ક્રોધે મુઢતા
વિવેક-બુદ્ધિ નાશ
અંતે વિનાશ

ક્રોધ થકી સંમોહ ને વિવેકનો પણ નાશ,
અંતે બુદ્ધિનાશને તેથી થાય વિનાશ.

क्रोधाद्‍भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥

भावार्थ : क्रोध से अत्यन्त मूढ़ भाव उत्पन्न हो जाता है, मूढ़ भाव से स्मृति में भ्रम हो जाता है, स्मृति में भ्रम हो जाने से बुद्धि अर्थात ज्ञानशक्ति का नाश हो जाता है और बुद्धि का नाश हो जाने से यह पुरुष अपनी स्थिति से गिर जाता है ॥63॥

વિષયોનું ધ્યાન ધરવાથી ભોગની કામના અને તે જ્યારે પુરી ન થઈ શકે તેવું લાગે ત્યારે અથવા તો તે પુરી કરવામાં નીમીત્ત કારણ રુપ અંતરાયો ઉપર ક્રોધ આવે છે. વચ્ચે આપણે સાંભળ્યું હતું કે નેપાળના રાજ કુટુંબમાં કોઈક નબીરાને તેની મનગમતી યુવતી સાથે પરણવાની ના પાડતા તેણે સમગ્ર રાજ કુટુંબને ગોળીઓથી વિંધી નાખ્યું હતું.

કામના પુર્તિ ન થતાં ઉત્પન્ન થતો ક્રોધ એકા એક માનવીના મસ્તિષ્ક પર કબજો લઈ લે છે. તે પોતે કશું વિચારી શકે તે પહેલાં તો તેની ઉપર સંમોહ (મુઢતા) છવાઈ જાય છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે હું ત્યારે આવેશમાં હતો તેથી ન કરવાનું કરી બેઠો. ન બોલવાનું બોલી બેઠો. જ્યારે ક્રોધ આવે ત્યારે વ્યક્તિ પોતાની જાત ઉપરથી કાબુ ગુમાવી બેસે છે.

ઈસુ ખ્રીસ્ત કહે છે કે – હે પ્રભુ ! તુ તેમને માફ કરજે કારણકે તેઓ શું કરે છે તે તેઓ જાણતાં નથી. ક્રોધી વ્યક્તિ માટે ય પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ ! તું તેમને માફ કરવાની શક્તિ આપજે કારણકે તેઓ શું કરી બેસે છે તે તેઓ જાણતાં નથી.

અહીં આવી મુઢ સંમોહિત વ્યક્તિની સ્મૃતિનો નાશ થાય છે. સામે કોણ છે અને તેની સાથે કેવો વર્તાવ કરી રહ્યો છે તેનું ભાન તે ગુમાવી બેસે છે. ઘણાં વડીલો સલાહ આપતાં હોય છે કે ક્રોધ આવે ત્યારે મોમાં પાણીનો ઘુંટડો ભરી રાખવો કારણ કે તેથી તે કશું બોલી નહીં શકે. ક્રોધ આવે ત્યારે કોઈ પણ ક્રીયા કરવા કરતાં ક્રોધને શાંત કેમ પાડવો તે જ ઉપાય સહુ પહેલા અજમાવવા જોઈએ. ક્રોધ એક જાતનો હુમલો જ છે કે આ હુમલાનું શું પરીણામ આવે તે નક્કી નથી હોતું. જો આપણે હ્રદય પર આવેલા હુમલાને ગંભીરતાથી લેતાં હોઈએ અને તે હુમલા ન આવે તે માટે આપણી સમગ્ર જીવન શૈલિ બદલી નાખતાં હોઈએ તો અહીં સમજાવ્યું છે કે ક્રોધ રુપી હુમલાઓ પણ હ્રદયરોગ જેવા જ વિનાશક હોય છે.

ક્રોધ થવાથી વ્યક્તિ પોતાના સ્વરુપને ભુલી જાય છે અને કર્તા ભાવે અનિષ્ટકારી કાર્ય કરી બેસે છે જેના પરીણામ રુપે તે સાધક હોય તો સાધનામાં ઘણી હાનિ થાય છે, વેપારી હોય તો ગ્રાહકો છુટી જાય છે, કુટુંબી જન હોય તો કુટુંબમાં વેર ઝેર સર્જાઈ જાય છે, બ્લોગર હોય તો બીજા બ્લોગરો સાથે મન મેળ તુટી જાય છે, વિદ્યાર્થી હોય તો શાળામાંથી બર તરફ કરવો પડે કે શિક્ષા કરવી પડે, નોકરીયાત હોય તો નોકરીમાંથી બરતરફ થઈ જાય છે, શેઠ હોય તો નોકરો ચાલ્યા જાય છે. પતિ કે પત્નિ હોય તો પત્નિ કે પતિ સાથે ઉંચો જીવ થઈ જાય છે. આમ ક્રોધથી ઉત્પન્ન થતું સંમોહન અને મુઢતા વિવેકનો નાશ કરાવે છે અને છેવટે વિનાશ નોતરે છે.

Advertisements