યોગબુદ્ધિથી
કર્તવ્ય કર્મ કર
સંગ તજીને

સારા નરસા
ફળમાં સમતા તે
સમત્વયોગ

સંગ તજી મન યોગમાં જોડી કર્મ કરાય,
ફલમાં સમતા રાખ તો, સમતાયોગ ગણાય.

योगस्थः कुरु कर्माणि संग त्यक्त्वा धनंजय ।
सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥

भावार्थ : हे धनंजय! तू आसक्ति को त्यागकर तथा सिद्धि और असिद्धि में समान बुद्धिवाला होकर योग में स्थित हुआ कर्तव्य कर्मों को कर, समत्व (जो कुछ भी कर्म किया जाए, उसके पूर्ण होने और न होने में तथा उसके फल में समभाव रहने का नाम ‘समत्व’ है।) ही योग कहलाता है ॥48॥

શ્રીમદ ભગવદ ગીતા અદ્વૈતામૃતની વર્ષા કરનારું યોગ શાસ્ત્ર છે. અહીં આત્માનો પરમાત્માથી જે કાલ્પનિક વિયોગ થયો છે અને પ્રકૃતિના ત્રણ ગુણો સાથે જે આભાસી સંયોગ થયો છે તેને દૂર કરવાની અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ દર્શાવવામાં આવી છે.

અહીં મનની સાત્વિક વૃત્તિને સતત પરમાત્માના ચિંતનમાં મગ્ન રાખવારુપી યોગની સાથે પ્રકૃતિના ત્રણ ગુણોનો મનથી સંગ છોડવાનું જણાવેલ છે. પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ય કર્તવ્ય કર્મને સતત કરતાં રહેવાથી તેના સારા કે નરસા ફળ તો ઉત્પન્ન થવાના જ છે. કર્મ કરતી વખતે દૃષ્ટિ માત્ર ને માત્ર કર્મમાં રાખવાથી કર્મ સારામાં સારું થશે. કર્મ થાય એટલે ઈચ્છો કે ન ઈચ્છો કશુંક પરીણામ તો આવે આવે ને આવે. અહીં લડાઈ થશે તો કોઈક જીતશે, કોઈક હારશે, કોઈક જીવશે, કોઈક મરશે તેમ જાત જાતના પરીણામો આવશે.

પોસ્ટ લખીએ એટલે કાઈક પરીણામ તો આવે.. કોઈક વાંચશે, કોઈક નહીં વાચે, કોઈક પ્રતિભાવ આપશે, કોઈક પ્રતિભાવ નહીં આપે, કોઈક રી-બ્લોગીંગ કરશે, કોઈક રી-બ્લોગીંગ નહીં કરે, કેટલાકને પ્રેરણા મળશે, કેટલાકને કંટાળો આવશે. શું પરીણામ આવે તે કશું કહી ન શકાય.

હવે કોઈ પણ કાર્ય કરતી વખતે જો ફળની ઈચ્છા હોય તો ત્રણ બાબત બને.

૧. ધાર્યું ફળ મળે.

ધાર્યું ફળ મળે તો હર્ષ થાય અને ફરી ફરીને તે કાર્ય કરવાની ઈચ્છા થાય પરીણામે તે કાર્યમાં આસક્તિ થાય.

૨. થોડુંક ધારેલું અને થોડુંક વિપરિત ફલ મળે.

મીશ્રીત ફળ મળે તો થોડો હર્ષ અને થોડો શોક થાય. તે કાર્ય કરવાની ફરી ઈચ્છા થાય પણ માત્ર હર્ષ થાય તેવા ભાગની અને શોક થાય તેવા ભાગથી દૂર રહેવાની ઈચ્છા થાય.

૩. સર્વથા વિપરિત ફલ મળે.

વિપરિત ફળ મળે તો શોક થાય. નીરાશા થાય, ડીપ્રેશન આવે, કર્મ છોડી દેવાની ઈચ્છા થાય. કેટલાયે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો ભણવાનું છોડી દે છે અથવા તો વધું પડતા નીરાશ થાય તો આપઘાત કરી લેતાં હોય છે.

ફળની ઈચ્છા વગર કાર્ય કર્યું હોય તો પુરે પુરુ મન કાર્યમાં હોવાથી પરીણામ મહદ અંશે સારુ જ આવે છે.

અહીં ફળ કોઈ પણ પ્રકારનું આવે – સારુ, મીશ્ર કે વિપરિત પણ ફળ પ્રત્યે સમતા રાખીને જે કાઈ મળ્યું તે પ્રસાદ બુદ્ધિથી સ્વીકારનાર એક પ્રકારનો યોગી છે.

આવી વ્યક્તિ હંમેશા પોતાના ચિત્તને પરમાત્મામાં પરોવી રાખીને કર્તવ્ય કર્મ કરતો રહે છે અને જે કાઈ ફળ પ્રાપ્ત થાય તેમાં સમતા રાખીને સમત્વયોગી બની જાય છે.

જે નીરંતર પરમાત્મા સાથે અનુસંધાન કરતાં કરતાં કાર્ય કરતો હોય તે સમુહની વચ્ચે હોય તો યે એકાંત અનુભવતો હોય છે. વાસ્તવમાં તે સમુહ સાથે કે ક્રિયા સાથે નહીં પણ અંદરથી પરમાત્માં સાથે યુક્ત હોય છે. તેથી કાર્ય કરતી વખતે કે જે કાઈ ફળ ઉત્પન્ન થાય તે વખતે તે તો હંમેશા સમબુદ્ધિથી પરમાત્મામાં જ સ્થિત હોય છે. આવી વ્યક્તિનો મગજમાંથી ઝરતાં સ્ત્રાવ પર કાબુ હોય છે તેથી તેના મગજમાંથી વારે વારે જાત જાતના સ્ત્રાવો ઝરતાં નથી. આવી વ્યક્તિને સફળતા છકાવી દેતી નથી કે નિષ્ફળતાને લીધે તે શોક સમુદ્રમાં ડુબી જતી નથી.