ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: બાળ વાર્તા

દોસ્તો,
આસ્થાએ કાવ્ય લખ્યું તો હંસ:ને થયું કે હું કેમ લખવાના વા થી રહી જાઉ. તેણે એક વાર્તા લખી. આ બાળકની વાર્તા છે તેથી તેવી રીતે મૂલવણી કરીને તેણે કેવું લખ્યું છે તે જરુરથી જણાવજો.

દોસ્તો,

ગઈ કાલે અતુલ રાત્રે સુતી વખતે બાળકોને ગિજુભાઈની વાર્તા વાંચી સંભળાવતા હતા. હંસ: વચ્ચે વચ્ચે આવતા તળપદી શબ્દોનો અર્થ પુછતો જાય એટલે તેનું ભાષા ભંડોળ સાથે સાથે વધે. આસ્થા કહે કે પપ્પા એટલા બધા સ્પષ્ટ ઉચ્ચારો કરે છે કે સાંભળ્યા જ કરીએ. ગઈ કાલે તેણે વાત કહેવાય તેવી નથી વાર્તા કહી તે સાંભળીને તો હસી હસીને પેટમાં દુ:ખી ગયું. ગિજુભાઈનું પાત્રાલેખન અજબ હોય છે. આ વાર્તામાં તેમણે લખડા ગાંડાનું પાત્રાલેખન કર્યું છે. અને છેવટે એક પ્રશ્ન પુછ્યો છે – જે આપણને વિચારતા કરી દે છે.ઘણી વખત એક આઘાતજનક બનાવ બન્યાં બાદ આખે આખું ઘર કે કુટુંબ તબાહ થઈ જતું હોય છે. તેથી આવા પ્રસંગે કુટુંબ કે ઘરમાં કોઈ સમજદાર વ્યક્તિ હોય તો મુશ્કેલીમાંથી રસ્તો શોધી શકે છે પરંતુ ઘરમાં કોઈ કોઠાસૂઝ વાળું ન હોય તો પડે છે ત્યારે બધું જ પડે છે તેવો ઘાટ સર્જાય છે. એક આખે આખું કુટુંબ કેવી રીતે નષ્ટ થઈ જાય અને તે સીધે સીધો આઘાત ન લાગે તેમ કહેવાની રંગલાની અદા પણ કાબીલે દાદ છે. ગિજુભાઈની વાર્તાઓ બાળકો માટેની હોવા છતાં અબાલ-વૃદ્ધ સહુને માટે પ્રસ્તુત છે.

હમણાં આ બાળવાર્તાઓ શા માટે પીરસવામાં આવે છે? એક – બે દિવસમાં ઘટસ્ફોટ કરવામાં આવશે – ત્યાં સુધી તો બાળકની જેમ બાળક બનીને આ વાર્તાઓને માણીએ – દોસ્તો – જીવન થોડું લડાઈ ઝગડા કરવા માટે છે? – ક્યારેક રમતાં રમતાં પડી જવાની પણ મજા છે ને?

કોઈની વાત ચકાસ્યા વગર માની લઈને તે પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો કેવા પરિણામ આવે તેનું આલેખન કરતી સરળ શૈલિમાં જ્ઞાન સાથે ગમ્મત આપતી આ બાળવાર્તા સહ બોધવાર્તા માણવાની જરૂર મજા આવશે. હવે તો આપણા બ્લોગ પરિવારમાં ચારે બાજુ બાળકો દેખાય છે – કેટલાંક તો તેડીને પણ ફરતાં થયાં છે. તો સહુ બાળકોને આ વાર્તા વાંચવા લઈ આવશો ને?મુંછાળી મા – તરીકે જાણીતા શ્રી ગિજુભાઈ બધેકાથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. તેઓ એ સૂત્ર આપેલું “બાળ દેવો ભવ:”. બાળકોને રમતાં રમતાં, વાર્તા કહેતા કહેતા અને જ્ઞાન સાથે ગમ્મત પુરી પાડતાં પાડતાં ખુબ ઝડપથી બાળકોનો વિકાસ સાહજીક રીતે કરી શકાય છે. બાળકોને શિખામણ, વઢામણ કે કહેવાતા લાડ પ્યારની જરૂર નથી હોતી – પણ તેમની સાથે રમે, વાતો કરે, વાર્તા કરે, ગીત ગાય, નાચે, કુદે તેવા માતા-પિતા પસંદ હોય છે આ વાત તેઓ સારી રીતે જાણતાં. તેમની વાર્તા બાળકો ખૂબ પસંદ કરે છે – કારણ કે તે બાળકો માટે – બાળમાનસને સારી રીતે સમજનાર દ્વારા લખાયેલ છે. આવી એક વાર્તા આજે આપણે માણશુંને?