કર્મથી યજ્ઞ
યજ્ઞથી વૃષ્ટિ,અન્ન
અન્નથી પ્રાણી

પ્રાણી થાયે અન્નથી, અન્ન વૃષ્ટિથી થાય,
વૃષ્ટિ થાયે યજ્ઞથી, યજ્ઞ કર્મથી થાય.

अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥

भावार्थ : सम्पूर्ण प्राणी अन्न से उत्पन्न होते हैं, अन्न की उत्पत्ति वृष्टि से होती है, वृष्टि यज्ञ से होती है और यज्ञ विहित कर्मों से उत्पन्न होने वाला है।

ઓરમાંથી જન્મતા જરાયુજ (મનુષ્ય,પશુ વગેરે), બીજ ફાડીને ઉગતાં ઉદબીજ (વૃક્ષ વગેરે), ઈંડામાંથી જન્મતા અંડજ (પક્ષી, કીડી વગેરે) અને પરસેવામાંથી ઉત્પન્ન થતાં સ્વેદજ (જૂ વગેરે) આ ચારેય પ્રકારના પ્રાણીઓ (જેમની મુખ્ય જીવન શક્તિ પ્રાણ હોય છે) તે સર્વ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નથી જીવિત રહે છે. આપણાં સ્થુળ શરીરને અન્નમય કોષ તરીકે ઓળખવામાં આવે છે.

અન્ન ખેતીથી થાય. ખેતી કરનાર ખેડુતનો આપણાં કૃષિ પ્રધાન ભારત દેશમાં મોટો મહિમા છે. ખેડુતને આપણે જગતના તાત અને ધરતી પુત્રો તરીકે સન્માનીએ છે. હાલમાં રાજકારણીઓ આ જગતના તાતની ઘણી અવહેલના કરતાં જોવા મળે છે પણ સૃષ્ટિ ચક્રમાં તેમનો મુખ્ય ફાળો છે અને તેમને બીલકુલ અવગણવા જેવા નથી. ખેતીનો મુખ્ય આધાર વૃષ્ટિ છે. હવે ધીરે ધીરે સિંચાઈની સુવિધા થઈ તો યે હજુ ઘણા પ્રદેશોમાં આજે ય ખેતીનો મુખ્ય આધાર વર્ષા હોય છે.

પહેલાના કાળમાં પર્જન્ય અને તેવા ઘણાં યજ્ઞો વૃષ્ટિ માટે થતાં. કાળ ક્રમે આપણે દેવોને પ્રસન્ન કરવાના યજ્ઞો ભુલી ગયાં છીએ તેથી ઋતુઓ ઘણી અનીયમીત થતી જાય છે. ભગવદ ગીતામાં યજ્ઞનો અર્થ કર્તવ્ય કર્મ કરવા તેવો થાય છે. સુર્ય યોગ્ય રીતે તપે તો સમુદ્ર અને જળાશયોનું યોગ્ય બાષ્પીભવન થાય, તેના યોગ્ય રીતે વાદળા બંધાય અને જરુરી પ્રદેશમાં જરુરી વર્ષા થાય. આ બધાં કાર્યો માટે વરુણ અને સુર્ય બે મુખ્ય દેવો ગણાતા કે જે સુર્યને અર્ધ્ય આપવું, સમુદ્ર પૂજન વગેરે ક્રીયાઓ દ્વારા મનુષ્ય યથા શક્તિ આ કુદરતી તત્વોને પ્રસન્ન કરવા રુપી યજ્ઞો કરતાં.

એક વાર્તા જોઈએ – એક ખેડુતને ચાર પુત્રો હતાં. એક અષાઢ મહિનો થયો તો યે વાદળો દેખાય નહીં અને વર્ષાના કશા એંધાણ જણાયા નહીં. ખેડુતના પુત્રોએ વિચાર્યું કે વર્ષાના કશા એંધાણ જણાતા નથી તો યે ખેતર ખેડીને તૈયાર કરીને વાવવું તે આપણું કર્તવ્ય છે. તેથી તેમણે તો ખેતર ખેડીને વાવવાનું શરુ કર્યું. મોરે જોયું કે વર્ષાના એંધાણ તો છે નહીં તો યે ખેડુત પુત્રો તેમનું કર્તવ્ય કરે છે તો આપણું યે કર્તવ્ય છે ટહુકા કરવાનું. એટલે મોરલાઓ ટહુકવા લાગ્યાં. મેઘોએ જોયું કે અમારી ગર્જના વગર મોરલા કેવી રીતે ટહુકવા લાગ્યાં? તપાસ કરતાં ખબર પડી કે ખેડુતોએ ખેતર ખેડવાનું કર્તવ્ય કર્મ કર્યુ માટે મોરલાએ તેમનું કર્તવ્ય કર્યું. મેઘને થયું કે અમારે અમારું કર્તવ્ય કરવું જોઈએ એટલે તેઓ ગર્જવા લાગ્યાં. ઈંદ્રને થયું કે આ મેઘો મારી આજ્ઞા વગર કેમ ગર્જવા લાગ્યા? તપાસ કરતાં ખબર પડી કે સહુ પોતાનું કર્તવ્ય કર્મ કરે છે તેથી ઈંદ્રને થયું કે મારે ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ એટલે તેમણે મેઘને વરસવાની આજ્ઞા આપી દીધી.

યજ્ઞ કર્મથી થાય. જેટલાએ યજ્ઞો એટલે કે કર્તવ્યો છે તે કર્મો કરવાથી થાય છે. આમ પ્રાણીઓનું જીવન કર્તવ્ય કર્મોથી જ ટકે છે.

Advertisements