પરમે શ્રદ્ધા
ઈર્ષારહિત કર્મી
કર્મે અબંધ

શ્રદ્ધા રાખીને, મુકી ઈર્ષા કર્મ કરે,
કર્મોના બંધન બધા તેના તૂર્ત ટળે.

ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽति कर्मभिः ॥

भावार्थ : जो कोई मनुष्य दोषदृष्टि से रहित और श्रद्धायुक्त होकर मेरे इस मत का सदा अनुसरण करते हैं, वे भी सम्पूर्ण कर्मों से छूट जाते हैं ॥31॥

પોતાને બ્રહ્મથી અભીન્ન કૂટસ્થ માનીને પોતાના સત, ચિત આનંદ સ્વરુપમાં જેની સંપૂર્ણ નિષ્ઠા છે તે ઈર્ષા રહિત સઘળાં કર્તવ્ય કર્મો કરતો હોવા છતાંયે તેને કર્મ બંધન કરી શકતાં નથી.

કર્મનું બંધન સ્વરુપના અજ્ઞાનથી થાય છે. પોતાના સ્વરુપનું જ્ઞાન ન હોવાને લીધે જીવ પોતાને કર્તા માને છે અને સારા નરસા કર્મો કર્તાભાવે કર્યાં પછી તેના જે ફળ પ્રાપ્ત થાય તેનો ભોક્તા માને છે. પ્રકૃતિના ત્રણ ગુણો પ્રગટ છે જ્યારે પોતાનું સ્વરુપ પ્રકૃતિનો આધાર હોવા છતાં અપ્રગટ છે. આવા અપ્રગટ સ્વરુપમાં પ્રકૃતિના ગુણોથી બંધાયેલ આત્મા પોતાના યથાર્થ સ્વરુપને સમજી શકતો ન હોવાથી પોતાને ય પ્રાકૃતિક માનીને દેહ, ઈંદ્રિયો અને અંત:કરણ સાથે એકતા કરીને દેહમાં હું પણું કરી બેસે છે. તેને પોતાના વાસ્તવિક સ્વરુપનું જ્ઞાન કરાવવા માટે પોતે ચૈતન્ય સ્વરુપ આત્મા છે અને પ્રકૃતિથી બંધાયેલ જીવ નથી તેની જ્યાં સુધી અનુભૂતી ન થાય ત્યાં સુધી તે પોતાને પ્રાકૃતિક માનીને જીવ ભાવમાં જ રત રહે છે. આવા જીવભાવમાંથી છોડાવવા માટે અને પોતે અને સર્વ જીવો ચૈતન્યરુપ આત્માં જ છે તેની પ્રતિતિ કરવા માટે પ્રારંભમાં આત્મશ્રદ્ધા વગર આગળ વધી શકાતું નથી. પોતાના સ્વરુપના અજ્ઞાન અને બીજાના સ્વરુપના અજ્ઞાનને લીધે પ્રાકૃતિક રીતે કોઈ પોતાનાથી ચડીયાતો હોય તો તેના પ્રત્યે છુપી ઈર્ષા યે રહ્યાં કરતી હોય છે. તેથી અહીં બે વાત કહેવામાં આવે છે એક તો પોતાના આત્મસ્વરુપમાં શ્રદ્ધા રાખીને પોતે કૂટસ્થ ચૈતન્ય છે પણ ચિદાભાસ જીવ નથી તેવી શ્રદ્ધા રાખવાનું અને બીજા સર્વ જીવો યે કૂટસ્થ ચૈતન્ય સત,ચિત, આનંદ સ્વરુપ છે તેથી કોઈની યે ઈર્ષા ન કરવાનું કહેવામાં આવે છે.

ઈર્ષા જીવનના પ્રત્યેક ક્ષેત્રે એક આડખીલી રુપ અવગુણ છે. જ્યાં સુધી મનુષ્ય પોતાને પ્રકૃતિક ગુણો વાળો માને છે ત્યાં સુધી તે સતત બીજા સાથે સ્વની સરખામણી કરતો રહેવાનો છે. બીજાના સારા ગુણો જોઈને રાજી થવાને બદલે કે તેની જેવા સદગુણો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાને બદલે તે બીજાની ઈર્ષા કરવા લાગે છે. સાથે રહેતા પતિ-પત્નિ કે બાળકોએ ઘણી વખત એક બીજાના વખાણ કે પ્રગતિ સહન ન કરી શકતા હોઈને એક બીજાની ઈર્ષા કરવા લાગે છે અને છેવટે અહમનો ટકરાવ એટલી હદે વકરે છે કે પરીણામે પતિ-પત્નિ કાયમ માટે અલગ થઈ જાય કે સાથે ઉછરેલા સંતાનો મોટા થઈને એકબીજાનું મોઢું જોવાનું યે પસંદ ન કરે તેટલા તેમના મન ખાટા થઈ જાય છે. નાનપણમાં અમીતાબ બચ્ચન અને જયા ભાદૂરી અભીનીત અભીમાન ફીલ્મ જોયું હતું. જયા ભાદૂરીની પ્રગતિને લીધે અમીતાભ બચ્ચનને તેની એટલી બધી ઈર્ષા થાય છે કે છેવટે એક સમયે બંનેને છુટા પડી જવું પડે છે. ઈર્ષા કર્માશયના બંધનનું એક મોટું કારણ છે. સ્ત્રી-પુરુષ, ઉચ્ચ-નીચ, અમીર-ગરીબ, વિકસિત-અવિકસિત વગેરે વગેરે સરખામણી અને તેને લીધે રખાતા ભેદભાવ સમાજમાં આ ઈર્ષા ભાવને હદ બહાર વકરાવે છે. પરીણામે દેશો, પ્રાંતો, સમાજો, વસાહતો, કુટુંબો, વ્યક્તિઓ વગેરેમાં આંતર કલહ એટલો બધો વકરે છે કે જેને લીધે સ્વસ્થ જીવન જીવવાની આશા મૃતપાય: થઈ જાય છે. જ્યારે સાચી સમજણ આવે કે સ્ત્રી, પુરુષ, ધનિક, ગરીબ, રોગી, તંદૂરસ્ત, પાપી, પુણ્યશાળી, પશુ, પક્ષિ કે કોઈ પણ અંત:કરણ ધરાવતા જીવને પ્રકાશનારુ તત્વ એક માત્ર પરમાત્માનું ચૈતન્ય છે ત્યારે સપાટી પર દેખાતા બધા જ ભેદભાવ દૂર થઈને સહુની અંદર સમાન રુપે વિલસી રહેલા એક માત્ર પરમ તત્વને જાણીને સર્વ કર્મબંધનોથી મુક્ત થઈને સ્વતંત્રતાનો આનંદ માણી શકાય છે.

આમ સ્વસ્વરુપમાં શ્રદ્ધા અને કોઈનાયે પ્રત્યે ઈર્ષારહિત કર્તવ્ય કર્મ કરનારના કર્મબંધનો તરત જ ટળે છે.

Advertisements