ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: કલાપી

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(શાર્દૂલવિક્રીડિત)

મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(માલિની)

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(અનુષ્ટુપ)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(વસંતતિલકા)

ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(મંદાક્રાન્તા)

ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

(અનુષ્ટુપ)

‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીને અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(શાર્દૂલવિક્રીડિત)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(વસંતતિલકા)

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(અનુષ્ટુપ)

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.

(મંદાક્રાન્તા)

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

(અનુષ્ટુપ)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(વસંતતિલકા)

‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(શાર્દૂલવિક્રીડિત)

રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’

(ઉપજાતિ)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

(વસંતતિલકા)

– કલાપી


સૌજન્ય: Webમહેફિલ


ગ્રામમાતા અહીંથી પણ મળી શકશેપરિવર્તન સંસારનો નિયમ છે. અતુલ તેની જીવનશૈલિમાં જે રીતે સુખદ પરિવર્તન લાવી રહ્યાં છે તે જોઈને હું સાનંદાશ્ચર્ય અનુભવું છું. સવારમાં નરણે કોઠે આંબળા અને હળદરનું ચૂર્ણ લઈને – ગોમૂત્ર અર્કનું પાન કરીને તે પાછળ “દાદાની વાડી” માં ચાલ્યા જાય છે. સહુ પ્રથમ સન ગેઝીંગ એક્સરસાઈઝ કરીને તે પાંચ મીનીટ ખુલ્લા પગે ઘાસ પર ચાલે છે. ત્યાર બાદ ચપ્પલ પહેરીને (નાનપણથી જ ચપ્પલનો અભ્યાસ હોવાથી બુટ તેને નથી ફાવતાં) ચાલવાનું શરું કરી દે. દાદાની વાડીમાં તો જાત જાતના પક્ષીઓ સવારથી કલશોર શરુ કરી દે છે. કોયલ, ચકલી, કાગડો, દેવચકલી, બુલબુલ, કાબર, હોલો, કબુતર, કાગડકુંભાર એમ જાત જાતના અને ભાતભાતના પક્ષીઓ પોતાના કલબલાટથી વાતાવરણને ભર્યું ભર્યું બનાવી દે છે. ચાલવાનું પુરુ કરીને પછી છોડવાને પાણી પાવાનુ કાર્ય શરુ થાય. સરસ ફુલ ઉગેલા જુએ એટલે ખીસ્સાવગા મોબાઈલથી તરત જ છબી કંડારી લે. ત્યાર બાદ પ્રાણાયામ અને છેલ્લે વિશ્વશાંતિ માટે પ્રાર્થના. પપ્પાએ વાવેલા અનેકવિધ આંબાઓમાં અત્યારે તો મજાની નાની નાની કેરીઓ ઝુલે છે. અતુલ આ બધું એક આંખે જોતા જાય ને પપ્પાને સ્મરણાંજલી અર્પતા જાય. પક્ષીઓના ગાન પુરાં થયાં પછી તેઓ ચણવા અને પાણી પીવા આવે. અમે પક્ષીઓ માટે હંમેશા પાણી ભરી રાખીએ છીએ અને ચણ વેરી રાખીએ છીએ. ક્યારેક ડરીને ઉડી જતા પક્ષીઓને જોઈને અતુલના મુખેથી કલાપીની આ પંક્તિઓ સરી પડે – રે પંખીડા સુખથી ચણજો………..

https://madhuvan1205.files.wordpress.com/2011/03/kalarav_011.jpg

રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો’ દી’ તમ શરીરને કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે

રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો’ હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી