જ્ઞાન સહિત
કર્મ કર, ફલાશા
કૃપણ રાખે

જ્ઞાન વિનાનું કર્મ ના ઉત્તમ છે તેથી,
જ્ઞાની બન, ફલ ચાહતા કૃપણ કહ્યાં તેથી.

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥

भावार्थ : इस समत्वरूप बुद्धियोग से सकाम कर्म अत्यन्त ही निम्न श्रेणी का है। इसलिए हे धनंजय! तू समबुद्धि में ही रक्षा का उपाय ढूँढ अर्थात्‌ बुद्धियोग का ही आश्रय ग्रहण कर क्योंकि फल के हेतु बनने वाले अत्यन्त दीन हैं ॥49॥

કોઈ પણ કાર્ય કરવું હોય તો જ્ઞાન જોઈએ. બ્લોગ લખવો હોય તો થોડું કોમ્પ્ય઼ુટરનું જ્ઞાન જોઈએ. ગુજરાતીમાં લખવું હોય તો તે માટે ય જ્ઞાન જોઈએ. જે વિષય પર લખવું હોય તે વિષયનું યે જ્ઞાન જોઈએ. કોપી-પેસ્ટ કરવું હોય તો કોપી-પેસ્ટ કરવા માટેનું યે જ્ઞાન જોઈએ. ચિકિત્સક બનવું હોય તો શરીરશાસ્ત્ર ભણવું પડે, ઔષધિનું જ્ઞાન જોઈએ, રોગીના લક્ષણો તપાસીને તે પ્રમાણે ચિકિત્સા સુચવવા માટેનો અભ્યાસ જોઈએ. સારો બગીચો બનાવવો હોય તો તે માટે ફુલ,છોડ,વનસ્પતિ, બીજ, ખાતર, જમીન વગેરેનું જ્ઞાન જોઈએ. પ્રવચન આપવું હોય તો શ્રોતાઓને કેમ જકડી રાખવા તેનું જ્ઞાન જોઈએ. વાતચીત સારી રીતે કરવી હોય તો સામેની વ્યક્તિનું મનોવલણ સમજવાનું જ્ઞાન જોઈએ. કવિતા લખવી હોય તો તેના છંદ,અલંકાર,શબ્દો વગેરેની યોગ્ય ગોઠવણ કરવાનું જ્ઞાન જોઈએ.

કોઈ પણ કાર્ય જ્ઞાન વગર કરવામાં આવે તો તે કાર્ય દીપી નહીં ઉઠે. સમજણ વગર કરેલું કાર્ય કદીએ સારુ ફળ ન આપી શકે. કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય તો પહેલા તે કાર્ય અંગેનું સારામાં સારુ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.

જ્ઞાન હોય અને કાર્ય કરવાની સારી ક્ષમતા હોય તો યે જે લોકો ફલ મેળવવા કાર્ય કરે છે તેમને કૃપણ કહ્યાં છે. તમે સારા ડોક્ટર હો, સારામાં સારી ચિકિત્સા કરી શકતાં હો પણ માત્ર વધુ ને વધુ ધન કમાવાનો હેતું હોય અને ખરેખર વધુ ને વધુ દર્દી સારા થાય તેવી ભાવના ન હોય તો તમે કૃપણ ગણાવ. સારો કથાકાર જે વધારે પૈસા આપે ત્યાં જ કથા કરવા જાય પણ અનેક લોકો કથા શ્રવણનો લાભ લઈને થાક ઉતારે તેવી ભાવના ન હોય તો તે કૃપણ ગણાય. ટુંકમાં તમે જે બાબતનું જ્ઞાન ધરાવતા હો તે બાબતનો વધુ ને વધુ લોકોના ભલા માટે ઉપયોગ કરો તો તે ઉત્તમ કર્મ ગણાય પણ જો તમે વેપારી બુદ્ધિ વાળા હો અને વધુ ને વધુ ધન કેમ કમાવું કે વધુ ને વધુ લાભ કેમ ખાટી લેવો તેવી કુભાવના હોય તો તમે કૃપણ ગણાવ.

અહીં તો યોગ શાસ્ત્રની વાત છે તેથી જ્ઞાન એટલે પોતાના સ્વરુપનું જ્ઞાન કે હું બ્રહ્મથી અભીન્ન આત્મા છું અને સર્વ જીવોમાં પણ તેનો તે જ બ્રહ્મથી અભીન્ન આત્મા રહેલો છે તેમ સમજવું તે જ્ઞાન છે. અને આવું જ્ઞાન જેનામાં હોય તે પ્રાણી માત્રમાં પોતાનો આત્મા જોતો હોય તો કોઈનું યે અહિત કેવી રીતે કરી શકે?

ટુંકમાં કોઈ પણ કાર્ય સારી રીતે કરવા માટે જ્ઞાન જરુરી છે અને આ જ્ઞાનનો બહુજન હિતાય બહુજન સુખાય ઉપયોગ કરવો તે ઉત્તમ કર્મ છે પણ જે લોકો માત્ર ફળને માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે તેઓ કૃપણ છે.

Advertisements