કર્મથી છૂટી
વિમુક્ત જ્ઞાની, માણે
અમૃતરસ

જ્ઞાની કર્મોના ફળે મમતા ના રાખે,
જન્મબંધનથી છૂટતાં, અમૃતરસ ચાખે.

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्‌ ॥

भावार्थ : क्योंकि समबुद्धि से युक्त ज्ञानीजन कर्मों से उत्पन्न होने वाले फल को त्यागकर जन्मरूप बंधन से मुक्त हो निर्विकार परम पद को प्राप्त हो जाते हैं ॥51॥

ત્રણ પ્રકારના કર્મો હોય છે.

૧. પ્રારબ્ધ
૨. સંચિત
૩. ક્રીયમાણ

જે જ્ઞાની છે તેને લેશ માત્ર પણ ઈચ્છા હોતી નથી. તેમણે માત્ર પ્રારબ્ધ ભોગવવા શરીરને ધારણ કરી રાખ્યું હોય છે. તેનામાં કર્તૃત્વ ન હોવાથી નવા કર્મો સંચિતમાં જમા થતાં નથી. ફલમાં મમત્વ ન હોવાથી કશી ઐષણા પણ શેષ રહી હોતી નથી.

આ જન્મમાં ભોગવાઈ રહેલા કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. પહેલાના કર્મોનો ભેગો થયેલો જથ્થો સંચિત કર્મ કહેવાય છે. અત્યારે પ્રારબ્ધ ભોગવતાં ભોગવતાં કર્તૃત્વ બુદ્ધિથી થતાં કર્મો ક્રીયમાણ કર્મો કહેવાય છે. જો તીવ્ર કર્મો હોય તો આ જન્મના પ્રારબ્ધમાં ઉમેરાઈને તે ફળ આપવા પ્રવૃત્ત થાય છે. સામાન્ય ક્રીયમાણ કર્મો સંચિત કર્મો રુપે જમા થતાં જાય છે.

જેમને જ્ઞાન થયું છે અને જે પોતાને સારી રીતે બ્રહ્મથી અભીન્ન આત્મા અનુભવે છે તેવા જ્ઞાનીનો અંહકાર ક્ષીણ થઈ જાય છે અથવા તો હું બ્રહ્મ છું તેવો વિરાટ અહમ રાખે છે. આ બંને દશામાં કર્તૃત્વ ન હોવાથી માત્ર પ્રારબ્ધનો ક્ષય થાય છે પણ નવા ક્રિયમાણ કર્મો થતાં નથી. જ્ઞાન થવાથી જ્ઞાનાગ્નીથી સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. જ્ઞાનીને માત્ર ને માત્ર પ્રારબ્ધ ભોગવવાનું રહે છે. આ પ્રારબ્ધ પણ તે હસતાં મુખે જીવનમુક્ત થઈને ભોગવે છે.

શ્રી રમણ મહર્ષી, શ્રી યુક્તેશ્વરજી અને બીજા અનેક જ્ઞાનીઓ થઈ ગયાં કે જેઓ જીવનમુક્તિનો અનુભવ કરીને સદાયે અમૃતત્વનો અનુભવ કરીને જીવ્યાં હોય અને પ્રારબ્ધના અંતે શરીર છૂટ્યાં બાદ જો ઈચ્છા હોય તો અન્ય જીવોના કલ્યાણ માટે સુક્ષ્મ શરીર ટકાવી રાખે છે. જો તેટલી યે લેશ માત્ર ઈચ્છા ન હોય તો સુક્ષ્મ અને કારણ શરીર પણ પ્રકૃતિને અર્પણ કરીને દેહ છોડવાની સાથે જ બ્રહ્મમાં લીન થઈ જાય છે.

આવા વિદેહમુક્ત મહાત્માઓનો પછી પુનર્જન્મ થતો નથી.

Advertisements