેમને જેમ કરવું હોય તેમ કરવા દેવું તેમને તેમની ઈચ્છા વગર શીખવવા કે સલાહ આપવા દોડી જવું નહીં.


ઉત્તમ કર્મે
પ્રવૃત્ત રહી જ્ઞાની
પ્રેરણા અર્પે

અજ્ઞાનીમાં તે કદી શંકા જગવે ના,
કર્મ કરી ઉત્તમપણે પ્રેરે જનને હા !

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङि्गनाम्‌ ।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन्‌ ॥

भावार्थ : परमात्मा के स्वरूप में अटल स्थित हुए ज्ञानी पुरुष को चाहिए कि वह शास्त्रविहित कर्मों में आसक्ति वाले अज्ञानियों की बुद्धि में भ्रम अर्थात कर्मों में अश्रद्धा उत्पन्न न करे, किन्तु स्वयं शास्त्रविहित समस्त कर्म भलीभाँति करता हुआ उनसे भी वैसे ही करवाए ॥26॥

ગાંધીજી, વિનોબા ભાવે વગેરે સત્યાગ્રહીઓ શ્રીમદ ભગવદ ગીતાને સારી રીતે સમજતાં હતા અને તેના જ્ઞાનને આચરણમાં મુકીને જીવતાં હતાં. તેઓએ પ્રાપ્ત કરેલ આ જ્ઞાન તેમના આચરણ દ્વારા લોકોને શીખવાડતાં હતાં. બુદ્ધને તીવ્ર વૈરાગ્ય થયો, વળી પૂર્વજન્મની અનેક તપસ્યાઓને લીધે રાજ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં તેમને રાજ પાટ ખારા લાગ્યાં અને સર્વોચ્ચની પ્રાપ્તિ અર્થે સઘળું છોડીને ચાલતાં થયાં. જ્ઞાન થયાં પછી પ્રાપ્ત થયેલ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા લાગ્યાં. તેમનું જ્ઞાન જીજ્ઞાસુઓ પુરતું રહ્યું હોત અને લોકોને ઘરે રહીને કેમ સાધના કરવી તે શીખવાડ્યું હોત તો સારું થાત પણ તેમણે તો લોકોને ત્યાગ શ્રેષ્ઠ છે તેમ સમજાવીને અયોગ્ય વ્યક્તિઓને ય સાધુ અને સાધ્વી તરીકે દિક્ષા આપવા લાગ્યાં. તેમના જીવન કાળ સુધી તો આ સાધુ સાધ્વિઓ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વના સાનિધ્યમાં સાધન ભજન રત રહી શક્યાં. જેવા તેઓ ગયાં કે ધીરે ધીરે સાધન ભજનમાં શીથીલતાં આવતી ગઈ અને યુવા સાધુ સાધ્વિની અંદર રહેલી કામનાઓ જાગ્રત થઈ અને ભયંકર વામાચાર ફેલાવા લાગ્યો. બૌધ્ધ ગુફાઓ અને મંદિરોમાં આજે ય પ્રતિમાઓની અંગ ભંગી આ બધી બાબતોનો ઈતિહાસ આપણી નજર સમક્ષ જીવંત કરતી ઉભી છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે જ્ઞાન માર્ગના અને ઉચ્ચ આધ્યાત્મિક કલ્યાણના શ્રેય માર્ગના સઘળા લોકો અધીકારી નથી હોતા. જેઓ અધીકારી ન હોય તેમને અધીકાર વગર જો જ્ઞાનનો ઉપદેશ આપવામાં આવે અને તેમના રોજીંદા કર્મો છોડાવી દેવામાં આવે તો તેઓ ન તો શ્રેયના રહે કે ન તો પ્રેયના. તેથી જ્ઞાનીઓએ પણ અજ્ઞાનીઓની જેમ જ સહજ કર્મ ઉત્તમ પણે કરતાં રહીને કર્મો કરવાની પ્રેરણા આપવી હિતાવહ છે. શ્રેય માટે કર્મો ક્યાંય બાધક નથી તેથી જેઓ અજ્ઞાની છે તેમના કર્મો ન છુટી જાય તે માટે પ્રેરણા આપવા યે જ્ઞાનીઓએ ઉત્તમ કર્મો કરવા જોઈએ.


જ્ઞાની અજ્ઞાની
અનાસક્ત આસક્ત
કર્મે આરુઢ

અજ્ઞાની આસક્ત થઈ કર્મ કરે છે જેમ,
જ્ઞાની આસક્તિ મુકી, કર્મ કરે સૌ તેમ.

सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम्‌ ॥

भावार्थ : हे भारत! कर्म में आसक्त हुए अज्ञानीजन जिस प्रकार कर्म करते हैं, आसक्तिरहित विद्वान भी लोकसंग्रह करना चाहता हुआ उसी प्रकार कर्म करे ॥25॥

બંધન કર્મોથી નથી થતું. બંધન આસક્તિથી થાય છે. પ્રાણી માત્રને ભોજન લેવું જરુરી હોય છે. પ્રાણી માત્રને શ્વાસ લેવા જરુરી હોય છે. જીવન નિર્વાહ ચલાવવા પ્રાણી માત્રને કર્મો કરવા આવશ્યક છે. જનક રાજા જેવા મહાન રાજવી અને શ્રી કૃષ્ણ જેવા યુગ પુરુષ પણ સતત કર્મ કરે છે. જ્ઞાનીઓ યે કર્મ કરે છે અને અજ્ઞાનીઓ યે કર્મ કરે છે. બંનેના કર્મ કરવામાં મુખ્ય ભેદ શું છે? જ્ઞાની અનાસક્ત રહીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની આસક્ત થઈને કર્મ કરે છે. કર્મ કે ફળ પ્રત્યે આસક્તિ નહીં હોય તો પુરે પુરુ ધ્યાન કર્મ કરવા ઉપર આપી શકાશે. આસક્તિ ન હોવાને લીધે ક્યું કર્મ કરવા લાયક છે અને ક્યું કર્મ કરવા લાયક નથી તેનો યે વિવેક રહેશે. તેથી જ્ઞાની અને અજ્ઞાની બંને કર્મ કરતાં હોવા છતાં જ્ઞાનીનું કર્મ દીપી ઉઠશે વળી કોઈ પણ પરીણામ આવે આસક્ત ન હોવાને લીધે જ્ઞાની પ્રાપ્ત થયેલ ફળને પ્રસાદ બુદ્ધિથી પ્રસન્નતા પૂર્વક ગ્રહણ કરી શકશે. જ્યારે અજ્ઞાનીને આસક્તિ હશે તેથી મોટા ભાગનું ધ્યાન તો તેનું ફળ પર હશે વળી અનુકુળ ફળ મળે તો હરખાઈને છકી જશે અને પ્રતિકુળ ફળ મળશે તો દુ:ખથી દ્રવી જશે.

આમ જ્ઞાની અને અજ્ઞાની બંને કર્મો કરતાં હોવા છતાં એક અનાસક્ત હોય છે જ્યારે બીજો આસક્ત હોય છે. એક કર્મ કરવાનો પુરો આનંદ માણી શકે છે જ્યારે બીજો ફળની આશાએ કર્મ કરતો હોવાથી કર્મ તેને માટે ફળ મેળવવા માટેનો બોજો બની જાય છે.

જ્ઞાની હોય કે અજ્ઞાની બંનેને માટે કર્મો કરવા જરુરી છે. અજ્ઞાનીને તો આસક્તિ છે તેથી તેણે કર્મો કરવા જ જોઈએ પણ જ્ઞાનીને આસક્તિ ન હોવા છતાં લોક સંગ્રહાર્થે ય કર્મો કરવા જોઈએ.


જ્ઞાની ઈંદ્રિયો
કાચબો જ્યમ અંગો
સંકેલી લે છે

જેમ કાચબો અંગને સંકોચી લે છે,
ઈન્દ્રિયોને વિષયથી જ્ઞાની સંકેલે.

यदा संहरते चायं कूर्मोऽङ्गनीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥

भावार्थ : और कछुवा सब ओर से अपने अंगों को जैसे समेट लेता है, वैसे ही जब यह पुरुष इन्द्रियों के विषयों से इन्द्रियों को सब प्रकार से हटा लेता है, तब उसकी बुद्धि स्थिर है (ऐसा समझना चाहिए) ॥58॥

પ્રતિકોનું આગવું મહત્વ હોય છે. શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે ત્યાં પોઠીયો, કાચબો, શિવજીની ઉપર ફણીધર નાગ, તેની ઉપર ઝારીમાં ટપક્યાં કરતું પાણી, પાછળ રહેલી ઉમાજીની પ્રતિમા આ સર્વનો એક નિશ્ચિત અર્થ છે.

જ્યારે બાહ્ય દુશ્મનો આવી ચડે ત્યારે કાચબો પોતાની ઢાલમાં ચારેય પગ અને માથું અંદર ખેંચી લે છે. અહીં કાચબાના દૃષ્ટાંત દ્વારા તે જ વાત જ્ઞાનીને લાગુ પાડેલ છે. જ્યારે ઈંદ્રિયો બાહ્ય વિષયમાં આસક્ત થવા જાય ત્યારે જ્ઞાની તેને વિષયોથી પાછી ખેંચીને મનની વૃત્તિને આત્મા તરફ વાળી દે છે. જ્ઞાની કર્તવ્ય કર્મો કરવા પુરતી ઈંદ્રિયોને છુટ આપે છે પણ વિષયો ભોગવવા માટે અનુમતિ નથી આપતાં.

કઠોપનિષદમાં જીવને રથની ઉપમા આપીને સમજાવ્યો છે. જેમાં આત્માં રથી છે. બુદ્ધિ સારથી છે. મન લગામ છે. ઈંદ્રિયો ઘોડા છે. અને દેહ રથ છે. જો દેહરુપી રથને લાગેલા ઈંદ્રિયોરુપી પાંચ ઘોડા યથેચ્છ વિહાર કરવા લાગે તો મન રુપી લગામ દ્વારા બુદ્ધિ રુપી સારથીએ તેને પાછાં ખેંચીને યોગ્ય માર્ગે લાવવા જોઈએ. જ્યારે મન રુપી લગામ બુદ્ધિ રુપી સારથીના નિયંત્રણમાં હોય ત્યારે જીવાત્માંની યાત્રા યોગ્ય રીતે થાય છે. જો બુદ્ધિ રુપી સારથીના કાબુમાં મન રુપી લગામ ન હોય તો ઈંદ્રિયરુપી ઘોડા તેને યથેચ્છ ભ્રમણ કરાવીને દેહરુપી રથને વિષયોરુપી ખાડામાં ગબડાવી દે છે અને પરીણામે જીવાત્માની અધોગતિ થાય છે.

જે જ્ઞાની છે જેની બુદ્ધિ અચળ છે તેમનો ઈંદ્રિયો અને મન પર કાબુ હોય છે. આવા જ્ઞાનીઓની ઈંદ્રિયો જ્યારે વિષયોમાં યથેચ્છ ભ્રમણ કરવા ઈચ્છે ત્યારે જ્ઞાની તેને મનરુપી લગામથી પાછી ખેંચી લે છે.


કર્મથી છૂટી
વિમુક્ત જ્ઞાની, માણે
અમૃતરસ

જ્ઞાની કર્મોના ફળે મમતા ના રાખે,
જન્મબંધનથી છૂટતાં, અમૃતરસ ચાખે.

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्‌ ॥

भावार्थ : क्योंकि समबुद्धि से युक्त ज्ञानीजन कर्मों से उत्पन्न होने वाले फल को त्यागकर जन्मरूप बंधन से मुक्त हो निर्विकार परम पद को प्राप्त हो जाते हैं ॥51॥

ત્રણ પ્રકારના કર્મો હોય છે.

૧. પ્રારબ્ધ
૨. સંચિત
૩. ક્રીયમાણ

જે જ્ઞાની છે તેને લેશ માત્ર પણ ઈચ્છા હોતી નથી. તેમણે માત્ર પ્રારબ્ધ ભોગવવા શરીરને ધારણ કરી રાખ્યું હોય છે. તેનામાં કર્તૃત્વ ન હોવાથી નવા કર્મો સંચિતમાં જમા થતાં નથી. ફલમાં મમત્વ ન હોવાથી કશી ઐષણા પણ શેષ રહી હોતી નથી.

આ જન્મમાં ભોગવાઈ રહેલા કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. પહેલાના કર્મોનો ભેગો થયેલો જથ્થો સંચિત કર્મ કહેવાય છે. અત્યારે પ્રારબ્ધ ભોગવતાં ભોગવતાં કર્તૃત્વ બુદ્ધિથી થતાં કર્મો ક્રીયમાણ કર્મો કહેવાય છે. જો તીવ્ર કર્મો હોય તો આ જન્મના પ્રારબ્ધમાં ઉમેરાઈને તે ફળ આપવા પ્રવૃત્ત થાય છે. સામાન્ય ક્રીયમાણ કર્મો સંચિત કર્મો રુપે જમા થતાં જાય છે.

જેમને જ્ઞાન થયું છે અને જે પોતાને સારી રીતે બ્રહ્મથી અભીન્ન આત્મા અનુભવે છે તેવા જ્ઞાનીનો અંહકાર ક્ષીણ થઈ જાય છે અથવા તો હું બ્રહ્મ છું તેવો વિરાટ અહમ રાખે છે. આ બંને દશામાં કર્તૃત્વ ન હોવાથી માત્ર પ્રારબ્ધનો ક્ષય થાય છે પણ નવા ક્રિયમાણ કર્મો થતાં નથી. જ્ઞાન થવાથી જ્ઞાનાગ્નીથી સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. જ્ઞાનીને માત્ર ને માત્ર પ્રારબ્ધ ભોગવવાનું રહે છે. આ પ્રારબ્ધ પણ તે હસતાં મુખે જીવનમુક્ત થઈને ભોગવે છે.

શ્રી રમણ મહર્ષી, શ્રી યુક્તેશ્વરજી અને બીજા અનેક જ્ઞાનીઓ થઈ ગયાં કે જેઓ જીવનમુક્તિનો અનુભવ કરીને સદાયે અમૃતત્વનો અનુભવ કરીને જીવ્યાં હોય અને પ્રારબ્ધના અંતે શરીર છૂટ્યાં બાદ જો ઈચ્છા હોય તો અન્ય જીવોના કલ્યાણ માટે સુક્ષ્મ શરીર ટકાવી રાખે છે. જો તેટલી યે લેશ માત્ર ઈચ્છા ન હોય તો સુક્ષ્મ અને કારણ શરીર પણ પ્રકૃતિને અર્પણ કરીને દેહ છોડવાની સાથે જ બ્રહ્મમાં લીન થઈ જાય છે.

આવા વિદેહમુક્ત મહાત્માઓનો પછી પુનર્જન્મ થતો નથી.


સારા નરસાં
કર્મે અલિપ્ત,યોગ
કર્મે કૌશલ્ય

પાપપુણ્યથી પર રહે જ્ઞાની યોગી તો,
યોગી થા તું, કર્મમાં કૌશલ યોગ કહ્યો.

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्‌ ॥

भावार्थ : समबुद्धियुक्त पुरुष पुण्य और पाप दोनों को इसी लोक में त्याग देता है अर्थात उनसे मुक्त हो जाता है। इससे तू समत्व रूप योग में लग जा, यह समत्व रूप योग ही कर्मों में कुशलता है अर्थात कर्मबंध से छूटने का उपाय है ॥ 50 ॥

શ્રીમદ ભગવદગીતાનો આ શ્લોક પણ ઘણો પ્રચલિત છે. તેની પ્રચલિત માન્યતા તેવી છે કે કર્મમાં કુશળતા તેને યોગ કહેવાય. જ્યારે મારી સમજણ પ્રમાણે તેનો અર્થ થાય કર્મમાં યોગ તેને કુશળતા કહેવાય. અલબત્ત કોઈ પણ અર્થ લઈએ તો કશી હાની નથી. સંસ્કૃતમાં ક્રમનો નીયમ નથી. જો કે તેમાં રુપ, વિભક્તિ વગેરેથી ક્યાં શબ્દ સાથે કઈ વિભક્તિ લાગી છે અને તેથી તેનો શું ચોક્કસ અર્થ થાય તે સમજવું વિદ્વાનોને સહજ હોય છે પણ મોટા ભાગના સંસ્કૃતથી અજાણ લોકો માટે થોડું કઠીન હોય છે.

સારું કે નરસું કોઈ પણ કાર્ય કર્તાભાવે કરવામાં આવે તો તેનું કર્માશય બંધાય. સારા કર્મનું પુણ્ય રુપી અને નરસાં કર્મનું પાપ રુપી કર્માશય બંધાય. મીશ્ર કર્મનું મીશ્ર કર્માશય બંધાય. આપણે ત્યાં ઘણી વખત કહેવાય છે કે આ તો વડીલોની પુણ્યાઈ તેની મદદે આવે છે બાકી તેણે તો કઈ કરવામાં બાકી રાખ્યું નથી. કહેવાનું તાત્પર્ય તે કે આપણાં કે આપણાં સ્વજનોના કર્મો કે આંખની શરમ આ લોકમાં કામ આવે છે. કર્માશય બંધાય એટલે બીજા લોકની ગતી પણ તેને આધારે નક્કી થાય. આવી બધી બાબતોના પ્રમાણ મેળવવાનો પ્રયાસ ઘણાં અભ્યાસીઓએ કર્યો છે અને પાપ, પુણ્ય અને કર્મના આધારે ભાવિ ગતિ થાય છે તેવા પ્રમાણો મળ્યાં છે. આપણે અહીં સંક્ષિપ્તમાં અને સાર રુપે સરળતાથી સરળ ગીતાની ચર્ચા કરવા ઈચ્છીએ છીએ તેથી વધુ વિગતે ન જતાં માત્ર સિદ્ધાંત સમજવાનો પ્રયાસ કરશું. ભગવદ ગીતામાં આમે ય સિદ્ધાંતો જ સમજાવ્યાં છે – આ સિદ્ધાંતોને જીવનમાં કોણે કેવી રીતે ઉતારવા તેનો મદાર સહુની સમજણ ઉપર હોય છે.

જે જ્ઞાની છે તે સર્વદા પોતાને પ્રકૃતિના ત્રણ ગુણોથી અલિપ્ત અનુભવે છે. કર્મો બધાં પ્રકૃતિની અંતર્ગત થાય છે. બ્રહ્મ અને શરીર અવિચ્છિન્ન ચૈતન્ય (કુટસ્થ) આત્મા તે માત્ર અધિષ્ઠાન રુપે હોવાથી તેમાં કોઈ કર્મ થતાં નથી. આવા બ્રહ્મનું જે જીવાત્મા સતત અનુસંધાન કરે છે તેને યોગી કહે છે. તો જે જ્ઞાની છે તે તો પોતાને બ્રહ્મથી અભિન્ન જ અનુભવતો હોવાથી કોઈ કર્મ તેને સ્પર્શતું નથી. જે યોગી છે જે સતત બ્રહ્મનું અનુસંધાન કરતો હોવાથી કર્મો સઘળાં પ્રકૃતિમાં થાય છે તેમ સમજીને કર્મથી અલિપ્ત રહે છે.

આવો યોગી જે કાઈ કર્મ કરે છે તે કર્તા ભાવે નથી કરતો પણ પોતાને ઈશ્વરનો દાસ કે પ્રકૃતિનું બાળક સમજીને ઈશ્વર પ્રીત્યર્થે સઘળાં કર્મ કરે છે. પ્રત્યેક કર્મ કરતી વખતે તેની ભગવદબુદ્ધિ અખંડીત હોય છે. તેથી નિષ્કામ ભાવે કરેલાં કર્મ તેને માટે પાપ પુણ્ય રુપી કર્માશય ઉપજાવી શકતાં નથી. કર્તૃત્વ હોય ત્યાં જ ભોક્તૃત્વ આવે છે. જ્યાં કર્તા ન હોય ત્યાં ભોક્તા યે હોતો નથી. આમ પ્રત્યેક કર્મમાં ઈશ્વર સાથે કે બ્રહ્મ સાથે જોડાઈ ને કર્મ કરતો યોગી કુશળતાપૂર્વક કર્મ કરે છે અથવા તો તેણે કરેલ કર્મો પણ યોગરુપ જ હોય છે.

એટલે જ શંકરાચાર્યજી નિર્વાણષટકમાં કહે છે કે:

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુ:ખં
ચિદાનંદ રુપો શિવોહમ શિવોહમ

કર્તૃત્વ ન હોય તો પુણ્ય કે પાપ ક્યાંથી? પાપ કે પુણ્ય ન હોય તો તેના ફળ રુપે દુ:ખ કે સુખ કોણ ભોગવે? જે સત ચિત આનંદ સ્વરુપ વાળો આત્મા સદાયે કલ્યાણરુપ છે તેને સારા નરસા કર્મો લોપી શકતા નથી.

સંસારના લોકો આપણને જાત જાતના ઈજન આપતાં હોય છે : જેમ કે એન.આર.આઈ. થવા માટે, ગુજરાતીનો પ્રચાર કરવા માટે, જે તે પક્ષમાં જોડાવા માટે, પોત પોતાના ગૃપમાં ટકી રહેવા માટે વગેરે વગેરે.. જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને યોગી થવા માટે ઈજન આપે છે.

યોગી સર્વ કર્મ નિષ્કામ ભાવે કરતો રહીને અંત:કરણથી સર્વદા પરમાત્મા સાથે સાયુજ્ય રાખે છે. ભક્ત સર્વ કર્મો ભગવદબુદ્ધિથી કરે છે અને તેના ફળ ભગવાનને અર્પણ કરે છે. જ્ઞાની તો કર્મનો જ સ્વીકાર કરતા નથી તો ફળની લાલસા હોય જ ક્યાંથી? અહીં શ્રી કૃષ્ણ કર્મયોગ કરવાનું એટલે કે કર્તવ્ય કર્મો નિષ્કામ ભાવે પરમાત્મા સાથે સતત અનુસંધાન રાખીને કરવા માટે કહે છે.


વેદનો મર્મ
જ્ઞાની સમજાવે તો
સહજ પ્રાપ્ય

કુવા તણો જે હેતુ તે સરવરમાંહિ સરે,
તેમ વેદનો મર્મ સૌ જ્ઞાનીમહીં મળે.

यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥

भावार्थ : सब ओर से परिपूर्ण जलाशय के प्राप्त हो जाने पर छोटे जलाशय में मनुष्य का जितना प्रयोजन रहता है, ब्रह्म को तत्व से जानने वाले ब्राह्मण का समस्त वेदों में उतना ही प्रयोजन रह जाता है ॥46॥

ઉંડા કુવામાંથી પાણી કાઢવું હોય તો ઘડો કે ડોલને દોરડું બાંધીને કુવામાં ઉંડે સુધી ઉતારવી પડે. પાણી ભરાય પછી ધીરે ધીરે બહાર ખેંચીને કાઢવી પડે. દોરડું ને બાવડાં બંન્ને મજબૂત જોઈએ. કુવામાં પડી ન જવાય તેનું યે ધ્યાન રાખવું પડે. હેતુ તો પાણી મેળવવાનો હોય. સરોવર કાંઠેથી તેનું તે પાણી સરળતાથી પ્રાપ્ત થાય. હવે તો મ્યુમ્નિસિપાલિટી ઘરે બેઠા પાણી પહોંચાડે છે. ટુંકમાં પાણી મેળવવો તે હેતું હોય તો તે કુવામાંથી ભરો છો કે સરોવરમાંથી લાવો છો કે ઘરે આવી જાય છે તે મહત્વનું નથી પણ પાણી મહત્વનું છે.

જેમને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તે વેદનો કર્મકાંડ વિભાગ વાંચે, ઉપાસના કાંડ વાંચે પછી જ્ઞાન કાંડ વાંચે. આ બધું વાંચ્યા પછીએ તેનો યથાર્થ હેતુ સમજે કે કેમ તે કહેવું મુશ્કેલ. વેદનું જે તાત્પર્ય છે તે તાત્પર્ય જ્ઞાની સહજ અને સરળ રીતે સમજાવી દઈ શકે. તો પછી વેદનો વિષદ અભ્યાસ કરીને પછી યે સમજાય કે ન સમજાય તેના કરતાં કોઈ યોગ્ય જ્ઞાની વ્યક્તિ પાસેથી જાણી લેવાથી તે જ હેતુ સરી જતો હોય છે.

શાસ્ત્ર જાળ મહા જાળ છે. જેમ જેમ તમે વાંચતા જાવ તેમ તેમ ગુંચવાતા જાવ. અર્જુન પણ આગળ જતાં શ્રી કૃષ્ણને કહેશે કે શું આ તમે ગોળ ગોળ વાત કરો છો? એક નિશ્ચિત વાત કહોને કે જેથી મ્હારું કલ્યાણ થાય. નરસૈંયો કહે છે કે:-

“ગ્રંથ ગરબડ કરી, વાત નવ ખરી કરી”. ગ્રંથ અને શાસ્ત્રો ઉલટાના ગુંચવી દેનારા હોય છે. તેને બદલે કોઈ આત્મજ્ઞાની મહાપુરુષની સરળ સહજ વાણી જેવી કે કબીરજી / લાહિરિ મહાશય / નરસિંહ મહેતા અને અન્ય સિદ્ધ ભક્તો સંતો કે જે તેમની સાધના અને અનુભૂતીના સારરુપે જે વાત કરે છે તે શાસ્ત્રનો નિચોડ જ હોય છે. શ્રી રમણ મહર્ષિએ ઉપદેશ સારમાં માત્ર ૩૦ નાના નાના શ્લોકમાં અધ્યાત્મનો સર્વ સાર સમજાવી દીધો છે.

ઘણી વખત વિજ્ઞાન / ટેકનોલોજી / શાસ્ત્ર કે કોઈ પણ અટપટા વિષય મેળે મેળે વાંચીએ તો ન સમજાય પણ કોઈ આચાર્ય કે તજજ્ઞ સમજાવે તો તરત સમજાય જાય. આજ મહ્ત્વ જીવનમાં માર્ગદર્શક / આચાર્ય કે ગુરુનું છે. કેટલાંક લોકો ગુરુ શબ્દ આવતા નાકનું ટિચકું ચડાવે છે. તેમના મનમાં ઢોંગી / ધતિંગ કરનારા/ બીજાને બેવકુફ બનાવીને પોતાના ખીસ્સા ભરનારા તેવા તેવા શબ્દો ઉભરાવા લાગે છે. જ્યારે હકીકત તે છે કે આપણને પ્રાપ્ત થતું મોટા ભાગનું જ્ઞાન માર્ગદર્શકો દ્વારા મળેલું હોય છે. ડિસ્કવરી ચેનલ જોઈએ / વિજ્ઞાનના પુસ્તકો વાંચીએ / પ્રવાસ વર્ણનો દ્વારા બીજા પ્રદેશોની માહિતિ મેળવીએ અને આ ઉપરાંત અન્ય કોઈ જ્ઞાન આપણે મેળવીએ અથવા તો મેળવ્યું છે તેવું માનીએ તેમાંથી મોટા ભાગનું તો અન્ય કોઈની મહેનતનું ફળ જ હોય છે. આવી રીતે વેદનો મર્મ સમજવા માટે સહુ કોઈએ વેદને સમજવાની જરુર નથી પણ સાચી અને પ્રમાણિક આધ્યાત્મિક વિભુતિઓ પાસેથી મેળવવાથી તે સહજ પ્રાપ્ય બને છે.


ત્રિગુણ ત્યજી
ગુણાતીત નિર્દ્વંદ્વ
જ્ઞાની યોગી થા

ત્રિગુણાત્મક છે વેદ તો, ગુણાતીત તું થા,
દ્વંદ્વરહિત ને શુદ્ધ ને જ્ઞાની યોગી થા.