સારા નરસાં
કર્મે અલિપ્ત,યોગ
કર્મે કૌશલ્ય

પાપપુણ્યથી પર રહે જ્ઞાની યોગી તો,
યોગી થા તું, કર્મમાં કૌશલ યોગ કહ્યો.

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्‌ ॥

भावार्थ : समबुद्धियुक्त पुरुष पुण्य और पाप दोनों को इसी लोक में त्याग देता है अर्थात उनसे मुक्त हो जाता है। इससे तू समत्व रूप योग में लग जा, यह समत्व रूप योग ही कर्मों में कुशलता है अर्थात कर्मबंध से छूटने का उपाय है ॥ 50 ॥

શ્રીમદ ભગવદગીતાનો આ શ્લોક પણ ઘણો પ્રચલિત છે. તેની પ્રચલિત માન્યતા તેવી છે કે કર્મમાં કુશળતા તેને યોગ કહેવાય. જ્યારે મારી સમજણ પ્રમાણે તેનો અર્થ થાય કર્મમાં યોગ તેને કુશળતા કહેવાય. અલબત્ત કોઈ પણ અર્થ લઈએ તો કશી હાની નથી. સંસ્કૃતમાં ક્રમનો નીયમ નથી. જો કે તેમાં રુપ, વિભક્તિ વગેરેથી ક્યાં શબ્દ સાથે કઈ વિભક્તિ લાગી છે અને તેથી તેનો શું ચોક્કસ અર્થ થાય તે સમજવું વિદ્વાનોને સહજ હોય છે પણ મોટા ભાગના સંસ્કૃતથી અજાણ લોકો માટે થોડું કઠીન હોય છે.

સારું કે નરસું કોઈ પણ કાર્ય કર્તાભાવે કરવામાં આવે તો તેનું કર્માશય બંધાય. સારા કર્મનું પુણ્ય રુપી અને નરસાં કર્મનું પાપ રુપી કર્માશય બંધાય. મીશ્ર કર્મનું મીશ્ર કર્માશય બંધાય. આપણે ત્યાં ઘણી વખત કહેવાય છે કે આ તો વડીલોની પુણ્યાઈ તેની મદદે આવે છે બાકી તેણે તો કઈ કરવામાં બાકી રાખ્યું નથી. કહેવાનું તાત્પર્ય તે કે આપણાં કે આપણાં સ્વજનોના કર્મો કે આંખની શરમ આ લોકમાં કામ આવે છે. કર્માશય બંધાય એટલે બીજા લોકની ગતી પણ તેને આધારે નક્કી થાય. આવી બધી બાબતોના પ્રમાણ મેળવવાનો પ્રયાસ ઘણાં અભ્યાસીઓએ કર્યો છે અને પાપ, પુણ્ય અને કર્મના આધારે ભાવિ ગતિ થાય છે તેવા પ્રમાણો મળ્યાં છે. આપણે અહીં સંક્ષિપ્તમાં અને સાર રુપે સરળતાથી સરળ ગીતાની ચર્ચા કરવા ઈચ્છીએ છીએ તેથી વધુ વિગતે ન જતાં માત્ર સિદ્ધાંત સમજવાનો પ્રયાસ કરશું. ભગવદ ગીતામાં આમે ય સિદ્ધાંતો જ સમજાવ્યાં છે – આ સિદ્ધાંતોને જીવનમાં કોણે કેવી રીતે ઉતારવા તેનો મદાર સહુની સમજણ ઉપર હોય છે.

જે જ્ઞાની છે તે સર્વદા પોતાને પ્રકૃતિના ત્રણ ગુણોથી અલિપ્ત અનુભવે છે. કર્મો બધાં પ્રકૃતિની અંતર્ગત થાય છે. બ્રહ્મ અને શરીર અવિચ્છિન્ન ચૈતન્ય (કુટસ્થ) આત્મા તે માત્ર અધિષ્ઠાન રુપે હોવાથી તેમાં કોઈ કર્મ થતાં નથી. આવા બ્રહ્મનું જે જીવાત્મા સતત અનુસંધાન કરે છે તેને યોગી કહે છે. તો જે જ્ઞાની છે તે તો પોતાને બ્રહ્મથી અભિન્ન જ અનુભવતો હોવાથી કોઈ કર્મ તેને સ્પર્શતું નથી. જે યોગી છે જે સતત બ્રહ્મનું અનુસંધાન કરતો હોવાથી કર્મો સઘળાં પ્રકૃતિમાં થાય છે તેમ સમજીને કર્મથી અલિપ્ત રહે છે.

આવો યોગી જે કાઈ કર્મ કરે છે તે કર્તા ભાવે નથી કરતો પણ પોતાને ઈશ્વરનો દાસ કે પ્રકૃતિનું બાળક સમજીને ઈશ્વર પ્રીત્યર્થે સઘળાં કર્મ કરે છે. પ્રત્યેક કર્મ કરતી વખતે તેની ભગવદબુદ્ધિ અખંડીત હોય છે. તેથી નિષ્કામ ભાવે કરેલાં કર્મ તેને માટે પાપ પુણ્ય રુપી કર્માશય ઉપજાવી શકતાં નથી. કર્તૃત્વ હોય ત્યાં જ ભોક્તૃત્વ આવે છે. જ્યાં કર્તા ન હોય ત્યાં ભોક્તા યે હોતો નથી. આમ પ્રત્યેક કર્મમાં ઈશ્વર સાથે કે બ્રહ્મ સાથે જોડાઈ ને કર્મ કરતો યોગી કુશળતાપૂર્વક કર્મ કરે છે અથવા તો તેણે કરેલ કર્મો પણ યોગરુપ જ હોય છે.

એટલે જ શંકરાચાર્યજી નિર્વાણષટકમાં કહે છે કે:

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુ:ખં
ચિદાનંદ રુપો શિવોહમ શિવોહમ

કર્તૃત્વ ન હોય તો પુણ્ય કે પાપ ક્યાંથી? પાપ કે પુણ્ય ન હોય તો તેના ફળ રુપે દુ:ખ કે સુખ કોણ ભોગવે? જે સત ચિત આનંદ સ્વરુપ વાળો આત્મા સદાયે કલ્યાણરુપ છે તેને સારા નરસા કર્મો લોપી શકતા નથી.

સંસારના લોકો આપણને જાત જાતના ઈજન આપતાં હોય છે : જેમ કે એન.આર.આઈ. થવા માટે, ગુજરાતીનો પ્રચાર કરવા માટે, જે તે પક્ષમાં જોડાવા માટે, પોત પોતાના ગૃપમાં ટકી રહેવા માટે વગેરે વગેરે.. જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને યોગી થવા માટે ઈજન આપે છે.

યોગી સર્વ કર્મ નિષ્કામ ભાવે કરતો રહીને અંત:કરણથી સર્વદા પરમાત્મા સાથે સાયુજ્ય રાખે છે. ભક્ત સર્વ કર્મો ભગવદબુદ્ધિથી કરે છે અને તેના ફળ ભગવાનને અર્પણ કરે છે. જ્ઞાની તો કર્મનો જ સ્વીકાર કરતા નથી તો ફળની લાલસા હોય જ ક્યાંથી? અહીં શ્રી કૃષ્ણ કર્મયોગ કરવાનું એટલે કે કર્તવ્ય કર્મો નિષ્કામ ભાવે પરમાત્મા સાથે સતત અનુસંધાન રાખીને કરવા માટે કહે છે.

Advertisements