ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: ગુણ

ગુણ બંધને
કર્મથી બંધાયેલો
મૂઢ ડૂબતો

આત્મ ભાવથી
અસંગ રહી જ્ઞાની
ન વિચલિત

પ્રકૃતિ ગુણથી મૂઢ તે ડૂબે કર્મમહીં,
તે અજ્ઞાનીને કરે જ્ઞાની ચલિત નહીં.

प्रकृतेर्गुणसम्मूढ़ाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत्‌ ॥

भावार्थ : प्रकृति के गुणों से अत्यन्त मोहित हुए मनुष्य गुणों में और कर्मों में आसक्त रहते हैं, उन पूर्णतया न समझने वाले मन्दबुद्धि अज्ञानियों को पूर्णतया जानने वाला ज्ञानी विचलित न करे ॥29॥

જે આ ગુણ અને તેને પરીણામે ઉત્પન્ન થતાં કર્મ બંધનોને જાણતો નથી તે સતત ફળની અને કામનાઓની ઈચ્છાઓથી ઘેરાયેલો રહીને પોતાના સ્વરુપના અજ્ઞાનથી અજાણ તેવો અનેક પ્રકરના કર્મો કર્તા ભાવે કરતો રહે છે. તેના સારા માઠાં ફળ મળતાં શુભ ફળ મળ્યે હરખાયા કરે છે અને અશુભ ફળ પ્રાપ્ત થયે દુ:ખી થાય છે. આવા સતત ફળની ઈચ્છાઓથી બંધાયેલા તેના કર્માશયમાં જાત જાતના કર્મોનો સંગ્રહ થયાં કરે છે અને પરીણામે તે કર્મમાં રત રહીને કર્મોમાં જ ડૂબેલો રહે છે.

જે જ્ઞાની છે અને પ્રકૃતિના ગુણોને સારી રીતે જાણે છે તથા સમજે છે કે પોતે સદાયે પ્રકૃતિના આ ગુણોથી અસંગ છે તે પ્રકૃતિમાં થતાં સર્વ કર્મોને સાક્ષી ભાવે નીહાળે છે. પોતાને ફાળે આવેલ કર્તવ્ય કર્મ આનંદ પૂર્વક કરતો હોવા છતાં કર્તા ભાવ તથા ભોક્તાભાવથી રહિત સર્વદા આત્મભાવમાં સ્થિત હોય છે. આવા જ્ઞાનવાનને કર્મો કશાંયે બંધન કરતાં નથી અને તે સદાયે આત્મામાં અચલ રહે છે. પ્રકૃતિના ગુણો તેને ચલિત નથી કરી શકતાં કે નથી કર્મો તેને બંધનરુપ થતાં.

ચાલો આજે પાછી એક વાર્તા યાદ કરીએ :

એક વખત શીયાળાની ટાઢમાં વાંદરાઓ થરથરતાં હતાં. તેમણે જોયું હતું કે ગામના પાદરમાં કેટલાંક માણસો કુંડાળું વળીને લાકડાના કરગઠીયા ભેગા કરીને કશુંક લાલ લાલ ચાંપીને અગ્નિ પેટાવીને તાપતા બેઠા હતા. તેમને થયું કે આપણે ય આવી રીતે અગ્નિ પેટાવીએ. તેમણે જ્યાં ત્યાં થી લાકડાંના કરગઠીયા એકઠાં કર્યાં. પછી ચણોઠી ભેગી કરીને તે લાકડામાં મુકીને ફુંક મારીને તેને સળગાવવાની કોશીશ કરવા લાગ્યાં. એક ચકલી આ બધું જોતી હતી તેથી તેણે કહ્યું કે આ રીતે તાપણું ન થાય તેને માટે તો અગ્નિ જોઈએ આ તો ચણોઠી છે. વાંદરાને ચકલીની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને ખીજાઈને કહેવા લાગ્યો કે તને શું મારા કરતાં વધારે ખબર પડે છે? તેમ કહીને તેની ડોક મરડી નાખી.

સાર: મૂર્ખ અને અજ્ઞાની લોકોને સાચી સલાહ આપો તો યે તે સલાહ આપનારને નુકશાન પહોંચાડી શકે છે.

તેવી રીતે અહીં કહે છે કે જે લોકો આવું જ્ઞાન લેવા ઈચ્છતા નથી કે જાણવા માંગતા નથી તેમને જેમ કરવું હોય તેમ કરવા દેવું તેમને તેમની ઈચ્છા વગર શીખવવા કે સલાહ આપવા દોડી જવું નહીં.


ત્રિગુણે કર્મો
ગુણ કર્મને જાણી
નહીં આસક્ત

ગુણ ને કર્મ-વિભાગને જે જાણે છે તે,
ગુણ વર્તે ગુણમાં ગણી ના આસક્ત બને.

तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥

भावार्थ : परन्तु हे महाबाहो! गुण विभाग और कर्म विभाग (त्रिगुणात्मक माया के कार्यरूप पाँच महाभूत और मन, बुद्धि, अहंकार तथा पाँच ज्ञानेन्द्रियाँ, पाँच कर्मेन्द्रियाँ और शब्दादि पाँच विषय- इन सबके समुदाय का नाम ‘गुण विभाग’ है और इनकी परस्पर की चेष्टाओं का नाम ‘कर्म विभाग’ है।) के तत्व (उपर्युक्त ‘गुण विभाग’ और ‘कर्म विभाग’ से आत्मा को पृथक अर्थात्‌ निर्लेप जानना ही इनका तत्व जानना है।) को जानने वाला ज्ञान योगी सम्पूर्ण गुण ही गुणों में बरत रहे हैं, ऐसा समझकर उनमें आसक्त नहीं होता। ॥28॥

શંકરાચાર્યજી મહારાજ ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે સદાચાર સ્તોત્રમાં સમજાવતાં કહે છે કે:

શુદ્ધ સત્વગુણ ભોક્તા: ભોગાનામ સાધનમ રજ
ભોગ્યં તમોગુણં પ્રાહુ: આત્મા ચૈષા પ્રકાશક:

બ્રહ્મને આશરે રહેલી ત્રિગુણાત્મક પ્રકૃતિના સત્વ, રજ અને તમ ત્રણ ગુણો છે.

સત્વ ગુણમાંથી અંત:કરણ અને જ્ઞાનેન્દ્રિયો બને છે.
રજો ગુણમાંથી કર્મેન્દ્રિયો અને પ્રાણ બને છે.
તમો ગુણમાંથી સ્થુળ શરીર અને પંચ મહાભૂત બને છે.
સામાન્ય ચેતન સર્વત્ર રહે છે.

કૂટસ્થ આત્માંમાં કર્તાપણું કે ભોક્તાપણું હોતું નથી. કર્મો બધા પ્રકૃતિમાં થાય છે. અંત:કરણમાં પડતું ચેતનનું પ્રતિબિંબ ચિદાભાસ આ કર્મોમાં અભીમાન કરીને ભોક્તા બને છે.

પ્રકૃતિના પંચ મહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વિ તે પંચ તન્માત્રા (પરમાણું) નો સમૂહ છે.

આકાશનો ગુણ શબ્દ છે. તેને અનુભવવા માટે શ્રોત્રેન્દ્રિય અથવા તો કાનનો ઉપયોગ થાય છે.
વાયુનો ગુણ સ્પર્શ છે. તેને અનુભવવા માટે ત્વકેન્દ્રિય અથવા તો ત્વચાનો ઉપયોગ થાય છે.
અગ્નિનો ગુણ રુપ છે. તેને અનુભવવા માટે ચક્ષુન્દ્રિય અથવા તો આંખનો ઉપયોગ થાય છે.
જળનો ગુણ રસ છે. તેને અનુભવવા માટે રસનેન્દ્રિય અથવા તો જિહ્વાનો ઉપયોગ થાય છે.
પૃથ્વિનો ગુણ ગંધ છે. તેને અનુભવવા માટે ઘ્રાણેન્દ્રિય અથવા તો નાસિકાનો ઉપયોગ થાય છે.

આ પંચમહાભૂતો રુપી તમોગુણને પાંચ પ્રાણની તથા પાંચ કર્મેન્દ્રિયોની મદદથી જ્ઞાનેન્દ્રિયો સુધી પહોંચાડવામાં આવે છે. સત્વગુણમાંથી બનેલી જ્ઞાનેન્દ્રિયો તમોગુણમાંથી બનેલા પંચમહાભૂત રુપી ભોગ રજોગુણમાંથી બનેલા પ્રાણ અને કર્મેન્દ્રિયોની મદદથી ભોગવે છે. જે કાઈ ભોગ ભોગવે છે તેના સંસ્કારો ચિત્તમાં સંગ્રહાયા કરે છે. ભોગ ઈંદ્રિયો સમક્ષ આવે ત્યારે આ ભોગ ભોગવવા કે નહિં તેનો સંકલ્પ વિકલ્પ મન કરે છે. નિર્ણય બુદ્ધિ કરે છે. ભોગ ભોગવવા માટે થયેલ કર્મનું અભીમાન અહંકાર કરે છે. અને ભોક્તાપણું ચિદાભાસ અનુભવે છે. કૂટસ્થ આત્મા આ સર્વથી અસંગ રહે છે.

જેવી રીતે સુર્યના પ્રકાશમાં પ્રાણીઓ સઘળી પ્રવૃત્તિ કરે છે તેવી રીતે આત્માના પ્રકાશમાં સત્વગુણમાં પડતું ચેતનનું પ્રતિબિંબ ભોક્તા બને છે, તમોગુણ ભોગ બને છે અને રજોગુણ ભોગ પ્રાપ્ત કરવાના સાધનો બને છે.

જે આ રીતે ગુણ અને ગુણથી થતાં કર્મોને જાણે છે અને આત્મા આ સર્વ પ્રક્રિયાનો માત્ર પ્રકાશક છે તે જાણે છે તે આ સઘળી ક્રીયાઓ માત્ર સાક્ષી ભાવે કરતો રહીને કર્મ કરતો હોવા છતાંયે અનાસક્ત રહે છે.


કર્મ સઘળાં
પ્રકૃતિના ત્રિગુણે
થયાં કરતાં

આવા કર્મોમાં
મૂઢ અહંકારથી
કર્તૃત્વ ધારે

પ્રકૃતિના ગુણથી થતાં કર્મ છતાં જાણે,
મૂઢ અહંકારે ગણે કર્તા પોતાને.

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥

भावार्थ : वास्तव में सम्पूर्ण कर्म सब प्रकार से प्रकृति के गुणों द्वारा किए जाते हैं, तो भी जिसका अन्तःकरण अहंकार से मोहित हो रहा है, ऐसा अज्ञानी ‘मैं कर्ता हूँ’ ऐसा मानता है ॥27॥

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે

સત્વ,રજ અને તમ પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલા ત્રણ શરીર કારણ, સુક્ષ્મ અને સ્થુળ દ્વારા થનારા કર્મોનો બ્રહ્મથી અભીન્ન કૂટસ્થને લેશ માત્ર સ્પર્શ નથી. અહંકારથી ચિદાભાસ જુદા જુદા અભીમાન ધારણ કરે છે. જેમ કે :

દેશનું અભીમાન કરવાથી પોતાને ભારતીય/અમેરીકન/ઓસ્ટ્રેલીયન/પાકીસ્તાની/ચીની/જાપાની વગેરે વગેરે માને.

રાજ્યનું અભીમાન કરવાથી પોતાને ગુજરાતી/મરાઠી/રાજસ્થાની,બીહારી વગેરે વગેરે માને.

દેહનું અભીમાન કરવાથી પોતાને શરીરી માને.

લિંગનું અભીમાન કરવાથી પોતાને સ્ત્રી કે પુરુષ માને.

સંબધોનું અભીમાન કરવાથી પોતાને પતિ/પત્નિ/પુત્ર/પુત્રી/મિત્ર/શત્રુ/માતા/પિતા વગેરે વગેરે માને.

ધર્મનું અભીમાન કરવાથી પોતાને હિંદુ/મુસ્લિમ/શીખ/ઈસાઈ/પારસી/જૈન/બુદ્ધ વગેરે વગેરે માને.

સંપ્રદાયનું અભીમાન કરવાથી પોતાને સ્વામીનારાયણ/વૈષ્ણવ વગેરે વગેરે માને.

જાતીનું અભીમાન કરવાથી પોતાને બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્ય/શૂદ્ર/શીયા/સુન્ની/વ્હોરા/મેમણ/ઘાંચી વગેરે વગેરે માને.

ધનનું અભીમાન કરવાથી પોતાને ધનિક/મધ્યમ/ગરીબ વગેરે વગેરે માને.

કાર્યનું અભીમાન કરવાથી પોતાને ઈજનેર/ડોક્ટર/વૈજ્ઞાનિક/મજુર/શેઠ/ઉધ્યોગપતિ/ટેકનોક્રેટ વગેરે વગેરે માનશે.

કેટલાંક લોકો વળી મારા જીન્સમાં આવા આવા માર્કર છે તેનું યે અભીમાન ધરાવતાં હોય છે.

જાત જાતના અભીમાન કરવાથી જાત જાતના અભીમાનનો પોતાના સ્વરુપ પર ચિદાભાસ આરોપ કરે છે. જેવો પોતાને માને છે તે બાબતના વખાણ થશે તો ફુલાશે અને નિંદા થશે તો પોતાના પક્ષનો બચાવ કરશે અથવા તો દુ:ખી થશે.

જેટલા યે કાર્યો થાય છે તે સઘળાં પ્રકૃતિમાં થાય છે, પ્રકૃતિ દ્વારા થાય છે અને પ્રકૃતિ માટે થાય છે. કૂટસ્થ આત્મામાં વાસ્તવમાં કશુંયે કર્તૃત્વ નથી.

એટલે તો નરસૈંયો લલકારે છે કે :
હું કરુ હું કરુ એ જ અજ્ઞાનતા

પ્રકૃતિના ગુણો દ્વારા સઘળાં કાર્યો થતાં હોવા છતાં જે આ કાર્યોમાં હું પણું કરે છે તે મૂઢ છે અને જેવી રીતે ગાડા નીચે ચાલતું કુતરું જાણે ગાડાનો ભાર ઉપાડતું હોય તેવું માને તેવી મુર્ખતા આચરે છે.

જે જાણે છે કે આ સઘળાં કાર્યો પ્રકૃતિના ગુણોથી થાય છે તે સારામાં સારી રીતે કાર્ય કરતો હોવા છતાં લેશ માત્ર કર્તૃત્વ ધારણ કરતો નથી અને કર્મ કે તેના ફળમાં આસક્ત થયાં વગર નિષ્ઠાપૂર્વક નિષ્કામતાથી પોતાનું કર્તવ્ય આનંદપૂર્વક બજાવે છે.


હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

સૌજન્ય: બાળ-ફૂલવાડી