કર્મે ન લાભે
અકર્મે ન ગુમાવે
જીવનમુક્ત

કર્મ કરીને તેમને મેળવવું ના કૈ,
ન કર્યે કૈ ન ગુમાવવું, મુક્ત રહ્યાં તે થૈ.

नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥

भावार्थ : उस महापुरुष का इस विश्व में न तो कर्म करने से कोई प्रयोजन रहता है और न कर्मों के न करने से ही कोई प्रयोजन रहता है तथा सम्पूर्ण प्राणियों में भी इसका किञ्चिन्मात्र भी स्वार्थ का संबंध नहीं रहता ॥18॥

મેળવવું અને ગુમાવવું પ્રકૃતિમાં હોય છે. આત્માતો સદાયે પરિપૂર્ણ છે. તેમાં કશું મીશ્રણ, ઉમેરણ કે ઘટાડો થઈ શકતો નથી. પરિવર્તન હંમેશા પ્રકૃતિમાં થાય. ધ્યાનમાં પુરુષાર્થ અનાત્મને છોડવાનો કરવાનો હોય છે. કર્મયોગમાં પુરુષાર્થ આંતર તેમજ બાહ્ય પ્રકૃતિને કાબુમાં રાખવાનો કરવાનો હોય છે. આત્મભાવમાં સ્થિતિ તે લક્ષ્ય છે.

મનુષ્ય રજો ગુણ પ્રધાન હોવાથી ભાગ્યેજ કોઈક વિરલાઓ આત્મભાવમાં સ્થિતિ કરી શકે છે. ૯૯.૯૯૯૯ % લોકો માટે તો કર્મયોગ જ શ્રેયસ્કર છે. આગળ જતાં શ્રી કૃષ્ણ કહેશે કે આત્મભાવમાં સ્થિત હોય તેઓ યે જો ઉત્તમ કર્મો કરશે તો બીજાને માટે ઉદાહરણ રુપ થઈ પડશે. મોટા ભાગના લોકો આત્મભાવમાં સ્થિત હોતા નથી પણ મેળે મેળે માની લે છે કે પોતે આત્મભાવમાં સ્થિત છે પરીણામે તે કર્તવ્ય કર્મો કરતા બંધ થઈ જાય છે અને છેવટે આત્માનો આનંદ તો નથી મળતો પણ જગતમાં યે તેમનો નિર્વાહ ચલાવવા માટે બીજાને બોજારુપ થઈ પડે છે.

આત્મભાવમં સ્થિત વ્યક્તિને કર્મ કરીને કૈં પ્રાપ્ત કરવાનું હોતું નથી તેવી રીતે તે કર્મો ન કરે તોયે તેને કશું ગુમાવવાનું હોતું નથી. બ્રહ્મ પરિપૂર્ણ છે. ન તો તેમાં કશો ઉમેરો થઈ શકે કે ન તો તેમાંથી કશું બાદ થઈ શકે. આવા બ્રહ્મભાવમાં જે સ્થિત હોય તે કર્મ કરે તો ય કશો લાભ નથી અને કર્મ ન કરે તો યે કશું નુકશાન નથી. તે તો હંમેશા જીવન મુક્તિનો આનંદ માણતાં હોય છે.

જો કોઈ સાધુ / તપસ્વી / યોગી કે મહાત્મા પોતાને આત્મજ્ઞાની તરીકે વર્ણવતા હોય અથવા તો લોકો તેમને જ્ઞાની કહેતા હોય તેમ છતાં જો તે આનંદમય ન હોય તો સમજી લેવાનું કે બધું ગપગોળા છે. શ્રી કૃષ્ણના મુખ પર કદી વિષાદ જોયો છે? કેટલાયે ૧૦૦૮ના વિષાદયુક્ત ચહેરા જોઉ છું ત્યારે થાય છે કે આ એક ન થઈ શક્યાં અને ૧૦૦૮નો બોજો શા માટે ઉઠાવતા હશે?

આત્મભાવમાં સ્થિત વ્યક્તિ કર્મ કરે તો યે તે પોતાને માટે નથી કરતી અને કર્મ છુટી જાય તો યે પ્રમાદને લીધે નથી છોડતી. આવી સ્વનામધન્ય વ્યક્તિ હંમેશા જીવનમુક્તિનો આનંદ માણતી હોય છે. આવી વ્યક્તિઓને કોઈની યે સાથે કશો સ્વાર્થ સંબધ નથી હોતો પણ પ્રાણીમાત્રમાં તે એક માત્ર ચૈતન્યને જ વિલસી રહેલ જુવે છે.

Advertisements