ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !


નાનપણમાં ભણવામાં આવતી આ કવિતા વાંચીને આજે ય તેટલી જ પ્રસન્નતા થાય છે.


આ કાવ્યનો લયસ્તરો પર રસાસ્વાદ માણવા નીચેની લિંક પર ક્લિક કરશો :
સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)
સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)


મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ વીશે જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરશો :
મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


મીત્રો,

ગંગાસતી એક ઉચ્ચ કોટીના સંત થઈ ગયાં તેમના પદોમાં ઉંડુ અધ્યાત્મ વણાયેલું છે. સમયાંતરે આપણે તેમના પદો અવલોકશું. તેમનું પદ વાંચીને આપ શું સમજ્યાં તે પ્રતિભાવ તરીકે જરુર લખી શકો.


જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભૈ રહે મનમાં ;
ત્યાં લગી ભગતી નૈ થાય.

શીશ પડે વાંકો ધડ પડે પાનબાઈ ;
સોઈ મરજીવા કહેવાય – જ્યાં લગી

ભાઈ રે ! પોતાનું શરીર માને નહિ મનમાં ;
શરીરના ધણી જોને મટી જાય – જ્યાં લગી

સદગુરુ ચરણમાં શીશ નમાવે ;
ત્યારે પૂરણ નિજારી કહેવાય – જ્યાં લગી

ભાઈ રે ! નવધા ભગતીમાં નિરમળ રહેવું ;
મેલી દેવી મનની તાણાતાણ – જ્યાં લગી

પક્ષાપક્ષી નહિ હરિના દેશમાં ;
એનું નામ પદની ઓળખાણ – જ્યાં લગી

ભાઈ રે ! અટપટો ખેલ ઝટપટ સમજાઈ નૈ ;
એ તો જાણવા જેવી છે જાણ – જ્યાં લગી

ગંગાસતી એમ બોલિયા રે ;
ત્યારે મટી જાય ચારે ખાણ – જ્યાં લગી


ગંગાસતીના ભજનો આપ નીચેની લિન્ક પરથી ડાઉન લોડ કરી શકશો

http://aksharnaad.com/downloads/


ગંગાસતીના ભજનો સાંભળવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો:
ગંગાસતીના ભજનોPosted By : Atul

મિત્રો,

હું સાહિત્યનો જીવ નથી. અધ્યાત્મ મારો પ્રિય વિષય છે. જો કે મને સાહિત્ય અને અન્ય સર્વ માધ્યમોથી અધ્યાત્મની સર્વોચ્ચ અનુભૂતી તરફ જવું ગમે છે. એક નવી રચના કરી છે. તે કાવ્ય નથી અને ગઝલ પણ નથી. હું માત્ર તેને એક રચના કહીશ. તેમાં રદીફ છે, કાફીયા છે અને છતાં છંદ બંધારણ નથી. આજે માણો મારી એક કૃતી :-

અને હા, આપના પ્રતિભાવો આપવાનું ભુલશો નહીં.


ઘડુલે પાણીનો રવ સુણી શબ્દવેધી
તાકીને તીર માર્યું

વનમાં મુક્તપણે વિહરતાં મૃગલાને
હાંકીને તીર માર્યું

બારીમાંથી આકાશે ઉડતા વિહંગને
ઝાંખીને તીર માર્યું

આગ્રહ કરીને પ્રેમ મદિરા પાનાર
સાકીને તીર માર્યુ

બ્રહ્મ સત્ય જગત મિથ્યા સમજી ’આગંતુક’
ભ્રાંતીને તીર માર્યુ


ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(શાર્દૂલવિક્રીડિત)

મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(માલિની)

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(અનુષ્ટુપ)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(વસંતતિલકા)

ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(મંદાક્રાન્તા)

ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

(અનુષ્ટુપ)

‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીને અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(શાર્દૂલવિક્રીડિત)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(વસંતતિલકા)

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(અનુષ્ટુપ)

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.

(મંદાક્રાન્તા)

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

(અનુષ્ટુપ)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(વસંતતિલકા)

‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(શાર્દૂલવિક્રીડિત)

રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’

(ઉપજાતિ)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

(વસંતતિલકા)

– કલાપી


સૌજન્ય: Webમહેફિલ


ગ્રામમાતા અહીંથી પણ મળી શકશેમીરા બાઈ ભક્ત હતા. નંદલાલાના પ્રેમમાં એટલા બધાં પાગલ હતા કે સગા વહાલા અને કુટુંબીઓને છોડી દેવા પડ્યાં તો યે ઈશ્વરને ન છોડ્યાં. તેવું કહેવાય છે કે તેમનું પાર્થિવ શરીર મૃત્યું પછી પ્રાપ્ત ન થયું અને તેઓ સદેહે શ્રી કૃષ્ણની મુર્તિમાં સમાઈ ગયાં. તેમના જીવન વિશે આપણે ઈતિહાસકારોને સંશોધન કરવા દઈએ. જેઓ પ્રભુના દિવાના છે તેમને મીરા બાઈ એક સુંદર વાત આ ભજનમાં કહે છે કે : પ્રભુ મેળવવા હોય તો સાધન, ભજન અને ઈશ્વર પ્રતિ પ્રેમ અને પ્રિત હોવા ખુબ જરુરી છે. તો આજે માણીએ મીરા બાઈનું આ ભજન.


સાધન કરના ચાહિયે મનવા
ભજન કરના ચાહિ
પ્રેમ લગાના ચાહિરે મનવા
પ્રીત કરના ચાહિ (ધૃવ)

નિત નાવન સે હરિ મિલે
તો જલ જંતુ હોય,
ફલમૂલ ખા કે હરિ મિલે
તો બાદૂર બાંદરાય.

તુલસી પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂ તુલસી ઝાડ,
પત્થર પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂં પહાડ.

તિરણ ભખન સે હરિ મિલે
તો બહુત મૃગી અજા,
સ્ત્રી છોડન સે હરિ મિલે
તો બહુત રહે હૈં ખોજા.

દૂધ પીને સે હરિ મિલે
તો બહુત વત્સ બાલા
’મીરાં’ કહે બિના પ્રેમ સે
નહીં મિલે નંદલાલા.


દોસ્તો,

આજે વસંત પંચમી. મા સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. આજે આપણે મા શારદા / સરસ્વતીને પ્રાર્થીએ કે અમારા અજ્ઞાનરુપી અંધારા દૂર થાય અને અમારા અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ ફેલાય. બે મહિના હવે વસંત મ્હોરી ઉઠશે તો ચાલો આજે આપણે આપણાં લોક લાડીલા મુખ્યમંત્રી કે જેઓ એક સારા કવિએ છે તેમની એક કવિતા ભાવનગરના કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં ભાવેણામાં ખીલેલા ફુલોની સાથે માણીએ અને વસંતને વધાવીએ.

અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

– નરેન્દ્ર મોદી


શબ્દ સૌજન્ય : મા ગુર્જરી


સ્વર સૌજન્ય: વિજયકુમાર દવેPosted By: Atul

મીત્રો,

ભાવનગરમાં સૂરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત અથવા તો રામદાસ આશ્રમમાં કે શ્રી ઝીણારામ બાપુની જગ્યામાં કે કોઈ સત્સંગ વખતે શ્રી પલ્લવીબહેન મહેતા આ રચના ક્યારેક ગાતા હતા. તેની એક કડી યાદ છે. બાકીની કડી કોઈને ખબર હોય તો કહેજો. વાસ્તવમાં આત્મામાં દ્વૈત સંભવતું નથી. ઈશ્વરને એકલા એકલાં ગમતું નહોતુ તેથી તેમણે સંકલ્પ કર્યો કે :

એકોહં બહુ સ્યામ |

હું એકલો છું અનેક રુપે આવિર્ભાવ પામું. તેમણે પ્રકૃતિનો આધાર લઈને જીવ અને જગતની રચના કરી. હવે આ રચનામાં જીવો બરાબરના મશગુલ બની ગયાં છે. કોઈ કોઈ જ્યારે આ રમત / નાટક / સ્પર્ધા / મારામારી વગેરેથી કંટાળે ત્યારે ફરી પાછો પોતાના આત્મ સ્વરુપની ખોજ શરુ કરે અને છેવટે જ્ઞાન / ધ્યાન ની પરમોચ્ચ અવસ્થાએ અનુભવે છે કે હું પહેલા એ એકલો હતો / અત્યારે ય એકલો છું અને ભવિષ્યમાં યે એકલો જ રહેવાનો છું. આ ભીન્ન ભીન્ન દેખાતા અનેક સ્વરુપો તો મારા પ્રતિબિંબ માત્ર છે અને આ સર્વમાં અનેક રુપે માત્ર હું એકલો જ વિલસી રહ્યો છું. 🙂

નરસૈયો કહે છે ને કે :

જાગીને જોઉ તો જગત દીસે નહીં
ઉંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદૃપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે

આપણે જોઈએ મને ગમતી તે રચનાનો થોડો અંશ :


આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો

કોણે તને આ જીવન પથ પર આજ સુધી રોકેલો?
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો હોતું નક્કી કાઈં નથી
લાખ મળે શિરપાવ ભલે તો યે તારી રાખની કિંમત કાંઈ નથી
ઓળખી લે તારા આતમને – એકાંતે તું એકલો

આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો