ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: પ્રવાસ/હરવું ફરવું/વિહાર/વિચરણ

દોસ્તો,

મારા નાનીમા અને માસી પૂના રહેતા હતા તેથી હું તો નાનપણમાં પૂના ઘણું રહી છું. મારી ઈચ્છા એક વખત અતુલને પૂના ફરવા લઈ જવાની હતી તે આ વર્ષે પુરી થઈ. મારા માસીના ઘરથી પૂણેના પ્રસિદ્ધ ગણપતિ દગડું શેઠનું મંદિર સાવ ચાલીને જવાય તેટલું નજીક છે. એવું કહેવાય છે કે શ્રદ્ધા પૂર્વકની ભાવનાઓને પૂર્ણ કરવાનું શ્રી દગડું શેઠ સામર્થ્ય પુરુ પાડે છે.


રાગદ્વેષને છોડતાં વિષયો સેવે જે,
સંયમને સાધી સદા પ્રસાદ પામે તે

તે પ્રસન્નતાથી થતો સર્વ દુ:ખનો નાશ,
પ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતા વાસ.

સમુદ્ર પાણીથી બને ના કદી અશાંત,
તેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત.

તે જ શાંતિને મેળવે, તૃષ્ણાના જેને,
અહંકાર મમતા તજે, શાન્તિ મળે તેને.

બ્રાહ્મી સ્થિતિ આ મેળવી મોહિત ના કદી થાય,
મરણ સમે તેમાં રહ્યે મુક્તિ મારગ જાય.


આ ગણેશોત્સવ નીમીત્તે શ્રી દગડું શેઠને પ્રાર્થના કરીએ કે આપણા સહુની મનોકામના પૂર્ણ થાય અને સહુના જીવનમાં પ્રસન્નતા છલકાતી રહે.



દોસ્તો,

આમ તો અમે અષ્ટ વિનાયક ઉપરાંત સિંહગઢ, ખંડાલા, તિરુપતિ બાલાજીની પ્રતિમુર્તી જેવા તીર્થધામમાં, મહાબળેશ્વર, પંચગીની, ભીમાશંકર જ્યોતિર્લિંગ, પંઢરપુર વગેરે સ્થળોએ પણ ગયા હતાં. તે બધાની વાત ક્યારેક અનુકુળતાએ કરશું.

આજે અષ્ટ વિનાયક પૈકીના છેલ્લા વિનાયક શ્રી બલ્લાલેશ્વરના દર્શન કરીને ભાવ ભરેલી લાગણીથી તરબતર થઈએ.



દોસ્તો,

સાતમા ક્રમે અમે મહડ ગામે શ્રી વરદ વિનાયકના દર્શન કરેલા. આજે પુન: દર્શન કરીને શ્રી ગણેશાય નમ: મંત્રથી અભીમંત્રીત થઈએ.


વરદ વિનાયક (મહડ)

વરદ વિનાયક (મહડ)


દોસ્તો,

બીજા દિવસથી મારી ઉપર એક વધારે જવાબદારી આવી – અતુલને નવરાવવાની. અત્યાર સુધી હું ભગવાનને ભાવ-પૂર્વક નવરાવતી પરંતુ પતિ એ જ પરમેશ્વર તેવા ભાવ સાથે નવરાવતી વખતે ખરેખર મને એવો ભાવ થતો કે હું ઈશ્વરને સ્નાન કરાવી રહી છું. આજે અમારે જે ગણપતિના દર્શન કરવાના હતા તે ખાસ્સા ઉંચાઈ પર આવેલ ટેકરીની અંદર કોતરી કાઢેલી ગુફામાં બીરાજે છે. અતુલનો પગ થોડો ખોડંગાતો હતો તેથી તેને એક લાકડી પકડાવી. જો કે તે ધીરે ધીરે પણ મક્કમતાથી પગથીયા ચડી ગયા અને ગુફામાં બીરાજેલ ગીરીજાત્મક ગણપતિના દર્શન કરી શક્યાં. રસ્તામાં વાંદરાઓનું ધ્યાન રાખવું પડે. મારા જીજાજી મયુરભાઈ વચ્ચે પોરો ખાવા બેઠા તો એક નાનકડું વાંદરાનું બચ્ચુ તેમના ખભા પર ચડી ગયું અને ખીસામાંથી ચશ્માનું કવર લઈને ભાગી ગયું. મહા મહેનતે તેની પાસેથી પાછું મેળવ્યું. હાથમાં રહેલો નાસ્તો, કેમેરો, મોબાઈલ કોઈ પણ વસ્તુ આ વાનરોના ટોળાઓ ઝુંટવી જાય અને તમે જોતા જ રહી જાવ.

આ આખીએ યાત્રાના ઘણાં બધા ફોટોગ્રાફ્સ લીધેલાં છે તે વળી ક્યારેક દર્શાવશું અત્યારે તો આપણે શ્રી ગીરીજાત્મક ગણપતિ ના દર્શન કરીને અભીભૂત થઈએ.


ગીરીજાત્મક ગણપતિ (લેણ્યાદ્રી)

ગીરીજાત્મક ગણપતિ (લેણ્યાદ્રી)



દોસ્તો,

પાંચમાં ક્રમે અમે ઓઝરમાં વિઘ્નેશ્વર ગણપતિના દર્શન કરેલાં. વિઘ્નેશ્વર ગણપતિ અને ઓઝર અમને હંમેશા યાદ રહેશે. દર્શન કર્યા બાદ ભોજન મેં અને અતુલે થોડું વહેલા પતાવી લીધેલું તેથી થયું કે ઓઝરમાં નદી કીનારે લટાર મારવા જઈએ. રાત થઈ ગઈ હતી. એક આંખે અતુલને દેખાય નહીં અને બંને આંખનું બેલેન્સીંગ ન થવાથી રાત્રે તો ખૂબ મુશ્કેલી પડે. હંમેશા રાત્રે તો મારે તેનો હાથ પકડીને ચાલવું પડે. નદી કિનારે ગયા તો અતુલને લઘુશંકા માટે જવાની જરૂર ઉભી થઈ. તેથી એક ખૂણામાં એક ઓરડા જેવું હતું તેની પાસે તે લઘુશંકા માટે ગયાં. હું તેનું ધ્યાન રાખતી થોડે દૂર ઉભી હતી. એકા એક તેનો વિચાર બદલાયો અને તે મકાનની પાછળ થોડા દૂર ગયાં. હું ભુલી ગઈ કે તેમને બરાબર દેખાતું નથી. થોડી વારે તેનો મને સાદ કરતો અવાજ સંભળાયો. હું હાંફળી ફાંફળી તેની પાસે પહોંચી તો તે એક પાંચેક ફુટ ઉંડા ખાડાની બહાર એક હાથ બીજા હાથે પકડીને પીડાથી કણસતા હતા. અંધારામાં તેમને ખાડો દેખાયો નહીં અને પટકાયા ખાડામાં તાત્કાલિક સારવાર માટે લઈ ગયાં. હાડવૈદ્ય તો ઓઝર ગામમાં મળે તેમ ન હતાં પણ એક નર્સીગ હોમ હતું તેમાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે તેમને તપાસીને પેઈન રીલીફ ઈંજેક્શન આપ્યું. અડધા તુટી ગયેલા પગના નખને ડ્રેસીંગ કરી આપ્યું. પીડા શામક ગોળીઓ લખી આપી. અતુલનો ડાબો હાથ બીલકુલ ઉંચકાતો નહોતો અને જમણો પગ મચકોડાઈ ગયો હતો. ઉદ્વિગ્ન મને અમે ઉતારે પહોંચ્યા. આજે લગભગ ત્રણ મહીને ય હજુ હાથ પગમાં થોડું કળતર રહે છે. કદાચ ઉંમરના વધવા સાથે હાડકા બરડ થઈ જતા હશે અથવા તો તેની જેવા આળસુ માણસના હાડકા કદાચ મોડા સારા થતા હશે.

આજે શિક્ષક દિન છે. ચાણક્ય કહેતા શિક્ષક કભી દીન નહીં હોતા. જો કે આજે ઘણી જગ્યાએ દીન હીન અને ભ્રષ્ટ શિક્ષક જોવું છું ત્યારે હું દીનતા અનુભવું છું.

આજે આપણાં નેટ વેપારી મુર્તઝાચાર્યએ બ્લોગ જગતમાં સફળતા પૂર્વક એક વર્ષ જીવન ગુજાર્યું તે બદલ તેમને ખૂબ ખૂબ અભીનંદન. તેમના ચેલા કનકવાજીનો પતંગ ગઈકાલે ઢબી રહ્યો હતો તેથી તેમને તાત્કાલીક વોક હાર્ડ હોસ્પીટલમાં દાખલ કરેલા. ડોક્ટરોના અવીરત ઠુમકાઓની મદદથી આજે હવે કનકવો જમીનથી થોડો અદ્ધર ઉંચકાઈને ચગુ ચગુ થવાની તૈયારીમાં છે.

તો આજે શ્રી વિઘ્નેશ્વર ગણપતિજીના દર્શન કરીને તેમને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા જીવનમાં કદાચ વિઘ્નો આવે તો ભલે આવે પણ અમને તે સહન કરવાની શક્તિ આપજો.


વિઘ્નેશ્વર ગણપતિ (ઓઝર)

વિઘ્નેશ્વર ગણપતિ (ઓઝર)


દોસ્તો,

અષ્ટ વિનાયક પૈકી અમે ચોથા ક્રમે મહા ગણપતિ ના દર્શન કરેલા – આપ પણ દર્શન કરીને કૃત કૃત્યતાનો અનુભવ કરો.




દોસ્તો,

૧લી જૂન ૨૦૧૧ ના રોજ અમે ત્રણ વિનાયકના દર્શન કરેલા. શ્રી મયુરેશ્વરના દર્શન કર્યા બાદ શ્રી ચિંતામણી વિનાયક્ના દર્શન કરવા થેવુર પહોંચ્યા અને ચિંતા હરનારા ચિંતાંમણીના દર્શન કરીને આનંદીત થયા.


શ્રી ચિંતામણી (થેવુર)

શ્રી ચિંતામણી (થેવુર)