મુજ અકર્મે
સંકરતા-નાશનું
દોષારોપણ

કરું નહીં હું કર્મ તો, નષ્ટ જગત આ થાય,
સંકરતા ને નાશનો મુજને દોષ અપાય.

यदि उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम्‌ ।
संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥

भावार्थ : इसलिए यदि मैं कर्म न करूँ तो ये सब मनुष्य नष्ट-भ्रष्ट हो जाएँ और मैं संकरता का करने वाला होऊँ तथा इस समस्त प्रजा को नष्ट करने वाला बनूँ ॥24॥

શ્રી કૃષ્ણ તે વખતની વ્યવસ્થા મુજબ ક્ષત્રીય તરીકે જન્મ્યાં છે અને તેથી ધર્માર્થે યુદ્ધ કર્મ પણ આવશ્યક છે તેમ સમજાવે છે. દુર્યોધન દુરાચારી છે જ્યારે યુધિષ્ઠીર ધર્મ અને નીતીથી ચાલનારા છે તેથી તેઓ ઈચ્છે કે યુધિષ્ઠિર રાજ્ય સંભાળે તો જ ધર્મની સ્થાપના થઈ શકે. જો અર્જુન યુદ્ધ ન કરે અને દુર્યોધન રાજા તરીકે ચાલુ રહે તો વધુ ને વધુ અધર્મ ફેલાય અને લોકોને થનારા ત્રાસ અને સંકરતાનો દોષ તેમની ઉપર આવે.

અલૌકિક રીતે જોઈએ તો માયા ઉપહિત ચૈતન્ય ને ઈશ્વર કહે છે. તેઓ સતત જીવને પરમાત્મભાવ બનાવી રાખવાનું સમજાવે છે. પ્રકૃતિ અને પ્રરમાત્માનું મિશ્રણ ચિદાભાસ તે મહાન સંકરતા છે અને કૂટસ્થમાં સ્થિતિ તે સંકરતાથી મુક્તિ છે અને સ્વરુપમાં સ્થિતિ છે. બે જુદા જુદા ભાવોના મીશ્રણને સંકરતા કહે છે. ઘોડા અને ગધેડાના મીશ્રણથી ઉત્પન્ન થતા ખચ્ચરને સંકર ઘોડો કે ગધેડો કહેવાય. સંકરતાથી શું ઉત્પન્ન થાય તે કહી ન શકાય. સોક્રેટીસને તે વખતની સુંદરી કહે છે કે આપણે બંને લગ્ન કરીએ તો આપણાં સંતાનો થશે તે તમારી જેવા બુદ્ધિશાળી અને મારી જેવા સુંદર થશે. સોક્રેટીસ હસીને ના પાડે છે કે એમ કરવા જેવું નથી – તેનાથી ઉલટું યે બની શકે એટલે કે મારા જેવો દેખાવ અને તારા જેવી અક્કલ પણ આવી શકે. 🙂

જ્યાં સુધી પ્રકૃતિ સામ્ય અવસ્થામાં હોય છે એટલે કે સત્વ ગુણ સત્વ ગુણમાં પરીવર્તિત થાય, રજો ગુણ રજોગુણમાં પરીવર્તીત થાય અને તમોગુણ તમોગુણમાં પરીવર્તિત થાય ત્યાં સુધી સૃષ્ટિ માં કશાયે વિકાર હોતા નથી. જેવા આ ત્રણે ગુણોનું એકબીજામાં મીશ્રણ (સંકરતા) થાય એટલે જાત જાતના ભાવો અને પ્રાણીઓ ઉત્પન્ન થાય. આ ત્રણ ગુણની વિવિધતાને લીધે જ મનુષ્યોમાં અનેક પ્રકારના મનુષ્યો જોવા મળે છે. લેબોરેટરીમાંયે હવે જીવ ઉત્પન્ન કરી શકાશે. હજુ વૈજ્ઞાનિકોને માનવ બનાવવા જેટલાં તત્વોને સંયોજતા નથી આવડ્યું પણ પ્રાથમિક કક્ષાના જીવો ઉત્પન્ન કરતાં શીખવા લાગ્યાં છે.

આ સૃષ્ટિ સુપેરે ચાલે તે માટે સૃષ્ટિ નિયંતાને સતત કાર્ય કરવાનું હોય છે જો તે ક્ષણ વાર પણ કાર્ય કરતાં અટકી જાય તો પ્રકૃતિમાં મોટા પાયે સેળભેળ થાય અને વિનાશ થાય અને તેનો દોષ છેવટે તો ઈશ્વર પર આવે.

તેવી જ રીતે દરેક વ્યક્તિ જો પોતપોતાના કાર્યો સારી રીતે ન કરે તો તેમના કાર્યક્ષેત્રોમાં ગરબડ ઉત્પન્ન થાય અને પરીણામે હાની કે વિનાશ થાય.

Advertisements