ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: મે 8, 2012

તેં મારા જીવનને અનંતત્તા આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ દેહને તું વારંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ એને નવજીવનથી ભરી દે છે.

ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણોમાં, બરુની આ નાનકડી દેહવાંસળીને, તેં જ તારી સંગાથી કરી છે, અને એમાંથી નિત્ય નવા નવા મધુર સ્વરો પણ તેં જ ઊભા કર્યાં છે.

તારા હાથનો અમર સ્પર્શ પામતાં મારું આ નાનકડું હ્રદય, આનંદમય બની જાય છે, એની મર્યાદાઓ સરી જાય છે, અને અમર વાણીને એ જન્મ આપે છે.

તારી અનંત બક્ષિસો, આ કેવળ મારા નાનકડા હાથ ઉપર આવતી રહે છે, યુગો ચાલતા રહે છે, અને તું તો તારી બક્ષિસો વરસાવતો જ રહે છે. અને છતાં હજી પણ એમાં વધારે સમાસ માટે અવકાશ છે.