ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: એપ્રિલ 2012

મિત્રો,

કવિતા વેકેશનમાં બાળકો સાથે બહારગામ ગઈ હતી તેથી મારું મન કશે લાગતું ન હતું અને હું અમારું એક ગમતું ગીત ગણગણ્યાં કરતો. આવતી કાલથી તો આસ્થાને દસમા ધોરણનું બોર્ડનું વર્ષ શરું થશે તેથી કવિતાની જવાબદારી ઘણી વધી જશે. જો કે આ વર્ષે તો મેં પણ આસ્થાના અભ્યાસમાં મદદરુપ થવાની ઈચ્છા રાખી છે. ચાલો આજે તમને તે ગીત સંભળાવી દઉ. આમેય આ વર્ષે બ્લોગિંગ અનીયમિત અને છુટું છવાયું રહેવાનું છે તો જ્યારે જ્યારે અહીંથી પોસ્ટ રુપી ઝાપટા પડે ત્યારે ત્યારે ભીંજાવા આવી જજો. ક્યારેક અગન તણખા ઝરે તો સંભાળીને બચતા રહેજો. લ્યો ત્યારે ઝાઝી વાતે ગાડાં ભરાય તેના કરતાં ગીત સાંભળીએ ‍:smile:

tu he re, tu he re tere bina main kaise jiyu
aajaa re, aajaa re, yu he tadpa na tu mujhko
jaan re, jaan re, in saanso mein bas jaa tu
chaand re, chaand re, aajaa dil ki zameen pe tu

chahat hai agar aake mujhase mil jaa tu
yaa phir aaisa kar, dharti se mila de mujhko
tu he re, tu he re tere bina main kaise jiyu
aajaa re, aajaa re, yu he tadpa na tu mujhko

in saanso ka dekho tum paagalpan ke
aaye nahi inhe chain
mujhase ye boli main raahon mein teri
apne bichhaa du ye nain
in uunche pahaadon se jaan de dunga main
gar tum naa aai kahi
tum udhar jaan ummeed meri jo todo
idhar ye jahaan chhodu main
maut aur, zindagi, tere haathon mein de diya re

aayi re, aayi re, le main aayi hu tere liye
toda re, toda re, har bandhan ko pyar ke liye
jaan re, jaan re, aajaa tujhamein sama jaau main
dil re dil re, teri saanson mein bas jaau main

chaahat hai agar aake mujhase mil jaa tu
yaa phir aisaa kar, dharati se milaa de mujhko
tu he re, tu he re tere bina main kaise jiyu
aajaa re, aajaa re, yu he tadpa na tu mujhko

aa ……

sau baar bulaaye main sau baar aaun,
ik baar jo dil diya
ik aankh roye to duji bolo,
soyegi kaise bhala,
in pyaar ki raahon mein patthar hain kitane
un sab ko he paar kiya
ik nadi hu main chaahat bhari aaj milne
saagar ko aayi yahaan
sajnaa, sajnaa, aaj aansu bhi meethe lage

tu he re, tu he re tere bina main kaise jiyu
aajaa re, aajaa re, yu he tadpa na tu mujhko
jaan re, jaan re, in saanso mein bas jaa tu
chaand re, chaand re, aajaa dil ki zameen pe tu

pal pal pal pal waqt to bitaa jaaye re
zaraa bol zaraa bol waqt se ke vo tham jaaye re
aayi re, aayi re, le main aayi hu tere liye
jaan re, jaan re, aajaa tujhamein samaa jaau ma


મિત્રો અને દોસ્તો,

દિર્ઘ કાળના બ્લોગિંગ બાદ હવે એક સ્વાભાવિક વિરામ લેવાની ઈચ્છા થઈ છે.

બ્લોગિંગ દરમ્યાન અમારી પોસ્ટ કે પ્રતિભાવોથી કોઈને પણ મન દુ:ખ થયું હોય કે કોઈની લાગણી દુભાવી હોય તો હ્રદયપૂર્વક બે હાથ જોડીને ક્ષમા પ્રાર્થીએ છીએ.

અમારા પ્રતિભાવ કે પોસ્ટથી જો આપને કશીએ પ્રેરણા કે પ્રોત્સાહન મળ્યાં હોય તો તે સંતો અને મહાપુરુષો પાસેથી અમને પ્રાપ્ત થયેલ થોડા પ્રસાદમાંથી થોડો તમારી સાથે વહેંચ્યો છે તેમ જાણશો.

ફરી પાછા મળશું એક વિરામ બાદ –

કવિતા અને અતુલ

આવજો 🙂 😛


જ્ઞાનનાશક
કામના પાપરુપ
તે નષ્ટ કર

મન બુદ્ધિ ઈન્દ્રિયનો તેથી કાબુ કરી,
જ્ઞાનનાશ કરનાર તે પાપી નાખ હણી.

બળવત્તર
ઈંદ્રિયો મન બુદ્ધિ
આત્મા ઉત્તમ

ઈંદ્રિયો બળવાન છે, મન તેથી બળવાન,
મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે, આત્મા ઉત્તમ જાણ.

કામ દુશ્મન
શીઘ્ર હણવા યોગ્ય
આત્મશક્તિથી

આત્માને ઉત્તમ ગણી, આત્મશક્તિ ધારી,
કામરુપ આ શત્રુને શીઘ્ર નાખ મારી.

અધ્યાય ૩ સમાપ્ત

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम्‌ ॥

भावार्थ : इसलिए हे अर्जुन! तू पहले इन्द्रियों को वश में करके इस ज्ञान और विज्ञान का नाश करने वाले महान पापी काम को अवश्य ही बलपूर्वक मार डाल ॥41॥

इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥

भावार्थ : इन्द्रियों को स्थूल शरीर से पर यानी श्रेष्ठ, बलवान और सूक्ष्म कहते हैं। इन इन्द्रियों से पर मन है, मन से भी पर बुद्धि है और जो बुद्धि से भी अत्यन्त पर है वह आत्मा है ॥42॥

एवं बुद्धेः परं बुद्धवा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम्‌ ॥

भावार्थ : इस प्रकार बुद्धि से पर अर्थात सूक्ष्म, बलवान और अत्यन्त श्रेष्ठ आत्मा को जानकर और बुद्धि द्वारा मन को वश में करके हे महाबाहो! तू इस कामरूप दुर्जय शत्रु को मार डाल ॥43॥

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः ॥3॥

ઈંદ્રિયો વિષયોમાં પરાણે ખેંચી જાય તેવી બળવાન છે મન તેના કરતાં વધારે શક્તિશાળી છે જ્યારે મનુષ્યને મળેલ તમામ પ્રાકૃતિક અવયવમાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. વિષયાસક્ત ઈંદ્રિયો, વિષયોનું ચિંતન કરતું મન અને વિષયમાં યથેચ્છ વિહાર કરવાની અનુમતી આપનારી બુદ્ધિથી આત્મજ્ઞાનની એટલે કે સ્વરુપની વિસ્મૃતિ થઈ જાય છે. અનંત, વિભુ અને સત ચિત આનંદ સ્વરુપનું વિસ્મરણ કરાવીને અસત, જડ અને દુ:ખરુપ શરીરમાં હું પણું કરાવનારી કામનાઓ જ્ઞાનનો નાશ કરતી હોવાથી જીવાત્મા માટે શત્રુરુપ છે.

આ શત્રુરુપ કામ આત્મ શક્તિ ધારણ કરીને નાશ કરવા યોગ્ય છે. અર્જુનને ઉદ્દેશીને શ્રી ભગવાન અનાસક્ત ભાવે પોતાની પ્રકૃતિ પ્રમાણે સ્વધર્મનુમ પાલન નીષ્કામ ભાવે કરતાં રહીને તેમાં આડે આવતા કામ ક્રોધ રુપી શત્રુનો નાશ કરવાની તથા પ્રબળ આત્મશક્તિથી ઈંદ્રિય, મન અને બુદ્ધિને વશમાં રાખવાનું સુચવે છે.

વર્ડપ્રેસ દેશે મધુવન ક્ષેત્રે સરળ ગીતા – હાઈકુના ત્રીજા અધ્યાયની ટીકા આગંતુક મહારાજ દ્વારા પૂર્ણ થઈ.


કામ આવાસ
મન બુદ્ધિ ઈંદ્રિય
મોહ કારક

મન બુદ્ધિ ઈન્દ્રિય છે તેના નિત્યનિવાસ,
તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ.

इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम्‌ ॥

भावार्थ : इन्द्रियाँ, मन और बुद्धि- ये सब इसके वासस्थान कहे जाते हैं। यह काम इन मन, बुद्धि और इन्द्रियों द्वारा ही ज्ञान को आच्छादित करके जीवात्मा को मोहित करता है। ॥40॥

રજોગુણથી ઉત્પન્ન થનાર કદી ન ધરાનારા અને મહા પાપી કામ અને ક્રોધ જીવના મહાન શત્રુઓ છે. જેવી રીતે બાહ્ય શત્રુઓ હંમેશા તેના વેરીનું અહિત કરનારા હોય છે તથા પ્રગતિમાં બાધક હોય છે. તેવી રીતે આ કામ અને ક્રોધ જીવાત્માને પોતાના આનંદમય સ્વરુપથી વંચિત રાખનારા અને સર્વોચ્ચ લક્ષ્ય પરમાનંદની પ્રાપ્તિ અને દુ:ખની આત્યંતિક નિવૃત્તિમાં બાધા પહોંચાડનારા છે.

અત્યારે આપણે જોઈએ છીએ કે ત્રાસવાદ તે સમગ્ર વિશ્વને રંજાડતી એક જટીલ સમસ્યા બની ગઈ છે. ત્રાસવાદ તેની મેળે મેળે ફેલાઈ ન શકે. તે માટે ત્રાસવાદીઓ હોવા જોઈએ. વળી ત્રાસવાદીઓ કાઈ હવામાં કે અદૃશ્ય ન રહી શકે તેને રહેવા માટે ય રહેઠાણ જોઈએ. દરેક દેશમાં ત્રાસવાદને પોષણ આપનારા તેના દેશવાસીઓ જ હોય છે કે જે દેશ સાથે ગદ્દારી કરીને દેશ અને દુનિયાને રંજાડનારા તત્વોને રહેઠાણ પુરુ પાડે છે.

તેવી રીતે જીવને રંજાડનારા આ કામ અને ક્રોધ મહા ત્રાસવાદી છે અને તેને રહેઠણ પુરુ પાડનારા મન, બુદ્ધિ અને ઈંદ્રિયો છે.

એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.

મન, બુદ્ધિ અને પંચેન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો + પાંચ કર્મેન્દ્રિયો) આ જીવન રુપી યુદ્ધમાં ત્રાસવાદીઓને સંતાવાના સાત કોઠા છે. જેવી રીતે ત્રાસવાદ ખત્મ કરવા માટે ત્રાસવાદીઓના રહેઠાણ પર છાપો મારીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવો પડે તેવી રીતે પાંચ ઈંદ્રિયોની પાંચ વિષયો પ્રત્યેની કામાસક્તિ, આ વિષયોનું ચિંતન પુષ્ટ કરનારુ મન અને વિષયોમાં યથેચ્છ ભ્રમણ કરવાની અનુમતિ આપતી બુદ્ધિ આ કામ અને ક્રોધ રુપી ત્રાસવાદીઓને રહેઠાણ પ્રુરુ પાડનારા સાત કોઠાં છે. આ સાતેય કોઠા પર વખતો વખત છાપો મારીને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવતા રહેવું જોઈએ તથા ત્યાર બાદ તેના પર કર્તવ્ય પાલન અને સ્વરુપ ચિંતન તથા ધ્યાન અને નિદિધ્યાસન રુપી લશ્કરી થાણાંઓ સ્થાપીને જીવના જીવતર બાગનું રક્ષણ કરીને તેને હર્યો ભર્યો બનાવવો જોઈએ. જેવી રીતે ચક્રવ્યુહ ભેદીને આગળ વધવું હોય તો સાત કોઠા ભેદવા પડે અને જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ ત્યાં વધારે મજબુત કીલ્લેબંધી હોય. તેવી રીતે આ કામ અને ક્રોધ રુપી આંતર શત્રુઓને જીતવાનું ઈંદ્રિયો કરતા મનના સ્તરે અને મન કરતાં બુદ્ધિના સ્તરે વધુને વધુ મુશ્કેલ હોય છે.

ટુંકમાં કામ અને ક્રોધ રુપી આંતર શત્રુઓ વિષયમાં રત રહેનારી ઈંદ્રિયો, વિષય ચિંતન કરનાર મન અને વિષયમાં પ્રવૃત્ત થવા દેતી બુદ્ધિમાં રહે છે અને ત્યાં રહી રહીને તે જીવાત્માને વિષયો પ્રત્યે સતત મોહિત કર્યા કરે છે.


જ્ઞાનાવૃતક
અતૃપ્ત કામ અગ્નિ
જ્ઞાનીનો રિપુ

અતૃપ્ત અગ્નિ કામનો જ્ઞાનીનો રિપુ છે,
ઢાંકી દે છે જ્ઞાનને અગ્નિ સાચે તે.

आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥

भावार्थ : और हे अर्जुन! इस अग्नि के समान कभी न पूर्ण होने वाले काम रूप ज्ञानियों के नित्य वैरी द्वारा मनुष्य का ज्ञान ढँका हुआ है ॥39॥

શાસ્ત્રની મદદથી જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવો શાસ્ત્રનો જાણનાર જ્ઞાની કહેવાય છે. આવો જ્ઞાની જાણતો હોય છે કે કર્મો સઘળાં પ્રકૃતિમાં થાય છે અને પોતાનું સ્વરુપ ચૈતન્યરુપ છે જેમાં કોઈ કર્મો થતાં નથી. જ્યાં સુધી માત્ર શાસ્ત્રનું જ્ઞાન છે પણ સમાધી દ્વારા પોતાના સ્વરુપનો સાક્ષાત્કાર કર્યો નથી ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાની હોય કે અજ્ઞાની હોય બંનેની અંદર કામનાઓ તો રહેલી જ હોય છે. શાસ્ત્રજ્ઞાની સમજે છે કે આ કામનાઓ તેને શ્રેયની પ્રાપ્તિમાં બાધક છે જ્યારે અજ્ઞાનીને માટે તો કામનાપૂર્તી એટલે કે વિષયાનંદ જ સાધ્ય હોય છે. જાણતો હોવા છતાં કે કામનાઓ બંધનકારક છે છતાં જો શાસ્ત્રજ્ઞાની સાવધાન ન રહે તો આ કામનાઓ તેને વિષયોમાં ખેંચી જાય છે. પરીણામે તેનું શ્રેય માર્ગેથી પતન થાય છે.

કામને અગ્નિ કહેવાનું તાત્પર્ય તે છે કે જેવી રીતે અગ્નિની અંદર લાકડા અને અગ્નિ પોષક દ્રવ્યો હોમતા જઈએ તેમ તેમ અગ્નિ શાંત થવાને બદલે વધુને વધુ પ્રજ્વલિત થતો જાય છે. તેવી રીતે કામનાઓની પૂર્તિ કરવાથી આ કામાગ્નિ શાંત નથી થતો પણ ઉલટાનો વધુ ને વધુ વિષય ભોગવવાની લાલસા કરે છે.

શંકરાચાર્યજી મહારાજ કહે છે કે :

ન પ્રમાદાદ અનર્થોન્ય જ્ઞાનીન: સ્વસ્વરુપત:
તતો મોહ તતો હં ધી તતો બંધ: તતો વ્યથા.

જ્ઞાનીઓએ પોતાના સ્વ સ્વરુપનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવામાં પ્રમાદ ન કરવો જોઈએ. જો તે પ્રમાદથી ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવાનું છોડી દેશે તો તરત જ તેને વિષયોમાં મોહ થશે. પરીણામે તેનો અહંકાર જાગૃત થઈને કર્તાભાવે વિષય પ્રાપ્તિ માટે કર્મો કરશે, બુદ્ધિ ચંચળ બનશે, તેનાથી વિષયાર્થે સકામ કર્મો થશે, જેનું કર્માશય બંધાતા ફરી પાછું બંધન થશે અને બંધનને પરીણામે વ્યથા થશે.

આમ જે માત્ર શાસ્ત્રજ્ઞાની છે પણ જેણે ચિંતન, મનન અને નિદિધ્યાસનના પરીપાક રુપે સહજાવસ્થા પ્રાપ્ત કરી નથી તેવા જ્ઞાનીની અતૃપ્ત કામનાઓ તેને વિષયોમાં પ્રવૃત્ત કરાવીને શત્રુ માફક વર્તીને બંધન રુપ બને છે.


દર્પણ મેલે
આગ રાખથી, ગર્ભ
ઓરે ઢંકાય

નિષ્કામ કર્મ
ઈચ્છા તૃષ્ણા વાસના
ક્રોધે રુંધાય

દર્પણ મેલે, રાખથી આગ જેમ ઢંકાય,
ગર્ભ ઓરથી, કર્મ સહુ ત્યમ તેથી ઢંકાય.

धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम्‌ ॥

भावार्थ : जिस प्रकार धुएँ से अग्नि और मैल से दर्पण ढँका जाता है तथा जिस प्रकार जेर से गर्भ ढँका रहता है, वैसे ही उस काम द्वारा यह ज्ञान ढँका रहता है ॥38॥

પોત પોતાની પ્રકૃતિ અનુસાર સહજ કર્તવ્ય કર્મ કરતાં કરતાં વ્યક્તિ જીવનનો આનંદ અને સાથે સાથે પરમ શ્રેય પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ પ્રમાણે સહજ કર્તવ્ય કર્મ કરવામાં આડે આવનાર મુખ્ય પરીબળો ઈચ્છા, તૃષ્ણા અને વાસના તથા તેને પરીણામે ઉત્પન્ન થતો ક્રોધ છે તે આપણે જોયું.

અંત:કરણમાં પડતાં ચૈતન્યના પ્રતિબિંબને ચિદાભાસ કહે છે અને સમગ્ર શરીરને આવરી લેતા ચેતનને કૂટસ્થ કહે છે તે આપણે જોઈ ચૂક્યાં છીએ. ચિદાભાસ જ્યારે તેની વૃત્તિનો વિષય બાહ્ય પદાર્થ બનાવે છે ત્યારે બાહ્ય પદાર્થ પર રહેલ આવરણ ચૈતન્યના પ્રકાશથી દૂર થાય છે અને વસ્તુ કે પદાર્થનું યથાર્થ સ્વરુપ બુદ્ધિની પકડમાં આવી જાય છે. તેવી રીતે જ્યારે સહજ કર્મ કરતી વખતે વૃત્તિનો પ્રકાશ સંપૂર્ણ પણે પોતાના કાર્યમાં હોય ત્યારે તેના દ્વારા કરવામાં આવતું કાર્ય જ્ઞાત હોય છે અને પરીણામે જ્ઞાન સહિત કરેલ કાર્ય તે સારામાં સારી રીતે કરી શકે છે. જ્યારે અંત:કરણ ઈચ્છા, તૃષ્ણા અને વાસનાથી ગ્રસ્ત હોય છે ત્યારે મન મહદ અંશે તો ઈચ્છિત વસ્તુના ચિંતનમાં લાગેલું હોય છે તેથી કર્તવ્ય કર્મ પરત્વે સંપૂર્ણ ધ્યાન આપી શકાતું નથી અને પરીણામે કાર્ય સરખી રીતે શઈ શકતું નથી.

પરીક્ષાની તૈયારી કરતી વખતે બાળકનું મન વેકેશનમાં શું આનંદ કરશું તેના વિચારમાં ચાલ્યું જાય તો તેની એકાગ્રતા તુટી જશે. ઓફીસે ગયેલી વ્યક્તિના મનમાં અર્ધાંગીનીએ આપેલી સુચના પ્રમાણે સાંજે બજારમાંથી ઘર માટે લાવવાની વસ્તુઓની યાદી રમતી હશે તો ઓફીસના કાર્યમાં પુરતું ધ્યાન નહીં રહે. મંદિરમાં દર્શન કરવા ગયેલ ભક્ત બીજી ભક્તાણી કેવી સાડી પહેરીને દર્શને આવી છે તે જોવામાં રહેશે તો ઈષ્ટનું ચિંતન કરી શકવાની યોગ્યતા ગુમાવી બેસશે.

જેવી રીતે અરીસા પર મેલ જામી જાય તો પ્રતિબિંબ ચોક્ખું હોવા છતાં મેલું દેખાય છે તેમ ઈચ્છા, તૃષ્ણા અને વાસનાને લીધે અંત:કરણ સંપૂર્ણ યોગ્યતાથી પોતાનું કાર્ય કરી શકતું નથી.

જે લોકો ચૂલો સળગાવતા હશે તેમને ખબર હશે કે ચૂલામાં લાકડા થોડી વાર સળગે પછી તેની ઉપર રાખ થઈ જાય. અંદર લાકડા બળતા હોય. આ રાખને ફુંક મારીને કે પુંઠાના પંખાથી હવા નાખીને ઉડાડી મુકીએ એટલે લાકડાં પાછા બરાબર સળગવા લાગે. તેવી રીતે અંત:કરણમાં ઈચ્છા, તૃષ્ણા અને વાસનાની રાખ જામી જાય છે તેને ફરી પાછી સ્વરુપના ચિંતન રુપી ફુંકથી ઉડાદી દઈએ એટલે પાછું કર્તવ્ય કર્મોમાં આનંદપૂર્વક પ્રવૃત્ત થઈ શકાય.

જેવી રીતે ઓરથી ઢંકાયેલ ગર્ભ જ્યાં સુધી ઓર દૂર ન કરીએ ત્યાં સુધી બાળક બાબો છે કે બેબી તે ખબર ન પડે તેમ ઈચ્છા, તૃષ્ણા અને વાસનાથી ઢંકાયેલ અંત:કરણમાં પોતાનું વાસ્તવિક કર્તવ્ય કર્મ શું છે તેનો ખ્યાલ નથી આવતો અને જ્યારે તેને દૂર કરી નાખવામાં આવે ત્યારે ફરી પાછા કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત થઈ શકાય છે.

ટુંકમાં કર્તા ઈચ્છા, તૃષ્ણા અને વાસનાને લીધે પોતાની પ્રકૃતિ અનુસાર કર્તવ્ય કર્મો કરવામાં પ્રમાદી બની જાય છે તે તેને દૂર કરી દેવાથી અંત:કરણ ફરી પાછું યોગ્યતા ધારણ કરે છે અને પોતાનું કર્તવ્ય કર્મ પોતાની પ્રકૃતિ અનુસાર કરવા માટે શક્તિમાન બને છે.


છ પ્રકારના ઐશ્વર્યોથી સંપન્ન હોય તેને ભગવાન કહેવાય છે. ભગવદ ગીતા તે જીવને માટે કલ્યાણકારી સિદ્ધાંતોનો સંગ્રહ હોઈને ત્યાં સાધકને જાણે ભગવાન ઉપદેશ આપતાં હોય તેવો ભાવ રહેલ છે. ભગવદ ગીતામાં ક્યાંય તેમ નથી કહ્યું કે શ્રી કૃષ્ણ ઉવાચ પણ સર્વત્ર તેમ જ કહ્યું છે કે શ્રી ભગવાન ઉવાચ.

શ્રી ભગવાન કહે છે :

આંતર શત્રુ
તૃષ્ણા વાસના ક્રોધ
પાપ કારણ

ઈચ્છા તૃષ્ણા વાસના, ક્રોધ કહ્યો છે જે,
તે જ કરાવે પાપને, દુશ્મન જનના તે.

श्रीभगवानुवाच

काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्धयेनमिह वैरिणम्‌ ॥

भावार्थ : श्री भगवान बोले- रजोगुण से उत्पन्न हुआ यह काम ही क्रोध है। यह बहुत खाने वाला अर्थात भोगों से कभी न अघानेवाला और बड़ा पापी है। इसको ही तू इस विषय में वैरी जान ॥37॥

જન્મ થયો છે તે જ સુચવે છે કે ઈચ્છાઓ બાકી રહી ગઈ છે. બે પ્રકારના મનુષ્યો જન્મે છે. ૧. તો જેમને ઈચ્છાઓ બાકી રહી ગઈ છે તેવા સામાન્ય મનુષ્યો. ૨. લોકોને માર્ગદર્શન આપીને કલ્યાણના માર્ગે લઈ જવા માટે સિદ્ધો.

મોટાભાગના મનુષ્યો પ્રથમ પ્રકારના છે. બીજા પ્રકારના મનુષ્યો દુર્લભ હોય છે. મનુષ્યને ફરી ફરીને જન્મ અને મરણની આ રમતમાં સ્વેચ્છાએ આવવાનું થયું હોય તો તે સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળી શકે પણ જો પરેચ્છાએ આવવાનું થયું હોય તો બહાર નીકળવા માટે બીજો તેને મુક્ત કરે ત્યાં સુધી રાહ જોવી પડે છે. મનુષ્યો અને સર્વ પ્રાણીઓ સ્વેચ્છાએ અને પરેચ્છાએ તેમ બેવડી રીતે બંધાઈને અહીં આવતા હોય છે. પોતાની બાકી રહી ગયેલી કામના તે સ્વેચ્છા છે અને પોતે કરેલા કર્મોનો હિસાબ ચૂકવવો તે ઈશ્વરી નિયમના ભાગરુપે પરેચ્છા છે.

આગળ આપણે જોયું કે જે વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર સહ્જ કર્તવ્ય કર્મો આનંદપૂર્વક કરતો જાય છે અને જે કાઈ કાર્ય તેના ભાગે આવે તે નિષ્ઠાપૂર્વક ફળની ઈચ્છા વગર પૂર્ણ કરે તો નવા કર્મો બંધાતા નથી અને જુનો હિસાબ ચૂકતે થઈ જાય છે તેથી સહજતાથી સ્વતંત્ર થઈ જાય છે. જે વ્યક્તિ સતત નવી નવી ઈચ્છા કર્યા કરે છે તેનું ચિત્ત સતત તે ઈચ્છાને પુર્ણ કરવા માટે ચિંતન કર્યા કરે છે. છેવટે તેની ઈચ્છા તૃષ્ણામાં પરીવર્તે છે અને એક સમયે તો તેને તેમ લાગે છે કે જો ઈચ્છા પુરી નહીં થાય તો મારું જીવતર નકામું છે. ઈચ્છા પુરી થાય તો તેની તે ઈચ્છા ફરી વખત પૂરી કરવાની વાસના રહ્યાં કરે છે. વ્યસનીને જુઓ – આજે બીડી કે સીગારેટ કે શરાબ પીધો એટલે પુરું નથી થઈ જતું. બીજે દિવસે ફરી પાછી તેની તે તલબ. આવી ઈચ્છા, તૃષ્ણા અને વાસનાને લીધે બંધાયેલ મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મો પ્રત્યે બેદરકાર બની જાય છે. જે કોઈ આ ઈચ્છા, તૃષ્ણા કે વાસનાની પૂર્તિની આડે આવે તેના પ્રત્યે તેને ક્રોધ આવે છે અને પરીણામે ઘણી વખત તે સ્વને અને ઘણી વખત તે અન્યને નુકશાન કરી બેસે છે.

જગતમાં દેખાતા સર્વ અનિષ્ટોના મુળમાં આ ઈચ્છા, તૃષ્ણા અને વાસના રહેલી છે અને તેને પરીણામે ઉત્પન્ન થતો ક્રોધ ભયંકર પરીણામ લાવે છે.

કેવી કેવી ઈચ્છાઓ હોય છે તેના થોડાંક ઉદાહરણો જોઈએ.

મારો ધર્મ આ જગતના સર્વ લોકો સ્વીકારે.
મારો દેશ આ જગતમાં સર્વોપરી દેશ બને.
મારી હકુમત મારા બધા કુટુંબી જનોએ સ્વીકારવી જોઈએ.
હું ખુબ પૈસાદાર બનું.
જગતના બધા ભૌતિક સુખો મારી પાસે હોવા જોઈએ.
હું આ જગતનો પ્રથમ નંબરનો ઉદ્યોગપતિ બનું.
મને નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ.
મારે બોર્ડમાં પ્રથમ નંબરે આવવું જોઈએ.

ઈચ્છા પુરી થાય તો ફરી પાછી નવી ઈચ્છા શરુ થાય છે.

સામાન્ય રીતે તેવું માનવામાં આવે છે કે જે ઝંખ્યું હોય તે પ્રાપ્ત થઈ જાય તો સુખ મળે.

ધારોકે કોઈ એક નિસંતાન દંપતીને બાળક જોઈએ છે. સતત તે બાળકના અભાવથી પીડાય છે. તેનું મન બાળક વગર અધૂરપ અનુભવે છે. તેનું ચિત્ત તંત્ર લગભગ બધો સમય કેમ બાળક પ્રાપ્ત કરવું તેમાં લાગેલું રહે છે. હવે તે અજંપાભરી પરિસ્થિતિમાં રહે છે. જે વખતે તેઓ પરણ્યા નહોતા તે વખતે તેમને કશી ઝંખના નહોતી. પરણ્યાં પછી એકાદ વર્ષ આનંદપૂર્વક જીવ્યાં. એક વર્ષ પછી યે જ્યારે તેમને ત્યાં સંતાન પ્રાપ્ત થાય તેવા કોઈ ચિન્હો ન દેખાયા એટલે તે અજંપો અનુભવવા લાગ્યાં. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ સંતાન પ્રાપ્તિની તેમની ઝંખના વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. ઘણાં ટેસ્ટ કરાવ્યા, ઘણાં ઉપચારો કરાવ્યા પણ પરીણામ શૂન્ય. તેમના જીવનમાં ઘોર નીરાશા વ્યાપી ગઈ. એકાએક કોઈ રામબાણ ઈલાજ મળ્યો અને પત્નિ ગર્ભવતી બની. તે સમયે તેના આનંદની ચરમ સીમા હતી. યોગ્ય સમયે યોગ્ય બાળક અવતર્યું અને તેમના આનંદનો પાર ન રહ્યો. હવે તેમની બાળક મેળવવાની ઝંખના પુરી થઈ પણ બાળકને મોટું કરવાની, બાળકને કશું ન થઈ જાય તેની ચિંતા શરુ થઈ.

માણસને અજંપાભરેલી પરિસ્થિતિમાં મુકાવા માટે માત્ર એક ઈચ્છા પુરતી છે. જ્યારે માણસો પાસે ઈચ્છાઓનો સમુહ હોય છે અને કેટલીક તો એવી કે જે કદીયે પુરી ન થાય.

આવી જાત જાતની મનઘડન ઈચ્છાઓ પુરી કરવા માટે પછી લોકો આકાશ-પાતાળ એક કરે અને છેવટે જ્યારે અનુભવાય કે જગત મનુષ્યની ઈચ્છા પ્રમાણે નહીં પણ જગતના નિયમો પ્રમાણે વર્તે છે ત્યારે ઈચ્છા પુરી ન થાય તેથી ક્રોધ ઉત્પન થાય. ક્રોધને લીધે તે સ્વને કે અન્યને નુકશાન કરી બેસે.

ઈચ્છા થાય ત્યારે બુદ્ધિ ચંચળ બને અને સતત ઈચ્છિત વિષયનું ધ્યાન ધરે. જે વખતે ઈચ્છા પુરી થાય તે વખતે વિષયનું ધ્યાન ન રહેતાં બુદ્ધિ સ્વરુપમાં સ્થિત થઈ જાય છે. તેથી આનંદતો સ્વરુપનો આવે છે પણ વ્યક્તિને લાગે કે ઈચ્છા પુરી થવાથી આનંદ આવે છે. જ્યારે ખરેખર ઈચ્છા પુરી થવાથી વિષય પરથી ધ્યાન હટતાં બુદ્ધિ ક્ષણ વાર માટે સ્વરુપમાં સ્થીર થાય છે તેનો આનંદ આવે છે.

આમ આનંદ વસ્તુ કે વિષયમાં નથી હોતો પોતાના સ્વરુપમાં હોય છે.

અન્યની અકારણ મન, વાણી કે શરીરથી કરેલી હિંસા તે પાપ છે. આમ પાપના મુળમાં ઈચ્છા, તૃષ્ણા, વાસના અને તેને પરીણામે ઉત્પન્ન થતો ક્રોધ રહેલો છે.


અર્જુન પુછે છે :

પાપ પ્રેરક
એવું તો કોણ છે જે
પરાણે ખેંચે?

કોનાથી પ્રેરાઈને પાપ કરે છે લોક,
ઈચ્છા ના હોય છતાં જાણે ખેંચે કોક?

अर्जुन उवाचः

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥

भावार्थ : अर्जुन बोले- हे कृष्ण! तो फिर यह मनुष्य स्वयं न चाहता हुआ भी बलात्‌ लगाए हुए की भाँति किससे प्रेरित होकर पाप का आचरण करता है ॥36॥॥

કર્મયોગનો અદભુત સિદ્ધાંત સમજાવતાં શ્રી કૃષ્ણ એ જ્યારે સમજાવ્યું કે પોતાનું સહજ કાર્ય કરતાં કરતાં સ્વાભાવિક રીતે જ વ્યક્તિ શ્રેય અને કલ્યાણને પ્રાપ્ત કરી લે છે. ત્યારે અર્જુનને પ્રશ્ન થાય છે કે તો પછી એવું તો શું છે કે જે લોકોને પોતાનું સહજ કર્તવ્ય કર્મ કરવા દેતું નથી? તેવું તો શું છે કે જે લોકોને સહજ ધર્મથી વિમુખ કરી દઈને ન કરવાના કામ કરાવે છે?

આપણો મહાન ભારત દેશ (જુઓ હસતાં નહીં)?

મહાન સંસ્કૃતિ?

અદભુત આધ્યાત્મિક વારસો?

ધર્મ અને કર્તવ્ય પાલન તો આપણી રગે રગમાં વહેતા હોવા જોઈએ કે નહીં?

શ્રી કૃષ્ણ જેવા મહાન સાક્ષાત ઈશ્વર જ્યાં અવતરતાં હોય તે દેશ આટલો બધો અંધકારમાં ગળા ડૂબ શા માટે છે?

શ્રી કૃષ્ણ જેવા શ્રેષ્ઠ પુરુષ સાથે ચર્ચા વિચારણા કરી શકે તેવી દ્રૌપદી જેવી મારફાડ જગદંબાઓ કેમ લૂપ્ત થઈ ગઈ છે?

એક ઘાએ હાથીની ગરદન કાપી નાખે તેવા ભીમ જેવા મહાબલીઓ કેમ અદ્રશ્ય થઈ ગયાં છે?

આપણાં રાજનેતાઓ સુશાસન કરવાને બદલે દુ:શાસનની જેમ કેમ વર્તે છે?

આપણાં પોલીસ અધીકારીઓ પ્રજાનું રક્ષણ કરવાને બદલે ગુંડાઓની ટોળકીમાં કેમ ભળે છે?

આપણાં લશ્કરી અધીકારીઓને થતી ભ્રષ્ટાચાર માટેની રજૂઆતો અને ઘણી વાર આચરાતા ઉચ્ચ કક્ષાના ભ્ર્ષ્ટાચારોના સમાચારથી અખબારી પાનાઓ કેમ ભરાયેલા રહે છે?

આપણું મીડીયા એકના એક લોક લાગણીને ઉશ્કેરે તેવા સમાચારો કેમ સતત બતાવ્યા કરે છે?

આપણાં કર્મચારીઓ કેમ કામચોર છે?

આપણાં ઉત્પાદનોમાં ગુણવત્તાનું કેમ ધ્યાન રખાતું નથી?

આપણાં વૈદ્યો અને દવાખાનાના કર્મચારીઓ કેમ આટલા બધા બેદરકાર છે?

આપણાં ન્યાયાધીશો અને વકીલો પૈસા માટે ન્યાયને કેમ વેચે છે?

અપરાધનો ભોગ બનેલાને ન્યાય મેળવતાં વર્ષોના વર્ષો વીતી ગયાં પછીએ ન્યાય કેમ મળતો નથી?

આપણાં શિક્ષકો વર્ગખંડમાં ભણાવવાને બદલે ખાનગી ટ્યુશન શા માટે કરે છે?

આપણાં અર્થશાસ્ત્રીઓ એવી તે કેવી નીતી ઘડે છે કે જેથી ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે અમીર થતો જાય છે અને મધ્યમ વર્ગ હંમેશા આ બંનેની વચ્ચે પીસાયા જ કરે છે, પીસાયા જ કરે છે?

આપણાં ખેડુતો વધારે પાક લેવા માટે રાસાયણીક ખાતરો અને જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરીને જમીન કેમ બગાડી નાખે છે?

આપણાં ઉદ્યોગ ગૃહો પર્યાવરણના નિયમોની ઐસી તૈસી કરીને સતત પ્રદૂષણ કેમ ફેલાવતા રહે છે?

ધર્મ, નાત જાત, સંપ્રદાયો અને વાડાબંધીથી જે એક ચૈતન્ય સર્વને પ્રકાશે છે તેવી સુફીયાણી વાતો કરનારા આપણાં દંભી ધર્મગુરુઓ માનવ ને માનવથી અલગ કરી નાખતા ઉપદેશો કેમ આપે છે?

એવા ધર્મો કેમ છડેચોક ફુલે ફાલે છે કે જે પોતાના મત અનુસાર ન વર્તે તેને કાફર કહે અને તેને મારી નાખવા સુધી જતા યે જેના હાથ ન અટકે?

કોઈ પણ ક્ષેત્રે જુઓ, સર્વત્ર અંધાધુંધી અને અરાજકતા કેમ ફેલાયેલી જોવા મળે છે?

પોતાની બુદ્ધિને પોતાના હાથે તાળા મારીને બેવકુફો શા માટે તેની ચાવી બીજાને સોંપી આવે છે?

અર્જુન પુછે છે કે પ્રભુ એવું તો કોણ છે? કે જેને લીધે સર્વ પ્રાણીઓમાં સહુથી વધુ બુદ્ધિશાળી ગણાતો માણસ કોઈ પણ પ્રાણી ન આચરે તેવા પાપ આચરે છે.


ભિક્ષુનો ત્યાગ
તેમ યોદ્ધાનો યુદ્ધ
સહજ ધર્મ

ભિક્ષુ ન રાગે
તેમ યોદ્ધો ન ભાગે
ધર્મ સંભાળ

યુદ્ધ ધર્મ તારો ખરે, ત્યાગ ભિક્ષુનો ધર્મ,
મૃત્યુ મળે તોયે ભલે, કર તું તારું કર્મ.

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्‌ ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥

भावार्थ : अच्छी प्रकार आचरण में लाए हुए दूसरे के धर्म से गुण रहित भी अपना धर्म अति उत्तम है। अपने धर्म में तो मरना भी कल्याणकारक है और दूसरे का धर्म भय को देने वाला है ॥35॥

એક સાચા ભિક્ષુને જુઓ. રોજની આવશ્યકતા માત્ર દો રોટી અને એક લંગોટી અને ચહેરા પર જુવો તો દિગ દિગંતનું તેજ ઝગારા મારતું હોય. આવો ભિક્ષુ તેને કોઈ હિરા,માણેક,ઝવેરાત આપવા ચાહે તો ય તેનો તેને રાગ ન થાય તેને માટે તે સઘળું ધૂળ કાંકરા બરાબર. પરમાત્માની પરમ ચેતનામાં એકાકાર થઈ ચૂકેલ ભિક્ષુને સતત પરીવર્તનશીલ સંસારનો જે આધાર છે તે પરમ તત્વ પકડાઈ ગયું હોય, જેને અસલી હિરો મળી ગયો તે પછી કાંકરામાં રાગ કરે ખરો? કદીયે નહીં.

તેવી રીતે જે યોદ્ધો છે, યુદ્ધ જેનું કર્તવ્ય છે. જેની રણભેરી સાંભળીને દુશ્મનોના હાંજા ગગડી જાય છે. જેની સિંહ સમાન દૃષ્ટિથી દુશ્મન દળમાં સોપો પડી જતો હોય, જેની હાક માત્રથી મિત્રોમાં ઉત્સાહનો સંચાર થતો હોય અને દુશ્મનો ઉભી પુછડીએ ભાગતાં હોય તેનો સહજ ધર્મ યુદ્ધ જ હોય ભિક્ષાપાત્ર તેને શોભા નહીં આપે.

અર્જુન મહાન યોદ્ધો છે. આજ સુધીમાં કૈંક લોકોને તે ધૂળ ચાટતા કરી ચૂક્યો છે. એકલા હાથે કેટલાયે મહારથીઓને ભૂતકાળમાં હરાવી ચૂક્યો છે તેવો અર્જુન આજે યુદ્ધથી નહીં પણ મોહથી પરાસ્ત થઈ ગયો છે. રણ મેદાનમાં કોઈની તાકાત નથી કે તેની સામે ઉભા રહી શકે પણ મનોરાજ્યમાં મોહરુપી તમસ તેને ઘેરી વળ્યું છે.

એક વખત એક સિંહણ ગર્ભવતી હતી તે છલાંગ મારીને નદી ઓળંગવા જતી હતી તેવે વખતે એકાએક તેને પ્રસવ પીડા ઉપડે છે અને છલાંગ મારતાં જ પ્રસવ થઈ જાય છે. સિંહણ નદી કુદી જાય છે, નાનકડા સિંહબાળને જન્મ આપે છે પણ પ્રસવપીડા અને છલાંગ મારવાની બેવડી શક્તિ ખર્ચાવાને લીધે તાત્કાલિક મૃત્યું પામે છે. સિંહ બાળ નદી કીનારે એકલું એકલું માતાના મૃતદેહ પાસે ટળવળતું હોય છે. તેવામાં એક ભરવાડ ત્યાંથી નીકળે છે અને જુવે છે કે સિંહણ મરી ગઈ છે અને સિંહબાળ દુધ માટે ટળવળે છે. ભરવાડ તેને બકરીનું દૂધ પાઈને ઉછેરે છે. બકરીઓ ભેગો ચરવા લઈ જાય છે. આમ રોજ રોજ બકરીના સહવાસમાં રહીને તે ઘાસ ખાય છે, બકરીની જેમ બેં બેં કરે છે, અને બકરીઓની સાથે સાથ ઉછરે છે. એક વખત એક સિંહની નજર આ બકરીના ટોળાં પર પડે છે. શિકાર પર જેમ ઝડપ મારે તેમ બકરીના ટોળામાં રહેલા સિંહને તે મોંમા ઝડપીને દૂર લઈ જાય છે અને જરાયે ઈજા ન થાય તેમ સંભાળીને નીચે મુકે છે. સિંહનું બચ્ચું થર થર ધૃજે છે. સિંહ તેને પુછે છે કે તું ધૃજે છે કેમ? તું તો સિંહ છો. બચ્ચું કહે છે કે મહારાજ, મજાક શા માટે કરો છો? હું બકરીનું બચ્ચું છું અને આપ મને મારી નાખશો તે બીકે ધૃજુ છું. સિંહ કહે અરે તું બકરી નથી તું સિંહ છો. બચ્ચું કહે છે કે મહારાજ દયા કરો મને છોડી દ્યો. સિંહ તેને પકડીને તળાવને કીનારે લઈ જાય છે. તળાવમાં તેનું પ્રતિબિંબ બતાવતા કહે કે જો – તારી અને મારી વચ્ચે કોઈ ભેદ દેખાય છે? તારે મારી જેવી કેશવાળી, દાંત અને નહોર છે કે નહીં? તું પણ મારી જેમ ગર્જના કરી શકે છે – કોશીશ કરી જો. તે તો સિંહ હતું જ તેથી તેનામાં હિંમત આવી ગઈ અને જોરથી ગર્જના કરી. આમ તેનો બકરી હોવાનો ભ્રમ દૂર થયો. આપણે બધાં સિંહ બાળ છીએ. પ્રકૃતિના સાનિધ્યે માની લીધું છે કે આપણે પ્રાકૃતિક છીએ જ્યારે વાસ્તવમાં આપણું સ્વરુપ ચૈતન્ય રુપ છે.

શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જેવી રીતે ભિક્ષુ સહજ ધર્મે પરમાત્માને પ્રાપ્ત કરે છે તેવી રીતે યુદ્ધ રુપી સહજ ધર્મ કરતાં કરતાં તું યે તે જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. જો તું ભિક્ષા માગવા જઈશ તો તે કાર્ય તને ફાવશે ય નહીં અને પરમાત્માયે નહિં મળે. માટે તું તારું સહજ કાર્ય યુદ્ધ કરવાનું છે તે જ કર.

સિંહ – બકરીની વાર્તા નો આમાં શું સંબધ? કહેવાનું તાત્પર્ય એટલું છે કે સિંહ સિંહના સ્થાને મહાન છે અને બકરી બકરીના સ્થાને મહાન છે. ભિક્ષુ ભિક્ષુના સ્થાને મહાન છે અને યોદ્ધો યોદ્ધાના સ્થાને મહાન છે. ગૃહસ્થ ગૃહસ્થના સ્થાને મહાન છે અને સંન્યાસી સંન્યાસીના સ્થાને મહાન છે. સહુ કોઇ પોત પોતાના સ્થાને મહાન છે તેમ છતાં એકનો ધર્મ તે બીજાનો ધર્મ નથી.

દરેક પોતપોતાના સ્થાને મહાન છે.


સ્વધર્મ શ્રેષ્ઠ
કર્તવ્યે પ્રાણ જાય
તે ય ઉત્તમ

ભયજનક
પરધર્મ કનિષ્ઠ
વિનાશકારી

સ્વધર્મ છે ઉત્તમ કહ્યો, પરધર્મ થકી ખાસ,
સ્વધર્મમાં મૃત્યું ભલું, પરધર્મ કરે નાશ.

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्‌ ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥

भावार्थ : अच्छी प्रकार आचरण में लाए हुए दूसरे के धर्म से गुण रहित भी अपना धर्म अति उत्तम है। अपने धर्म में तो मरना भी कल्याणकारक है और दूसरे का धर्म भय को देने वाला है ॥35॥

લડતાં ન આવડતું હોય તેવા એક સારા ચિત્રકારને સરહદે મોકલો તો તે શું ઉકાળશે? તે જ ચિત્રકાર તેની ખૂબીથી એવા એવા ચિત્રો દોરશે કે જે દુશ્મનોનું માનસ તોડી પાડવા સક્ષમ હોય. ગાયન કળાથી અજાણ એવી રસોઈ કળાની નીપૂણ વ્યક્તિને શ્રોતાઓ સમક્ષ ગીત ગાવાનું કહો તો શ્રોતાઓ બગાસા ખાય અથવા તો મારવા યે દોડે પણ તેની રસોઈ તે જ શ્રોતાઓને પીરસવામાં આવે તો તે આંગળા ચાટતા રહી જાય કે નહીં?

અહીં ધર્મ એટલે હિંદુ / મુસ્લીમ / શીખ / ઈસાઈ / પારસી / જૈન / બુદ્ધ કે તેવા કહેવાતા ધર્મોની વાત નથી. આ કહેવાતા ધર્મો અને સંપ્રદાયો તેના અનુયાયીઓને એક વિચાર સરણી કે એક પદ્ધતિ આપે છે જીવવા માટે અને પરમ તત્વની પ્રાપ્તિ માટે. જે વખતે આ વાત કહેવાઈ છે તે વખતે આવા કોઈ ધર્મો હતાં નહીં. ઉદાર ધર્મો પાસે અનેક પદ્ધતિ હશે શ્રેય પ્રાપ્ત કરવા માટે જ્યારે સંકુચિત ધર્મો પાસે એકાંગી પદ્ધતિઓ હશે. જેટલી વધારે પસંદગી તેટલી પોતાની પ્રકૃતિ અનુસાર કાર્ય કરવાની છૂટ વધારે.

સ્વ એટલે પ્રકૃતિ. પોતાની પ્રકૃતિ અનુસાર કર્તવ્ય કર્મો બજાવતા બજાવતાં પરમ તત્વ સુધી પહોંચવું તેને સ્વધર્મનું પાલન કરતાં કરતાં શ્રેય પ્રાપ્ત કર્યું કહેવાય.

વાલિયા લુંટારાને આત્મા-પરમાત્માની વાત કરે કે ધ્યાન/ધારણા/સમાધિ સમજાવે તો વાલિયાને શું સમજાય? તેને કહ્યું કે તું મરા મરા જપ્યાં કર. આમેય જડ બુદ્ધિ તો હતો, જેને તેને મારીને લુંટી લેતો. જડતાથી લાગી પડ્યો જપ કરવાં. વર્ષો સુધી એક સ્થળે બેસી રહ્યો, ધીરે ધીરે અંત:કરણ શુદ્ધ થયું એટલે તેમાં ચૈતન્ય પૂર્ણ રીતે પ્રકાશી શક્યું તો વાલિયો લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયાં. તેવી રીતે પોતાનું કાર્ય કરતાં કરતાં ચિત્તને ચૈતન્યમાં મગ્ન રાખનાર આસાનીથી તે પરમ સત્તા સુધી પહોંચી જાય છે. મોરારી બાપુને કથા કરવામાં રસ પડ્યો તો કથા કરતાં કરતાં એટલાં આગળ વધી ગયાં કે આજે દેશ વિદેશની ચેનલો તેમને ચમકાવે છે અને અનેક શ્રોતાઓ તેમની વાકધારા સાંભળીને રસ-તરબોળ થઈ જાય છે. જો તેમને રસ નહોતો પડતો તેવી ચીલા ચાલુ પઢાઈ કરતાં રહ્યાં હોત તો? તેનો અર્થ તેમ નથી કે જેમને પઢાઈમાં રસ હોય તેણે પઢાઇ છોડીને કથા કરવા માંડવું. મોરારી બાપુને પઢાઈનો વિરોધ કરવાની જરુર નથી કારણ કે જેમને માટે પઢાઇ જરુરી છે તેમનું શ્રેય પઢાઈથી જ થાય, કથાથી ન થાય. તેવી રીતે જેને જે કાર્યમાં રસ હોય અને ફાવટ હોય તે કાર્ય કરે તો સફળ થાય.

જે બાબતમાં રસ હોય જે પ્રકારની ઋચિ હોય તે પ્રકારનું કાર્ય ક્ષેત્ર હોય તો કાર્ય કરવાનોયે આનંદ આવે જ્યારે રસ ઋચિ વગર પરાણે કરવું પડતું કાર્ય તો એક પ્રકારની વેઠ જ છે.

શ્રી કૃષ્ણ અહીં તે વાત સમજાવે છે કે જે સહજ કર્મ છે તે કરતાં કરતાં ચિત્ત આસાનીથી તેમાં સફળ થશે અને સાથે સાથે કાર્ય કરવાનો આનંદ પણ આવશે. પરલોકની કલ્પના અને ચિંતનમાં આપણે આ લોકનો આનંદ પણ ગુમાવી બેસતાં હોઈએ છીએ. શ્રી કૃષ્ણ ક્યાંય આનંદના વિરોધી નથી ઉલટાના તેઓ આનંદ સ્વરુપ છે. જે લોકો આ લોકના સુખ સમૃદ્ધિ છોડીને પરલોકની સદગતી અર્થે આનંદના વિરોધી બની જઈને જાત જાતની ક્રીયાઓ અને સાધના કરવાનો ઉપદેશ આપે છે તે લોકો ધર્મને સમજ્યાં જ નથી.

પોતાનું કર્તવ્ય કર્મ કરતાં કરતાં મૃત્યું આવે તો યે અંત:કરણની યોગ્યતા જળવાઈ રહે છે તેથી આગળની યાત્રા બીજા શરીરમાં સરળતાથી થાય છે. જે લોકો કર્તવ્ય કર્મ કરતાં નથી અને પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ કર્મોમાં પ્રવૃત્ત થાય છે તેમને આ જન્મમાં યે મજા આવતી નથી, કાર્ય કરવાનો આનંદ આવતો નથી, અંત:કરણ પણ યોગ્યતા ગુમાવી બેસે છે અને પરીણામે અંત:કરણમાં અનેક વિધ સંસ્કારોના ગુંચવાડા ઉત્પન્ન થવાથી તેનું જીવન ડામાડોળ થઈ જાય છે.

પોતાની પ્રકૃતિ અનુસાર કર્તવ્ય કર્મ કરવા તેને સ્વધર્મે પ્રવૃત્ત થવું તેમ કહેવાય અને પ્રકૃતીથી વિરુદ્ધ કર્મ કરવું તે પરધર્મ અપનાવ્યો કહેવાય. પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ કરતાં કરતાં મૃત્યું થાય તો યે તે શ્રેયસ્કર હોય છે જ્યારે પ્રકૃતિથી વિરુદ્ધ કર્મ કરતાં આ લોકમાં યે ત્રાસ થાય છે તો આગળની યાત્રા વિપત્તિકર બની રહે તેમાં શું નવાઈ.

ટુંકમાં ગમતું કાર્ય ઈંદ્રિયોના વિષયના રાગ-દ્વેષથી બંધાયા વગર આનંદપૂર્વક કરવાથી સહજતાથી શ્રેયપ્રાપ્તિ થાય છે.