કર્તવ્ય કર્મી
અનાસક્ત સંયમી
તે કર્મયોગી

મનથી સંયમ સાધતા અનાસક્ત પણ જે,
કર્મ કરે ઈન્દ્રિયથી શ્રેષ્ઠ ગણાયે તે.

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥

भावार्थ : किन्तु हे अर्जुन! जो पुरुष मन से इन्द्रियों को वश में करके अनासक्त हुआ समस्त इन्द्रियों द्वारा कर्मयोग का आचरण करता है, वही श्रेष्ठ है ॥7॥॥

વાર્તાઓમાં આપણને બહુ રસ પડે ખરુંને? પુરાણોની કથા વાર્તાઓ તત્વને અને ગહન બબતોને સરળતાથી સમજાવવા માટે હોય છે. એક વખત યમુના નદીમાં પુર આવ્યું હતું. ગોપીઓને સામે કાંઠે રહેતાં દુર્વાસા મુનીને ભોજન પહોંચાડવા જવું હતું. નદીમાં પાણી ખુબ હતું તેથી કેવી રીતે જવું તેની વિમાસણમાં ગોપીઓ હતી. તેવામાં તેણે નટ ખટ નંદ કીશોર કનૈયા ને જોયો એટલે તે કહેવા લાગી કે અમારે સામે પાર મુનીને ભોજન આપવા જવું છે તો શું કરવું? કાનુડો કહે કે તેમાં શું? યમુનાને જઈને કહો કે જો આ કાનુડો આજીવન બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. ગોપીઓ તો કાનુડાને આશ્ચર્ય ચકિત થઈને જોઈ જ રહી અને કહેવા લાગી કે અલ્યાં નટખટ તું અને બ્રહ્મચારી? કાનુડો હસતો હસતો કહેવા લાગ્યો કે કહી તો જુવો કહેવામાં શું જાય છે?

ગોપીઓ તો ગઈ અને યમુનાને કહ્યું કે : જો ઓલ્યો નખરાળો નંદકીશોર કાનુડો આજીવન બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. યમુનાજીએ તો તરત માર્ગ આપી દીધો અને ગોપીઓ આસાનીથી સામે કીનારે પહોંચી ગઈ. દુર્વાસા મુની ગોપીઓએ લાવેલ ભોજન જમીને તૃપ્તિનો ઓડકાર ખાતા હતા તેવે સમયે ગોપીઓએ કહ્યું કે મહારાજ હવે અમારે પાછું કેમ જવું? મુનીએ પુછ્યું કે આવ્યાતા કેવી રીતે? તો કહે કે અમે યમુનાજીને કહ્યું કે જો કાનુડો આજીવન બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો અને યમુનાજીએ માર્ગ આપેલો. દુર્વાસા મુનિ કહે તો હવે જઈને પાછા યમુનાજીને કહો કે જો દુર્વાસા આજીવન ઉપવાસી હોય તો અમને માર્ગ આપો.

ગોપીઓ તો જોઈ જ રહી અને કહે કે મહારાજ હમણાં તો તમે જમ્યાં છો અને ઓડકાર ખાધા અને તમે ઉપવાસી અને તે ય પાછા આજીવન? દુર્વાસા કહે કહી તો જુવો કહેવામાં શું જાય છે?

ગોપીઓ તો ગઈ અને યમુનાને કહ્યં જો દુર્વાસા મુનિ આજીવન ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. યમુનાજીએ તો તરત માર્ગ આપી દીધો અને ગોપીઓ આસાનીથી પાછી આ કીનારે આવી ગઈ.

આપણે સહુ જાણીએ છીએ કે આ બધી વાર્તાઓ માત્ર વાર્તા તરીકે ન હોય પણ તેની પાછળ ગૂઢાર્થ હોય. શ્રી કૃષ્ણને ૮ પટરાણીઓ અને ૧૬૧૦૦ અન્ય પત્નિઓ હતી તેમ કહેવાય છે. તેમના પાછા સંતાનો યે હતાં છતાં બ્રહ્મચારી? દુર્વાસા મુની તો હજુ જમીને ઓડકાર ખાય છે અને તો યે ઉપવાસી? ટુંકમાં કહેવાનું તાત્પર્ય તે છે કે ઈંદ્રિયોથી જે કાર્ય થાય છે વાસ્તવમાં તે કાર્ય જ નથી મનથી જે કાર્ય થાય છે તેનું જ કર્માશય બંધાય છે.

જે વ્યક્તિ ઈંદ્રિયોને કર્તવ્ય કર્મમાં જોડીને ય મનથી સર્વ કર્મોથી અલિપ્ત રહે છે. તેવો અનાસક્ત અને સંયમી વ્યક્તિ જ સાચો કર્મયોગી છે.

Advertisements