મિત્રો,

જિંદગીમાં જ્યારે આપણું ધાર્યું થાય ત્યારે આપણે કેટલાં બધા હરખાઈએ છીએ ને? જ્યારે આપણે કોઈની ઉપર જીત મેળવીએ છીએ ત્યારે આપણે કેટલો બધો ઉન્માદ અનુભવીએ છીએ ને? તે વખતે આપણને પરાજિત થયેલાના વિષાદની રજ માત્ર પણ કલ્પના હોય છે?

આપણું હાસ્ય જ્યારે બીજાની ઠેકડી ઉડાડવાથી પ્રાપ્ત થયેલ હોય ત્યારે જરુર સમજવું જોઈએ કે આપણે પરિપક્વ નહીં પણ વિકૃત હાસ્ય મેળવીએ છીએ.

જે વ્યક્તિ બીજાની પીડામાંથી હાસ્ય મેળવે છે તે એક દિવસ જરુર અસહ્ય પીડા ભોગવે છે અને તે પીડા ભોગવતી વખતે તેને અહેસાસ થાય છે કે જ્યારે તે બીજાની પીડામાંથી હાસ્ય મેળવતો હતો ત્યારે બીજી વ્યક્તિની પીડામાં તેણે હદ બહાર વધારો કર્યો હતો.

નિર્દોષ હાસ્ય તે છે કે જે પોતાની ઉપર હસીને પ્રાપ્ત કર્યું હોય.

જ્યારે આપણે હસીએ ત્યારે તેટલું જરુર વિચારીએ કે મારું આ હાસ્ય અન્યની પીડાનું કારણ તો નહીં બને ને?