ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: આરોગ્ય

ભાવનગર,
તા.૧૧-૫-૨૦૧૨

ભાવનગર મહાનગર પાલીકા ઉનાળા દરમ્યાન એકાંતરે પાણી આપી શકે છે.આ નપાણીયા વ્યવસ્થાપકો રોજ પાણી આપવા સમર્થ નથી તે તો જાણે સમજ્યાં કે એકાંતરે તો એકાંતરે પાણી તો આપે છે.

પણ હવે ખરી સમસ્યા અમારે આંબાવાડી વિસ્તારમાં શરુ થઈ છે. છેલ્લા એક મહીનાથી પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી ગઈ છે. પીવાલાયક કે વાપરવાલાયક પાણી જ ન આવે. પાણી એકાંતરે આવે તે ય ગંદુ અને વાસવાળું.

આ માટે મ્યુનિસીપાલીટીના વોટર વર્કસ વિભાગમાં ૨૪૨૪૮૭૬ નંબરના ફોન પર ફરીયાદ કરી. તેમણે કહ્યું કે તમારે ડ્રેનેજ વિભાગને જાણ કરવી જોઈશે તથા ફરીયાદ વિભાગ ૨૪૩૦૨૪૭ પર ફરીયાદ નોંધાવી પડશે.

ફરીયાદ વિભાગમાં ફરીયાદ નોંધાવી તો કહ્યું કે જોઈ લઈશું.

ડ્રેનેજ વિભાગમાં ૨૪૩૦૨૫૬ નંબર પર ફરીયાદ નોંધાવી.

ડ્રેનેજ વિભાગમાંથી ત્રણ કર્મચારીઓ આવ્યાં અને ડ્રેનેજ તપાસી ગયાં અને કહ્યું કે ડ્રેનેજમાં કોઈ તકલીફ નથી – વોટર વર્ક વિભાગે તપાસવું પડશે. અમે તેમને અને અમારા સાહેબને રીપોર્ટ કરશું.

વોટર વર્ક પર ફરી ફરીયાદ કરી ૨૪૩૦૨૪૭ નંબર પર. તેમણે કહ્યું કે તમારે ત્યાં તપાસ કરવામાં આવશે.

ફરી પાછું તેમને યાદ કરાવ્યું તો તેમણે કહ્યું કે અમારા સાહેબને મોબાઈલ નંબર ૯૯૦૯૯૧૯૭૯૯ પર ફરીયાદ કરો.

તેમને ફરીયાદ કરી તેમણે કહ્યું કે તપાસ કરવા આવશું.

હવે આ લોકો ક્યારે તપાસ કરશે અને પ્રશ્નનો ઉકેલ લાવશે? રોગચાળો ફાટી નીકળે પછી?


ફોટો સોર્સ - વિકિપીડિયા

કડવો હોય લીમડો, શિતળ એની છાંય;
બંધુ હોય અબોલડો, તોયે પોતાની બાંય.

લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે. એક તો તેની શીળી છાંય, આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાંના વૃક્ષને આગવું મહ્ત્વ આપવામાં આવ્યું છે.

પહેલાના જમાનામાં જ્યારે વૈદો પ્રકૃતિ અને વનસ્પતિ દ્વારા ઉપચાર કરતાં તે વખતની એક વાત છે. બે વૈદ્યોએ એક બીજાનું જ્ઞાન ચકાસવા માટે એક સાજી નરવી વ્યક્તિને પસંદ કરી. એક વૈદ્યે તેને બીજા વૈદ્યને ત્યાં બંધ પરબીડીયામાં કાગળ પહોંચાડવા માટે આપ્યો – અને સુચના આપી કે તું જ્યાં પણ રહે ત્યાં તારે આમલીના વૃક્ષની નીચે રહેવું. જે ખાવું હોય તે ખાવું પણ આમલીના કાતરા તો રોજ ખાવા જ. પેલા ભાઈ તો ઉપડ્યાં કાગળ લઈને – પેલા દિવસે તો શરીરમાં જોમ હતું પણ જેમ જેમ દિવસો જતાં ગયા તેમ તેમ શરીરમાં કળતર થવાં લાગ્યું. પાંચમે દિવસે જ્યારે તે બીજા વૈદ્ય પાસે પહોંચ્યા ત્યારે તો સાવ કોથળા જેવા થૈ ગયાં હતાં.

વૈદ્યે તરત તેના સમાચાર પુછ્યાં. કાગળ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે આવેલ ભાઈ ખુબ બીમાર હશે તમે તેને કશીએ દવા આપ્યાં વગર અહીં સાજો-નરવો મોકલી આપજો.

વૈદ્યે બીમાર ભાઈને પુછ્યું કે તમે કેવી રીતે આવ્યાં? ભાઈએ કહ્યું કે હું તો આમલી ની પાસે જ રહેતો અને ઘણાં બધા કાતરા ખાતા ખાતા આવ્યો છું. પછી તે વૈદ્યે કહ્યું કે સારુ – હવે આ કાગળ લઈને તમે જાઓ અને વૈદ્યને પહોંચાડી દેજો. બીમાર ભાઈ કહે કે મારામાં અશક્તિ છે હું જૈ શકું તેમ નથી. વૈદ્યે કહ્યું કે એકાદ દિવસમાં તમારામાં શક્તિ આવશે આજે હિંમત કરીને ચાલી નાખો. અને તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારે હંમેશા લીમડાં પાસે રહેવું તેની કુંણી કુપળો અચૂક ખાવી, તેનો મ્હોર છે તે પણ શક્ય હોય તો વાટીને શીતળ અને શુદ્ધ જળ સાથે પી જવો. ભાઇ તો એમ કરતા કરતા ઉપડ્યાં. પહેલા દિવસથી તેને સારું લાગ્યું. બીજા દિવસે તો ઘણી સ્ફુર્તી આવી ગઈ. ત્રીજા દિવસે તો તાજો માજો થઈ ગયો અને ચોથા દિવસે તો પહોંચી ગયો.

જ્યારે અહીં વૈદ્યને કાગળ આપ્યો ત્યારે તો સાવ સાજો સારો હતો. વૈદ્યે કાગળ વાંચ્યો તેમાં લખ્યું હતું કે આ કાગળ લીમડાને છાંયે છાંયે મોકલેલ છે.

દોસ્તો, ચૈત્ર મહિનો આવી ગયો છે – અતુલ પણ હવે જાગ્યાં ત્યારથી સવાર સમજીને વધુને વધુ પ્રકૃતિનો સહારો લઈને ઝડપથી બેઠાં થવાનો પ્રયાસ કરે છે. આપણે સહુ પણ ચૈત્ર મહિનામાં લીમડાના રસનું સેવન કરીને આરોગ્ય પ્રાપ્ત કરશુંને?


લીમડી – બાલ મુકુન્દ દવે


મારે આંગણિયે લીલુડી લીમડી;
લચે લિંબોળીની લૂમ :
લીમડી લૂમેઝૂમે રે.

વાયા વૈશાખના વાયરા,
એણે ધાવ્યાં ધરતીનાં દૂધ :
લીમડી લૂમેઝૂમે રે.

લીલીપીળી ઓઢી ઓઢણી,
માંય ચાંદાસૂરજનાં ફૂલ :
લીમડી લૂમેઝૂમે રે.

ભલે ઊગે તું મારે આંગણે,
તારાં શાં શાં મૂલવું મૂલ ?
લીમડી લૂમેઝૂમે રે.

કાળે ઉનાળે તું કોળતી,
તારી ટાઢકભીની છાંય :
લીમડી લૂમેઝૂમે રે.

બળ્યાંજળ્યાંનું તું બેસણું,
થાક્યાંની ઠારે કાય:
લીમડી લૂમેઝૂમે રે.


વીકીપીડીયા પર લીમડા વીશે વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો
લીમડો