ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Tag Archives: અતૃપ્ત

જ્ઞાનાવૃતક
અતૃપ્ત કામ અગ્નિ
જ્ઞાનીનો રિપુ

અતૃપ્ત અગ્નિ કામનો જ્ઞાનીનો રિપુ છે,
ઢાંકી દે છે જ્ઞાનને અગ્નિ સાચે તે.

आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥

भावार्थ : और हे अर्जुन! इस अग्नि के समान कभी न पूर्ण होने वाले काम रूप ज्ञानियों के नित्य वैरी द्वारा मनुष्य का ज्ञान ढँका हुआ है ॥39॥

શાસ્ત્રની મદદથી જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવો શાસ્ત્રનો જાણનાર જ્ઞાની કહેવાય છે. આવો જ્ઞાની જાણતો હોય છે કે કર્મો સઘળાં પ્રકૃતિમાં થાય છે અને પોતાનું સ્વરુપ ચૈતન્યરુપ છે જેમાં કોઈ કર્મો થતાં નથી. જ્યાં સુધી માત્ર શાસ્ત્રનું જ્ઞાન છે પણ સમાધી દ્વારા પોતાના સ્વરુપનો સાક્ષાત્કાર કર્યો નથી ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાની હોય કે અજ્ઞાની હોય બંનેની અંદર કામનાઓ તો રહેલી જ હોય છે. શાસ્ત્રજ્ઞાની સમજે છે કે આ કામનાઓ તેને શ્રેયની પ્રાપ્તિમાં બાધક છે જ્યારે અજ્ઞાનીને માટે તો કામનાપૂર્તી એટલે કે વિષયાનંદ જ સાધ્ય હોય છે. જાણતો હોવા છતાં કે કામનાઓ બંધનકારક છે છતાં જો શાસ્ત્રજ્ઞાની સાવધાન ન રહે તો આ કામનાઓ તેને વિષયોમાં ખેંચી જાય છે. પરીણામે તેનું શ્રેય માર્ગેથી પતન થાય છે.

કામને અગ્નિ કહેવાનું તાત્પર્ય તે છે કે જેવી રીતે અગ્નિની અંદર લાકડા અને અગ્નિ પોષક દ્રવ્યો હોમતા જઈએ તેમ તેમ અગ્નિ શાંત થવાને બદલે વધુને વધુ પ્રજ્વલિત થતો જાય છે. તેવી રીતે કામનાઓની પૂર્તિ કરવાથી આ કામાગ્નિ શાંત નથી થતો પણ ઉલટાનો વધુ ને વધુ વિષય ભોગવવાની લાલસા કરે છે.

શંકરાચાર્યજી મહારાજ કહે છે કે :

ન પ્રમાદાદ અનર્થોન્ય જ્ઞાનીન: સ્વસ્વરુપત:
તતો મોહ તતો હં ધી તતો બંધ: તતો વ્યથા.

જ્ઞાનીઓએ પોતાના સ્વ સ્વરુપનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવામાં પ્રમાદ ન કરવો જોઈએ. જો તે પ્રમાદથી ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવાનું છોડી દેશે તો તરત જ તેને વિષયોમાં મોહ થશે. પરીણામે તેનો અહંકાર જાગૃત થઈને કર્તાભાવે વિષય પ્રાપ્તિ માટે કર્મો કરશે, બુદ્ધિ ચંચળ બનશે, તેનાથી વિષયાર્થે સકામ કર્મો થશે, જેનું કર્માશય બંધાતા ફરી પાછું બંધન થશે અને બંધનને પરીણામે વ્યથા થશે.

આમ જે માત્ર શાસ્ત્રજ્ઞાની છે પણ જેણે ચિંતન, મનન અને નિદિધ્યાસનના પરીપાક રુપે સહજાવસ્થા પ્રાપ્ત કરી નથી તેવા જ્ઞાનીની અતૃપ્ત કામનાઓ તેને વિષયોમાં પ્રવૃત્ત કરાવીને શત્રુ માફક વર્તીને બંધન રુપ બને છે.

Advertisements