ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: કિરતાર

ચારે બાજુ કુદરત મન મુકીને મ્હોરી રહી છે. વસંતે પોતાનો જાદુ પાથરવાનું શરુ કરી દીધું છે. ગઈ કાલે અમે એક લગ્ન-પ્રસંગે શિહોર ગયા હતા. થોડો સમય મળ્યો તો મને થયું કે ચાલને મારા નાનીમાને મળી આવું (મારા નાનીમા અને એક મામા શિહોરમાં રહે છે). હું, અતુલ અને આસ્થા ચાલતાં ચાલતાં ઉપડ્યા – રસ્તામાં જોયું તો આહાહા – વૃક્ષો પર t ફૂલો જ ફૂલો. અમે તો ઘેલાં થઈ ગયાં. આસ્થા અને અતુલ તો ફૂલ જોયા નથી કે તરત જ કેમેરામાંથી ક્લિક – ક્લિક કરીને છબી કંડારી લે. તો વસંત દર્શનનો લ્હાવો લેશુંને?[Youtube=http://www.youtube.com/watch?v=LDvNOrJn-gU]


આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…


શબ્દ અને ગીત માટે સૌજન્ય: “ટહુકો