સાધકને ય
બળવાન ઈંદ્રિયો
વિષયે ખેંચે

યત્ન કરે જ્ઞાની છતાં ઈન્દ્રિયો બલવાન,
મનને ખેંચી જાય છે, વિષયોમાં તે જાણ.

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥

भावार्थ : हे अर्जुन! आसक्ति का नाश न होने के कारण ये प्रमथन स्वभाव वाली इन्द्रियाँ यत्न करते हुए बुद्धिमान पुरुष के मन को भी बलात्‌ हर लेती हैं ॥60॥

જેણે શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું છે. સમાધિ પામવાનું જેનું લક્ષ્ય છે. આત્માનંદી થવાનો જેનો દૃઢ નિર્ધાર છે તેવો સાધક સતત સાધના કરીને ઈંદ્રિયો પર કાબુ મેળવવાનો પ્રયાસ કરે છે. જો કે આ ઈંદ્રિયોનું સામર્થ્ય જેવું તેવું નથી. પ્રયત્ન કરનાર સાધકને ય તે બળપૂર્વક વિષયોમાં ખેંચી જાય છે. મનને ગમ્મે તેટલું સમજાવો કે વ્યસનોમાં સાર નથી. ઈંદ્રિયોના વિષયોમાં રમમાણ રહેવાથી તો સાંસારાસક્તિ જ વધશે તેમ છતાં ઈંદ્રિયો પરાણે મનને પોતાના મન ગમતા વિષયોમાં ખેંચી જતી હોય છે. સામાન્ય વ્યક્તિ વ્યસની બની જાય પછી વ્યસનની એટલી તો ગુલામી થઈ જાય કે ઉધરસ ખાઈને બેવડ વળી જાય અને કોઈ કહે કે ભાઈ આ હાથમાંથી બીડી તો મુક. તો કહે કે હવે તો જીવ છુટી જાય તો ભલે પણ બીડી નહીં છુટે. તેવી રીતે દરેક ઈંદ્રિયો બળવાન છે અને સહેજ પણ વિષયનો સંગ થાય એટલે તે જીવાત્માને વિષયમાં ખેંચી જાય છે.

મોટા મોટા ઋષિઓ તપોભંગ થઈ જતાં. વ્યાસજી તેના શિષ્યોને સમજાવે છે કે સાધકોએ એકાંતમાં કોઈ સ્ત્રી સાથે ન રહેવું જોઈએ નહીં તો તેની સાધના છુટી જવાની પુરી શક્યતા છે. એક શિષ્યએ દલીલ કરી કે એવું થોડું હોય? જે સાધના કરતો હોય તે તો જાગ્રત જ હોય અને વિષયોથી ચલીત ન થાય. વ્યાસજીએ ત્યારે તો સંભળી લીધું. એક વખત તે શિષ્ય એકાંતમાં સાધના કરતો હોય છે તેવે વખતે મુશળધાર વરસાદ વરસે છે અને એક સ્ત્રી પલળી ગયેલી અને ઠંડીથી ધૃજતી તેના આશ્રમે આશ્રય માંગે છે. પેલા શિષ્ય તેને આશ્રય આપે છે. પછી તો તે સ્ત્રીની કાળજી લેવા લાગે છે. તેને કોરા વસ્ત્રો આપે છે. છેવટે ફીલ્મોમાં બને તેમ … અને એકા એક સ્ત્રીને બદલે વેદવ્યાસજી પ્રગટ થાય છે અને પુછે છે કે કેમ? એકાંતમાં સ્ત્રી સંગ થાય તો સાધક પણ ખેંચાઈ જાય કે નહીં? અને શિષ્ય નું મ્હોં પડી જાય છે. વિશ્વામિત્ર જેવા તપસ્વી પણ મેનકા દ્વારા તપોભંગ થયાં હતાં. સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓ એટલે જ સ્ત્રી હોય ત્યાં જતાં નથી અથવા તો તેઓ જ્યાં હોય ત્યાં સ્ત્રીઓને આવવા દેતા નથી. જો કે ઘણાં લોકો જાહેરમાં આવા આચારો પાળે પણ કોઈક કોઈક નું એકાંતમાં પતન થતું હોવાના કીસ્સા ઘણી વખત અખબારોમાં આવતા હોય છે. તેવી જ રીતે ધનની લાલસા એ પ્રબળ હોય છે. જે સાધુઓ ધનને હાથ ન લગાડતા હોય તે ક્યારેક એકાદ શાલ માટે ઝગડી પડતાં હોય છે. તેવી રીતે સત્તાની લાલસાએ હોય છે. સંતોની યે ચુંટણી થાય અને ચુંટણી જીતવા હત્યા પણ થાય આવું આવું અવાર નવાર આપણે સાંભળતા હોઈએ છીએ.

શ્રી રામકૃષ્ણ પરમહંસ એટલે કહેતા કે ગૃહસ્થ તરીકે સાધના કરવી સારી. પત્નિનો સંગ થયે દોષ ન લાગે. સાધુ થઈને પતન થાય તો ઘણું હાનિકારક ગણાય. ગૃહસ્થની સાધના એટલે કીલ્લામાં રહીને થતી સાધના. લગ્ન થાય અને એક-બે સંતાનો થઈ જાય તો સમજદાર પતિ-પત્નિએ ભાઈ-બહેનની જેમ રહીને એકબીજાને સાધનામાં પુરક થવું જોઈએ જેથી ગૃહસ્થાશ્રમ પણ ચાલે અને સાધનામાં પણ આગળ વધી શકાય.

ટુંકમાં કહેવાનું તાત્પર્ય તેટલું છે કે ઈંદ્રિયો ઘણી બળવાન છે અને સાધક કે સંસારી જરાક પણ ગાફેલ રહે તો તેને પતનના માર્ગે ધકેલી શકે છે.