કર્મે પ્રવૃત
છતાયે અનાસક્ત
મંગલમય

આસક્તિ છોડી દઈ યોગ્ય કરે જે કર્મ,
તે મંગલને મેળવે, કર તું તેમ જ કર્મ.

तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पुरुषः ॥

भावार्थ : इसलिए तू निरन्तर आसक्ति से रहित होकर सदा कर्तव्यकर्म को भलीभाँति करता रह क्योंकि आसक्ति से रहित होकर कर्म करता हुआ मनुष्य परमात्मा को प्राप्त हो जाता है ॥19॥

બંધન કરનાર કર્મો નથી, બંધન કરનાર આસક્તિ છે. અર્જુન યુદ્ધના પરીણામ વિશે આશંકીત છે તેને વિજયની ઈચ્છા એટલે કે વિજયમાં રાગ છે. વળી સ્વજનો ન હણાય જાય તેવી યે ઈચ્છા છે એટલે કે સ્વજનો પ્રત્યે ય રાગ છે. શત્રુ પક્ષે પીડવામાં કશું યે બાકી નથી રાખ્યું તેથી તેમને માટે દ્વેષ છે. વળી દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા વડીલો હણાઈ જશે તેની પીડા યે છે. જાત જાતની સ્વર્ગ/નર્ક વગેરેની વાતો સંભળીને મન ભ્રમિત છે. આવી વિચિત્ર પરિસ્થિતિમાં તે એક સમયે કિંકર્તવ્ય મુઢ થઈને યુદ્ધ છોડી દઈને સાધુ થઈ જવાની ઈચ્છા કરે છે તેવા કપરા સમયે શ્રી કૃષ્ણ ચહેરા પર સહેજ સ્મિત કરીને આ જ્ઞાન આપે છે.

શ્રી કૃષ્ણ આખીયે ભગવદ ગીતામાં કર્મ છોડવાનું ક્યાંયે નથી કહેતા તેવી રીતે અહીં પણ કર્મ નહીં પણ કર્મની આસક્તિ છોડવાનું કહ્યું છે. આઈસક્રીમ ખાવો છે? એક નહીં પાંચ કપ ખાવ પણ આઈસક્રીમની ગુલામી ન હોવી જોઈએ. ચા-કોફી પીવા છે? પીવો. પીઝા-બર્ગર ખાવા છે? ખાવ. નાચ-ગાન ગમે છે? નાચો,કુદો,આનંદ કરો. પણ નાચ-ગાનની ગુલામી ન હોવી જોઈએ.

કર્તવ્ય કર્મ દરેક વ્યક્તિએ, કુટુંબે, સમાજે, રાષ્ટ્રે અને પ્રકૃતિમાં સ્થિત જે કોઈ હોય તેણે કરવા જ જોઈએ અને તોજ તેના મંગલમય પરીણામ પ્રાપ્ત થાય પણ પણ પણ તેમાં આસક્તિ હશે તો કર્મો તમને ગુલામ બનાવશે. શ્રી કૃષ્ણ ગુલામી અને ગુલામ માનસિકતાના ભયંકર વિરોધી છે. વળી સુખ દુ:ખના પ્રવાહમાં ખેંચાઈ જઈને કર્તવ્ય કર્મ છોડી દેનારને તો તે કાયર અને નપૂંસક કહેતા પણ અચકાતા નથી. આવા મહાન સામર્થ્ય ધરાવતા ઉચ્ચ કોટીના યુગ પુરુષના પ્રભાવશાળી અને શક્તિશાળી વિચારોને ન વાંચ્યા, ન સમજ્યા તો પચાવ્યા તો હોય જ કોણે? અને તેને પરીણામે આપણે નીરંતર અધોગતિમાં ઢસડાતા જઈએ છીએ. આ શક્તિશાળી વિચારો જેણે વાંચ્યા અને સમજ્યાં તેવા ક્રાંતીકારીઓ, સત્યાગ્રહીઓ ની મદદથી આપણે આઝાદ બન્યાં અને આ શક્તિશાળી વિચારો જ આપણને વધુ ઉન્નત બનાવશે.

રાજકારણીઓ કર્તવ્ય કર્મ ચૂકે તો દેશ પતનની ગર્તામાં ડુબી જાય. ધાર્મિક વ્યક્તિઓ કર્તવ્ય કર્મ ચૂકે તો સમાજ પતનની ગર્તામાં ડુબી જાય. તેવી રીતે જે કોઈ કર્તવ્ય કર્મ ત્યાગે તેનું પતન નિશ્ચિત થઈ જાય. સાથે સાથે જો આસક્તિ હશે તો કર્તવ્ય કર્મ પુરી નિષ્ઠાથી નહીં થાય અને વળી આસક્તિ ગુલામી નોતરશે.

દરેક વ્યક્તિ જો માત્ર કર્તવ્ય કર્મ પુરી નિષ્ઠાથી કરે તો આપો આપ તેના મંગલમય પરીણામ આવશે.

Advertisements