ઈંદ્રિય મન
વિષય રહિત હો
તે સ્થિતપ્રજ્ઞ

તેથી જેણે ઈંદ્રિયો વિષયોથી વાળી,
તેની બુદ્ધિ થાય છે સ્થિરતા-સુખવાળી.

तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥

भावार्थ : इसलिए हे महाबाहो! जिस पुरुष की इन्द्रियाँ इन्द्रियों के विषयों में सब प्रकार निग्रह की हुई हैं, उसी की बुद्धि स्थिर है ॥68॥

ઈંદ્રિયો બહીર્મુખ છે. મન ઈંદ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સંવેદનાઓને એકત્ર કરે છે અને સતત સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. બુદ્ધિનું કાર્ય નીર્ણય કરવાનું છે. જેમનો ઈંદ્રિય પર કાબુ ન હોય તે ભાવના અને બુદ્ધિ રહિત થઈ જતો હોવાથી સુખ-શાંતિથી વંચિત રહે છે. જેમણે ઈંદ્રિયોને પ્રયત્નપુર્વક વશ કરી છે, જેમણે પોતાના મનના સંકલ્પ વિકલ્પો પર કાબુ મેળવ્યો છે તેમની બુદ્ધિમાં પરમાત્મામાં સ્થિતિ ટકાવી રાખવાનું સરળ થઈ જાય છે. બુદ્ધિ આત્માની સહુથી વધારે નજીક રહેલી છે. પાતંજલ યોગ સૂત્રોમાં આપણે જોઈ ગયાં કે દૃક દૃષ્ય સંયોગ ને અસ્મિતા કહે છે. જેમણે વિષયોથી બુદ્ધિ વાળી લીધી હોય છે તેમણે માત્ર કર્તવ્ય કર્મો કરવા પુરતું જ ઈંદ્રિય પાસેથી કામ લેવાનું રહે છે. તરેહ તરેહના વિષયોનો સંયોગ કરવાનો તથા તેના પર મનને પ્રક્રીયા કરવાની રહેતી નથી. પરીણામે બુદ્ધિને પણ વારે વારે નિર્ણયો લેવા પડતાં નથી. તેથી તેને આત્મા સાથે સંયોગ માટે વધુને વધુ સમય મળે છે.

ખરેખરું સુખ આત્મામાં છે. બાહ્ય વિષયોથી પ્રાપ્ત થતો આનંદ વિષયાનંદ હોય છે. વિષયાનંદ મેળવતી વખતે વાસ્તવમાં કશું આનંદપ્રદ થતું હોતું નથી માત્ર પ્રાણને સુખ મળે છે. કામનાઓ બધી પ્રાણમાં રહેલી હોય છે. કામનાઓનુ સુખ પ્રાણ ભોગવતા હોવાથી આપણે સામાજિક પ્રાણી કહેવાઈએ છીએ. જેમણે કામનાઓ પર વિજય મેળવ્યો હોય અથવા તો વિજય મેળવવા પ્રયાસ કરતાં હોય તેને મનુષ્ય કહી શકાય. જેઓ કામનાઓમાં રત હોય તે તો શિંગડા પુછડાં વગરના પ્રાણીઓ જ છે.

જેવી રીતે ફણીધર સાપના દાંત અને તેની નીચેથી ઝેરની કોથળી કાઢી લીધી હોય તો તે પછી માત્ર ફુંફાડા મારી શકે પણ કોઈને હાની પહોંચાડી શકે નહીં. તેવી રીતે જે કામના રહિત છે તે માત્ર પોતાના કર્તવ્ય કર્મો કરવા પુરતો પ્રવૃત્ત થાય છે અથવા તો પરહિતાર્થે પ્રવૃત્તિ કરે છે. આવી વ્યક્તિ કોઈને કશી હાની કરતી નથી. શક્ય હોય ત્યારે લોકોપયોગી થાય છે અથવા તો કર્તવ્ય કર્મોમાંથી વિરામ મળે ત્યારે આત્મામાં સ્થિરતા પામીને આત્મસુખનો અનુભવ કરે છે.

Advertisements