કર્મ સઘળાં
પ્રકૃતિના ત્રિગુણે
થયાં કરતાં

આવા કર્મોમાં
મૂઢ અહંકારથી
કર્તૃત્વ ધારે

પ્રકૃતિના ગુણથી થતાં કર્મ છતાં જાણે,
મૂઢ અહંકારે ગણે કર્તા પોતાને.

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥

भावार्थ : वास्तव में सम्पूर्ण कर्म सब प्रकार से प्रकृति के गुणों द्वारा किए जाते हैं, तो भी जिसका अन्तःकरण अहंकार से मोहित हो रहा है, ऐसा अज्ञानी ‘मैं कर्ता हूँ’ ऐसा मानता है ॥27॥

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે

સત્વ,રજ અને તમ પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલા ત્રણ શરીર કારણ, સુક્ષ્મ અને સ્થુળ દ્વારા થનારા કર્મોનો બ્રહ્મથી અભીન્ન કૂટસ્થને લેશ માત્ર સ્પર્શ નથી. અહંકારથી ચિદાભાસ જુદા જુદા અભીમાન ધારણ કરે છે. જેમ કે :

દેશનું અભીમાન કરવાથી પોતાને ભારતીય/અમેરીકન/ઓસ્ટ્રેલીયન/પાકીસ્તાની/ચીની/જાપાની વગેરે વગેરે માને.

રાજ્યનું અભીમાન કરવાથી પોતાને ગુજરાતી/મરાઠી/રાજસ્થાની,બીહારી વગેરે વગેરે માને.

દેહનું અભીમાન કરવાથી પોતાને શરીરી માને.

લિંગનું અભીમાન કરવાથી પોતાને સ્ત્રી કે પુરુષ માને.

સંબધોનું અભીમાન કરવાથી પોતાને પતિ/પત્નિ/પુત્ર/પુત્રી/મિત્ર/શત્રુ/માતા/પિતા વગેરે વગેરે માને.

ધર્મનું અભીમાન કરવાથી પોતાને હિંદુ/મુસ્લિમ/શીખ/ઈસાઈ/પારસી/જૈન/બુદ્ધ વગેરે વગેરે માને.

સંપ્રદાયનું અભીમાન કરવાથી પોતાને સ્વામીનારાયણ/વૈષ્ણવ વગેરે વગેરે માને.

જાતીનું અભીમાન કરવાથી પોતાને બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્ય/શૂદ્ર/શીયા/સુન્ની/વ્હોરા/મેમણ/ઘાંચી વગેરે વગેરે માને.

ધનનું અભીમાન કરવાથી પોતાને ધનિક/મધ્યમ/ગરીબ વગેરે વગેરે માને.

કાર્યનું અભીમાન કરવાથી પોતાને ઈજનેર/ડોક્ટર/વૈજ્ઞાનિક/મજુર/શેઠ/ઉધ્યોગપતિ/ટેકનોક્રેટ વગેરે વગેરે માનશે.

કેટલાંક લોકો વળી મારા જીન્સમાં આવા આવા માર્કર છે તેનું યે અભીમાન ધરાવતાં હોય છે.

જાત જાતના અભીમાન કરવાથી જાત જાતના અભીમાનનો પોતાના સ્વરુપ પર ચિદાભાસ આરોપ કરે છે. જેવો પોતાને માને છે તે બાબતના વખાણ થશે તો ફુલાશે અને નિંદા થશે તો પોતાના પક્ષનો બચાવ કરશે અથવા તો દુ:ખી થશે.

જેટલા યે કાર્યો થાય છે તે સઘળાં પ્રકૃતિમાં થાય છે, પ્રકૃતિ દ્વારા થાય છે અને પ્રકૃતિ માટે થાય છે. કૂટસ્થ આત્મામાં વાસ્તવમાં કશુંયે કર્તૃત્વ નથી.

એટલે તો નરસૈંયો લલકારે છે કે :
હું કરુ હું કરુ એ જ અજ્ઞાનતા

પ્રકૃતિના ગુણો દ્વારા સઘળાં કાર્યો થતાં હોવા છતાં જે આ કાર્યોમાં હું પણું કરે છે તે મૂઢ છે અને જેવી રીતે ગાડા નીચે ચાલતું કુતરું જાણે ગાડાનો ભાર ઉપાડતું હોય તેવું માને તેવી મુર્ખતા આચરે છે.

જે જાણે છે કે આ સઘળાં કાર્યો પ્રકૃતિના ગુણોથી થાય છે તે સારામાં સારી રીતે કાર્ય કરતો હોવા છતાં લેશ માત્ર કર્તૃત્વ ધારણ કરતો નથી અને કર્મ કે તેના ફળમાં આસક્ત થયાં વગર નિષ્ઠાપૂર્વક નિષ્કામતાથી પોતાનું કર્તવ્ય આનંદપૂર્વક બજાવે છે.

Advertisements