કર્માધિકારી
ફળે ન અધિકાર
કર્મ ન છોડ

કર્મ કરી લે, કર નહીં ફલની ચિન્તા તું,
કર્મ છોડજે ના કદી, શિક્ષા આપું હું.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

भावार्थ : तेरा कर्म करने में ही अधिकार है, उसके फलों में कभी नहीं। इसलिए तू कर्मों के फल हेतु मत हो तथा तेरी कर्म न करने में भी आसक्ति न हो ॥47॥

શ્રીમદ ભગવદ ગીતાનો આ બહું પ્રચલિત શ્લોક છે. મોટા ભાગના મનુષ્યો ફળની આકાંક્ષા વગર કર્મ કરી શકતાં નથી. અર્જુન પણ પુરે પુરો અવઢવમાં છે અને મનમાં ગડમથલ અનુભવી રહ્યો છે કે એક બાજુ સ્વજનો છે. તેમણે અન્યાય કર્યા છે તેની કટુતા છે, આચાર્ય અને વડીલો છે, પરીણામ શું આવશે તે ય ખબર નથી. આવી વિપરિત પરિસ્થિતિમાં લડવું કઈ રીતે?

શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો કર્મ કરવામાં અધિકાર છે. એટલે કે કોઈ કાર્ય કરવું / ન કરવું કે અન્ય રીતે કરવું તે બાબતે મનુષ્ય સ્વતંત્ર છે પણ કર્મના અંતે શું ફળ ઉત્પન્ન થશે તે કશું નિશ્ચિત હોતું નથી. સવારે વાહન લઈને નીકળ્યાં હો તો વાહન લઈને નીકળવામાં સ્વતંત્રતા છે. જે કાર્ય ઈછ્યું હોય તે પુર્ણ થાય જ કે કેમ તેને વિશે કશું કહી શકાય નહીં. બાળકો આનંદ સભર હોય છે કારણ કે તેઓ સતત કઈ ને કઈ કર્યા કરતા હોય છે. બાળકોના કાર્યના શું પરીણામ આવશે તેની ચિંતામાં વડીલો દુબળા થતાં હોય છે કારણ કે તેમની નજર ફળ ઉપર હોય છે જ્યારે બાળક તો માત્ર કર્મ કરવાનો આનંદ જ લેતું હોય છે. સહ્જ કર્મ કરવું તે પોતે જ એક આનંદદાયક સ્થિતિ છે. કોઈ ને ગાવાનો શોખ હોય તો તે નિજાનંદમાં ગાય તો તે ગાવાની ક્રીયા જ તેને માટે આનંદરુપ ઘટના હોય છે. કોઈ સાંભળશે કે તાળી પાડશે કે બંધ કરો બંધ કરો કહેશે કે તેવી ચિંતા કરે તો ગાવાનો આનંદ કેવી રીતે લઈ શકે?

ઘણાં બ્લોગરો એવા છે કે જે નિજાનંદ માટે જ બ્લોગ લખતાં હોય છે. કોઈ આવે તો યે ભલે ન આવે તો યે ભલે. તેમને તો બસ લખવું છે માટે લખે છે. આવા લોકોને જે કાર્ય કરવાનો આનંદ પ્રાપ્ત થાય છે તે ફળની આશા રાખનારા બ્લોગરો કે જેઓ : –

કેટલાં પ્રતિભાવ આવ્યાં?
કેટલી Like પર ક્લિક થઈ?
કોણે વખાણ્યાં?
કોણે વખોડ્યાં?
કુલ કેટલાં વાચકો આવ્યાં?
વાચકો વધે છે કે ઘટે છે?

આવી આવી ફળની ઉપર નજર રાખીને બ્લોગ લખનારા ક્યારેય મૌલિક ન લખી શકે પણ હંમેશા બીજાને શું ગમશે કે બીજા શું ઈચ્છે છે તે પ્રમાણે જ લખે છે. જેને લીધે તેમને બ્લોગ-લેખનનો સંપુર્ણ આનંદ મળતો નથી.

કોઈ પણ કાર્ય હોય જો તે પુરે પુરી તન્મયતાથી અને રસપૂર્વક કરવામાં આવે તો કાર્ય કરવાનો આનંદ તેના ફળના આનંદ કરતાં અનેક ગણો વધારે હોય છે. ઉત્તમ સંગીતકારો સંગીતની તર્જમાં ડુબી જતા, તન્મય થઈ જતાં. મહાન વૈજ્ઞાનિકો ખાવાપીવાનું અને શું પહેર્યું છે તે ય ભુલી જઈને શોધ ખોળોમાં મગ્ન રહેતાં. કેટલાયે ઋષિઓ અધ્યાત્માનંદમાં લીન થઈને ઘર સંસાર ભુલી જતાં. તે રીતે અહીં શ્રી કૃષ્ણ કહે છે કે તું તન્મય થઈને લડ. લડવાનો જે આનંદ તને આવશે તે તેના પરીણામ કરતાં અનેક ગણો વધારે હશે. વળી ફળ ઉપર તારો કાબુ કે અધિકાર પણ નથી.

ટુંકમાં લોકોનું જે કર્તવ્ય કર્મ હોય તે પુરે પુરી તન્મયતાથી અને આનંદથી કરે તો ફળ તો નિશ્ચિત પ્રાપ્ત થાય જ પણ સાથે સાથે કાર્ય કરવાનો યે અનેરો આનંદ આવે.

Advertisements