ગુણવાનને
આદર્શ માની લોકો
અનુસરતા

ઉત્તમ જન જે જે કરે તે બીજા કરતા,
પ્રમાણ તેનું માનતા લોકો અનુસરતા.

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥

भावार्थ : श्रेष्ठ पुरुष जो-जो आचरण करता है, अन्य पुरुष भी वैसा-वैसा ही आचरण करते हैं। वह जो कुछ प्रमाण कर देता है, समस्त मनुष्य-समुदाय उसी के अनुसार बरतने लग जाता है (यहाँ क्रिया में एकवचन है, परन्तु ‘लोक’ शब्द समुदायवाचक होने से भाषा में बहुवचन की क्रिया लिखी गई है।) ॥21॥

ઉત્તમ લોકો જે કાર્ય કરે છે તેને પ્રમાણ ગણીને લોકો તેને અનુસરતાં હોય છે. શ્રી રામે એક પત્નિવ્રતનો તથા મર્યાદાનો આદર્શ આપ્યો. જેઓ શ્રી રામને આદર્શ માને છે તેઓ તે પ્રમાણેનું જીવન બનાવવા પ્રયાસ કરે છે. શ્રી કૃષ્ણએ પ્રેમનો આદર્શ આપ્યો. જીવ માત્રને કેમ ચાહવા અને સાથે સાથે તેમને કર્તવ્ય કર્મો કરવા પ્રેરીને ઉન્નત કેમ બનાવવા તેનો આદર્શ તેઓએ આપ્યો. ભોળાનાથ શંભુ ભોળપણ માટે નહીં પણ જ્ઞાન માટે આદર્શરુપ છે. દરેક યુગમાં મહાન વ્યક્તિઓ જન્મી છે અને તેમણે સાંપ્રત અવ્યવસ્થાને સરખી કરીને ફરી પાછા જીવોને ઉત્ક્રાંતીમાં આગળ ધપાવ્યા છે.

ડો. હનેમાને હોમીયોપથી ચિકિત્સાપદ્ધતિ વિકસાવી અને દર્દ રહિત સારવાર શોધી કાઢી તો હોમીયોપથી માટે ડો. હનેમાન આદર્શ બની ગયાં. ન્યુટન, આઈનસ્ટાઈન, ડો.હોમી ભાભા, ડો.વિક્રમ સારાભાઈ, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અને અનેક વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક અભીગમ ધરાવનારા લોકો માટે આદર્શ છે. તેવી રીતે દરેક ક્ષેત્રમાં જુદા જુદા લોકો આદર્શ હોય છે. આ આદર્શને નજર સમક્ષ રાખીને લોકો પોતાનું જીવન ઘડતા હોય છે.

કર્મયોગનો મહિમા વર્ણવતા શ્રી કૃષ્ણ અહીં અર્જુનને સમજાવે છે કે તું આદર્શ લડવૈયો છો, તારા દાખલા આજે સમગ્ર ભારવર્ષમાં ઉત્તમ યોદ્ધા તરીકે થાય છે. સાધુપણાનો તને કશો અનુભવ નથી. તું તારા કાર્યક્ષેત્રમાં કાર્ય કર તો સફળ થઈશ પણ બીજાના કાર્યક્ષેત્રમાં ચંચૂપાત કરવા જઈશ તો નહીં અહીંનો રહે કે નહીં ત્યાંનો.

દરેક વ્યક્તિએ જીવનમાં પોતાના રસ,રુચી,કાર્યક્ષેત્ર પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. ધર્મક્ષેત્રે જે આદર્શ હોય તે વિજ્ઞાનને માટે ન હોય તેવી રીતે વિજ્ઞાન ક્ષેત્રે જે આદર્શ હોય તે ધર્મક્ષેત્રે ન હોય. કોઈ સાધુ અમીતાભ બચ્ચનને આદર્શ બનાવે તો તે નીષ્ફળ જશે તેણે તો બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય કે પછી પોતાના ક્ષેત્રના મહાપુરુષને આદર્શ બનાવવા જોઈએ તે રીતે ફીલ્મના કલાકારો બુદ્ધ,મહાવીર કે શંકરાચાર્યને આદર્શ બનાવે તો તે નીષ્ફળ જવાના.

ટુંકમાં ઉત્તમ લોકો જે કાર્ય કરે છે તેને તે ક્ષેત્રમાં કાર્ય કરનારા અન્ય લોકો આદર્શ માનીને જીવન ઘડતર કરે છે, તેથી દરેક વ્યક્તિએ પોતાને જે ક્ષેત્રમાં રસ,રુચી હોય તેવા મહાપુરુષોને આદર્શ બનાવવા જોઈએ.

Advertisements