ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: કવિતા

ચાલો આજે કવિતા વતી એક પત્ર અતુલને :-

પ્રિય અતુલ,

આજે મારે તને વધારે કશું કહેવું નથી. આપણાં આનંદપૂર્ણ સહજીવનને ઘણાં વર્ષો થયાં. આ વર્ષોમાં આપણે સહજીવનના, કૌટુંબિક જવાબદારીઓના, બાળકોના ઉછેરને લગતાં અને બીજા અનેક વિધ પાઠ શીખ્યાં. મારો આખો દિવસ સવારથી લઈને રાત્રી સુધી ઘરની, બાળકોની અને કુટુંબની જવાબદારીઓમાં પૂર્ણ થાય છે તે તું સારી રીતે જાણે છે.

આજે મારે તને એટલું કહેવું છે કે તું બ્લોગિંગમાં વધુ પડતો સમય વેડફવાને બદલે તેમાંથી થોડોક સમય મને, બાળકોને અને કુટુંબને આપવાનું શરુ કરીશ તો હું આજીવન તારી ઋણી રહીશ.

ક્યારેક તો મારી વાત સાંભળીશ ને?

તારી કવિતા


દોસ્તો,

આજે અતુલ ના ઘરે આવ્યાને પંદર વર્ષ પુરા થયાં.

આ પંદર વર્ષની મારી મુખ્ય ઉપલબ્ધિ ગણાવું તો તે કે: લોકો “મધુવન” ને અતુલનું નહીં કવિતાનું ઘર કહે છે.

પંદર વર્ષમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યાં. એક પુત્રી રત્ન અને એક પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું. પિતાતૂલ્ય સસરા ગુમાવ્યાં.

આ દરેક પરિસ્થિતિમાં અમે શક્ય તેટલી સમતા ધારણ કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક આનંદની છોળો વચ્ચે ઉછળ્યાં તો ક્યારેક ઘોર નીરાશાની ગર્તામાં યે ડૂબ્યા. દરેક સ્થિતિને માણવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક છોભીલા અને ફીક્કા પડ્યાં તો ક્યારેક ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહ્યાં.

છેલ્લા થોડા વખતથી તો આપ સહુ બ્લોગ/સાઈટ જનો અમારા પરિવારના સભ્યો બની ગયાં છો. તો આટલી વાત અમારા અંગત જીવનની અને અમે સાથે જીવેલી જિંદગી વિશે તમને કહીને વિરમું છું.

આપ સહુની નેટ સખી – કવિતા.

અરે બા તો ભુલાઈ જ ગયાં. બા ના સતત માર્ગદર્શન અને હુંફ વગર તો અહીં સુધી સફળતાપૂર્વક યાત્રા થઈ જ ન શકી હોત. બાને અમારાં કોટી કોટી વંદન. ચાલો હવે આશિર્વાદની ઝડી વરસાવો છો કે નહીં?


દોસ્તો,

આજે વસંત પંચમી. મા સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. આજે આપણે મા શારદા / સરસ્વતીને પ્રાર્થીએ કે અમારા અજ્ઞાનરુપી અંધારા દૂર થાય અને અમારા અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ ફેલાય. બે મહિના હવે વસંત મ્હોરી ઉઠશે તો ચાલો આજે આપણે આપણાં લોક લાડીલા મુખ્યમંત્રી કે જેઓ એક સારા કવિએ છે તેમની એક કવિતા ભાવનગરના કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં ભાવેણામાં ખીલેલા ફુલોની સાથે માણીએ અને વસંતને વધાવીએ.

અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

– નરેન્દ્ર મોદી


શબ્દ સૌજન્ય : મા ગુર્જરી


સ્વર સૌજન્ય: વિજયકુમાર દવેદોસ્તો,

આજે પોષી પુનમ. મારો જન્મ થયો તે તીથી પોષ મહિનાની પુર્ણીમા હતી. હું ત્રીજી દિકરી હતી. સ્વાભાવિક છે કે મા-બાપ દિકરો ઈચ્છતા હતા. અલબત્ત મારા આવવાથી તેઓ દુ:ખી નહોતા થયાં રાજી જ થયાં હતા. મને હંમેશા દિકરાની જેમ જ ઉછેરી છે. મને ય કોણ જાણે કેમ છોકરાઓના કામ કરવા જ વધારે ગમે. મારું ખોળીયું સ્ત્રીનું છે પણ ખુમારી જાણે પુરુષની હોય તેમ મને બહાદુરીભર્યા કાર્યો વધારે ગમે છે.


પોષી પૂનમ
કવિતા અવતરી
મા-બાપ રાજી


પોષી પૂનમ
બેની રમે કે જમે?
કહો ભઈલા૨૧ જુલાઈ ૧૯૯૬ મારા જીવનમાં નવો જ ઉત્સાહ અને ઉમંગ લાવ્યો કારણ કે તે દિવસે હું અને અતુલ જીવનસાથી બનવાનું પહેલું પગથીયું ચડ્યાં હતાં. આ દિવસો તો દરેકના જીવનના “ગોલ્ડન ડેઈઝ” હોય છે કારણ કે કોઈ જવાબદારી નહીં પણ એકબીજાને ઓળખવા, પ્રેમ પામવા અને અર્પણ કરવા તો આ દિવસો ઓછા પડે છે.

૧૨-૨-૧૯૯૭ અમારો લગ્ન-દિવસ. આદિવસે અમે લગ્ન-ગ્રંથિથી જોડાયા. સમાજની દૃષ્ટિએ સામાજિક જવાબદારી નિભાવવા અમે એક થયા. આપણી સમાજરચના કઈંક જુદી છે. સ્ત્રીને પરણીને સાસરે આવવાનું. જ્યાં તેણે બચપણથી યુવાનીના ૨૨-૨૫ વર્ષ વીતાવ્યા તે હવે તેનું ન રહેતા પારકું થાય છે અને જ્યાં ક્યારેય તે કોઈને મળી નથી, ઓળખતી પણ નથી પોતાનું કહી શકાય તેવું કાઈ જ ન હોવા છતાં તે સર્વ અપનાવે છે અને સાસરિયાના દરેકને તે પોતાના કરે છે. મેં પણ એવું જ કરેલું. મારા સાસુ-સસરા ખૂબ જ પ્રેમાળ હોવાથી આજ સુધી મને ક્યારેય પિયરની યાદ પણ આવવા દીધી નથી. જો કે મારું પિયર તો ગામમાં જ છે અને અમે દર અઠવાડિયે મમ્મી-પપ્પાને મળીએ છીએ પણ ખરાં.

૧૧-૧૨-૧૯૯૭માં ઈશ્વરે જેનો અવતાર ધારણ કર્યો છે તેવું માતૃત્વ મને મળ્યું. “આસ્થા” દ્વારા બસ, મારૂં જીવન જાણે વસંતનાં રંગોથી રંગાઈ ગયું. અને આસ્થાના રંગમાં સંગ આપનાર હંસે: પણ ૨-૧૦-૨૦૦૨માં રંગ બીખરાવ્યા. અને બસ, અમારા જીવનની સામાજિક જવાબદારી પૂર્ણ થતાં આધ્યાત્મિક દૌર શરૂ થયો. અને આજે પણ હું અને અતુલ “અમે” એકબીજા સાથે એટલા જ પ્રેમ, હૂંફ અને લાગણીથી રહીએ છીએ અને કાયમ રહીશું.

કવિતા

૧૨ ફેબ્રુઆરી અમારાં માટે મહત્વનો દિવસ છે. હું અને કવિતાં બંનેએ ’હું’ પણું ગુમાવ્યું અને “અમે” બન્યાં બરાબર ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭ – વસંત છઠ ના દિવસે. એક જ વર્ષ હજુ તો પુરુ નહોતું થયું અને અમારી વચ્ચે અમારા જીવનને નવ-પલ્લવિત કરવા માટે આસ્થા આવી ગઈ ૧૧ ડીસેમ્બર ૧૯૯૭ ના રોજ. ૧૯૯૬ અને ૯૭ ના વર્ષો અમારા માટે સીમાચિન્હરૂપ વર્ષો રહ્યાં. ૨૧મી જુલાઈ ૧૯૯૬ ના રોજ કવિતા મારી વાગદત્તા બની. ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭ ના રોજ અમે યુગલ બન્યા અને ૧૧મી ડીસેમ્બર ૧૯૯૭ ના રોજ અમારાં દાંપત્યજીવનની યશ-કલગી સમાન આસ્થાના માતા-પિતા બન્યાં.

૧૪ વર્ષમાં હું ઘણાં ઘણાં પાઠો શીખ્યો છું જે હું એકલો હોત તો કદીએ ન શીખી શક્યો હોત. સમૂહજીવન, જવાબદારી, સમાજ પ્રત્યેનું આપણું કર્તવ્ય, આપણે માત્ર લેનાર ભીખારી નથી પણ દેનાર દાતા તરીકેની ફરજો પણ અદા કરવાની છે તેનું ભાન. માતા-પિતા અને પત્નિ-સંતાનો વચ્ચે સુમેળભરી રીતે સંવાદિતા ટકાવવી અને આવી આવી તો અનેક બાબતો આ ૧૪ વર્ષમાં શીખ્યો. આ વર્ષોમાં વેપાર, પ્રવાસ, ટેકનોલોજી, માનવીય સંબધો અને કુટુંબજીવન વીશે અનેક નવા આયામો સર કર્યા – ઘણીએ વાર પછડાટો ખાધી, ક્યારેક નિરાશાની ઉંડી ગર્તામાં ડુબી ગયો તો ક્યારેક આનંદ અને ઉલ્હાસથી ભર્યુ ભર્યું જીવન હોય તેમ લાગ્યું. ૨જી ઓક્ટોબર ૨૦૦૨ ના રોજ અમારી સાથે એક નવો સભ્ય જોડાયો – હંસ:. હંસ:ના આગમને વળી પાછી જીવનની પધ્ધતિમાં થોડો બદલાવ આવ્યો. આસ્થાને ભાઈ મળ્યો, તેની એકલતા દૂર થઈ અને બહેન-ભાઈની આ જોડીએ “મધુવન” ને ગજવી મુક્યું.

આ પ્રસંગ માટે મેં લગભગ ૧૩ વર્ષોના ૧૩૨ ફોટોમાંથી એક ફોટો-વીડીયો બનાવ્યો છે. છેલ્લાં એક વર્ષથી તો તમારામાંથી ઘણાં ખરા અમને જાણો જ છો અને વળી તેના યાદગાર પ્રસંગો તો સમયે સમયે તમારી સમક્ષ મુકાતા રહ્યાં છે તેથી તમે માહિતગાર છો. આ વીડીયોની સાથે મારુ પ્રિય ગીત કે જે હું કવિતા અને ઠાકુર બંને માટે એક સરખા પ્રેમથી ગાવાનું પસંદ કરુ છૂં તે જોડેલ છે. અલબત્ત આ વીડીયો તો તમને માત્ર કવિતાની મંજુરી હશે તો જ જોવા મળશે કારણ કે તેમાં અમારા અંગત જીવનના પ્રસંગો છે. પણ હા, તમને નેટ પરથી આ ગીત જરૂર સંભળાવી શકું.

-અતુલ


[Youtube=http://www.youtube.com/watch?v=-yeHdylZuHg]


કવિતા

ફોટોગ્રાફ તારીખ : ૨૧ જુલાઈ ૧૯૯૬

ઈસ્વીસનનો પ્રથમ અને છેલ્લો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણકે આજના દિવસે મારી વ્હાલસોઈ કવિતાનો જન્મ થયો હતો. કવિતાથી હવે આપ સહુ પરિચિત જ હશો અરે આ બ્લોગ જ કવિતાનો છે. ૩૧/૧૨/૧૯૭૧ ના રાત્રે ૨ થી ૩ ની વચ્ચે કવિતાનો જન્મ થયો હતો. તેના ઘરે એટલે કે પીયરમાં હંમેશા તેઓ ૩૧મી ડીસેમ્બરે જ તેનો જન્મદિવસ ઉજવે છે. વૈદિક સંસ્કૃતિ પ્રમાણે ચોઘડીયા સુર્યોદયથી ગણાય એટલે એક રીતે તેમની વાત સાચી છે કે તીથી પ્રમાણે તેનો જન્મ ૩૧ ડીસેમ્બરે થયો ગણાય. પરંતુ અંગ્રેજી દિવસ રાત્રે ૧૨:૦૦ વાગ્યે પુરો થાય અને ત્યાર પછી નવો દિવસ ગણાય તેથી અમે “મધુવન” માં તેનો જન્મ-દિવસ ૧લી જાન્યુઆરીએ ઉજવીએ છીએ. આમ તેના બે બે જન્મ દિવસ ઉજવાય છે. વર્ષની આખરે અને વર્ષના પ્રારંભે. તેથી ૧૯૯૬થી મારા માટે ઈસ્વીસનનો છેલ્લો અને પ્રથમ દિવસ ઘણો જ મહત્વનો બની ગયો છે.

૨૦૧૦નું આ આખુયે વર્ષ અમારા કુટુંબ માટે એક અજીબોગરીબ વર્ષ બની રહ્યું. અમારા કુટુંબે આ વર્ષે અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી તો અનેક વખત કપરા મનોમંથનમાંથી પસાર થવાનું પણ બન્યું. દરેક સારી કે માઠી કોઈપણ પરિસ્થિતિ વખતે કવિતા મારી પડખે અર્ધાંગિની બનીને ઉભી રહી અને મને હુંફ, આશ્વાસન, ટેકો અને ઉત્સાહ આપ્યાં છે. અમારાં કુટુંબના પ્રત્યેક સભ્યનું અમારે મન આગવું મહત્વ છે પણ જો કવિતા મને ન મળી હોત તો મને સ્પષ્ટ પણે લાગે છે કે હું અધૂરો જ રહી ગયો હોત. મારા જીવનમાં તેનું મહ્ત્વ તે હોય ત્યારે નહીં પણ તે જ્યારે ન હોય ત્યારે વધારે સમજાય છે. પ્રત્યેક નાની મોટી બાબતોમાં તે કુટુંબના સભ્યોની સંભાળ લે છે, બાળકોના શિક્ષણનું કાર્ય હોય કે રસોઈ બનાવવાની હોય, ઘરકામ હોય કે બજારનું કામ હોય, ઘરમાં બધું વ્યવસ્થિત કરવાનું હોય કે કશેક પ્રવાસમાં જવાનું હોય ટુંકમાં કોઈ પણ પરિસ્થિતિ હોય તે તેના ઉત્સાહ અને કાર્યદક્ષતાથી દરેક કાર્યો સારી રીતે ઉકેલે છે. પોતે આનંદથી જીવે છે અને મને પણ આનંદથી જીવતા શીખવાડે છે.

ઘણીએ વખત તે અકળાય છે, મુંઝાય છે અને ક્યારેક કંટાળે પણ છે. તેવે વખતે હું તેને સાંત્વના અને હૂંફ આપુ છું. થોડા પ્રેમાળ શબ્દો કહું છું અને તેની મુંઝવણ, અકળામણ અને કંટાળો તરત જ અદૃશ્ય થાય છે અને ફરી પાછી તે હસતી-રમતી થઈ જાય છે.

આમ તો મને કાવ્ય કે ગઝલ કે એવું કશું રચતા આવડતું નથી પણ મારી “વ્હાલી કવિ” માટે મેં એક કાવ્ય રચ્યું છે જે મારા બ્લોગ પર અગાઉ પણ પ્રસિદ્ધ કરેલ છે તે આજે ફરી વખત અહીં આપની સમક્ષ રજૂ કરું છું.

હું એક પ્રસન્ન જીવંત કવિ છું, શું તમને ખબર છે?
મારી કવિતામાં શબ્દો નથી, શું તમને ખબર છે?
વળી તે મૌનના પડઘા નથી, શું તમને ખબર છે?
આ કવિતા મુજ કાનની રાધા, શું તમને ખબર છે?
તે જ રુક્ષ્મણી ને સત્યભામા, શું તમને ખબર છે?
હું રામ તો તે મારી સીતા, શું તમને ખબર છે?
બે બાળકોનો હું છુ પિતા, શું તમને ખબર છે?
બ્લોગજગતનો નાટકાચાર્ય, શું તમને ખબર છે?
ભિન્નબ્લોગે ભિન્ન અભિનય, શું તમને ખબર છે?
સાચું મારુ જીવન છે ન્યારું, શું તમને ખબર છે?
હંસ: ને આસ્થા સંતાનો અમારા, શું તમને ખબર છે?
મારી પત્નિ મારી કવિતા, શું તમને ખબર છે?
કવિતાનો કૃષ્ણ “અતુલ” છું, શું તમને ખબર છે?

આજે કવિતાને અમારા કુટુંબ તરફથી જન્મ-દિવસના ખૂબ ખૂબ અભિનંદન. અને હા, તમે પણ જો અભિનંદન આપવા માંગતા હો તો કોમેન્ટ બોક્ષ હાજર જ છે..


અતુલનું પ્રિય ગીત જે મને રીઝવવા માટે અવારનવાર ગાયા કરે છે તે આજે માણીએ…..


[Youtube=http://www.youtube.com/watch?v=eRCEjkhWTo8]


Happy Birthday to Atul
શતમ જીવો શરદ:


ફોટો તારીખ: ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭


જેની કોઈ સાથે તુલના ન થઈ શકે તેવા “અતુલ” નો આજે ૪૩મો જન્મદિવસ છે. સાચે જ એ એક એવી વ્યક્તિ છે કે જેની જોડ મળવી મુશ્કેલ છે. તેનો સ્વભાવ અંતર્મુખી, ઉચ્ચ બુદ્ધિમતા, નિર્મળ, પ્રેમાળ, ઓછાબોલા, ચતુર, ચાલાક, હોંશિયાર, ચપળ એવા તો કંઈક વિશેષણોથી નવાજી શકાય તેવા મારા અતુલજી આજે ૪૨ વર્ષ પૂરા કરે છે.

અતુલ પહેલેથી જ મનમૌજી અને મનમાં આવે તો કોઈ પણ કાર્ય તરત કરે અને ઈચ્છા ન હોય તો વારંવાર તેને કહેવા છતાં ધ્યાનમાં ન લે, પણ તેને સોંપેલું કાર્ય પુરુ કરે ખરા.

તેની એકાગ્રતા તો ગજબની, તેઓ કંઈ વાંચતા હોય કે કોઈ કામ કરતા હોય તો આજુબાજુનો તેમને ખ્યાલ સુદ્ધાં ન રહે.

આમ તો તેઓ રાજકોટ Post Diploma in Computer Technology નું ભણતાં ત્યારે નિયમિત શ્રી રામકૃષ્ણ આશ્રમ જાય. શ્રી રામકૃષ્ણ મિશનના નિ:સ્વાર્થ સેવા કાર્યો તથા ઉચ્ચ આધ્યાત્મિક વાતાવરણનો તેમની ઉપર ગાઢ પ્રભાવ પડ્યો અને વધુ ઉચ્ચ આધ્યાત્મિક્તા પ્રાપ્ત કરવા એક દિવસ તો ઘર છોડી ચાલ્યા પણ ગયા. પણ અમે સંસારથી બંધાયેલા, તે મને મૂકીને ક્યાં જવાના હતા? તેને મારા સાસુ-સસરા ઘરે પાછાં લઈ આવ્યાં.

થોડા વખત પછી કોમ્પ્યુટરના સોફ્ટવેર બનાવવાનું તથા તેને લગતી સેવાઓ આપવાનું કામ શરુ કર્યું. અને ત્યાર બાદ અમારા સહ-જીવનની શરૂઆત થઈ. ત્યારથી આજ સુધી તેઓએ મને ક્યારેય રોક ટોક કરી નથી. હંમેશા તેઓ મને મારા કામ કરવામાં પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેણે મને જીવનમાં એક સૂત્ર આપ્યું “હર હાલમેં ખુશ” અને આશીર્વાદ આપ્યા, “વૃક્ષ જેવા બનો” . આ બે સૂત્રોથી મારું જીવન ઘણું પલટાઈ ગયું અને વધારે ઉન્નત બને તેવા પ્રયત્નો કરી રહી છું.

હંમેશા તેઓ મારા પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. દરેક વાતમાં તેમના તરફથી સાથ-સહકાર મળી રહ્યાં છે અને મળતાં પણ રહેશે.

અને હા, તેને પુરણપોળી ખૂબ જ ભાવે છે, તેથી આજે તેના જન્મદિવસે પુરણપોળી અને બટેટાવડા બનાવશું. તો આપ સહુ પણ તેને અભિનંદન આપવા તથા પુરણપોળી અને બટેટાવડાનો પ્રસાદ લેવા જરૂર પધારશો.

આમ તો ઘણું લખવું છે, તેમના વિશે લખીએ એટલું ઓછું પણ આસ્થાનો સ્કુલ ટાઈમ થઈ ગયો છે, તેથી આજે આટલું જ..

પ્રભુ તેમનું જીવન વધુને વધુ ઉન્નત અને આધ્યાત્મિક બનાવે તેવી શુભેચ્છા.