સંયમશીલ
વિષયે અનાસક્ત
પ્રસાદ પામે

રાગ દ્વેષને છોડતાં વિષયો સેવે જે,
સંયમને સાધી સદા પ્રસાદ પામે તે.

रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन्‌ ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥

भावार्थ : परंन्तु अपने अधीन किए हुए अन्तःकरण वाला साधक अपने वश में की हुई, राग-द्वेष रहित इन्द्रियों द्वारा विषयों में विचरण करता हुआ अन्तःकरण की प्रसन्नता को प्राप्त होता है ॥64॥

આજે આપણે શ્રી પાતંજલ યોગ દર્શનના સાધન પાદના ૧ થી ૧૦ સુત્રો અને તેમની શ્રી યોગેશ્વરજીએ લખેલી ટીકા પહેલાં વાંચીએ.

०१. तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ।

તપ, સ્વાધ્યાય ને ઇશ્વરની શરણાગતિ અથવા ભક્તિ એ ત્રણ ક્રિયાયોગ કહેવાય છે.

શરીર, મન, ઇન્દ્રિયોનો સંયમ, હૃદયશુદ્ધિ ને પોતાના ધ્યેયને માટે આવી પડતા કષ્ટને સ્મિતપૂર્વક સહન કરવું તે તપ છે.

સાધના કે સદગ્રંથોનો અભ્યાસ સ્વાધ્યાય છે.

સાધનામાં ઉપરની ત્રણે વસ્તુ ખૂબ મહત્વની હોવાથી ક્રિયાયોગના નામથી તેનો અલગ ઉલ્લેખ કર્યો છે.

०२. समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च ।

એ ક્રિયાયોગ સમાધિની સિદ્ધિ કરનારો તેમ જ અવિદ્યાદિ ક્લેશોનો નાશ કરનારો છે.

०३. अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः क्लेशाः ।

ક્લેશ પાંચ જાતના છે –

૧) અવિદ્યા ૨) અસ્મિતા ૩) રાગ ૪) દ્વેષ ને ૫) અભિનિવેશ.

આ પાંચ મહાન કષ્ટકારક ને જન્મમરણના ચક્રમાં ફેરવનારા છે. તેથી ક્લેશ કહેવાય છે.

०४. अविद्या क्षेत्रम् उत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ।

આગલા સૂત્રમાં કહેલા અવિદ્યા પછીના બીજા ચારે ક્લેશોનું કારણ અવિદ્યા છે. તે ક્લેશ પ્રસુપ્ત, તનુ, વિચ્છિન ને ઉદાર એ ચાર સ્વરૂપે રહે છે.

૧) ક્લેશ ચિત્તમાં હોય પણ પોતાનું કામ દેખીતી રીતે ના કરે ત્યારે તેને પ્રસુપ્ત કહેવામાં આવે છે. સુષુપ્તિમાં ચારે ક્લેશ પ્રસુપ્ત દશામાં હોય છે.

૨) ક્લેશોની ક્લેશકારક શક્તિનો સાધના દ્વારા નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવે, ત્યારે તેમની શક્તિ મંદ પડી જાય છે. સાધકો પર એ ક્લેશ કોઇ ગંભીર કે નોંધપાત્ર અસર કરી શકતા નથી. ત્યારે તેમને તનુ કહેવામા આવે છે.

૩) એક ક્લેશ વિશાળ થાય કે માણસ પર પોતાનો પ્રભાવ વધારે પ્રમાણમાં પાડે, ત્યારે તેની અસરથી બીજો ક્લેશ દબાઇ જાય છે. તે વખતે તે વિચ્છિન્ન દશામાં છે એમ કહેવાય છે. રાગની વિશાળ દશામાં દ્વેષ દબાઇ જાય છે, ને દ્વેષની વિશાળ દશામાં રાગ દબાઇ જાય છે.

૪) જે વખતે જે ક્લેશ જોરમાં હોય અથવા પોતાનું કામ પૂરેપૂરી શક્તિથી કરતો હોય, તે વખતે ક્લેશ ઉદાર કહેવાય છે.

આ ચાર ભેદ અવિદ્યાના નહિ પણ બીજા ચાર ક્લેશોના છે.

०५. अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ।

અનિત્ય, અપવિત્ર, દુઃખ ને અનાત્મામાં નિત્ય, પવિત્ર, સુખ ને આત્મભાવની પ્રતીતિ કે અવિદ્યા કહેવાય છે.

મનુષ્યશરીર તથા આ જગત અનિત્ય છે એ વાતને જાણવા કે સમજવા છતાં પણ જેના પ્રભાવથી મનુષ્ય એને નિત્ય સમજે છે ને રાગદ્વેષનો શિકાર બને છે, તે અનિત્યમાં નિત્યની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

તે પ્રમાણે હાડ, માંસ ને મળમૂત્ર જેવા અપવિત્ર પદાર્થોથી ભરેલા શરીરને અપવિત્ર સમજીને પણ જેને લીધે માણસ તેમાં પવિત્રતાનું અભિમાન રાખે છે ને તેમની મમતા કે આસક્તિમાં પડે છે, તે અપવિત્ર પદાર્થમાં પવિત્રની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

તે પ્રમાણે ભોગમાત્ર દુઃખમય છે, ને સંસાર પણ ક્લેશકારક છે તેમ સમજવા છતાં પણ તેમને સુખમય માનીને માણસ તેમને ભોગવે છે, તે દુઃખમાં સુખની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

વળી જડ શરીર ને આત્મા અલગ અલગ છે, એ વાત દીવા જેવી ઉઘાડી છે. છતાં પણ માણસ શરીરને જ સર્વ કાંઇ માની લે છે, ને આત્માને ઓળખતો નથી, તે અનાત્મભાવમાં આત્મભાવની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

०६. दृग्दर्शनशक्त्योरेकात्मतेवास्मिता ।

દૃક્ શક્તિ ને દર્શન શક્તિ એ બંનેની એકરૂપતાને અસ્મિતા કહે છે.

દૃક શક્તિ એટલે દૃષ્ટા પુરુષ ને દર્શનશક્તિ એટલે બુદ્ધિ. તે બંને અલગ અલગ છે. દૃષ્ટા ચેતન ને બુદ્ધિ જડ છે. પરંતુ અવિદ્યાને લીધે બંનેની એકતા થઇ હોય તેવું લાગે છે. તેને જ દૃષ્ટા ને દૃશ્યનો સંયોગ કહે છે. નિર્બીજ સમાધિ દ્વારા અવિદ્યાનો નાશ ના થાય, ત્યાં સુધી આ સંયોગ ચાલુ રહે છે. એથી એના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી થઇ શકતો. માટે સાધકે સાધના દ્વારા અવિદ્યાને દૂર કરીને અસ્મિતાનો નાશ કરવાની જરૂર છે.

०७. सुखानुशयी रागः ।

સુખના અનુભવની પાછળ રહેનારા ક્લેશને રાગ કહે છે.

જે પદાર્થમાં સુખની પ્રતીતિ થાય તેમાં ધીરેધીરે મમતા ને આસક્તિ થતી જાય છે. તે જ રાગ છે.

०८. दुःखानुशयी द्वेषः ।

દુઃખના અનુભવની પાછળ રહેનારા ક્લેશને દ્વેષ કહે છે.

જે પદાર્થ આપણે માટે દુઃખકારક થઇ પડે, તેમાં ધીરેધીરે દ્વેષબુદ્ધિ થવા માંડે છે.

०९. स्वरसवाही विदुषोऽपि तथारूढो भिनिवेशः ।

મૂઢ તથા વિવેકી કે જ્ઞાની અથવા સાક્ષર કે નિરક્ષર પુરુષોમાં જે જોવામાં આવે છે તે મરણભયરૂપી ક્લેશ અભિનિવેશ કહેવાય છે. તે સ્વાભાવિક હોય તેમ લાંબા વખતથી ચાલ્યો આવે છે.

નાનામાં નાનાં પ્રાણીથી માંડીને મોટામાં મોટાં પ્રાણી જીવનને ચાહે છે ને મરણથી ડરે છે. મરણનો ભય જીવોના અંતરના ઊંડાણમાં પ્રવેશીને રહેલો છે. તેથી તે અભિનિવેશ કહેવાય છે.

१०. ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः ।

સૂક્ષ્મ કરવામાં આવેલા ક્લેશોનો નાશ સાધના દ્વારા ચિત્તનો પોતાના કારણમાં લય કરવો જોઇએ.

ક્રિયાયોગ કે ધ્યાનયોગથી ક્લેશો સૂક્ષ્મ કે તનુ થઇ શકે છે. તેનો જે સૂક્ષ્માંશ બાકી રહ્યો હોય, તેનો નાશ દૃષ્ટા ને દૃશ્યનો સંયોગ મટવાથી થઇ જાય છે. તે વિના ક્લેશોનો આત્યંતિક અથવા પૂરેપૂરો નાશ નથી થતો.


આપણે સહુ જાણીએ છીએ કે અનુકુળ પરિસ્થિતિમાં સુખ થાય છે અને પ્રતિકુળ પરિસ્થિતિમાં દુ:ખ થાય છે. જેમાંથી સુખ થાય છે તે બાબતો, વિષયો, વ્યક્તિઓ, વાતાવરણમાં રાગ થાય છે અને જેમાં દુ:ખ થાય છે તેમાં દ્વેષ થાય છે. આ સુખ અને દુ:ખ ઈંદ્રિયો વિષયના સંયોગથી અનુભવે છે. બાળકને કારેલાનું શાક આપશું તો તે મોઢું બગાડશે અને ચોકલેટ કે આઈસ્ક્રીમ આપશું તો હજુ વધારે માંગશે. જે જે વિષયોમાં આનંદ આવે છે તેમાં સુખ બુદ્ધિ થાય છે અને પરીણામે રાગ બંધાય છે. જે જે વિષયોમાં ઈંદ્રિયોને પ્રતિકુળતા થાય છે મજા નથી આવતી તેમાં દુ:ખ બુદ્ધિ થાય છે અને પરીણામે દ્વેષ બંધાય છે. તેવી જ રીતે વ્યક્તિઓ પ્રત્યે ય રાગ દ્વેષ થતાં હોય છે. કોઈ આપણાં કાર્યની પ્રશંસા કરે, વાહ વાહ કરે તો તેના પ્રત્યે રાગ થાય છે અને કોઈ આપણને વખોડે, નીંદે તો તેના પ્રત્યે દ્વેષ થાય છે.

આમ રાગ અને દ્વેષ માટે મુખ્યત્વે આપણું અંત:કરણ અને ઈંદ્રિયો જ જવાબદાર છે. આપણે ઉપર જોયું કે જીવને વળગેલાં પાંચ મુખ્ય ક્લેશોમાં રાગ અને દ્વેષનો સમાવેશ થાય છે.

જે વ્યક્તિ સંયમી છે, ઈંદ્રિયો જેના કાબુમાં છે પણ ઈંદ્રિયોને જે વશ નથી તે કોઈ પણ વિષય આવશે તો તેની ઈંદ્રિયોને અંકુશમાં રાખશે. પરીણામે આવનારા વિષયો પ્રત્યે નહીં તો રાગ થાય કે નહીં તો દ્વેષ થાય. રોજે રોજ દૈનિક કાર્યોમાં સતત ઈંદ્રિયોનો ઉપયોગ થાય છે અને સતત વિષયોનો સહવાસ થાય છે. દરેક વખતે ઈંદ્રિયો રાગ દ્વેષ કરતી રહે અને ગમા અણગમા દર્શાવતી રહે તો તેની શક્તિનો ઘણો બધો વ્યય થાય. ઉઠવાથી લઈને સુવા સુધી વ્યક્તિને કેટલાં બધાં ગમા અણગમાં હોય છે. હોય છે ને? હવે જો સતત બદલાતી પરિસ્થિતિની સાથે સાથે પોતાના અંત:કરણમાં ગમા અને અણગામાને અનુભવ્યા કરે તો શક્તિનો વ્યય થાય, મગજ બગડે અને દૈનંદિન કાર્ય પર પણ આવા રાગ-દ્વેષની અસર થાય.

આ જગત તો જેવું છે તેવું છે. આપણે જગતને સુધારવા કરતાં આપણી જાતને સુધારવાની જરુર છે. ચારે બાજુ કાંટા હોય તો ગામ આખાના બાવળ ને બોરડી કાપવા જવાય અને બધે રસ્તે ચામડા મઢાવાય કે પગમાં બુટ ચપ્પલ પહેરાય? સ્વાભાવિક છે કે બુટ ચપ્પલ પહેરવા તે જ વ્યવહારુ ઉકેલ છે. તેવી રીતે જગતની પરિસ્થિતિઓ સાથે સતત ગમા અણગમા પ્રદર્શિત કરતા રહેવા તે કાઈ વ્યવહારુ ઉકેલ નથી. વ્યવહારુ ઉકેલ તો તે છે કે દરેક પરિસ્થિતિ વખતે સમ રહેવું. જગતને સુધારવા કરતાં આપણી ઈંદ્રિયો પર કાબુ રાખવો શું વધારે સહેલું નથી? અને કદાચ કોઈને સહેલું ન લાગતું હોય તો યે જગત ઉપર તો આપણો કાબુ છે જ નહીં તો પછી જે આપણાં ક્ષેત્રમાં આવતું હોય તે આપણી ઈંદ્રિયો પર કાબુ રાખવો તે જ ડહાપણની વાત ગણાય.

આવી ડાહી વ્યક્તિ કે જેણે પોતાની ઈંદ્રિયો પર કાબુ મેળવ્યો છે તે અનુકુળ પરિસ્થિતિમાં છકી નથી જતી અને પ્રતિકુળ પરિસ્થિતિમાં રડવા નથી બેસતી. જે કાઈ ખાટા-મીઠાં વિષયો તેની સમીપે આવે છે તે સર્વને તે પ્રસાદ બુદ્ધિથી માણે છે અને સમતા ધારણ કરે છે. આવી સંયમી વ્યક્તિ સમજે છે કે સમગ્ર વિશ્વ જગત નિયંતાનો પ્રસાદ છે. તેથી જે કાઈ મને પ્રારબ્ધ (પુર્વે કરેલો પુરુષાર્થ) અને પુરુષાર્થના બળે મળે છે તે પ્રભુ તરફથી પ્રાપ્ત થયેલ પ્રસાદ છે.