ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: ઉત્તમ

સ્વધર્મ શ્રેષ્ઠ
કર્તવ્યે પ્રાણ જાય
તે ય ઉત્તમ

ભયજનક
પરધર્મ કનિષ્ઠ
વિનાશકારી

સ્વધર્મ છે ઉત્તમ કહ્યો, પરધર્મ થકી ખાસ,
સ્વધર્મમાં મૃત્યું ભલું, પરધર્મ કરે નાશ.

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्‌ ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥

भावार्थ : अच्छी प्रकार आचरण में लाए हुए दूसरे के धर्म से गुण रहित भी अपना धर्म अति उत्तम है। अपने धर्म में तो मरना भी कल्याणकारक है और दूसरे का धर्म भय को देने वाला है ॥35॥

લડતાં ન આવડતું હોય તેવા એક સારા ચિત્રકારને સરહદે મોકલો તો તે શું ઉકાળશે? તે જ ચિત્રકાર તેની ખૂબીથી એવા એવા ચિત્રો દોરશે કે જે દુશ્મનોનું માનસ તોડી પાડવા સક્ષમ હોય. ગાયન કળાથી અજાણ એવી રસોઈ કળાની નીપૂણ વ્યક્તિને શ્રોતાઓ સમક્ષ ગીત ગાવાનું કહો તો શ્રોતાઓ બગાસા ખાય અથવા તો મારવા યે દોડે પણ તેની રસોઈ તે જ શ્રોતાઓને પીરસવામાં આવે તો તે આંગળા ચાટતા રહી જાય કે નહીં?

અહીં ધર્મ એટલે હિંદુ / મુસ્લીમ / શીખ / ઈસાઈ / પારસી / જૈન / બુદ્ધ કે તેવા કહેવાતા ધર્મોની વાત નથી. આ કહેવાતા ધર્મો અને સંપ્રદાયો તેના અનુયાયીઓને એક વિચાર સરણી કે એક પદ્ધતિ આપે છે જીવવા માટે અને પરમ તત્વની પ્રાપ્તિ માટે. જે વખતે આ વાત કહેવાઈ છે તે વખતે આવા કોઈ ધર્મો હતાં નહીં. ઉદાર ધર્મો પાસે અનેક પદ્ધતિ હશે શ્રેય પ્રાપ્ત કરવા માટે જ્યારે સંકુચિત ધર્મો પાસે એકાંગી પદ્ધતિઓ હશે. જેટલી વધારે પસંદગી તેટલી પોતાની પ્રકૃતિ અનુસાર કાર્ય કરવાની છૂટ વધારે.

સ્વ એટલે પ્રકૃતિ. પોતાની પ્રકૃતિ અનુસાર કર્તવ્ય કર્મો બજાવતા બજાવતાં પરમ તત્વ સુધી પહોંચવું તેને સ્વધર્મનું પાલન કરતાં કરતાં શ્રેય પ્રાપ્ત કર્યું કહેવાય.

વાલિયા લુંટારાને આત્મા-પરમાત્માની વાત કરે કે ધ્યાન/ધારણા/સમાધિ સમજાવે તો વાલિયાને શું સમજાય? તેને કહ્યું કે તું મરા મરા જપ્યાં કર. આમેય જડ બુદ્ધિ તો હતો, જેને તેને મારીને લુંટી લેતો. જડતાથી લાગી પડ્યો જપ કરવાં. વર્ષો સુધી એક સ્થળે બેસી રહ્યો, ધીરે ધીરે અંત:કરણ શુદ્ધ થયું એટલે તેમાં ચૈતન્ય પૂર્ણ રીતે પ્રકાશી શક્યું તો વાલિયો લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયાં. તેવી રીતે પોતાનું કાર્ય કરતાં કરતાં ચિત્તને ચૈતન્યમાં મગ્ન રાખનાર આસાનીથી તે પરમ સત્તા સુધી પહોંચી જાય છે. મોરારી બાપુને કથા કરવામાં રસ પડ્યો તો કથા કરતાં કરતાં એટલાં આગળ વધી ગયાં કે આજે દેશ વિદેશની ચેનલો તેમને ચમકાવે છે અને અનેક શ્રોતાઓ તેમની વાકધારા સાંભળીને રસ-તરબોળ થઈ જાય છે. જો તેમને રસ નહોતો પડતો તેવી ચીલા ચાલુ પઢાઈ કરતાં રહ્યાં હોત તો? તેનો અર્થ તેમ નથી કે જેમને પઢાઈમાં રસ હોય તેણે પઢાઇ છોડીને કથા કરવા માંડવું. મોરારી બાપુને પઢાઈનો વિરોધ કરવાની જરુર નથી કારણ કે જેમને માટે પઢાઇ જરુરી છે તેમનું શ્રેય પઢાઈથી જ થાય, કથાથી ન થાય. તેવી રીતે જેને જે કાર્યમાં રસ હોય અને ફાવટ હોય તે કાર્ય કરે તો સફળ થાય.

જે બાબતમાં રસ હોય જે પ્રકારની ઋચિ હોય તે પ્રકારનું કાર્ય ક્ષેત્ર હોય તો કાર્ય કરવાનોયે આનંદ આવે જ્યારે રસ ઋચિ વગર પરાણે કરવું પડતું કાર્ય તો એક પ્રકારની વેઠ જ છે.

શ્રી કૃષ્ણ અહીં તે વાત સમજાવે છે કે જે સહજ કર્મ છે તે કરતાં કરતાં ચિત્ત આસાનીથી તેમાં સફળ થશે અને સાથે સાથે કાર્ય કરવાનો આનંદ પણ આવશે. પરલોકની કલ્પના અને ચિંતનમાં આપણે આ લોકનો આનંદ પણ ગુમાવી બેસતાં હોઈએ છીએ. શ્રી કૃષ્ણ ક્યાંય આનંદના વિરોધી નથી ઉલટાના તેઓ આનંદ સ્વરુપ છે. જે લોકો આ લોકના સુખ સમૃદ્ધિ છોડીને પરલોકની સદગતી અર્થે આનંદના વિરોધી બની જઈને જાત જાતની ક્રીયાઓ અને સાધના કરવાનો ઉપદેશ આપે છે તે લોકો ધર્મને સમજ્યાં જ નથી.

પોતાનું કર્તવ્ય કર્મ કરતાં કરતાં મૃત્યું આવે તો યે અંત:કરણની યોગ્યતા જળવાઈ રહે છે તેથી આગળની યાત્રા બીજા શરીરમાં સરળતાથી થાય છે. જે લોકો કર્તવ્ય કર્મ કરતાં નથી અને પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ કર્મોમાં પ્રવૃત્ત થાય છે તેમને આ જન્મમાં યે મજા આવતી નથી, કાર્ય કરવાનો આનંદ આવતો નથી, અંત:કરણ પણ યોગ્યતા ગુમાવી બેસે છે અને પરીણામે અંત:કરણમાં અનેક વિધ સંસ્કારોના ગુંચવાડા ઉત્પન્ન થવાથી તેનું જીવન ડામાડોળ થઈ જાય છે.

પોતાની પ્રકૃતિ અનુસાર કર્તવ્ય કર્મ કરવા તેને સ્વધર્મે પ્રવૃત્ત થવું તેમ કહેવાય અને પ્રકૃતીથી વિરુદ્ધ કર્મ કરવું તે પરધર્મ અપનાવ્યો કહેવાય. પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ કરતાં કરતાં મૃત્યું થાય તો યે તે શ્રેયસ્કર હોય છે જ્યારે પ્રકૃતિથી વિરુદ્ધ કર્મ કરતાં આ લોકમાં યે ત્રાસ થાય છે તો આગળની યાત્રા વિપત્તિકર બની રહે તેમાં શું નવાઈ.

ટુંકમાં ગમતું કાર્ય ઈંદ્રિયોના વિષયના રાગ-દ્વેષથી બંધાયા વગર આનંદપૂર્વક કરવાથી સહજતાથી શ્રેયપ્રાપ્તિ થાય છે.

Advertisements

ઉત્તમ કર્મે
પ્રવૃત્ત રહી જ્ઞાની
પ્રેરણા અર્પે

અજ્ઞાનીમાં તે કદી શંકા જગવે ના,
કર્મ કરી ઉત્તમપણે પ્રેરે જનને હા !

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङि्गनाम्‌ ।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन्‌ ॥

भावार्थ : परमात्मा के स्वरूप में अटल स्थित हुए ज्ञानी पुरुष को चाहिए कि वह शास्त्रविहित कर्मों में आसक्ति वाले अज्ञानियों की बुद्धि में भ्रम अर्थात कर्मों में अश्रद्धा उत्पन्न न करे, किन्तु स्वयं शास्त्रविहित समस्त कर्म भलीभाँति करता हुआ उनसे भी वैसे ही करवाए ॥26॥

ગાંધીજી, વિનોબા ભાવે વગેરે સત્યાગ્રહીઓ શ્રીમદ ભગવદ ગીતાને સારી રીતે સમજતાં હતા અને તેના જ્ઞાનને આચરણમાં મુકીને જીવતાં હતાં. તેઓએ પ્રાપ્ત કરેલ આ જ્ઞાન તેમના આચરણ દ્વારા લોકોને શીખવાડતાં હતાં. બુદ્ધને તીવ્ર વૈરાગ્ય થયો, વળી પૂર્વજન્મની અનેક તપસ્યાઓને લીધે રાજ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં તેમને રાજ પાટ ખારા લાગ્યાં અને સર્વોચ્ચની પ્રાપ્તિ અર્થે સઘળું છોડીને ચાલતાં થયાં. જ્ઞાન થયાં પછી પ્રાપ્ત થયેલ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા લાગ્યાં. તેમનું જ્ઞાન જીજ્ઞાસુઓ પુરતું રહ્યું હોત અને લોકોને ઘરે રહીને કેમ સાધના કરવી તે શીખવાડ્યું હોત તો સારું થાત પણ તેમણે તો લોકોને ત્યાગ શ્રેષ્ઠ છે તેમ સમજાવીને અયોગ્ય વ્યક્તિઓને ય સાધુ અને સાધ્વી તરીકે દિક્ષા આપવા લાગ્યાં. તેમના જીવન કાળ સુધી તો આ સાધુ સાધ્વિઓ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વના સાનિધ્યમાં સાધન ભજન રત રહી શક્યાં. જેવા તેઓ ગયાં કે ધીરે ધીરે સાધન ભજનમાં શીથીલતાં આવતી ગઈ અને યુવા સાધુ સાધ્વિની અંદર રહેલી કામનાઓ જાગ્રત થઈ અને ભયંકર વામાચાર ફેલાવા લાગ્યો. બૌધ્ધ ગુફાઓ અને મંદિરોમાં આજે ય પ્રતિમાઓની અંગ ભંગી આ બધી બાબતોનો ઈતિહાસ આપણી નજર સમક્ષ જીવંત કરતી ઉભી છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે જ્ઞાન માર્ગના અને ઉચ્ચ આધ્યાત્મિક કલ્યાણના શ્રેય માર્ગના સઘળા લોકો અધીકારી નથી હોતા. જેઓ અધીકારી ન હોય તેમને અધીકાર વગર જો જ્ઞાનનો ઉપદેશ આપવામાં આવે અને તેમના રોજીંદા કર્મો છોડાવી દેવામાં આવે તો તેઓ ન તો શ્રેયના રહે કે ન તો પ્રેયના. તેથી જ્ઞાનીઓએ પણ અજ્ઞાનીઓની જેમ જ સહજ કર્મ ઉત્તમ પણે કરતાં રહીને કર્મો કરવાની પ્રેરણા આપવી હિતાવહ છે. શ્રેય માટે કર્મો ક્યાંય બાધક નથી તેથી જેઓ અજ્ઞાની છે તેમના કર્મો ન છુટી જાય તે માટે પ્રેરણા આપવા યે જ્ઞાનીઓએ ઉત્તમ કર્મો કરવા જોઈએ.


ગુણવાનને
આદર્શ માની લોકો
અનુસરતા

ઉત્તમ જન જે જે કરે તે બીજા કરતા,
પ્રમાણ તેનું માનતા લોકો અનુસરતા.

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥

भावार्थ : श्रेष्ठ पुरुष जो-जो आचरण करता है, अन्य पुरुष भी वैसा-वैसा ही आचरण करते हैं। वह जो कुछ प्रमाण कर देता है, समस्त मनुष्य-समुदाय उसी के अनुसार बरतने लग जाता है (यहाँ क्रिया में एकवचन है, परन्तु ‘लोक’ शब्द समुदायवाचक होने से भाषा में बहुवचन की क्रिया लिखी गई है।) ॥21॥

ઉત્તમ લોકો જે કાર્ય કરે છે તેને પ્રમાણ ગણીને લોકો તેને અનુસરતાં હોય છે. શ્રી રામે એક પત્નિવ્રતનો તથા મર્યાદાનો આદર્શ આપ્યો. જેઓ શ્રી રામને આદર્શ માને છે તેઓ તે પ્રમાણેનું જીવન બનાવવા પ્રયાસ કરે છે. શ્રી કૃષ્ણએ પ્રેમનો આદર્શ આપ્યો. જીવ માત્રને કેમ ચાહવા અને સાથે સાથે તેમને કર્તવ્ય કર્મો કરવા પ્રેરીને ઉન્નત કેમ બનાવવા તેનો આદર્શ તેઓએ આપ્યો. ભોળાનાથ શંભુ ભોળપણ માટે નહીં પણ જ્ઞાન માટે આદર્શરુપ છે. દરેક યુગમાં મહાન વ્યક્તિઓ જન્મી છે અને તેમણે સાંપ્રત અવ્યવસ્થાને સરખી કરીને ફરી પાછા જીવોને ઉત્ક્રાંતીમાં આગળ ધપાવ્યા છે.

ડો. હનેમાને હોમીયોપથી ચિકિત્સાપદ્ધતિ વિકસાવી અને દર્દ રહિત સારવાર શોધી કાઢી તો હોમીયોપથી માટે ડો. હનેમાન આદર્શ બની ગયાં. ન્યુટન, આઈનસ્ટાઈન, ડો.હોમી ભાભા, ડો.વિક્રમ સારાભાઈ, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અને અનેક વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક અભીગમ ધરાવનારા લોકો માટે આદર્શ છે. તેવી રીતે દરેક ક્ષેત્રમાં જુદા જુદા લોકો આદર્શ હોય છે. આ આદર્શને નજર સમક્ષ રાખીને લોકો પોતાનું જીવન ઘડતા હોય છે.

કર્મયોગનો મહિમા વર્ણવતા શ્રી કૃષ્ણ અહીં અર્જુનને સમજાવે છે કે તું આદર્શ લડવૈયો છો, તારા દાખલા આજે સમગ્ર ભારવર્ષમાં ઉત્તમ યોદ્ધા તરીકે થાય છે. સાધુપણાનો તને કશો અનુભવ નથી. તું તારા કાર્યક્ષેત્રમાં કાર્ય કર તો સફળ થઈશ પણ બીજાના કાર્યક્ષેત્રમાં ચંચૂપાત કરવા જઈશ તો નહીં અહીંનો રહે કે નહીં ત્યાંનો.

દરેક વ્યક્તિએ જીવનમાં પોતાના રસ,રુચી,કાર્યક્ષેત્ર પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. ધર્મક્ષેત્રે જે આદર્શ હોય તે વિજ્ઞાનને માટે ન હોય તેવી રીતે વિજ્ઞાન ક્ષેત્રે જે આદર્શ હોય તે ધર્મક્ષેત્રે ન હોય. કોઈ સાધુ અમીતાભ બચ્ચનને આદર્શ બનાવે તો તે નીષ્ફળ જશે તેણે તો બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય કે પછી પોતાના ક્ષેત્રના મહાપુરુષને આદર્શ બનાવવા જોઈએ તે રીતે ફીલ્મના કલાકારો બુદ્ધ,મહાવીર કે શંકરાચાર્યને આદર્શ બનાવે તો તે નીષ્ફળ જવાના.

ટુંકમાં ઉત્તમ લોકો જે કાર્ય કરે છે તેને તે ક્ષેત્રમાં કાર્ય કરનારા અન્ય લોકો આદર્શ માનીને જીવન ઘડતર કરે છે, તેથી દરેક વ્યક્તિએ પોતાને જે ક્ષેત્રમાં રસ,રુચી હોય તેવા મહાપુરુષોને આદર્શ બનાવવા જોઈએ.