વશ ઈંદ્રિયો
પરમ પરાયણ
તે સ્થિતપ્રજ્ઞ

તેના પર સંયમ કરી મત્પર જે જન થાય,
ઈંદ્રિયો વશમાં કરે જ્ઞાની તે જ ગણાય.

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥

भावार्थ : इसलिए साधक को चाहिए कि वह उन सम्पूर्ण इन्द्रियों को वश में करके समाहित चित्त हुआ मेरे परायण होकर ध्यान में बैठे क्योंकि जिस पुरुष की इन्द्रियाँ वश में होती हैं, उसी की बुद्धि स्थिर हो जाती है ॥61॥

આપણે જોયું કે આ ઈંદ્રિયોને કાબુમાં રાખવી અત્યંત દુષ્કર કાર્ય છે. ઈંદ્રિયોને જ્યાં સુધી વિષયો નહીં મળે ત્યાં સુધી તે સખણી બેસવાની નથી. સુરદાસજીને રુપમાં ખુબ આસક્તિ હતી તેથી રુપના મોહથી છુટવા કહેવાય છે કે તેમણે આંખોને ફોડી નાખી પણ પ્રભુને ન છોડ્યા. આંખને જતી કરીને જેમણે પ્રભુને ન છોડ્યાં તેવા સુરદાસજીના પદો આજેય ભક્તો ભાવથી ગાય છે જ્યારે ઈંદ્રિયો પાછળ ઘેલા થનારા કરોડો કરોડો લોકો જન્મીને મૃત્યું પામ્યાં તેમને આજે કોઈ યાદે ય કરતું નથી.

કોઈએ સુરદાસજી જેવા આકરા ઉપાયો કરવાની જરુર નથી. અહીં શ્રી કૃષ્ણ સમજાવે છે કે ઈંદ્રિયોને કાઈક કામ જોઈએ છે તેને નવરા બેસવું ગમતું નથી તો તેને કામ આપી દ્યો.

કાનને હંમેશા પરમ ના ગુણ ગાન સંભળાવો.

સ્પર્શ કરવો હોય તો પ્રભુના ચરણનો સ્પર્શ કરો.

દર્શન કરવા હોય તો પ્રભુના રુપના દર્શન કરો.

સુગંધ લેવી હોય તો પ્રભુને ધૂપ દીપ કરો.

જે કાઈ ખાવ તે પ્રભુનો પ્રસાદ સમજીને સાદું ભોજન ગ્રહણ કરો.

ભક્તો અને ભક્તિની પરિકલ્પના જ આ ઈંદ્રિયોને વિષયો પુરા પાડવા માટે છે. નીરાકાર / નિર્ગુણ / અનંત / વિભુ તેવા બ્રહ્મમાં શું સાંભળો? કોને સ્પર્શો? શું ખાવ? શું સુગંધ લ્યો? શું જુવો? ત્યાં તો માત્ર ને માત્ર ચિંતન / મનન અને નિદિધ્યાસન કરવું પડે.

જો ઈંદ્રિયો કાબુમાં ન હોય તો :

શેનું ચિંતન કરે? વિષયોનું.

શેનું મનન કરે? ભોગવેલા ભોગોનું.

નિદિધ્યાસન શું કરે? કાઈ નહીં. ચિંતન / મનન ભોગનું થાય એટલે સીધો ભોગ ભોગવવા જ પ્રવૃત્ત થાય.

એટલા માટે શરુઆતમાં ઈંદ્રિયોને નિકૃષ્ટ વિષયોમાંથી છોડાવવા માટે એક પ્રતિક / છબી / મૂર્તિ કે કોઈ એક પરમ વિષેની વિભાવના ઉભી કરવી પડે અને પછી સર્વ કાર્યો તે પરમ પ્રિત્યર્થે કરતાં કરતાં ઈંદ્રિયો ધીરે ધીરે કાબુમાં આવે.

ઈંદ્રિયોને કાબુમાં લેવા માટે જુદા જુદા અનેક ઉપાયો તે વ્રત / જપ / તપ / ભજન / દેવદર્શન અને તેવા તેવા સાધનો છે. જે ઉપાયથી કાબુમાં આવે તે ઉપાયે ઈંદ્રિયોને કાબુમાં રાખનાર જ જ્ઞાની થવાને લાયક ગણાય.

આપણે ત્યાં તો ઉલટું થયું છે. ઈંદ્રિયોને કાબુમાં લેવા માટેના ઉપાયો જ ઉલટાના ઈંદ્રિયોને બેકાબુ બનાવે છે.

ઉપવાસ કરવાને બદલે અનેક જાતના ફરાળ (ફળાહાર નહીં) ખાય.

મંદીરે દર્શન કરવા ગયો હોય તો પ્રેમમાં પડીને આવે.

પ્રસાદમાં ભાંગ પીવે અને અઠવાડીયા સુધી સાન ભાન ગુમાવી બેસે.

અગરબત્તીના એવા ધુમાડા કરે કે ફેફસામાં ધુમાડો ભરાઈ જાય અને ઉધરસ ખાઈ ખાઈને બેવડ વળી જાય.

ફુલ તોડી તોડીને ભગવાનને ચડાવવા કોકના બગીચા ઉજ્જડ કરી નાખે.

છપ્પન ભોગ ના નામે ખાઇ ખાઈને મોટા ફાંદાળા થઈ જાય.

આવું આવું કરવાથી ઈંદ્રિયો કાબુમાં ન આવે પણ બેકાબુ બની જાય અને જાત જાતના રોગ થાય.

ટુંકમાં અધ્યાત્મને જ્યાં સુધી અધ્યાત્મ તરીકે સમજીએ નહીં કે સમજાવીએ નહીં ત્યાં સુધી આપણાં દેશમાં અને સમગ્ર દુનિયામાં ધર્મને નામે ધતિંગ ચાલશે.

જે સતત પરમ તત્વ સાથે અનુસંધાન ધરાવતો હોય તેવો યોગી / પોતાને બ્રહ્મથી અભીન્ન માનનારો જ્ઞાની / સર્વ કાર્યો પ્રભુ પ્રિત્યર્થે કરનાર ભક્ત અથવા તો નિષ્કામ કર્મો કરીને જગતને ઉપયોગી થતો કર્મયોગી આયાસ પૂર્વક ઈંદ્રિયોને વશ કરે છે અને પરમ પરાયણ રહે છે તેને જ સ્થિતપ્રજ્ઞ કહેવાય પણ જેની ઈંદ્રિયો બેકાબુ હોય તેને નહીં.

Advertisements