વિષય ધ્યાને
સંગ, સંગથી કામ
કામથી ક્રોધ

ધ્યાન ધર્યાથી વિષયનું સંગ છેવટે થાય,
કામ સંગથી, કામથી ક્રોધ પછીથી થાય.

ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते ।
संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥

भावार्थ : विषयों का चिन्तन करने वाले पुरुष की उन विषयों में आसक्ति हो जाती है, आसक्ति से उन विषयों की कामना उत्पन्न होती है और कामना में विघ्न पड़ने से क्रोध उत्पन्न होता है ॥62॥

પાંચ ઈંદ્રિયોના પાંચ વિષય છે. શબ્દ, સ્પર્શ, રુપ, રસ અને ગંધ. જે વિષયનો વિચાર થાય તેનું વારંવાર ચિંતન થાય. ચિંતન થતાં થતાં તે વિષય ભોગવવાની ઈચ્છા થાય. મનુષ્યની મુળભુત જરુરીયાત તો અન્ન, વસ્ત્ર અને રહેઠાણ છે. પાંચ ઈંદ્રિયોના આ વિષયોનો વિસ્તાર થતાં થતાં આપણે આપણાં ઘરનું અવલોકન કરશું તો કેટ કેટલી બીન જરુરી ચીજ વસ્તુઓ ઘરમાં પગ પેસારો કરી ગઈ હશે. કારણ? જે તે વિષયનું ચિંતન.

એક વખત ટીવી ખરીદવાની ઈચ્છા થઈ એટલે ઘરમાં જ્યાં સુધી ટીવી નહીં આવે ત્યાં સુધી ચેન નહીં પડે. એક વખત ફ્રીઝ ખરીદવાની ઈચ્છા થઈ એટલે જ્યાં સુધી ફ્રીઝ નહીં આવે ત્યાં સુધી ચેન નહીં પડે. કોઈ પણ વિષયનું ધ્યાન ધરવાથી તે વિષય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઈંદ્રિયોને અસખ થયાં કરે છે. આ વિષયોનું ધ્યાન છેવટે જે તે વિષયનો સંગ કરાવીને જ રહે છે. ટીવી લે ત્યારે ઘડીક થાય હાશ ! ફ્રીઝ આવે એટલે ઘડીક થાય હાશ ! મનગમતી ઈચ્છા પુરી થાય એટલે ઘડીક થાય હાશ !

પણ આ હાશ ! જાજી ટકતી નથી. કેમ? ઈચ્છા પુરી થાય તો તરત બીજી ઈચ્છા હાજર. એક પ્રોગ્રામ જોયો તો બીજો જોવાની ઈચ્છા. એક વાનગી આરોગી તો બીજી કઈ આરોગવી તેનો વિચાર શરુ. એક ગાડી ખરીદી તો બીજા કરતાં વધારે સારી ગાડી ક્યારે આવે તેવી ઈચ્છા. આ કામનારુપી વિશાલાક્ષીના ધૂનાનું પેટ ક્યારેય ભરાતું નથી. એક ઈચ્છા પુરી થઈ કે ન થઈ ત્યાં બીજી કામના આવીને વળગી જ હોય. વિષયનો સંગ થતાં કામના વધે છે.

કામના વધે તો સાથે સાથે કામના પુરી કરવાની શક્તિ વધતી નથી. એક સમય એવો આવે છે કે કામનાઓનો પહાડ હોય છે અને શક્તિ ક્ષીણ થતી જાય છે. કામનાઓ પુરી કરવા માટે કેટલાયે કાળા ધોળા કરવા પડે. કામના પુરી કરવામાં જે કોઈ આડે આવે તેની ઉપર ક્રોધ થાય. અને આમ વિષયોના ધ્યાન રુપી બીજથી ઉગેલું વિષ વૃક્ષ દીન-પ્રતિદિન વધતું વધતું ક્રોધમાં પરીણમે છે.

સમજુ સાધક વિષયોરુપી બીજને વાવતો નથી. તેમાંથી સંગ રુપી ફણગાઓ ફુટ્યાં હોય તો તેને નીંદામણની જેમ દૂર કરી દે છે. જે અણસમજુ છે જેની ઈંદ્રિયો બેકાબુ છે તે સતત વિષયોનું ધ્યાન ધર્યા કરે છે અને છેવટે ક્રોધ રુપી ફુંફાડા મારતો ફણીધર સાપ બની જાય છે. જે પોતાનું તો અહિત કરે છે સાથે સાથે તેની સમીપે આવનારને ય નુકશાન પહોંચાડે છે.

Advertisements