અર્જુન પુછે છે :

પાપ પ્રેરક
એવું તો કોણ છે જે
પરાણે ખેંચે?

કોનાથી પ્રેરાઈને પાપ કરે છે લોક,
ઈચ્છા ના હોય છતાં જાણે ખેંચે કોક?

अर्जुन उवाचः

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥

भावार्थ : अर्जुन बोले- हे कृष्ण! तो फिर यह मनुष्य स्वयं न चाहता हुआ भी बलात्‌ लगाए हुए की भाँति किससे प्रेरित होकर पाप का आचरण करता है ॥36॥॥

કર્મયોગનો અદભુત સિદ્ધાંત સમજાવતાં શ્રી કૃષ્ણ એ જ્યારે સમજાવ્યું કે પોતાનું સહજ કાર્ય કરતાં કરતાં સ્વાભાવિક રીતે જ વ્યક્તિ શ્રેય અને કલ્યાણને પ્રાપ્ત કરી લે છે. ત્યારે અર્જુનને પ્રશ્ન થાય છે કે તો પછી એવું તો શું છે કે જે લોકોને પોતાનું સહજ કર્તવ્ય કર્મ કરવા દેતું નથી? તેવું તો શું છે કે જે લોકોને સહજ ધર્મથી વિમુખ કરી દઈને ન કરવાના કામ કરાવે છે?

આપણો મહાન ભારત દેશ (જુઓ હસતાં નહીં)?

મહાન સંસ્કૃતિ?

અદભુત આધ્યાત્મિક વારસો?

ધર્મ અને કર્તવ્ય પાલન તો આપણી રગે રગમાં વહેતા હોવા જોઈએ કે નહીં?

શ્રી કૃષ્ણ જેવા મહાન સાક્ષાત ઈશ્વર જ્યાં અવતરતાં હોય તે દેશ આટલો બધો અંધકારમાં ગળા ડૂબ શા માટે છે?

શ્રી કૃષ્ણ જેવા શ્રેષ્ઠ પુરુષ સાથે ચર્ચા વિચારણા કરી શકે તેવી દ્રૌપદી જેવી મારફાડ જગદંબાઓ કેમ લૂપ્ત થઈ ગઈ છે?

એક ઘાએ હાથીની ગરદન કાપી નાખે તેવા ભીમ જેવા મહાબલીઓ કેમ અદ્રશ્ય થઈ ગયાં છે?

આપણાં રાજનેતાઓ સુશાસન કરવાને બદલે દુ:શાસનની જેમ કેમ વર્તે છે?

આપણાં પોલીસ અધીકારીઓ પ્રજાનું રક્ષણ કરવાને બદલે ગુંડાઓની ટોળકીમાં કેમ ભળે છે?

આપણાં લશ્કરી અધીકારીઓને થતી ભ્રષ્ટાચાર માટેની રજૂઆતો અને ઘણી વાર આચરાતા ઉચ્ચ કક્ષાના ભ્ર્ષ્ટાચારોના સમાચારથી અખબારી પાનાઓ કેમ ભરાયેલા રહે છે?

આપણું મીડીયા એકના એક લોક લાગણીને ઉશ્કેરે તેવા સમાચારો કેમ સતત બતાવ્યા કરે છે?

આપણાં કર્મચારીઓ કેમ કામચોર છે?

આપણાં ઉત્પાદનોમાં ગુણવત્તાનું કેમ ધ્યાન રખાતું નથી?

આપણાં વૈદ્યો અને દવાખાનાના કર્મચારીઓ કેમ આટલા બધા બેદરકાર છે?

આપણાં ન્યાયાધીશો અને વકીલો પૈસા માટે ન્યાયને કેમ વેચે છે?

અપરાધનો ભોગ બનેલાને ન્યાય મેળવતાં વર્ષોના વર્ષો વીતી ગયાં પછીએ ન્યાય કેમ મળતો નથી?

આપણાં શિક્ષકો વર્ગખંડમાં ભણાવવાને બદલે ખાનગી ટ્યુશન શા માટે કરે છે?

આપણાં અર્થશાસ્ત્રીઓ એવી તે કેવી નીતી ઘડે છે કે જેથી ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે અમીર થતો જાય છે અને મધ્યમ વર્ગ હંમેશા આ બંનેની વચ્ચે પીસાયા જ કરે છે, પીસાયા જ કરે છે?

આપણાં ખેડુતો વધારે પાક લેવા માટે રાસાયણીક ખાતરો અને જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરીને જમીન કેમ બગાડી નાખે છે?

આપણાં ઉદ્યોગ ગૃહો પર્યાવરણના નિયમોની ઐસી તૈસી કરીને સતત પ્રદૂષણ કેમ ફેલાવતા રહે છે?

ધર્મ, નાત જાત, સંપ્રદાયો અને વાડાબંધીથી જે એક ચૈતન્ય સર્વને પ્રકાશે છે તેવી સુફીયાણી વાતો કરનારા આપણાં દંભી ધર્મગુરુઓ માનવ ને માનવથી અલગ કરી નાખતા ઉપદેશો કેમ આપે છે?

એવા ધર્મો કેમ છડેચોક ફુલે ફાલે છે કે જે પોતાના મત અનુસાર ન વર્તે તેને કાફર કહે અને તેને મારી નાખવા સુધી જતા યે જેના હાથ ન અટકે?

કોઈ પણ ક્ષેત્રે જુઓ, સર્વત્ર અંધાધુંધી અને અરાજકતા કેમ ફેલાયેલી જોવા મળે છે?

પોતાની બુદ્ધિને પોતાના હાથે તાળા મારીને બેવકુફો શા માટે તેની ચાવી બીજાને સોંપી આવે છે?

અર્જુન પુછે છે કે પ્રભુ એવું તો કોણ છે? કે જેને લીધે સર્વ પ્રાણીઓમાં સહુથી વધુ બુદ્ધિશાળી ગણાતો માણસ કોઈ પણ પ્રાણી ન આચરે તેવા પાપ આચરે છે.

Advertisements