ઈન્દ્રિયો દમે
મન વિષયો સ્મરે
તે દંભ કરે

કાબૂ કરી ઈન્દ્રિયનો મનથી સ્મરણ કરે,
વિષયોનું જો માનવી, તો તે દંભ કરે.

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्‌ ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥

भावार्थ : जो मूढ़ बुद्धि मनुष्य समस्त इन्द्रियों को हठपूर्वक ऊपर से रोककर मन से उन इन्द्रियों के विषयों का चिन्तन करता रहता है, वह मिथ्याचारी अर्थात दम्भी कहा जाता है ॥6॥

દંભ એટલે શું? જેવા હોવું તેવા ન દેખાવું તેનું નામ દંભ.

જાત જાતના મેક અપના થપેડા કરવા, દાઢી મુછ મુંડાવીને જુવાન દેખાવાનો પ્રયાસ કરવો પણ ખરેખર શરીરમાં શક્તિ, સ્ફુર્તિ કે તરવરાટ ન હોય તો તે જુવાન દેખાવાનો દંભ કર્યો કહેવાય.

કાષાય વસ્ત્રો ધારણ કર્યા હોય, સવાર સાંજ શાસ્ત્ર અભ્યાસ કરતા હોય, જાત જાતના ટીલા ટપકા તાણ્યા હોય, હાથમાં માળા ફેરવતાં હોય પણ જો મન વિષયોનું ચિંતન કરતું હોય તો તે દંભ કહેવાય.

બાહ્ય રીતે ઉપવાસ, વ્રત, એકટાણાં કરે પણ વિવિધ વાનગીઓ જોઈને મોઢામાં પાણી આવતું હોય તો તે વ્રત કર્યાનો દંભ કર્યો કહેવાય.

ધનને હાથ ન લગાડતા હોય પણ કોની પાસેથી કેટલા પૈસા મેળવીને જે તે સત્કાર્ય માટે ખંખેરી લઉ તેવી વિચારણાં ચાલતી હોય તો તે દંભ કર્યો કહેવાય.

કોઈના લેખ ન ગમતાં હોય તો યે વાહ વાહ કરવી અને ખોટે ખોટી Like પર ક્લિક કરવી તે દંભ કર્યો કહેવાય.

દંભી વ્યક્તિ બીજાને તો છેતરે છે પણ સહુથી વધુ તો પોતાની જાતને છેતરે છે.

બાપુજી (સ્વામી ભજનપ્રકાશાનંદજી) ગામઠી જ્ઞાન માળામાં કહે છે કે

દંભથી ભલે દુનિયાના લોક
સમજુ માની મોહે કોક
બાહ્ય દેખાવ જુદો કરતાં
ટળશે નહીં ભીતરના શોક

આવા દંભી લોકો ને જોઈને કદાચ બીજા લોકો તેને સારો માણસ કે સજ્જન માનીને મોહિત થશે તો યે તે પોતાના અંતરાત્માને છેતરી નહીં શકે અને પરીણામે તેનો શોક દૂર નહીં થાય.

અહીં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ બાહ્ય રીતે ઈંદ્રિયો પર ભલે કાબુ મેળવી લે પણ મનમાંથી જો વિષયોની કામના નહીં ગઈ હોય તો તેનો બાહ્યાચાર એક પ્રકારનો દંભ જ બની રહેશે.

ટુંકમાં કહેવાનું તાત્પર્ય તે છે કે વિષયોનો બાહ્ય ત્યાગ કરતાં ભીતરથી જ વિષય પ્રત્યે નિર્વાસના આવે તે વધારે અગત્યનું છે.

Advertisements