સતત કર્મ
પ્રકૃતિથી અવશ
માનવ કરે

કર્મ કર્યા વિણ ના રહે કોઈયે ક્ષણ વાર,
સ્વભાવથી માનવ કરે કર્મ હજારોવાર.

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्‌ ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥

भावार्थ : निःसंदेह कोई भी मनुष्य किसी भी काल में क्षणमात्र भी बिना कर्म किए नहीं रहता क्योंकि सारा मनुष्य समुदाय प्रकृति जनित गुणों द्वारा परवश हुआ कर्म करने के लिए बाध्य किया जाता है ॥5॥

આપણે આગળના શ્લોકમાં જોઈ ગયાં કે ત્રણ શરીર સાથે જોડાયેલો માનવ ઈચ્છે કે ન ઈચ્છે કર્મ કર્યા જ કરે છે. અર્જુને આગળના અધ્યાયમાં જ્ઞાનનો મહિમા સાંભળ્યો તેથી તેને તેમ થાય છે કે જ્ઞાની થવા માટે તો નૈષ્કર્મ્ય જરુરી છે અને યુદ્ધ જેવું કર્મ મને જ્ઞાની નહીં બનાવે પણ પતનની ગર્તામાં ધકેલી દેશે માટે તેની ઈચ્છા યુદ્ધ છોડી દેવાની થઈ છે. આવા ભુલ ભરેલા ખ્યાલ છોડાવવા માટે કહે છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની શરીરમાં તો સતત કર્મ થયા જ કરે છે. તેથી કર્તવ્ય કર્મ છોડી દેવાથી નીષ્કર્મતા આવે નહીં.

શરીર સાથે આત્માએ જે તાદાત્મ્ય સાધી લીધું છે તેને લીધે પ્રકૃતિ અને શરીરમાં જે કર્મો થાય છે તેને જીવાત્મા પોતાના માને છે. પોતાના માને છે તો તે કર્મના પરીણામો પણ તેણે ભોગવવા પડે છે. જો કોઈ પોતાને બ્રાહ્મણ માને તો કોઈ બ્રાહ્મણ વિરુદ્ધ કશું ક કહેશે ત્યારે તેનું લોહી ઉકળી ઉઠશે પણ જો પોતાને સત ચિત આનંદ સ્વરુપ આત્મા માનશે તો લોકો ગમે તે કહે તે શાંતિથી મરક મરક હસ્યા કરશે. તેવી રીતે દરેક વ્યક્તિ પોતાની ઉપર એક આરોપ કરીને બેઠો હોય છે. જેમ કે કેટલાક લોકો પોતાને સ્ત્રી માને તો જ્યારે સ્ત્રીના વખાણ થશે ત્યારે તે હરખાશે અને સ્ત્રીની નીંદા થશે ત્યારે તે ક્રોધે ભરાશે. તેવી રીતે કેટલાક લોકો ગુજરાતમાંથી અમેરીકા જાય તો મુંઝવણમાં મુકાઈ જાય છે કે અમે અમેરીકન કે ગુજરાતી? ગુજરાતી માનશે તો ગુજરાતના સુખ દુ:ખે સુખી દુ:ખી થશે અને અમેરીકન માનશે તો વિકસિત દેશના નાગરીક હોવાને લીધે ગર્વ અનુભવશે અને ભારતમાં જન્મ્યાં હોવા છતાં અને હિંદુ હોવા છતાં ભારતમાં રહેતા હિંદુઓને કુવામાના દેડકા કહીને તુચ્છકારશે. ટુંકમાં જેવી મતિ તેવી ગતી. જેવો કર્તા ભાવ તેવા કર્મના પરીણામ.

પ્રકૃતિમાં થતાં સતત કર્મને લીધે અને શરીર સાથે તાદાત્મ્ય સાધી લેવાને લીધે તથા પોતાના મુળ સત ચિત આનંદ સ્વરુપના અજ્ઞાનને લીધે ઈચ્છા હોય કે ન હોય સ્વભાવથી માનવ હજારો કર્મો કર્યા જ કરશે.

Advertisements