દર્પણ મેલે
આગ રાખથી, ગર્ભ
ઓરે ઢંકાય

નિષ્કામ કર્મ
ઈચ્છા તૃષ્ણા વાસના
ક્રોધે રુંધાય

દર્પણ મેલે, રાખથી આગ જેમ ઢંકાય,
ગર્ભ ઓરથી, કર્મ સહુ ત્યમ તેથી ઢંકાય.

धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम्‌ ॥

भावार्थ : जिस प्रकार धुएँ से अग्नि और मैल से दर्पण ढँका जाता है तथा जिस प्रकार जेर से गर्भ ढँका रहता है, वैसे ही उस काम द्वारा यह ज्ञान ढँका रहता है ॥38॥

પોત પોતાની પ્રકૃતિ અનુસાર સહજ કર્તવ્ય કર્મ કરતાં કરતાં વ્યક્તિ જીવનનો આનંદ અને સાથે સાથે પરમ શ્રેય પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ પ્રમાણે સહજ કર્તવ્ય કર્મ કરવામાં આડે આવનાર મુખ્ય પરીબળો ઈચ્છા, તૃષ્ણા અને વાસના તથા તેને પરીણામે ઉત્પન્ન થતો ક્રોધ છે તે આપણે જોયું.

અંત:કરણમાં પડતાં ચૈતન્યના પ્રતિબિંબને ચિદાભાસ કહે છે અને સમગ્ર શરીરને આવરી લેતા ચેતનને કૂટસ્થ કહે છે તે આપણે જોઈ ચૂક્યાં છીએ. ચિદાભાસ જ્યારે તેની વૃત્તિનો વિષય બાહ્ય પદાર્થ બનાવે છે ત્યારે બાહ્ય પદાર્થ પર રહેલ આવરણ ચૈતન્યના પ્રકાશથી દૂર થાય છે અને વસ્તુ કે પદાર્થનું યથાર્થ સ્વરુપ બુદ્ધિની પકડમાં આવી જાય છે. તેવી રીતે જ્યારે સહજ કર્મ કરતી વખતે વૃત્તિનો પ્રકાશ સંપૂર્ણ પણે પોતાના કાર્યમાં હોય ત્યારે તેના દ્વારા કરવામાં આવતું કાર્ય જ્ઞાત હોય છે અને પરીણામે જ્ઞાન સહિત કરેલ કાર્ય તે સારામાં સારી રીતે કરી શકે છે. જ્યારે અંત:કરણ ઈચ્છા, તૃષ્ણા અને વાસનાથી ગ્રસ્ત હોય છે ત્યારે મન મહદ અંશે તો ઈચ્છિત વસ્તુના ચિંતનમાં લાગેલું હોય છે તેથી કર્તવ્ય કર્મ પરત્વે સંપૂર્ણ ધ્યાન આપી શકાતું નથી અને પરીણામે કાર્ય સરખી રીતે શઈ શકતું નથી.

પરીક્ષાની તૈયારી કરતી વખતે બાળકનું મન વેકેશનમાં શું આનંદ કરશું તેના વિચારમાં ચાલ્યું જાય તો તેની એકાગ્રતા તુટી જશે. ઓફીસે ગયેલી વ્યક્તિના મનમાં અર્ધાંગીનીએ આપેલી સુચના પ્રમાણે સાંજે બજારમાંથી ઘર માટે લાવવાની વસ્તુઓની યાદી રમતી હશે તો ઓફીસના કાર્યમાં પુરતું ધ્યાન નહીં રહે. મંદિરમાં દર્શન કરવા ગયેલ ભક્ત બીજી ભક્તાણી કેવી સાડી પહેરીને દર્શને આવી છે તે જોવામાં રહેશે તો ઈષ્ટનું ચિંતન કરી શકવાની યોગ્યતા ગુમાવી બેસશે.

જેવી રીતે અરીસા પર મેલ જામી જાય તો પ્રતિબિંબ ચોક્ખું હોવા છતાં મેલું દેખાય છે તેમ ઈચ્છા, તૃષ્ણા અને વાસનાને લીધે અંત:કરણ સંપૂર્ણ યોગ્યતાથી પોતાનું કાર્ય કરી શકતું નથી.

જે લોકો ચૂલો સળગાવતા હશે તેમને ખબર હશે કે ચૂલામાં લાકડા થોડી વાર સળગે પછી તેની ઉપર રાખ થઈ જાય. અંદર લાકડા બળતા હોય. આ રાખને ફુંક મારીને કે પુંઠાના પંખાથી હવા નાખીને ઉડાડી મુકીએ એટલે લાકડાં પાછા બરાબર સળગવા લાગે. તેવી રીતે અંત:કરણમાં ઈચ્છા, તૃષ્ણા અને વાસનાની રાખ જામી જાય છે તેને ફરી પાછી સ્વરુપના ચિંતન રુપી ફુંકથી ઉડાદી દઈએ એટલે પાછું કર્તવ્ય કર્મોમાં આનંદપૂર્વક પ્રવૃત્ત થઈ શકાય.

જેવી રીતે ઓરથી ઢંકાયેલ ગર્ભ જ્યાં સુધી ઓર દૂર ન કરીએ ત્યાં સુધી બાળક બાબો છે કે બેબી તે ખબર ન પડે તેમ ઈચ્છા, તૃષ્ણા અને વાસનાથી ઢંકાયેલ અંત:કરણમાં પોતાનું વાસ્તવિક કર્તવ્ય કર્મ શું છે તેનો ખ્યાલ નથી આવતો અને જ્યારે તેને દૂર કરી નાખવામાં આવે ત્યારે ફરી પાછા કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત થઈ શકાય છે.

ટુંકમાં કર્તા ઈચ્છા, તૃષ્ણા અને વાસનાને લીધે પોતાની પ્રકૃતિ અનુસાર કર્તવ્ય કર્મો કરવામાં પ્રમાદી બની જાય છે તે તેને દૂર કરી દેવાથી અંત:કરણ ફરી પાછું યોગ્યતા ધારણ કરે છે અને પોતાનું કર્તવ્ય કર્મ પોતાની પ્રકૃતિ અનુસાર કરવા માટે શક્તિમાન બને છે.

Advertisements