રાગ ને દ્વેષ
ઈંદ્રિયોના વિષયે
તેનાથી ચેત

ઈંદ્રિયોના વિષય છે રાગદ્વેષ વાળા,
શિકાર તેના ના થવું તે દુશ્મન સારા.

इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥

भावार्थ : इन्द्रिय-इन्द्रिय के अर्थ में अर्थात प्रत्येक इन्द्रिय के विषय में राग और द्वेष छिपे हुए स्थित हैं। मनुष्य को उन दोनों के वश में नहीं होना चाहिए क्योंकि वे दोनों ही इसके कल्याण मार्ग में विघ्न करने वाले महान्‌ शत्रु हैं ॥34॥

પોતાની પ્રકૃતિ મુજબ કર્તવ્ય કર્મ કરવામાં વિઘ્નરુપ ઈંદ્રિયોના વિષયો છે. ઈંદ્રિયોના વિષયમાં સુખ બુદ્ધિ કે અનુકુળતાનો અનુભવ કરવાથી તેમાં રાગ થાય છે અને દુ:ખ બુદ્ધિ કે પ્રતિકુળતાનો અનુભવ કરવાથી દ્વેષ થાય છે.

વિદ્યાર્થીનું કર્તવ્ય કર્મ અભ્યાસ કરવાનું હોય પણ જો તેને મનોરંજન, રમત ગમત, ટોળ ટપ્પા વગેરેમાં રાગ થઈ જશે અને અભ્યાસ પ્રત્યે દ્વેષ થઈ જશે તો તેનું કર્તવ્ય અભ્યાસ કરવાનું હશે તો યે તે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે મનગમતી બાબતોમાં સમયનો વ્યય કરશે અને પરીણામે ધાર્યો અભ્યાસ નહીં કરી શકે.

જેનું જે કાર્યક્ષેત્ર હોય તે કાર્યક્ષેત્રે ધ્યાન આપવાને બદલે જો ઈંદ્રિયોના રસરુચીનો શિકાર થઈને તે કર્તવ્ય કર્મોમાં પ્રમાદ કરશે અને ઈંદ્રિયોના રંગ રાગમાં લાગી જશે તો તેનું પતન થશે.

જીવને લાગેલા પાંચ મુખ્ય ક્લેશોમાં રાગ અને દ્વેષ સતત કનડતા ક્લેશ છે. પાંચ ઈંદ્રિયોના પાંચ વિષયો છે આ વિષયોમાં થી જેનાથી સુખ મળે છે તેમાં રાગ થવાથી તે વિષય વધુને વધુ ભોગવવાની ઈચ્છા થાય છે પરીણામે તે વિષયની ગુલામી આવે છે. જે વિષયથી ત્રાસ કે દુ:ખ થાય છે તેને તીવ્રતાથી દૂર કરવાની ઈચ્છા થશે અને પરીણામે તે વિષય પ્રત્યે દ્વેષ થશે.

સતત રાગ અને દ્વેષ અનુભવતી પાંચ ઈંદ્રિયો અંત:કરણની મુખ્ય કાર્ય શક્તિને રાગ અને દ્વેષ થી ઈંદ્રિયોના વિષયમાં જ વેડફી નાખશે અને આમ તેની મહદ શક્તિ ગુમાવી બેસનાર તેના કર્તવ્ય કર્મો કેવી રીતે પુરી યોગ્યતાથી કરી શકે?

તેથી જ ઈંદ્રિયોને ગમે કે ન ગમે પણ તેમ છતાં જે કર્તવ્યકર્મોમાં પ્રવૃત્ત રહે છે તે જ કર્મયોગનો મર્મ જાણે છે.

આજે મારા પ્રિય બાપુજીની તૃતિય પુણ્યતીથી છે ત્યારે તેઓ એક વાર્તા ઘણી વખત સત્સંગમાં કહેતાં તે યાદ આવે છે.

એક ગામ હતું. તેમાં ગામ લોકોને પાણી ભરવા માટે એક કુવો હતો. ગામની પનિહારીઓ રોજ કુવે પાણી ભરવા જાય, અલક મલકની વાતો કરે, અને પાણી ભરીને ઘરે આવે. ગામલોકો વચ્ચે બહું સંપ હતો અને સહુ આનંદથી રહેતાં હતાં. એક વખત એવું બન્યું કે બે કુતરાં ઝગડતા ઝગડતા તે કુવામાં પડી ગયાં. થોડા દિવસમાં તો તેના શરીર કોહવાઈને તેની વાસથી કુવાનું બધું પાણી ગંદુ અને વાસવાળું થઈ ગયું. ગામલોકો વિચારમાં પડ્યાં કે આ તો ભારે સમસ્યા થઈ હવે શું કરવું? એક ડાહ્યાં માણસે કહ્યું કે બધું પાણી કાઢી નાખો એટલે નવું પાણી ચોક્ખું આવશે. ગામલોકોએ ભેગા થઈને બધું પાણી ઉલેચી નાખ્યું. બે-ત્રણ દિવસ બાદ ફરી પાછી નવા પાણીમાંથી વાસ આવવા લાગી. ગામલોકો ફરી મુંજાણા અને ડાહ્યાં માણસને કહ્યું કે બધું પાણી ઉલેચી નાખ્યું તો યે કેમ ફરી પાણી બગડી જાય છે? ત્યારે ડાહ્યાં માણસે કહ્યું કે ઓલા કુતરાં અંદર પડી ગયાં છે તે કાઢ્યાં કે નહીં? ગામલોકો માથુ ખંજવાળતા કહે કે અરે તે તો કાઢવાના રહી જ ગયાં.

કદાચ આપણને ગામલોકો પર હસવું આવતું હશે પણ આપણે જ તે ગામલોકો છીએ. આપણી અંદર જે રાગ-દ્વેષના કુતરાં વર્ષોથી પડ્યાં પડ્યાં સડે છે તેની વાસ આપણાં વર્તન અને વ્યવહારમાંથી આવે છે. જો આ રાગ-દ્વેષ રુપી કુતરાં કાઢી નાખીએ તો અત્યારે જ આપણાં જીવતરરુપી બાગમાં ઉલ્લાસ અને ઉત્સાહના સુગંધી ફુવારાઓ ઉડવા લાગશે – ગેરેંટીથી !

Advertisements