ઉત્તમ જન
નીષ્ક્રિય, દુષ્ટતાને
છુટટો દોર

જો હું કર્મ કરું નહી, તજે બધા તો કર્મ
લોકોનું હિત થાય ના, ના સચવાયે ધર્મ

यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥

भावार्थ : क्योंकि हे पार्थ! यदि कदाचित्‌ मैं सावधान होकर कर्मों में न बरतूँ तो बड़ी हानि हो जाए क्योंकि मनुष्य सब प्रकार से मेरे ही मार्ग का अनुसरण करते हैं ॥23॥

સમષ્ટિ પ્રકૃતિને વશમાં રાખીને જગતના જીવોનું પાલન કરવાનું જે પ્રભુએ માથે લીધું છે તે જો સૃષ્ટિ નીયમનનું કાર્ય ન કરે તો ધર્મ ન સચવાય અને પરીણામે લોકોનું અહિત થઈને પતન પામે.

આ જગતની સર્વ અવ્યવસ્થાના મુળમાં દુષ્ટોની સક્રીયતા જેટલી કારણભુત છે તેટલી જ સજ્જનોની નીષ્ક્રિયતા કારણભુત છે.

કલાનગરી ભાવેણાને કલંક લગાડતી એક ઘટના હમણાં ભાવનગરમાં બની. સાત નરાધમોએ એક સગીર બાળાને ઉપાડી જઈને તેની ઉપર પાશવી અત્યાચાર કર્યો. ભરતનગર વિસ્તારમાં રહેતા આ ટપોરીઓ અને તેમની ગેંગ એટલી ફુલી ફાલી હતી અને તેમને રાજકીય માથાઓ અને પોલીસોનો સહકાર હતો જેમને લીધે તેઓ વ્યાપક પ્રમાણમાં ગોરખ ધંધા ચલાવતા હતાં. ટપોરીઓ ગામે ગામ હોય છે પણ તેઓની દુષ્ટતા વકરે છે કેવી રીતે? સજ્જનોની નિષ્ક્રિયતા અને કર્તવ્યોનું પાલન કરવાની નિષ્ઠાના અભાવને લીધે. રાજકીય વ્યક્તિઓનું કર્તવ્ય છે કે પ્રજાજનોના સુખ દુ:ખ માં સહાય રુપ થવું અને પ્રજાજનોને પડતી મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરવો તેને બદલે જો રાજકીય લોકોના સાથ સહકારથી પ્રજાને ત્રાસ પહોંચાડવામાં આવે તો શું સમજવાનું? તેવી રીતે પોલીસનું કાર્ય છે લોકોનું રક્ષણ કરવાનું તેને બદલે પોલીસ ગુંડાઓને સાથ આપે તો પ્રજા કોને ફરીયાદ કરવા જાય?

જો દરેક ઉત્તમ લોકો પોતાના કર્તવ્યો કરે તો જ ધર્મ સચવાય અને લોકોનું હિત થાય. પોલીસ કમિશ્નર કડક હોય, તેમની નીચેના ડી.એસ.પી અને પી.એસ.આઈ કાબેલ હોય તેમની નીચેના જમાદારો અને ફોજદારો કાર્યનિષ્ઠ હોય તો જ જે તે વિસ્તારના લોકો શાંતિપૂર્વક જીવી શકે. જો આ અધિકારીઓ કર્તવ્યપાલન પ્રત્યે બેદરકાર હોય અને રાજનેતાઓ ભ્રષ્ટ હોય તો પ્રજાજનો ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠે.

અહીં શ્રી કૃષ્ણ કહે છે કે જો હું કર્મ ન કરું તો દેવતાઓ કર્મ ન કરે, લોકપાલો કર્મ ન કરે, પ્રકૃતિના ઋતુ ચક્ર અનીયમીત થઈ જાય, સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી જાય અને લોકોનું અહિત થાય તેથી મારે કશું મેળવવાનું ન હોવા છતાએ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું.

Advertisements