ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: છૂટે

ભોગ ભોગવ્યે
લોલુપતા, છોડી દ્યો
તો સ્વતંત્રતા

વિષય રસ
છોડ્યે ન છૂટે, છૂટે
પ્રભુને પામ્યે

વિષયો જેના ભોગવે તેના વિષય છૂટે,
રહ્યો સહ્યો પણ સ્વાદ તો પ્રભુ પામ્યે જ તૂટે.

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्टवा निवर्तते ॥

भावार्थ : इन्द्रियों द्वारा विषयों को ग्रहण न करने वाले पुरुष के भी केवल विषय तो निवृत्त हो जाते हैं, परन्तु उनमें रहने वाली आसक्ति निवृत्त नहीं होती। इस स्थितप्रज्ञ पुरुष की तो आसक्ति भी परमात्मा का साक्षात्कार करके निवृत्त हो जाती है ॥59॥

પાંચેય જ્ઞાનેન્દ્રિયો બહીર્મુખ છે. તેની સ્વાભાવિક વૃત્તિ જ બહારથી જ્ઞાન પ્રાપ્ત કરવાની છે. આ જ્ઞાનેન્દ્રિયો જ્યારે જ્ઞાન સંપાદન કરવા માટે પ્રવૃત્ત થાય ત્યારે તે બાહ્ય જગતનું જ્ઞાન મેળવીને જીવાત્માને જગતમાં ટકી રહેવા મદદરુપ થાય છે. આ જ્ઞાનેન્દ્રિયો જ્યારે બાહ્ય જ્ઞાન મેળવવાના તેના મુખ્ય કાર્યને બદલે જુદા જુદા બાહ્ય વિષયોમાં લોલુપ થઈને વિષય રસ ભોગવવા લાગે છે ત્યારે તે બેકાબુ બની જાય છે. જેમ જેમ તે વિષયો ભોગવે છે તેમ તેમ તેની ભોગ ભોગવવાની તૃષ્ણા વધતી જ જાય છે. એક વખત વ્યસનનો ચસ્કો લાગે પછી વ્યસન વગર જેમ વ્યસનીને ચાલતું નથી તેમ એક વખત વિષયનો રસ લાગે પછી તે વિષય ભોગવ્યાં વગર ઈંદ્રિયોને ચેન પડતું નથી.

જુદા જુદા પ્રાણીઓની જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો સતેજ હોય છે.

હરણની શ્રવણેન્દ્રિય સતેજ હોય છે. એક વખત તે સંગીત સાંભળવામાં મગ્ન બની જાય તો શીકારી આવીને ક્યારે તેનો શીકાર કરી નાખે તેનું યે તેને ભાન રહેતું નથી. હરણને તીવ્ર શ્રવણેન્દ્રિય શીકાર બની ન જાય તે માટે આપી હોય છે કે જેથી સહેજ સંચાર થાય તો યે તેને ખબર પડી જાય અને દોડીને ભાગી છૂટે. તેને બદલે જો તેને વિષયનો રસ લાગે તો તેની તે ઈંદ્રિય તેના મૃત્યું કે ગુલામીનું કારણ બને છે.

હાથી સ્પર્શમાં આસક્ત હોય છે. શીકારીઓ અને સરકસવાળા મોટા મોટા મદમસ્ત હાથીને પકડવા છટકું ગોઠવે છે. મોટો ખાડો કરીને તેની ઉપર ઘાસ અને પાંદડા અને તેવું બધું પાથરીને તેની ઉપર એક રમકડાની કૃત્રિમ હાથણીને ગોઠવે છે. મદાંધ હાથી તેને જોઈને લટ્ટુ થઈને દોડે છે અને ખાડામાં પડે છે અને શીકારીઓના હાથમાં સપડાઈ જાય છે. હાથીને તીવ્ર સ્પર્શેન્દ્રિય તો નાનકડું મચ્છરે ય શરીર પર બેસે તો ખ્યાલ આવી જાય તે માટે હોય છે. તેને બદલે જો તેને વિષયનો રસ લાગે તો તેની તે ઈંદ્રિય તેના મૃત્યું કે ગુલામીનું કારણ બને છે.

પતંગીયાને તેજ (રુપ) પસંદ હોય છે. દિવાની જ્યોતના રુપથી આકર્ષિત થઈને તે ઘણી વખત બળી મરે તો યે રુપની આસક્તિનો ત્યાગ કરી શકતું નથી. પતંગીયું રંગીન ફુલોથી આકર્ષાઈને રસ ચુસી શકે વળી તે પરાગનયનમાં ઉપયોગી બને તે હેતુંથી તેને રુપ પ્રત્યે આસક્તિ આપવામાં આવી હોય છે. તેને બદલે જો તેને વિષયનો રસ લાગે તો તેની તે ઈંદ્રિય તેના મૃત્યું કે ગુલામીનું કારણ બને છે.

માછલીની સ્વાદેન્દ્રિય સતેજ હોય છે. શીકારીઓ ગલમાં સ્વાદિષ્ટ ખોરાક નાખીને માછલીને ગલમાં ફસાવી દે છે.

ભમરો ગંધમાં આસક્ત હોય છે. કમળના પુષ્પની ગંધ લેવા જતાં તે એટલો બધો આસક્ત થઈ જાય છે કે જે લાકડાને કોરી શક્વાની શક્તિ ધરાવતો હોય તે ગંધના મોહથી મુક્ત ન થઈને કમળની પાંદડીમાં બેહોશ થઈને મૃત્યું પામે છે.

આવી રીતે એક એક પ્રાણીને જો તેની ઈંદ્રિયનો યોગ્ય ઉપયોગ ન કરે તો તે ઈંદ્રિય તેને મોતના મુખમાં ધકેલી દેતી હોય તો માણસની તો પાંચેય ઈંદ્રિયો સતેજ હોય છે. તેને જાત જાતના સંગીત સાંભળવાનું, રમણીઓ અને લલનાઓ પાછળ લટ્ટુ બનીને ભમવાનું, જાત જાતના દૃશ્યો જોવાનું, જાત જાતની વાનગીઓ આરોગવાનું, જાત જાતની સુગંધ અને અત્તરો છાંટવાનું ઘેલું લાગ્યું હોય છે. આવી ઈંદ્રિયોમાં આસક્ત મનુષ્ય ઈંદ્રિયોના વિષયોનો એટલો તો ગુલામ બની જાય છે કે પછી પોતાના કર્તવ્ય કર્મો કરી શકવાની યે શક્તિ નથી રહેતી. વિદ્યાર્થીઓ ભણવાનું ભુલી જાય છે. ગૃહસ્થો ફરજો ભુલી જાય છે. નેતાઓ રાજ ધર્મ ભુલી જાય છે. વેપારીઓ નીતિમત્તા ભુલી જાય છે. અફસરો અને સાહેબો ફરજ પાલન અને યોગ્ય વ્યવસ્થા જાળવવાનું ભુલી જાય છે. જે દેશમાં ધર્મની આટ આટલી કથા વાર્તાઓ થતી હોય તે દેશ જ સહુથી વધુ ઈંદ્રિયાસક્ત અને કર્તવ્યથી વિમુખ થતી પ્રજાનો સ્ત્રોત બની જાય છે તે કેટલી કમનસીબીની બાબત છે. આ સડાના મુળીયામાં જોઈએ તો કર્તવ્ય પાલન કરવાની નિષ્ઠાનો અભાવ અને ઈંદ્રિયભોગની લાલસા જ મુખ્ય કારણ રુપે જણાય છે.

જે વ્યક્તિ આ જ્ઞાનેન્દ્રિયો પર કાબુ કરીને તેને વિષયોમાં ભ્રમણ કરવા નથી દેતી પણ કર્મેન્દ્રિયોને કર્તવ્યપાલનમાં લગાડે છે અને જ્ઞાનેન્દ્રીયોને જ્ઞાન સંપાદનમાં લગાડે છે તેમની વિષય વાસના છુટતી જાય છે.

જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન મળે ત્યાં સુધી કોઈ નિકૃષ્ટ છોડી શકતું નથી. તેવી રીતે જ્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ નથી થતી. પ્રભુની દિવ્યતાનો સ્પર્શ નથી થતો. સ્વરુપની મસ્તી મળતી નથી. આત્માનંદ ચાખ્યો નથી હોતો ત્યાં સુધી ગમે તેટલો કાબુ રાખવામાં આવે તો યે વિષય પ્રત્યે ઈંદ્રિયોનો રસ જળવાઈ રહે છે. જ્યારે ઈશ્વરની અનુભૂતી થાય કે સ્વરુપનો સાક્ષાત્કાર થાય ત્યારે ખ્યાલ આવે છે કે આ ઈંદ્રિયભોગો તો દિવ્ય આનંદ પાસે સાવ તુચ્છ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસ: કહેતા કે જો વિષયાનંદને ૧ ગણો તો ભજનાનંદને ૧૦૦ ગણો અને બ્રહ્માનંદની તો કોઈ ગણના જ ન થઈ શકે. બ્રહ્માનંદ કે સ્વરુપનો આનંદ ચાખ્યાં પછી સાધકને વિષયમાં કશો રસ નથી રહેતો. મીરા બાઈ, કબીર, નાનક, તુલસી, શ્રી રમણ મહર્ષિ, નરસિંહ મહેતા આવા આવા ભક્તો અને જ્ઞાનીઓ આ દિવ્ય આનંદમાં તરબોળ થઈને વિષયોથી સર્વથા રહિત થઈને મસ્ત જીવન જીવી ગયાં.

સામાન્ય સંસારી જીવોને માટેય ઈંદ્રિયોને વિષયોથી છોડાવવી શ્રેયસ્કર હોય છે. જેમની ઈંદ્રિયો કાબુમાં હોય તેઓ વધારે સારું કર્તવ્ય પાલન કરી શકે છે અને વધું સારું જીવન બનાવી શકે છે.

Advertisements

કર્મથી છૂટી
વિમુક્ત જ્ઞાની, માણે
અમૃતરસ

જ્ઞાની કર્મોના ફળે મમતા ના રાખે,
જન્મબંધનથી છૂટતાં, અમૃતરસ ચાખે.

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्‌ ॥

भावार्थ : क्योंकि समबुद्धि से युक्त ज्ञानीजन कर्मों से उत्पन्न होने वाले फल को त्यागकर जन्मरूप बंधन से मुक्त हो निर्विकार परम पद को प्राप्त हो जाते हैं ॥51॥

ત્રણ પ્રકારના કર્મો હોય છે.

૧. પ્રારબ્ધ
૨. સંચિત
૩. ક્રીયમાણ

જે જ્ઞાની છે તેને લેશ માત્ર પણ ઈચ્છા હોતી નથી. તેમણે માત્ર પ્રારબ્ધ ભોગવવા શરીરને ધારણ કરી રાખ્યું હોય છે. તેનામાં કર્તૃત્વ ન હોવાથી નવા કર્મો સંચિતમાં જમા થતાં નથી. ફલમાં મમત્વ ન હોવાથી કશી ઐષણા પણ શેષ રહી હોતી નથી.

આ જન્મમાં ભોગવાઈ રહેલા કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. પહેલાના કર્મોનો ભેગો થયેલો જથ્થો સંચિત કર્મ કહેવાય છે. અત્યારે પ્રારબ્ધ ભોગવતાં ભોગવતાં કર્તૃત્વ બુદ્ધિથી થતાં કર્મો ક્રીયમાણ કર્મો કહેવાય છે. જો તીવ્ર કર્મો હોય તો આ જન્મના પ્રારબ્ધમાં ઉમેરાઈને તે ફળ આપવા પ્રવૃત્ત થાય છે. સામાન્ય ક્રીયમાણ કર્મો સંચિત કર્મો રુપે જમા થતાં જાય છે.

જેમને જ્ઞાન થયું છે અને જે પોતાને સારી રીતે બ્રહ્મથી અભીન્ન આત્મા અનુભવે છે તેવા જ્ઞાનીનો અંહકાર ક્ષીણ થઈ જાય છે અથવા તો હું બ્રહ્મ છું તેવો વિરાટ અહમ રાખે છે. આ બંને દશામાં કર્તૃત્વ ન હોવાથી માત્ર પ્રારબ્ધનો ક્ષય થાય છે પણ નવા ક્રિયમાણ કર્મો થતાં નથી. જ્ઞાન થવાથી જ્ઞાનાગ્નીથી સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. જ્ઞાનીને માત્ર ને માત્ર પ્રારબ્ધ ભોગવવાનું રહે છે. આ પ્રારબ્ધ પણ તે હસતાં મુખે જીવનમુક્ત થઈને ભોગવે છે.

શ્રી રમણ મહર્ષી, શ્રી યુક્તેશ્વરજી અને બીજા અનેક જ્ઞાનીઓ થઈ ગયાં કે જેઓ જીવનમુક્તિનો અનુભવ કરીને સદાયે અમૃતત્વનો અનુભવ કરીને જીવ્યાં હોય અને પ્રારબ્ધના અંતે શરીર છૂટ્યાં બાદ જો ઈચ્છા હોય તો અન્ય જીવોના કલ્યાણ માટે સુક્ષ્મ શરીર ટકાવી રાખે છે. જો તેટલી યે લેશ માત્ર ઈચ્છા ન હોય તો સુક્ષ્મ અને કારણ શરીર પણ પ્રકૃતિને અર્પણ કરીને દેહ છોડવાની સાથે જ બ્રહ્મમાં લીન થઈ જાય છે.

આવા વિદેહમુક્ત મહાત્માઓનો પછી પુનર્જન્મ થતો નથી.