જ્ઞાની અજ્ઞાની
અનાસક્ત આસક્ત
કર્મે આરુઢ

અજ્ઞાની આસક્ત થઈ કર્મ કરે છે જેમ,
જ્ઞાની આસક્તિ મુકી, કર્મ કરે સૌ તેમ.

सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम्‌ ॥

भावार्थ : हे भारत! कर्म में आसक्त हुए अज्ञानीजन जिस प्रकार कर्म करते हैं, आसक्तिरहित विद्वान भी लोकसंग्रह करना चाहता हुआ उसी प्रकार कर्म करे ॥25॥

બંધન કર્મોથી નથી થતું. બંધન આસક્તિથી થાય છે. પ્રાણી માત્રને ભોજન લેવું જરુરી હોય છે. પ્રાણી માત્રને શ્વાસ લેવા જરુરી હોય છે. જીવન નિર્વાહ ચલાવવા પ્રાણી માત્રને કર્મો કરવા આવશ્યક છે. જનક રાજા જેવા મહાન રાજવી અને શ્રી કૃષ્ણ જેવા યુગ પુરુષ પણ સતત કર્મ કરે છે. જ્ઞાનીઓ યે કર્મ કરે છે અને અજ્ઞાનીઓ યે કર્મ કરે છે. બંનેના કર્મ કરવામાં મુખ્ય ભેદ શું છે? જ્ઞાની અનાસક્ત રહીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની આસક્ત થઈને કર્મ કરે છે. કર્મ કે ફળ પ્રત્યે આસક્તિ નહીં હોય તો પુરે પુરુ ધ્યાન કર્મ કરવા ઉપર આપી શકાશે. આસક્તિ ન હોવાને લીધે ક્યું કર્મ કરવા લાયક છે અને ક્યું કર્મ કરવા લાયક નથી તેનો યે વિવેક રહેશે. તેથી જ્ઞાની અને અજ્ઞાની બંને કર્મ કરતાં હોવા છતાં જ્ઞાનીનું કર્મ દીપી ઉઠશે વળી કોઈ પણ પરીણામ આવે આસક્ત ન હોવાને લીધે જ્ઞાની પ્રાપ્ત થયેલ ફળને પ્રસાદ બુદ્ધિથી પ્રસન્નતા પૂર્વક ગ્રહણ કરી શકશે. જ્યારે અજ્ઞાનીને આસક્તિ હશે તેથી મોટા ભાગનું ધ્યાન તો તેનું ફળ પર હશે વળી અનુકુળ ફળ મળે તો હરખાઈને છકી જશે અને પ્રતિકુળ ફળ મળશે તો દુ:ખથી દ્રવી જશે.

આમ જ્ઞાની અને અજ્ઞાની બંને કર્મો કરતાં હોવા છતાં એક અનાસક્ત હોય છે જ્યારે બીજો આસક્ત હોય છે. એક કર્મ કરવાનો પુરો આનંદ માણી શકે છે જ્યારે બીજો ફળની આશાએ કર્મ કરતો હોવાથી કર્મ તેને માટે ફળ મેળવવા માટેનો બોજો બની જાય છે.

જ્ઞાની હોય કે અજ્ઞાની બંનેને માટે કર્મો કરવા જરુરી છે. અજ્ઞાનીને તો આસક્તિ છે તેથી તેણે કર્મો કરવા જ જોઈએ પણ જ્ઞાનીને આસક્તિ ન હોવા છતાં લોક સંગ્રહાર્થે ય કર્મો કરવા જોઈએ.

Advertisements